ચીનની આ મોબાઇલ કંપનીઓને અમેરિકા ખતરારૂપ કેમ માને છે?

અમેરિકાએ અનેક વખત ચીનની કંપનીઓ ખ્વાવે અને ઝેડટીઈને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ ગણાવી છે.

અનેક વખત શંકા પણ વ્યક્ત કરાઈ છે કે ચીનની સરકાર આ કંપનીનાં ઉપકરણોની મદદથી બીજા દેશોની ગુપ્ત માહિતી મેળવી રહી છે.

બીબીસી સંવાદદાતા વિનીત ખરેએ અમેરિકાની સરકારના સંચાર બાબતોન નિયામક સંસ્થા ફેડરલ કૉમ્યુનિકેશન કમિશન એટલે કે એફસીસીના ચૅરમૅન અજિત પાઈ સાથે આ અંગે વિસ્તૃત વાત કરી છે.

પ્રશ્ન: તમે આ બે કંપનીઓની સામે પુરાવાની વાત કરો છો, તો શું તમે કહી શકો છો કે તમે આ બંને કંપનીઓની સામે કેવા પુરાવાની વાત કરી રહ્યા છો?

જવાબ: હા, ચોક્કસ. આદેશમાં એ વાત વધારે વિસ્તારથી કહેવામાં આવી છે, પરંતુ ઓછા શબ્દોમાં કહીએ તો અમને ખબર છે કે આ બંને કંપનીઓનો ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટી અને ચીનના સૈન્ય સાથે સંબંધ છે.

આ ઉપરાંત ચીનના કાયદા પ્રમાણે જો ચીનની ઇન્ટેલિજન્સ સર્વિસ ચીનની કોઈ પણ કંપની જેવી કે ખ્વાવે અને ઝેડટીઈ પાસેથી કોઈ માહિતી માગે તો તેમણે આપવી પડશે, સાથે જ તેઓ એવું પણ નહીં કહી શકે કે તેમની પાસેથી આ જાણકારી માગવામાં આવી છે.

જો તમે અમેરિકાના ગ્રામીણ વિસ્તારમાં કોઈ ટેલિફોન કંપની ચલાવો છો અને તમારે તમારા નેટવર્કમાં ખ્વાવેનો સામાન અથવા તેની સર્વિસનો ઉપયોગ કર્યો છે.

તો તમને ક્યારેય ખબર નહીં પડે કે ચીનની ઇન્ટેલિજન્સ સર્વિસ તરફથી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટની ચોરી કરવામાં આવી છે. આવો ખતરો અમેરિકા ઉઠાવી શકતું નથી અને એફસીસી આને સહન કરવા તૈયાર નથી.

પ્રશ્ન: અમેરિકામાં હાલ આ બંને કંપનીઓનો કેટલા સામનનો ઉપયોગ થાય છે?

જવાબ: આ ઘણો સારો સવાલ છે. મારા નેતૃત્વમાં અમે અમેરિકામાં ટેલિકૉમ કંપનીઓને કહ્યું છે કે તેઓ અમને કહે કે તેમના નેટવર્કમાં ખ્વાવે અને ઝેડટીઈનો કેટલો સામાન છે.

અમને હાલમાં જ આ જાણકારી મળી છે. જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, ત્યારે મારી ઑફિસમાં લોકો આ વિશે જાણકારી ભેગી કરી રહ્યા છે.

જ્યારે મારી પાસે આ માહિતી આવશે, ત્યારે હું આ અંગે મારો વિચાર જણાવીશ, પરંતુ દુર્ભાગ્યે હાલ હું તેના વિશે કોઈ શરૂઆતી આકલન કરી શકું એમ નથી.

પ્રશ્ન: શું તમારી દક્ષિણ-પશ્ચિમ એશિયાના નેતાઓ સાથે આ અંગે કોઈ વાતચીત થઈ છે? ભારતમાં, પાકિસ્તાનમાં, નેપાળમાં, બાંગ્લાદેશમાં?

જવાબ: હા, થઈ છે. ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે ગયેલા એક પ્રતિનિધિમંડળમાં હું હતો. મને ટ્રાઈ પ્રમુખ રામ શર્મા, સેક્રેટરી અંશુ પ્રકાશ સાથે મુલાકાત કરવાની તક મળી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે થોડા સમયની મુલાકાતમાં મેં 5G સ્ટ્રેટૅજી પર સાથે કામ કરવા અંગે વાત કરી હતી.

ભારત સરકાર સાથે મારી ચર્ચા ઘણી હકારાત્મક રહી છે. બંને લોકશાહી દેશ છે અને લાંબા સમયથી ટેલિકૉમ નીતિને લઈને મિત્રો છે.

ભારત અને અમેરિકાની પ્રાથમિકતાઓ એક છે અને મને સાથે કામ કરવામાં આનંદ થશે.

પ્રશ્ન: ભારતે 59 ચીનની ઍપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, તમે આ અંગે શું વિચારો છો?

જવાબ: આ મહત્ત્વપૂર્ણ પગલું છે, મેં જોયું છે કે બે દિવસ પહેલાં આદેશ કરવામાં આવ્યો.

એ દર્શાવે છે કે ભારતમાં, દક્ષિણ એશિયામાં અને આખી દુનિયામાં ચીનની ટેક કંપનીઓ, સામાન વેચનારી કંપનીઓ અને ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીની અસર છે એવી કંપનીઓને લઈને ચિંતા વધી રહી છે.

ખાસ કરીને એવા સમયમાં જ્યારે આ કૉમ્યુનિકેશન નેટવર્ક અને કંપનીઓ તથા પ્લેટફૉર્મ્સ એકબીજાં સાથે જોડાયેલાં છે અને રાષ્ટ્રીય સરહદોની ચિંતા કરતા નથી.

આની આર્થિક અસર થાય છે. આ તમામ માટે ભયાનક છે.

ભારત સરકાર માટે આ ભય છે, ભારતના લોકો માટે આ ખતરો છે. આ પ્રતિબંધ આગળ કેવી રીતે વધે છે, એને અમે બહુ નજીકથી જોઈશું અને આપણે એ અંગે ભવિષ્યમાં સાથે કામ કરવું જોઈએ.

પ્રશ્ન: આ કંપનીઓને પરવાનગી આપતા ભારત જેવા દેશોને તમે શું કહેશો? જ્યાં 5G ટ્રાયલને લઈને વાત થઈ રહી છે.

જવાબ: 5G, અર્થવ્યવસ્થાનો સૌથી મહત્ત્વપૂર્ણ પાયો હશે. એટલા માટે આ એવો વિષય છે, જેની પર અમે જોખમ લઈ શકતાં નથી, ખાસ કરીને ત્યારે જ્યારે 5G હાલ શરૂઆતી પગલાં આગળ વધારે છે.

આ સમય એવાં પગલાં ભરવાનો છે, જેનાથી ક્યાંય એવું ન થાય કે તમારા નેટવર્કમાં અસુરક્ષિત સામાન અને સર્વિસનો ઉપયોગ થાય. જેને પછીથી હઠાવવા અને બદલવા માટે ભારે ખર્ચ અને સમય લાગે.

ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ એવી દરેક તકનો ફાયદો ઉઠાવવા માગે છે, જેનાથી તેને વ્યૂહાત્મક ફાયદો થાય.

આ કોઈ પણ દેશના પક્ષમાં નહીં હોય - તે અમેરિકા હોય કે ભારત.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો