FBIની એક ઍપે દુનિયાભરમાંથી કેવી રીતે ગુનેગારોને પકડાવ્યા?

કાયદા એજન્સીઓએ જણાવ્યું છે કે તેમણે એફબીઆઈની બનાવેલી એક ઍપ્લિકેશનના ઉપયોગથી ત્રણ વર્ષના અભિયાન દરમિયાન દુનિયાભરમાંથી સેંકડો અપરાધીઓની ધરપકડ કરી છે.

2018થી ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને એફબીઆઈ ANOM નામની એક એનક્રિપ્ટેડ ઍપ્લિકેશનનો ઉપયોગ કરે છે, જે સંગઠિત અપરાધને ટ્રેક કરે છે.

તેના માધ્યમથી ડ્રગ તસ્કરીમાં સામેલ લોકોની એશિયા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, યુરોપ અને મધ્ય પૂર્વના દેશોમાંથી ધરપકડ કરાઈ છે.

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મોરિસને તેને 'વૉટરશેડ' અભિયાન કહ્યું છે, જેમાં દુનિયાભરની આપરાધિક ગૅંગ્સને નિશાન બનાવી છે.

મંગળવારે ઑસ્ટ્રેલિયન અને ન્યૂઝીલૅન્ડ પોલીસે આ સ્ટિંગ ઑપરેશન અંગે માહિતી સાર્વજનિક કરી.

ઑસ્ટ્રેલિયન પોલીસે જણાવ્યું કે તેણે એફબીઆઈની સાથે આ યોજના પર કામ કર્યું. અમેરિકન એજન્સી અને યુરોપોલ પોતાની તપાસ અંગે મંગળવાર બાદ જણાવશે.

ઑથૉરિટીઝનું કહેવું છે કે ANOM મૅસેજિંગ સર્વિસ ઍપ સંગઠિત અપરાધ સમૂહો વચ્ચે ઘણી પ્રસિદ્ધ રહી છે.

ANOM નામની ઍપ કેવી રીતે કામ કરે છે?

ન્યૂઝીલૅન્ડ પોલીસે કહ્યું કે એફબીઆઈએ પોતાની બે એનક્રિપ્શન સર્વિસિઝને ખતમ કરી દીધી હતી અને ANOM નામની એનક્રિપ્ટેડ ડિવાઇસ કંપની શરૂ કરી હતી.

ઑસ્ટ્રેલિયન મીડિયા અનુસાર, આ ચૅટ ઍપને ડિવાઇસની સાથે ક્રિમિનલ અન્ડરવર્લ્ડમાં વહેંચવામાં આવી હતી.

તેના માધ્યમથી ઑફિસર 'રિયલ ટાઇમ'માં હત્યાનું કાવતરું, ડ્રગ તસ્કરી સમેત ઘણી યોજનાઓ સાથે જોડાયેલા લાખો સંદેશ વાંચવામાં સમર્થ હતા.

ઑસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ કમિશનર રીસ કરશૉએ પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું કે "તેઓ ડ્રગ્સ, હિંસા, એકબીજા પર હુમલાઓ, નિર્દોષ લોકોની હત્યા જેવી વાતો કરતા હતા."

કમિશનર કરશૉએ જણાવ્યું કે ઑસ્ટ્રેલિયામાં પોલીસે ડ્રગ અભિયાનો અને લોકો પર ગોળીબારીની ઘટનાઓ અંગે પહેલેથી જ જાણીને તેમને રોકવામાં સફળતા મેળવી છે.

કેટલા અધિકારીઓ સામેલ હતા?

પોલીસે દેશમાં 200થી વધુ લોકોની ધરપકડ કરી છે, જેમાં મોટરસાઇકલ ગૅંગ, ઑસ્ટ્રેલિયન માફિયા સમૂહ, એશિયન અપરાધી ગૅંગ અને અન્ય ગંભીર સંગઠિત અપરાધ સમૂહ સામેલ છે.

આ સાથે જ ત્રણ ટન ડ્રગ્સ અને 4.5 કરોડ રોકડ ઑસ્ટ્રેલિયન ડૉલર અને સંપત્તિ કબજે કરી છે.

ઑસ્ટ્રેલિયન ઑથૉરિટીએ પોતાના સ્ટિંગ ઑપરેશનને આયરનસાઇડ નામ આપ્યું છે, જેમાં તેના 4,000 પોલીસ અધિકારી સામેલ હતા.

તો આખી દુનિયામાં આ અભિયાનમાં 9,000 પોલીસ અધિકારી સામેલ હતા.

ન્યૂઝીલૅન્ડ પોલીસે કહ્યું કે દેશમાં 35 લોકોની ધરપકડ કરાઈ છે અને અંદાજે 3.7 મિલિયન (ન્યૂઝીલૅન્ડ ડૉલર) કિંમતની સંપત્તિ જપ્ત કરાઈ છે.

નેશનલ સંગઠિત અપરાધ સમૂહના ડિરેક્ટર ડિટેક્ટિવ સુપરિન્ટેન્ડેન્ટ ગ્રેગ વિલિયમ્સનું કહેવું છે કે "અમારું માનવું છે કે આ અભિયાનોની સમાપ્તિથી ન્યૂઝીલૅન્ડના સંગઠિત ગુનાઓને અસર થશે."

યુરોપમાં યુરોપોલના ઉપકાર્યકારી નિદેશક જીન-ફિલિપ લેકૉફે ઑપરેશનને "અસાધારણ સફળતા"ના રૂપમાં વર્ણવ્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો