You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન દેવાળિયું થયું એની ચર્ચા શા માટે? કોઈ દેશ ક્યારે દેવાદાર બને છે?
પાકિસ્તાનની આર્થિક બાબતોની તપાસ એજન્સી ફેડરલ બોર્ડ ઑફ રેવન્યૂ એટલે કે એફબીઆરના પૂર્વ ચૅરમૅન સૈયદ શબ્બર જૈદીએ કહ્યું છે કે જો તાજેતરનાં ચાલુ ખાતાં અને રાજકોષીય ખાધ જોઈએ તો એ પાકિસ્તાનના દેવાદાર થવા સાથે સંકળાયેલા મુદ્દા છે.
એમણે કહ્યું કે, "સરકારનો દાવો છે કે બધું ઠીકઠાક છે અને વસ્તુસ્થિતિમાં સુધાર આવી રહ્યો છે. આ બધી જુઠ્ઠી વાતો છે."
શબ્બર જૈદીએ આ વાત તાજેતરમાં જ હમદર્દ યુનિવર્સિટીમાં એક ભાષણ દરમિયાન કહી હતી.
જોકે આ બાબતે હવે જૈદીએ ટ્વિટર પર સ્પષ્ટતા રજૂ કરી છે. તેમનું કહેવું છે કે એમના આખા ભાષણમાંથી ત્રણ મિનિટની ક્લિપ પર જ ચર્ચા થઈ રહી છે. જૈદીનું કહેવું છે કે એમણે સમાધાનની વાત પણ કરી હતી.
જૈદીએ જણાવ્યું કે, "દેવું કોણે કર્યું હતું એ વાતે મહેણાં મારવાથી કશું નહીં થાય. એ પાકિસ્તાનનું દેવું છે. વ્યાજદરો અંગે તાર્કિક રીતે નિર્ણય થવો જોઈએ. દુનિયાના કોઈ પણ દેશનો વિકાસ એની નિકાસ પર આધાર રાખે છે. આપણે નિકાસને સરખી કરવી પડશે."
"દેવું કરવાના વિચારોમાંથી બહાર નીકળવું પડશે. એનાથી દેશ નહીં ચાલે. આપણે સર્વિસ નિકાસ કરવી છે, નહીં કે કામ કરનારા લોકોની. અફઘાનિસ્તાનમાં જ્યાં સુધી સમાવેશી સરકાર નહીં આવે ત્યાં સુધી પાકિસ્તાન ફસાયેલું રહેશે. પાકિસ્તાનની કુલ નિકાસ 20 અબજ ડૉલરની છે અને આપણા કોઈ ગ્રાહક છે, તો તે પશ્ચિમ છે. આપણે નિકાસ વધારવી હોય તો અમેરિકા સાથે મૈત્રી કરવી પડશે."
"મને તો આજ સુધી સીપીઇસીમાં સમજ નથી પડી. એમાં પારદર્શિતાની જરૂર છે. એનાથી આપણું અર્થતંત્ર ડામાડોળ થઈ રહ્યું છે. ભારત પાસેથી આપણે દવાઓ મેળવીએ છીએ. આપણે આ જે નાટક કરીએ છીએ કે ભારત સાથે વ્યાપારિક સંબંધો નહીં રાખીએ, એ બંધ થવું જોઈએ. દરેક પ્રાથમિક શાળામાં અંગ્રેજી શીખવવું જોઈએ. જે બાળક અંગ્રેજી નથી ભણતો તે બીજા સ્તરનો નાગરિક બની જાય છે. તમામ મજહબી (ધાર્મિક) શિક્ષણ ગ્રેજ્યુએશન પછી જ આપવું જોઈએ."
શબ્બર જૈદી ઇમરાન ખાનની સરકારમાં જ 10 મે, 2019થી 8 એપ્રિલ, 2020 સુધી એફબીઆરના ચૅરમૅન હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શી કરી સ્પષ્ટતા?
પાકિસ્તાન દેવાદાર બન્યું હોવાની વાતને વેગ મળતાં શબ્બર જૈદીએ ટ્વીટ કરીને કહ્યું, :
"હમદર્દ યુનિવર્સિટીમાં અપાયેલા મારા ભાષણની ખોટી વ્યાખ્યા થઈ રહી છે. ત્યાં અડધા કલાકનું પ્રેઝન્ટેશન હતું. એમાંથી માત્ર ત્રણ મિનિટની ક્લિપ પર જ વાતો થઈ રહી છે. હા, મેં ચાલુ ખાતાંમાં ખાધ અને રાજકોષીય ખાધનો મુદ્દો રજૂ કરેલો અને એ દેવાળિયા થવા અંગેનો મુદ્દો છે, જે ચિંતાજનક છે. આપણે સમાધાન વિશે વિચારવું જોઈએ. મેં મારો મુદ્દો વિશ્વાસ સાથે જ રજૂ કર્યો છે."
શબ્બર જૈદીએ શનિવારે આ બાબત અંગે કરેલ ટ્વીટમાં પણ પોતાનો બચાવ કર્યો હતો.
એમણે ટ્વીટ કર્યું કે, "મેં એવું શા માટે કહ્યું કે વર્તમાન કેન્દ્રીય આર્થિક વ્યવસ્થામાળખું ગેરલાભ કરનારું અને દેવાળિયું છે?"
"કેન્દ્રીય આવક 6,500 અબજ છે. કેન્દ્ર સરકાર રાજ્યોને 3,500 અબજ આપે છે. વધ્યા 3000 અબજ. કેન્દ્રનો ઋણસેવા વિભાગ 2,800 અબજ, સુરક્ષા વિભાગ 1,500 અબજ, પ્રશાસન 300 અબજ, એસઓઇ 500 અબજ. મેં અહીં આવકને એના ઉચ્ચ સ્તરે રાખી છે અને ખર્ચને નીચેના."
ત્યાર પછીના ટ્વીટમાં જૈદીએ લખ્યું કે, "હું સતત કહેતો આવ્યો છું કે મેં કહેલા એક પણ શબ્દમાંથી મેં પીછેહઠ નથી કરી."
"હું જોવા માટે તથ્યો રજૂ કરું છું. આપણે કેન્દ્રીય આર્થિક માળખાને ફરીથી રચવાની જરૂર છે. વર્તમાનમાં છે એ જ આકારમાં એ કોઈ પણ સંજોગોમાં કામ ન કરી શકે. જ્યાં સુધી આપણે એના માટે કામ નહીં કરીએ ત્યાં સુધી એ કામ નહીં કરે."
શબ્બર જૈદીના તર્કો પછી આ બાબતે ઉગ્ર ચર્ચાઓ થવા લાગી કે શું પાકિસ્તાન દેવાળું ફૂંકવાની તૈયારીમાં છે કે દેવાળિયું થઈ ગયું છે?
આ ચર્ચાઓ વચ્ચે પાકિસ્તાનના કટારલેખક ફર્રુખ સલીમે ટ્વીટ કરીને કહ્યું કે દેવાળિયા થવું એ એક લાંબી પ્રક્રિયા છે.
સલીમે ટ્વીટમાં લખ્યું કે, "શું પાકિસ્તાન દેવાદાર થઈ ગયું છે?"
1. દેવાદારપણું એક કાયદાકીય પ્રક્રિયા છે જે કરજદાર શરૂ કરે છે.
2. એ કાર્ટના આદેશથી અમલમાં આવે છે.
3. જો કોઈ દેવાની ચુકવણી કરવા માટે અસમર્થ હોય
4. કોઈ પણ લેણદારે પાકિસ્તાન સામે કાયદાકીય પગલાં ભરવાનું શરૂ નથી કર્યું.
5. કોઈ કોર્ટે આદેશ નથી કર્યો.
6. પાકિસ્તાને પોતાનાં બધાં દેવાંની ચુકવણી કરી છે.
પાકિસ્તાનનું દેવું
એક રિપોર્ટ અનુસાર, હાલની તારીખે પાકિસ્તાન પર 50.5 લાખ કરોડ પાકિસ્તાની રૂપિયાનું દેવું અને ચુકવણાં છે, જેમાંથી 20.7 લાખ કરોડ પાકિસ્તાની રૂપિયાનું દેવું માત્ર હાલની સરકારે કર્યું છે.
આ રિપોર્ટ અનુસાર, ઇમરાન ખાનની સરકાર બન્યા પછી પાકિસ્તાનનું સાર્વજનિક દેવું ખૂબ જ વધ્યું છે.
'એક્સપ્રેસ ટ્રિબ્યૂન' અખબાર અનુસાર, સપ્ટેમ્બર 2021એ સ્ટેટ બૅન્ક ઑફ પાકિસ્તાને દેવાંના આંકડા જાહેર કર્યા હતા. એના એક દિવસ પહેલાં વડા પ્રધાન ઇમરાન ખાને વધતાં દેવાને 'રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો' ગણાવ્યું હતું.
રિપોર્ટ અનુસાર, છેલ્લા 39 મહિનામાં પાકિસ્તાનનું દેવું 20.7 લાખ કરોડ પાકિસ્તાની રૂપિયા વધી ગયું છે. એ દેશના કુલ દેવામાં 70 ટકાનો વધારો છે.
'એક્સપ્રેસ ટ્રિબ્યૂન'ના રિપૉર્ટ અનુસાર, આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (IMF)એ પાકિસ્તાનની આર્થિક મદદની માગને ખારિજ કરી દીધી હતી, કેમ કે તે સ્ટેટ બૅન્ક ઑફ પાકિસ્તાનની નાણાં લેવાની શરતો સાથે સંમત નહોતી.
પાકિસ્તાન દેવાળું ફૂંકવાની તૈયારીમાં છે?
કોઈ પણ દેશને દેવાળિયો જાહેર કરવામાં એકસાથે ઘણી આર્થિક શક્તિઓ કામ કરે છે. કોઈ દેશને દેવાળિયો ઘોષિત કરવો એ કોઈ કંપનીને દેવાદાર જાહેર કરવા જેવી બાબત નથી પણ એક દેશની મુદ્રાનીતિની સ્થિતિ અન્ય બીજાં કારકો પર આધારિત હોય છે, જે દેશના સામર્થ્યને દર્શાવે છે.
એની સાથે જ રોકાણકારોનો ભરોસો પણ કોઈ દેશના દેવાળિયાપણાની સ્થિતિ દર્શાવે છે, જેમાં મૂડીઝ જેવી કંપનીનું ક્રૅડિટ રેટિંગ પણ મોટી ભૂમિકા ભજવે છે.
ફિચ રેટિંગે તાજેતરમાં જ પાકિસ્તાનની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવનાઓના આધારે પોતાના રેટિંગમાં સુધારો કરવાની વાત ફરી કરી હતી. ચાલુ વર્ષના મે મહિનામાં પાકિસ્તાનને ઋણ આપવાનાં જોખમોમાં 'બી' રેટિંગ અપાયું હતું.
આ રેટિંગ એજન્સીઓ એક દેશની આર્થિક જવાબદારીઓનો ઇતિહાસ, એમની છેલ્લી ચુકવણીઓમાં ચૂક અને IMFનાં વર્તમાન લેણાંની ચુકવણીની યોજનાઓને ધ્યાનમાં રાખીને જ ક્રૅડિટ આપે છે.
ઘણી વખત આંતરરાષ્ટ્રીય બૉન્ડ માર્કેટમાંથી કરજ લેવું પણ ઘણા દેશોને મોઘું પડે છે કેમ કે તેઓ રોકાણકર્તાને વધારે લાભનો વાયદો કરી દે છે, પણ આપી નથી શકતા.
કોઈ દેશ જ્યારે લેણદારને દેવાની સમયસર ચુકવણી નથી કરી શકતો ત્યારે એને 'દેવાળિયો' કહી દેવાય છે પણ કોઈ દેશના દેવાળિયાપણાની ઘોષણા કોઈ કંપની દેવાદાર બને એના જેવી નથી હોતી.
કોઈ દેશ દેવાંની ચુકવણી ન કરી શકે ત્યારે એ પોતાનાં દેવાંનું પુનર્ગઠન કરે છે અને નીતિઓમાં ફેરફાર કરે છે. તે પોતાના બૉન્ડની વર્તમાન કિંમતને બદલે છે જેનાથી રોકાણકારોને પોતાની સંપૂર્ણ રકમ ડૂબવાનો ડર ન રહે.
જ્યારે અનેક કોશિશો પછી પછી પણ અર્થવ્યવસ્થા સરખી થવાના અણસાર ન દેખાય અને દેશ પોતાનાં દેવાંની ચુકવણીઓ કરવામાં અસમર્થ નીવડે ત્યારે એ પોતે જ પોતાને દેવાળિયો જાહેર કરી દે છે. આવું આર્જેન્ટિનાએ 2001માં કરેલું.
આર્જેન્ટિના એ વખતે દેવામાં ડૂબેલું હતું અને તોફાનીઓ માર્ગો પર ફરતા હતા. આર્જેન્ટિનાની આર્થિક સમસ્યાઓ ઘણા સમય પહેલાંથી શરૂ થઈ ગઈ હતી. એણે પોતાની મુદ્રા 'પેસો'ને અમેરિકાના ડૉલરની સમકક્ષ કરી દીધી.
અમેરિકાનું અર્થતંત્ર વધતું ગયું પણ આર્જેન્ટિનાએ પોતાની મુદ્રા પેસોની કિંમત ન ઘટાડી અને તે નવી નોટો છાપતું રહ્યું, જેનાથી રોકાણકારોમાં ભય પેઠો અને તેઓ ભાગી ગયા.
ત્યાર પછી આર્જેન્ટિનાએ, પોતાનાં દેવાંનાં ચુકવણાં નહીં કરે, એવું જાહેર કર્યું, જેનાથી આર્જેન્ટિનાને નવું ઋણ આપવા માટે ઇનકાર કરી દેવાયો અને એની અર્થવ્યવસ્થા ભાંગી પડી.
પાકિસ્તાનનું દેવું સતત વધી રહ્યું છે પણ રેટિંગ એજન્સીઓએ એના અર્થતંત્રમાં આશાનું કિરણ પ્રગટાવ્યું છે. ફિચ રેટિંગ એજન્સીનું કહેવું છે કે કોરોના મહામારી પછી પાકિસ્તાનનું અર્થતંત્ર ફરી પાછું પાટે ચડી રહ્યું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો