મહેશ સવાણી: હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં આમરણાંત ઉપવાસ પર બેસેલા આપ નેતા સવાણીની તબિયત લથડી, હૉસ્પિટલમાં દાખલ - BBC Top News

હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં કેટલીક માગો સાથે આમરણાંત ઉપવાસ કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીની તબિયત સોમવારે લથડી હતી.

ગુજરાત આપે જણાવ્યું છે કે તેમની તબિયત બગડ્યા બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં કેટલીક માગો સાથે આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી તથા ગુલાબસિંઘ યાદવ છ દિવસથી આમરણાંત ઉપવાસ પર છે.

આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે મહેશ સવાણીએ હૉસ્પિટલમાં પણ ઉપવાસ ચાલુ રાખ્યો હતો અને જ્યુસ લેવાનો ઇન્કાર કર્યો હતો.

આમ આદમી પાર્ટીએ હેડ ક્લાર્ક પેપર લીક કેસ સામે આવ્યા બાદ ગૌણ સેવા પસંદગી મંડળના ચૅરમૅન અસિત વોરાને પદ પરથી હઠાવવા સહિત અનેક માગો મૂકી હતી.

પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં ચંડીગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપનો પરચમ લહેરાયો

ચંડીગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 35માંથી 14 બેઠકો જીતીને આમ આદમી પાર્ટી સૌથી વધુ બેઠકો જીતનારી પાર્ટી બની ગઈ છે.

જ્યારે ભાજપના ખાતામાં 12, કૉંગ્રેસના ખાતામાં આઠ અને અકાલી દળના ખાતામાં એક બેઠક આવી છે.

ચંડીગઢના ભાજપના વર્તમાન મેયર રવિકાંત શર્મા ચૂંટણી હારી ગયા છે. તેઓ આપના ઉમેદવાર સામે હાર્યા છે. આમ આદમી પાર્ટી ચંદીગઢ નગરપાલિકાની ચૂંટણી લડી હતી.

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને ઉમેદવારો અને કાર્યકરોને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા અને પરિણામોને પરિવર્તનની નિશાની ગણાવી હતી.

તેમણે ટ્વીટ કર્યું, "ચંદીગઢ મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીની આ જીત પંજાબમાં આવનારા પરિવર્તનનો સંકેત છે. આજે ચંદીગઢની જનતાએ ભ્રષ્ટ રાજનીતિને ફગાવીને આપની પ્રામાણિક રાજનીતિને પસંદ કરી છે. તમામ વિજેતા ઉમેદવારો અને આપના તમામ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન. આ વખતે પંજાબ પરિવર્તન માટે તૈયાર છે.''

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ કહ્યું, "આપ અહીં પહેલીવાર ચૂંટણી લડી રહી છે અને નવીનતમ પરિણામો અનુસાર, ચંદીગઢના લોકોએ અમારું ભવ્ય સ્વાગત કર્યું છે."

ગત નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 20 બેઠકો મળી હતી અને તેના તત્કાલીન સહયોગી શિરોમણી અકાલી દળે એક બેઠક જીતી હતી.

કૉંગ્રેસના ખાતામાં માત્ર ચાર બેઠકો આવી હતી.

2016ની ચૂંટણીમાં ચંડીગઢ મહાનગરપાલિકાની 26 બેઠકો હતી જે હવે વધીને 35 થઈ ગઈ છે.

તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટે એકલાં લાંબી યાત્રા કરવા પર પ્રતિબંધ મૂક્યો

લાંબા અંતરની મુસાફરી વેળાએ મહિલાઓને ત્યારે જ ટ્રાન્સપોર્ટની સુવિધાનો લાભ આપવો જ્યારે તેમની સાથે તેમનાં પુરુષ સગાં હોય.' અફઘાનિસ્તાનમાં તાલિબાને કંઈક આવું નવું ફરમાન જારી કરીને સ્ત્રીઓની સ્વતંત્રતાને વધુ મર્યાદિત કરવાનું પગલું ભર્યું છે.

આ નિર્દેશ સોમવારે જારી કરાયો.

નોંધનીય છે કે ઑગસ્ટ માસમાં દેશનું નિયંત્રણ ફરી મેળવવામાં સફળ રહેલા તાલિબાને સત્તામાં આવ્યા પછી મહિલાઓની સ્વતંત્રતા અંગે અનેક મર્યાદાઓ લાદી છે.

હ્યુમન રાઇટ્સ વૉચ નામના કૅમ્પેને આ નિર્ણયની ટીકા કરતાં કહ્યું કે આ મહિલાઓને કેદી બનાવવા તરફ વધુ એક પગલું છે.

ગ્રૂપના ઍસોસિયેટ ડિરેક્ટર ઑફ વુમન્સ રાઇટ્સ હેથર બારે સમાચાર સંસ્થા એએફપીને જણાવ્યું કે "આ નિર્દેશ મહિલાઓની સ્વતંત્રતાથી હરવાફરવાની છૂટ પર પ્રતિબંધ લાદે છે. આના કારણે ઘરે હિંસાનો સામનો કરતી મહિલાઓ નાસી છૂટી નહીં શકે."

બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં જમીન-સંપાદન લગભગ પૂર્ણ, મહારાષ્ટ્રમાં કામ કેટલે પહોંચ્યું?

ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન-સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થવા આવી હોવાનું તથા મહારાષ્ટ્રમાં 50 ટકાથી પણ ઓછી કામગીરી થઈ હોવાનું જણાવાયું છે.

ફ્રી પ્રેસ જર્નલનાં અહેવાલ પ્રમાણે, ભારતની પ્રથમ બુલેટ ટ્રેન માટે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જમીન-સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે. જે પૈકી ગુજરાતમાં 98.5 ટકાથી વધુ જમીનનું સંપાદન કરી લેવાયું છે. જ્યારે મહારાષ્ટ્રમાં 44 ટકા જમીન-સંપાદનની કામગીરી પૂર્ણ થઈ છે.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, મહારાષ્ટ્રમાં કુલ ત્રણ જિલ્લાઓ મુંબઈ, થાણે અને પાલઘરમાં આ 44 ટકા જમીન સંપાદિત થઈ છે.

આ ત્રણ જિલ્લાઓમાં સૌથી વધુ જમીન પાલઘરમાંથી સંપાદિત થઈ છે. મહારાષ્ટ્રમાં થયેલી કુલ સંપાદિત જમીન પૈકી 80 ટકા સરકારી જમીન છે.

નાગાલૅન્ડમાં AFSPA પર પુનર્વિચારણા માટે કેન્દ્ર સરકારે કમિટી બનાવી

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા ભારતના રજીસ્ટ્રાર જનરલ વિવેક જોશીના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવાઈ છે.

આ કમિટી નાગાલૅન્ડમાં AFSPA હઠાવી શકાય કે નહીં, તે અંગે તપાસ કરશે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, પાંચ સભ્યોની આ કમિટી દ્વારા AFSPA અંગેની તમામ શક્યતાઓની તપાસ કરવામાં આવશે અને 45 દિવસમાં પોતાનો રિપોર્ટ જમા કરાવાશે.

આ કમિટીની રચના અંગેની જાણકારી નાગાલૅન્ડના મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રી અને 'નાગા પીપલ્સ ફ્રન્ટ'ના નેતા ટીઆર ઝેલિયાંગ દ્વારા સંયુક્ત નિવેદન જારી કરીને આપવામાં આવી છે.

નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે 23 ડિસેમ્બરના રોજ યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વર્ષોથી ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં લાગુ AFSPA સામે લોકોમાં ભારે રોષ છે.

તેવામાં થોડા દિવસો અગાઉ જ નાગાલૅન્ડમાં સેના દ્વારા નાગરિકો પર ફાયરિંગ કરાતાં 10થી વધુ લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. જેને પગલે ફરી વખત આ કાયદો હઠાવવાની માગ વધી છે.

કોરોનાના વધતાં કેસો વચ્ચે ચૂંટણી યોજવા અંગે ચૂંટણીપંચને માહિતી અપાશે

એક તરફ દેશભરમાં કોરોના વાઇરસનો વૅરિયન્ટ ઓમિક્રૉન હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે બીજી તરફ વધી રહેલા કોરોના કેસ વચ્ચે 2022માં કેટલાંય રાજ્યોમાં ચૂંટણી યોજાઈ રહી છે.

આવાં રાજ્યોની આરોગ્યલક્ષી રણનીતિને લઈને કેન્દ્રીય આરોગ્યસચિવ રાજેશ ભૂષણ સોમવારે ચૂંટણીપંચને માહિતી આપશે.

ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે કેન્દ્રીય આરોગ્યસચિવે જે રાજ્યોમાં ચૂંટણી યોજાનારી છે, તે રાજ્યોને ઓછો રસીકરણનો દર ધરાવતા વિસ્તારોમાં રસીકરણ વધારવાની સૂચના આપી હતી.

આ સિવાય તેમણે રસીકરણના ઓછા દરથી ઓમિક્રૉન સંક્રમણ વધવાની શક્યતા વ્યક્ત કરીને રાજ્યોને રસીકરણની ગતિ વધારવા કહ્યું હતું.

2022ની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ચૂંટણી યોજાવાની છે.

ત્યારે આ રાજ્યો પૈકી ઉત્તર પ્રદેશ અને પંજાબમાં રસીકરણનો દર રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ ઘણો ઓછો હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા તે વધારવા માટે વિવિધ ટીમો મોકલવામાં આવી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો