ગુજરાત જેમાં પ્રથમ ક્રમાંકે આવ્યું એ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ શું છે?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 25 ડિસેમ્બર 2021ના રોજ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ જારી કરાઈ હતી. જેમાં રાજ્યોની યાદીમાં ગુજરાતને ટોચનું સ્થાન પ્રાપ્ત થયું છે.

ગુજરાતમાં આવનારા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજ્ય સરકારના સુશાસનના દાવા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પડાયેલ ઇન્ડેક્સમાં ગુજરાતને ટોચનું સ્થાન પ્રાપ્ત થયુંછે.

પરંતુ ગુજરાતને જેમાં પ્રથમ ક્રમ હાંસલ થયું તે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ આખરે હોય છે શું? અને તેમાં કયા આધારે જુદાંજુદાં રાજ્યોના પ્રદર્શનને આંકવામાં આવે છે?

તેમજ ભારતમાં સુશાસનની દૃષ્ટિએ ગુજરાત રાજ્યોની યાદીમાં ટોચ પર છે તે અંગે રાજકીય પક્ષકારો અને વિશ્લેષકોનો શો મત છે તે અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ તેમની સાથે વાત કરી હતી.

ગુજરાતને પ્રથમ ક્રમ

નોંધનીય છે કે 2021ની ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં દસ સેક્ટરોમાં 58 સૂચકાંકો સમાવિષ્ટ હતા.

આ યાદીમાં ગુજરાત પછી અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે મહારાષ્ટ્ર અને ગોવા હતાં.

જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોની યાદીમાં દિલ્હીને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું.

બિઝનેસ સ્ટાન્ડર્ડ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર મિનિસ્ટર ઑફ સ્ટેટ ફૉર પર્સોનેલ, પબ્લિક ગ્રીવન્સિસ ઍન્ડ પેન્સન્સ જિતેન્દ્રસિંહે આ ઇન્ડેક્સ જારી કરવાની સાથે કહ્યું હતું કે, "ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શાસનની ગુણવત્તાનું માપન વધુ સ્પષ્ટ બનશે."

અહેવાલ અનુસાર આ ઇન્ડેક્સનો હેતુ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને શાસનસુધારણા માટે યોગ્ય વ્યૂહરચનાના ઘડતર અને તે અંગે વહીવટી તંત્રના વિકાસ પર ધ્યાન આપવા દોરશે.

ગુજરાતને આ ઇન્ડેક્સમાં આર્થિક શાસન, માનવસંસાધનોના વિકાસ, જાહેર માળખાકીય વ્યવસ્થાઓ, સમાજકલ્યાણ અને વિકાસ, ન્યાયતંત્ર અને જાહેર સલામતીનાં ક્ષેત્રોમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હોવાના કારણે તેને આ યાદીમાં પ્રથમ ક્રમ મળ્યો છે.

ગત વખતની સરખામણીએ ગુજરાતમાં આ તમામ માપદંડોના સ્કોરમાં 12.3 ટકાનો વધારો નોંધાયો છે.

સુશાસનમાં પ્રથમ ક્રમાંક અંગે રાજકીય વિશ્લેષક શું કહે છે?

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ડૉ. હરિ દેસાઈના મતે સુશાસન ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમ હાંસલ કરવો એ કોઈ મોટી વાત નથી.

તેઓ કહે છે કે, "આ યાદી તૈયાર કરવા માટે રાજ્ય સરકારો દ્વારા મોકલાવાયેલ રૅન્કિંગનો સ્વીકાર કરવામાં આવે છે. અને તેના વિશ્લેષણ કે અભ્યાસ માટે નિષ્ણાતોની સમિતિ હોતી નથી. જેથી રાજ્ય સરકારના દાવા આધારિત રૅન્કિંગમાં પ્રથમ ક્રમ હાંસલ કરવો એ કોઈ મોટી વાત નથી."

આગામી ચૂંટણીને અનુલક્ષીને રૅન્કિંગમાં ગુજરાતને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે કે કેમ?

આ પ્રશ્નના જવાબમાં ડૉ. હરિ દેસાઈ કહે છે કે, "ગુજરાતની જનતા રાજ્યની પરિસ્થિતિને જોઈને મત કરશે ના કે રૅન્કિંગને જોઈને. તેથી મને નથી લાગતું કેન્દ્ર સરકારે પણ ગુજરાતના મતદારોને આકર્ષવાના હેતુસર આ યાદીમાં ગુજરાતને પ્રથમ સ્થાન આપ્યું હશે."

ભાજપ અને કૉંગ્રેસનો મત

ગુજરાતમાં અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા આ રૅન્કિંગને સંપૂર્ણપણે રાજકીય લાભ લેવા માટે કેન્દ્ર સરકારે ગુજરાતને પ્રથમ ક્રમ આપ્યો હોવાનો આક્ષેપ કરે છે.

તેઓ સુશાસનની આ રૅન્કિંગ સામે પ્રશ્ન ઉઠાવતાં કહે છે કે, "જો ભારત સરકારના મત પ્રમાણે ગુજરાતમાં આટલું સરસ શાસન ચાલી રહ્યું હતું તો પછી રાતોરાત આખેઆખું મંત્રીમંડળ બદલવાની જરૂર શું કામ પડી? જો બધું આટલું સારું જ હતું તો કે કેમ વિજય રૂપાણીને જ મુખ્ય મંત્રી તરીકે ચાલુ ન રાખ્યા? આ માત્ર સસ્તી લોકપ્રિયતા અને પ્રસિદ્ધિ હાંસલ કરવાના પગલા કરતાં વધુ કંઈ નથી."

જ્યારે બીજી તરફ ગુજરાત ભાજપના નેતા મહેશ કસવાલાએ ભાજપ વતી આ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, "ભારત સરકાર તરફથી જે-તે રાજ્ય સરકારોના વિભાગોના અધિકૃત આંકડાઓ મેળવ્યા બાદ આ રૅન્કિંગ તૈયાર કરાય છે. તેમજ કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે તો ઠીક પરંતુ કૉંગ્રેસની સરકાર સમયે પણ ગુજરાત સમગ્ર દેશમાં શાસન બાબતે પ્રથમ ક્રમાંકે રહી ચૂક્યું છે. તેથી આ રૅન્કિંગને રાજકારણ સાથે જોડી ન જોવી જોઈએ."

શું હોય છે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ?

25 ડિસેમ્બર, 2019ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ વખત ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ બનાવવામાં આવી હતી.

ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં મુખ્યત્વે ખેતી અને સહકારી ક્ષેત્ર, વેપાર અને ઉદ્યોગ, માનવસંસાધનવિકાસ, જાહેર આરોગ્ય, જાહેર આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક શાસન, સમાજકલ્યાણ અને વિકાસ, ન્યાયિક અને જાહેર સલામતી, પર્યાવરણીય અને નાગરિકલક્ષી શાસનને ધ્યાને લેવામાં આવે છે.

આ તમામ માપદંડો પસંદ કરવા માટે અલગ-અલગ સિદ્ધાંતોને ધ્યાને લેવામાં આવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો