You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીન મામલે કૉંગ્રેસે મોદીનું જૂનું ટ્વીટ કાઢીને શું પૂછ્યું?
ભારત અને ચીન વચ્ચેના સીમાવિવાદને શાંત પાડવાના પ્રયાસોના ભાગરૂપે બન્ને દેશો પૂર્વ લદ્દાખની સરહદ પરથી પોતપોતાના સૈનિકોને પાછા હઠાવી રહ્યા છે. જોકે, આ મામલે કૉંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું જૂનું ટ્વીટ શોધીને તેમના પર પ્રહારો કર્યા છે.
કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ નરેન્દ્ર મોદીએ વર્ષ 2013માં યુપીએની સરકારને ટાંકીને કરેલું એક ટ્વીટ યાદ અપાવ્યું છે અને સવાલ પૂછ્યો છે કે ભારતીય સૈનિકો ભારતની ધરતી પરથી જ કેમ પાછા હઠી રહ્યા છે?
સુરજેવાલાએ લખ્યું, "આદરણીય વડા પ્રધાન. શું આપને આપના શબ્દો યાદ છે? શું તમારા શબ્દોનું કોઈ મૂલ્ય છે? શું તમે અમને એ જણાવશો કે આપણું જ સૈન્ય આપણી જ ધરતી પરથી કેમ પાછું હઠી રહ્યું છે? દેશ જવાબ માગે છે. "
13 મે, 2013ના રોજ એ વખતે ગુજરાતના મુખ્ય મંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસના વડપણ હેઠળની યુપીએ સરકારને સવાલ કરતાં ટ્વીટ કર્યું હતું : ચીને પોતાનું સૈન્ય હઠાવી લીધું મને આશ્ચર્ય થાય છે કે ભારતીય દળો ભારતીય પ્રદેશમાંથી જ કેમ પરત બોલાવાઈ રહ્યાં છે?"
મોદીએ કરેલું જૂનું ટ્વીટ સામે આવતાં કૉંગ્રેસના વધુ એક વરિષ્ઠ નેતા શશી થરૂરે પણ ટ્વીટ કર્યું.
તેમણે ટ્વિટર પર લખ્યું, "હું આ બાબતે મોદી સાથે છું. વડા પ્રધાને તેમના સવાલનો જવાબ આપવો જ જોઈએ. "
આ પહેલાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારત સરકારે આ મામલે આપેલા નિવેદન પર ટ્વીટ કરીને સવાલ કર્યા હતા.
તેમણે લખ્યુ હતું, "રાષ્ટ્રહિત સર્વોચ્ચ છે અને એનું રક્ષણ કરવું ભારત સરકારની ફરજ છે. તો પછી 1. પૂર્વવત્ સ્થિતિ જાળવી રાખવા કેમ ભાર ન મુકાયો? ચીનને આપણી ધરતી પર કરાયેલી નિશસ્ત્ર 20 સૈનિકોની હત્યાને ઉચિત ગણાવવા કેમ દીધી? ગલવાન ખીણના સાર્વભૌમત્વ વિસ્તારનો ઉલ્લેખ કેમ નથી?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બન્ને દેશોના શાંતિપ્રયાસો
ભારત અને ચીન વચ્ચે ગલવાન ખીણમાં થયેલાં હિંસક ઘર્ષણ બાદ બંને તરફથી શાંતિ માટેની કોશિશ વચ્ચે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીનના વિદેશમંત્રી વાંગ યી વચ્ચે રવિવારે ટેલિફોનિક વાતચીત થઈ હતી.
ભારતીય વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું કે ભારત અને ચીન વચ્ચે વેસ્ટર્ન સૅક્ટરની સીમા પર હાલની ગતિવિધિઓને લઈને ડોભાલ અને વાંગ યી વચ્ચે સ્પષ્ટ અને વિસ્તારથી વાત થઈ છે.
બંને પક્ષોએ આ વાતે સહમતી દર્શાવી છે કે દ્વિપક્ષી સંબંધોને મજબૂત કરવા માટે બંને દેશોની સીમા પર શાંતિ જાળવવી પડશે અને મતભેદોને વિવાદનું રૂપ લેતાં રોકવા પડશે.
ભારત-ચીન સીમાવિવાદ પર નજર રાખતા અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે સીમા પર તણાવ ઓછો કરવાની પ્રક્રિયા સોમવાર સવારથી શરૂ થઈ ગઈ છે.
એક અધિકારી કહ્યું, "તંબુ અને અસ્થાયી માળખુ બંને તરફથી દૂર કરાઈ રહ્યાં છે અને સૈનિકો પાછળ હઠી રહ્યા છે. પરંતુ તેનો મતલબ વાપસી કે પ્રકરણનો અંત નથી."
તેઓએ એટલું જ કહ્યું, "આ એ પ્રક્રિયાની શરૂઆત છે, જે 30 જૂને ચુસુલમાં બંને પક્ષોના કમાન્ડરો વચ્ચે થયેલી બેઠક બાદ નક્કી કરાઈ હતી."
ઉલ્લેખનીય છે કે ગત 15 જૂને ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું, જેમાં 20 ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં. આ ઘર્ષણમાં ચીનને શું નુકસાન થયું તેની કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો