ઓમિક્રૉન વૅરિયન્ટ : દુનિયાભરમાં ત્રણ દિવસમાં 5,700થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી

દુનિયાભરમાં રવિવારે 1500થી વધારે ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી જેથી ક્રિસમસની રજાઓમાં યાત્રીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે.

ફ્લાઇટ અવેયર ડેટા ટ્રૅકિંગ મુજબ ક્રિસમસની પૂર્વ સંધ્યા, ક્રિસમસ અને ત્યાર બાદ રવિવારે 5,900 જેટલી ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે.

ચીન અને યુ.એસ. ઍરલાઇન્સની સૌથી વધારે ફ્લાઇટ્સ રદ થઈ છે.

સોમવારે પણ ફ્લાઇટ્સ રદ થવાની આશંકા છે.

ઍરલાઇન્સ કંપનીઓએ સ્ટાફની કમી તથા ઝડપથી ફેલાતા ઓમિક્રૉન વૅરિયન્ટને આ માટે જવાબદાર ઠેરવ્યો છે.

ઍરલાઇન્સ કંપનીઓનું કહેવું છે કે ઍલાઇન ક્રૂના સભ્યોના ટેસ્ટ કોરોના પઝિટિવ આવી રહ્યા છે અથવા તેઓ આઇસોલેશન માટે મજબૂર થઈ રહ્યા છે.

ઓમિક્રૉન આમ તો ડેલ્ટા વૅરિયન્ટ કરતા હળવો છે પરંતુ તે જે ગતિએ ફેલાઈ રહ્યો છે તેને જોતાં વૈજ્ઞાનિકો ચિંતત છે.

ફ્લાઇટ અવેયર અનુસાર રવિવારે અમેરિકાના અનેક ઍરપૉર્ટથી 450થી વધારે ફ્લાઇટ્સ રદ કરી દેવાઈ હતી.

અમેરિકાની ડેલ્ટા, યુનાઇટેડ અને જેટ બ્લૂ ઍરલાઇન્સ કંપનીને સૌથી વધુ નુકસાન થયું છે.

અમેરિકાની યુનાઇટેડ ઍરલાઇન્સ જણાવ્યું છે કે ઓમિક્રૉનના કેસમાં થતા વધારાને કારણે કંપનીના ફ્લાઇટ ક્રૂ અને ઑપરેશન્સ ચલાવતા અન્ય લોકો પર સીધી અસર પડી રહી છે.

ચીનના એક ઍરપૉર્ટથી રવિવારે 100 જેટલી ફ્લાઇટ્સ રદ

અમેરિકામાં કોરોના વાઇરસ સંક્રમણના મોટાભાગના કેસ હવે ઓમિક્રૉનના છે.

જોકે ચાઇનીઝ ઈસ્ટર્ન ઍરલાઇન્સ રવિવારે સૌથી વધારે અસરગ્રસ્ત થઈ હતી કારણ કે તેની 350થી વધારે ફ્લાઇટ્સ દુનિયાભરમાં રદ થઈ હતી.

ચીનના ઉત્તરમાં સ્થિત શહેર શિઆનના ઍરપોર્ટ પરથી રવિવારે 100 જેટલી ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.

શિયાનમાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે 13 લાખથી વધારે લોકોને હાલમાં જ ઘરમાં જ રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

લંડનના હીથ્રો ઍરપૉર્ટ પર રવિવારે 56 ફ્લાઇટ્સ રદ થઈ હતી.

દુનિયાભરમાં વિવિધ ઍરલાઇન્સે શુક્રવારથી 5,700 ફ્લાઇટ્સ રદ કરવી પડી છે.

અમેરિકાની જૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટી અનુસાર 54 લાખ લોકો અત્યાર સુધી કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો