You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડેસમંડ ટૂટૂ : દક્ષિણ આફ્રિકાના નોબલ પુરસ્કાર વિજેતા આર્કબિશપ ડેસમંડ ટૂટૂનું નિધન- BBC Top News
દક્ષિણ આફ્રિકામાં રંગભેદને ખતમ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અને નોબલ પુરસ્કાર વિજેતા આર્કબિશપ ડેસમંડ ટૂટૂનું 90 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે.
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ કહ્યું કે ડેસમંડ ટૂટૂનું નિધન "દક્ષિણ આફ્રિકાના શાનદાર લોકોની એક આખી પેઢી પ્રત્યે શોકનો એક અધ્યાય" છે.
તેમણે કહ્યું કે મુક્ત દક્ષિણ આફ્રિકા બનાવવામાં મુખ્ય પાદરી ડેસમંડ ટૂટૂનું મોટું યોગદાન હતું.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ડેસમંડ ટૂટૂના નિધન પર શોક વ્યક્ત કર્યો.
IND Vs SA : ભારત ટીમ ટૉસ જીતી, દક્ષિણ આફ્રિકા સામે સેંચુરિયનમાં પ્રથમ બૅટિંગ કરશે
હાલમાં જ બીસીસીઆઈ અને ભારતની ટેસ્ટ ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલી વચ્ચે ખેંચતાણના સમાચાર પછી ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકમાં રવિવારથી ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝનો પ્રથમ મૅચ રમવા માટે તૈયાર છે.
પ્રથમ ટેસ્ટ મૅચ 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી દક્ષિણ આફ્રિકામાં સેંચ્યુરિયન પાર્કમાં રમવામાં આવશે.
ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલાં જ ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો હતો, જ્યારે એક દિવસીય અને ટી-20ના કૅપ્ટન રોહિત શર્મા માંસપેશીઓમાં તાણ અનુભવાતા ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયા હતા. તેમની જગ્યાએ પ્રિયાંક પંચાલને ટીમમાં સામેલ કરાયા હતા.
બીજી તરફ મેજબાન દક્ષિણ આફ્રિકાને પણ ફટકો પડ્યો હતો કારણ કે તેના ફાસ્ટ બૉલર એનરિક નોર્કિયા ઈજાગ્રસ્ત થવાને કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયા. ટેસ્ટ સિરીઝમાં દક્ષિણ આફ્રિકાની કમાન ડીન એલ્ગર સંભાળી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગત દિવસોમાં વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારત ન્યૂઝીલૅન્ડની સામે આઈસીસી વિશ્વ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ મૅચમાં ભલે હારી ગયા હોય પરંતુ ટેસ્ટ સિરીઝમાં ન્યૂઝીલૅન્ડની સામે તેમનું પ્રદર્શન સારું રહ્યું.
વિરાટ કોહલી પોતાની ટેસ્ટ કપ્તાનીમાં ઑસ્ટ્રિલાય જેવી ટીમના અજેય કિલ્લાને તોડવામાં સફળ રહ્યા છે પરંતુ પ્રશ્ન એ છે કે દક્ષિણ આફ્રિકા સામે સફળતા મેળવી શકશે?
કૃષિમંત્રી નરેન્દ્ર તોમરના નિવેદનથી ઉઠ્યો સવાલ 'શું સરકાર કૃષિકાયદા પાછા લાવશે?'
શનિવારે નાગપુરમાં કૃષિ ઉદ્યોગ પ્રદર્શનના ઉદ્ઘાટન સમયે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જે કહ્યું તેના પરથી એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં મોદી સરકાર કેટલાક ફેરફારો સાથે ફરીથી કૃષિકાયદો લાવી શકે છે.
નાગપુરમાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું, 'અમે કૃષિકાયદા લાવ્યા હતા પરંતુ કેટલાક લોકોને તે પસંદ ન આવ્યા. પરંતુ આઝાદીનાં 70 વર્ષ પછી તે એક મોટો સુધારો હતો. અમે એક ડગલું પાછળ હઠી ગયા છીએ, ફરી આગળ વધીશું કારણ કે ભારતનો ખેડૂત આ દેશની કરોડરજ્જુ છે. જ્યારે આપણી કરોડરજ્જુ મજબૂત હશે તો ચોક્કસ દેશ મજબૂત થશે.'
કાર્યક્રમમાં નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં મોટાપાયે રોકાણની જરૂર છે. તોમરે કહ્યું કે ખાનગી રોકાણ અન્ય ક્ષેત્રોમાં આવ્યું, તેનાથી રોજગારીનું સર્જન થયું અને જીડીપીમાં યોગદાન વધ્યું. કૃષિ ક્ષેત્ર ઘણું મોટું છે પરંતુ તેને આ પ્રકારની તક મળી નથી.
નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે ખેતીમાં ખાનગી રોકાણની જરૂર છે જેથી ગામડાઓમાં ગોડાઉન અને કોલ્ડ સ્ટોર બનાવી શકાય.
નરેન્દ્રસિંહ તોમરના આ નિવેદન પર કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે," દેશના કૃષિમંત્રીએ પીએમ મોદીની માફીનું અપમાન કર્યું છે જે અત્યંત નિંદનીય છે. જો ફરીથી કૃષિ વિરોધી પગલાં લેવામાં આવશે, તો ફરીથી અન્નદાતા સત્યાગ્રહ પર ઉતરશે. અહંકાર પહેલા પણ હાર્યો હતો, આગળ પણ હારશે."
કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ પણ પ્રેસ કૉન્ફરન્સ નરેન્દ્રસિંહ તોમરના નિવેદનને ખેડૂતો વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યું હતું.
આને લઈને જ્યારે વિવાદ વધ્યો ત્યારે નરેન્દ્રસિંહ તોમરે ખુલાસો પણ આપ્યો. તોમરે સ્પષ્ટતા કરી, "મેં કહ્યું હતું કે ભારત સરકારે સારા કાયદા બનાવ્યા હતા પરંતુ અનિવાર્ય કારણોસર પાછા ખેંચી લીધા હતા, પરંતુ ભારત સરકાર ખેડૂતોના ભલા માટે કામ કરવાનું ચાલુ રાખશે."
કૃષિમંત્રીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને -નવું બિલ આવશે? એવા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ''ના, ના, એવું નથી કહ્યું. આ તદ્દન ખોટો પ્રચાર છે."
ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાત ટોચના ક્રમે
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર, શનિવારે ગુડ ગવર્નન્સ ડે નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બહાર પાડેલા સૂચકાંકોમાં વર્ષ 2020-2021 ના ગૂડ ગવર્નન્સ ઇન્ડેક્સ (જીજીઆઈ)માં ગુજરાત ટોચના ક્રમે આવ્યું છે.
આ યાદીમાં બીજા અને ત્રીજા ક્રમે મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યો આવ્યાં છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી ટોચના ક્રમે છે.
વર્ષ 2021 માં 20 રાજ્યોએ પોતાનો સંયુક્ત જીજીઆઈ સ્કોર સુધાર્યો છે. જેમાં ઉત્તર પ્રદેશના સ્કોરમાં 8.9 નો જોરદાર સુધારો થયો છે. જીજીઆઈ 2021ની આકારણીમાં 10 ક્ષેત્રો અને 58 સૂચકાંકોને આવરી લેવાયા છે.
જેમાં કૃષિ, વાણિજ્ય અને ઉદ્યોગો, માનવ સંસાધન વિકાસ, જાહેર આરોગ્ય, જાહેર માળખાકીય સુવિધાઓ અને ઉપયોગિતાઓ, અર્થતંત્ર, સામાજિક કલ્યાણ અને નાગરિક-કેન્દ્રિત શાસનનો સમાવેશ થાય છે.
જીજીઆઈનો હેતુ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શાસનની સ્થિતિની તુલના માટે ડેટા પ્રદાન કરવાનો છે.
ગુજરાતે અર્થતંત્ર, માનવ સંસાધન વિકાસ, જાહેર માળખાકીય સુવિધાઓ અને ઉપયોગિતાઓ, સામાજિક કલ્યાણ, ન્યાયતંત્ર અને જાહેર સુરક્ષામાં વધુ સારું પ્રદર્શન કર્યું છે.
અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતની બે વિકેટે હાર
દુબઈમાં રમાઈ રહેલા અંડર-19 એશિયા કપની કટ્ટર પ્રતિસ્પર્ધી ભારત-પાકિસ્તાનની મૅચમાં ભારત પાકિસ્તાન સામે છેલ્લા બૉલે હાર્યુ હતું અને પાકિસ્તાને બે વિકેટે જીત મેળવી હતી.
ટોસ હારીને બૅટિંગ કરવા આવેલી ભારતની ટીમ 49 ઓવરમાં 237 રનનો સ્કોર બનાવીને ઑલઆઉટ થઈ ગયુ હતું. ભારત તરફથી આરાધ્યા યાદવે અર્ધ સદી ફટકારી હતી. એક તબક્કે ભારતે 41 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. નવમાં ક્રમના ખેલાડી રાજવર્ધનના 20 બોલમાં 33 રનની મદદથી ભારત સન્માનિત સ્કોર કરી શક્યું હતું.
પાકિસ્તાનને ત્રીજા ક્રમના બૅટ્સમૅન મોહમ્મદ શહનાઝ 81 રન અને આઠમા ક્રમના ખેલાડી અહમદ ખાનના 19 બૉલમાં 29 રનની મદદથી જીત મળી હતી.
છેલ્લી બે ઓવરમાં પાકિસ્તાને 20 રન લીધા હતા. મૅચના અંતિમ બૉલમાં એક રનની આવશ્યકતા સામે અહમદ ખાને બાઉન્ડ્રી ફટકારીને ટીમને જીત અપાવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો