પાકિસ્તાનની બહેનો જે સેક્સ ચેન્જ કરાવ્યા બાદ હવે ‘ભાઈ’ બની

    • લેેખક, મોહમ્મદ ઝુબૈર ખાન
    • પદ, બીબીસી ઉર્દૂ માટે

"હું ઇસ્લામાબાદથી છોકરો બનીને ગુજરાત આવ્યો છું. આ વાતનો મને એટલો આનંદ છે કે હું જણાવી શકું એમ નથી. મને તો બાળપણથી જ છોકરીઓનાં કપડાં પસંદ નહોતાં. મારું કામ અને ટેવો છોકરાઓ જેવી જ હતી. મારી સાત બહેનો બે ભાઈઓને મેળવીને બહુ ખુશ થઈ રહી છે. મારો ભાઈ આબિદ પણ ખુશ છે."

આ શબ્દો પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગુજરાત જિલ્લાના સોનબળી ગામમાં કૉલેજના બીજાં વર્ષમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થી વલીદ આબિદના છે.

સેક્સ બદલવાના ઑપરેશન પહેલાં તેમનું નામ બુશરા આબિદ હતું.

તેમનો નાનો ભાઈ મુરાદ આબિદ નવમા ધોરણમાં ભણે છે. ઑપરેશન પહેલાં તેનું નામ વાફિયા આબિદ હતું.

બન્ને પંજાબના એક જમીનદાર પરિવારમાંથી આવે છે.

'અલગ કેસ'

વલીદ અન મુરાદનાં માતાપિતાનાં લગ્ન 1993માં થયાં હતાં. લગ્ન બાદ તેમને ત્યાં એક બાદ એક નવ પુત્રીઓ જન્મી.

જોકે બે બહેનોની સેક્સ ચેન્જ કરાવ્યા બાદ હવે તેમને ત્યાં સાત પુત્રીઓ અને બે પુત્રો છે. વલીદ બહેનોમાં પાંચમા અને મુરાદ નવમા ક્રમે છે.

બન્ને બહેનોની સેક્સ ચેન્જ કરવા માટેનું ઑપરેશન ઇસ્લામાબાદના 'પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિઝ'ની ચિલ્ડ્રન હૉસ્પિટલમાં 12 તબીબોની ટીમે ડૉક્ટર અમજદ ચૌધરીની આગેવાનીમાં કર્યું.

બીબીસી સાથે વાત કરતાં ડૉક્ટર અમજદ ચૌધરીએ કહ્યું કે તેમણે આ આ પહેલાં સેક્સ ઑપરેશન કર્યાં છે. જોકે, આ મામલો થોડો અલગ હતો. બન્ને ભાઈઓ લગભગ બે વર્ષથી સારવાર કરાવી રહ્યા હતા.

તેમના મતે બે સગી બહેનો કે સગા ભાઈઓનું ઑપરેશન તેમણે આ પહેલાં ક્યારેય કર્યું નહોતું.

ડૉક્ટર ચૌધરીએ જણાવ્યું, "અમે બન્નેનાં અલગઅલગ ઑપરેશન કર્યાં. વલીદ આબિદનું ઑપરેશન 20 સપ્ટેમ્બરે થયું હતું. જે બાદ તેને હૉસ્પિટલના આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો. જ્યારે ઑપરેશન સફળ થયું હોવાનું તમામ પ્રકારે આશ્વાસન મળ્યું ત્યારે 10 ઑક્ટોબરે અમે મુરાદ આબિદનું ઑપરશન કર્યું."

ડૉક્ટર અમજદ અનુસાર આ ઑપરેશન છ કલાક સુધી ચાલ્યું હતું, જેમાં અલગઅલગ ડૉક્ટરોએ ભાગ લીધો હતો. બન્ને ભાઈઓને હૉસ્પિટલમાંથી 21 ઑક્ટોબરે ઘરે પરત ફરવાની રજા આપી દેવાઈ છે.

સેક્સ ચેન્જ ઑપરેશન કેમ?

એબોટાબાદસ્થિત અયૂબ ટીચિંગ હૉસ્પિટલના ડૉક્ટર જુનૈદના જણાવ્યા અનુસાર, "કેટલાંક બાળકોની જાતિ જન્મના સમયે સ્પષ્ટ નથી હોતી. એનું કારણ એ છે કે આવાં બાળકોનાં જનનાંગ પૂરી રીતે સ્પષ્ટ આકાર લઈ શકતા નથી. આવાં બાળકોમાં જો બન્ને જાતિની વિશેષતા હોય તો તેને 'ઍટિપિકલ જૅનેટેલિયા' નામની બીમારી થઈ શકે છે."

તેમણે એવું પણ કહ્યું સામાન્ય રીતે આ બીમારી જન્મજાત હોય છે અને આ સ્થિતિ વિશિષ્ટ અંગો કે યૌનવિકાસના માર્ગમાં અવરોધ બનતી હોય છે.

ડૉક્ટર અમજદ ચૌધરીએ જણાવ્યું કે આ બીમારી બહુ ઓછા લોકોમાં હોય છે, લગભગ 0.5થી 0.7 ટકા લોકોમાં.

તેઓ જણાવે છે, "આ કેસમાં સ્પષ્ટ રીતે બન્ને છોકરીઓ હતી. જોકે તેમનામાં છોકરીઓ કે મહિલાઓની કોઈ વિશેષતા નહોતી."

ડૉક્ટર અમજદે કહ્યું કે એક ચોક્કસ ઉંમરે પહોંચ્યા બાદ પણ તેમનું માસિકચક્ર શરૂ થયું નહોતું. તેમનાં માતાએ ગુજરાતમાં જ તેમની તપાસ કરાવી અને ત્યાંથી તેમને પીઆઈએમએસ ચિલ્ડ્રન હૉસ્પિટલમાં રૅફર કરવામાં આવ્યાં.

તેમણે કહ્યું પ્રારંભિક ટેસ્ટ થકી જ જાણી લેવાયું હતું કે બન્ને 'ઍટિપિકલ જૅનેટેલિયા'થી ગ્રસ્ત છે અને તેમને જાતિપરિવર્તન પૉરેશનની જરૂર છે. આ ઑપરેશનથી તેમનાં જનનાંગોને સર્જરી થકી સામાન્ય સ્થિતિમાં પરત લાવવામાં આવ્યાં છે.

ડૉક્ટર અમજદ ચૌધરીના મતે આ માટે ઑપરેશન પહેલાં અને બાદમાં સારવારની જરૂર પડે છે.

ઑપરેશન પહેલાં મહત્ત્વપૂર્ણ મનૌવૈજ્ઞાનિક ટેસ્ટ અને કાઉન્સેલિંગ કરવામાં આવે છે. જ્યારે ઑપરેશન બાદ કેટલાક સમય માટે દવા થકી હૉર્મોન પેદા કરવામાં આવતા હોય છે.

ડૉક્ટર અમજદ ચૌધરીએ જણાવ્યું કે તેઓ આ ઑપરેશન પહેલાં પણ કેટલીય સર્જરી કરી ચૂક્યા છે અને ઘણા લોકો ઑપરેશન બાદ એક સારું જીવન જીવે છે. જોકે, તેમનું કહેવું છે કે ઑપરેશન કરાવવાનો નિર્ણય 100 ટકા દરદીનો હોય છે.

તેમણે કહ્યું, "આ કેસમાં પણ, અમે બન્નેને નિર્ણય લેવાની પૂરતી તક આપી હતી. તેમની સાથ લગભગ તમામ વિષયો પર વાત થઈ હતી. અમારા મનોચિકિત્સકે પણ તેમની સાથે વાત કરી હતી."

સર્જન ડૉક્ટર અમજદ ચૌધરીના મતે માતાપિતાને જ્યારે લાગે કે તેમનાં બાળકોની શારીરિક રચના, જનનાંગો અને વર્તન કંઈક અલગ છે તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

તેમનું કહેવું છે કે બાળકોમાં આ બીમારની સમય રહેતા સારવાર કરાવી શકાય છે. જોકે બહુ મોડું થાય તો સમસ્યા સર્જાઈ શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો