80 ટકા ફેફસાં ખરાબ હતાં, છતાં 72 વર્ષનાં ગુજરાતી માજીએ કોરોનાને માત આપી

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કચ્છના ગાંધીધામમાં 72 વર્ષનાં માજી ચંદુબા જાડેજા કોરોના સંક્રમિત થયાં હતાં અને એમનાં ફેફસાં 80 ટકા ખરાબ થઈ ગયાં હતાં. આમ છતાં તેઓ કોરોના સામેની લડાઈ જીતીને ઘરે પરત ફર્યાં છે.

"હૉસ્પિટલમાં ખેડૂત એનાં ઘરડાં માતાને લઈને આવ્યા ત્યારે માજી હાંફતાં હતાં. એમના રિપોર્ટ જોયા તો ફેફસાં સાવ ખરાબ થઈ ગયાં હતાં. એ માજીની સારવારના પહેલા પાંચ દિવસ મારી ઊંઘ હરામ કરનારા હતા."

"લગભગ પોણા ભાગનાં ફેફસાં સારાં થવાં લાગ્યાં અને એમને અમે બચાવી શક્યાં.એટલાં ટાંચાં સાધનોમાં દર્દીને બચાવવાનો મારા કૅરિયરનો આ અનુભવ હું ક્યારેય નહિ ભૂલી શકું."

72 વર્ષનાં કોરોના દર્દી માજીને હેમખેમ ઘરે પહોંચાડનાર ડૉ. જયેશ રાઠોડના આ શબ્દો છે.

11 દિવસ પછી કોરોનાને માત આપીને ઘરે આવેલાં ચંદુબા જાડેજાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે મને કઈ ખબર નથી પણ આટલાં વર્ષમાં પહેલી વાર આટલા દહાડા દવાખાનામાં રહી.

તેઓ કહે છે, "શરદી-ખાંસી થાય તો દેશી દવા લઉં પણ આવી સોઈ (ઇંજેક્ષન) નથી ખાધી, મારા દીકરાના દીકરા સાથે રમવા માટે ઘરે આવી છું, નબળાઈ છે, થોડા દહાડા અસલ ઘી ખાઈને તાજીમાજી થઈ ખેતરે જઈશ."

'મારી મા ભગવાનના ઘરેથી પાછી આવી'

ડૉ. રાઠોડે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે મને એ દિવસ બરાબર યાદ છે, હૉસ્પિટલમાં 72 વર્ષનાં માજીને લઈને એક ખેડૂત આવ્યા હતા. એમને કહ્યું કે મારાં માતાને છાતીમાં દુખાવો છે, તેઓ શ્વાસ લઈ નથી શકતાં, એમને બીજી હૉસ્પિટલવાળા રાખવાની ના પાડે છે. તમે બચાવી લો.

ડૉ. રાઠોડે કહ્યું છે કે મેં માજીની સામે જોયું, એમને દાખલ કરવાનું કહીને મેં રિપોર્ટની ફાઇલ જોઈ તો હું ચોંકી ગયો.

ડૉ. રાઠોડ કહે છે, "મેં સારવાર શરૂ કરતાં પહેલાં એમના દીકરા ગજેન્દ્રસિંહને કહેવાનો પ્રયાસ કર્યો કે સારવાર જોખમી છે, પણ એ મારી સામે હાથ જોડીને ઊભા હતા, આંખમાં આંસુ હતાં."

"હું શું બોલી રહ્યો છું, એ સાંભળતો ન હોય એવું લાગ્યું. હું દર્દી પાસે ગયો, એમની હાલત જોઈ વૅન્ટિલેટર પર રાખવા કે નહીં એનો નિર્ણય લેવાનો હતો."

માજીના દીકરા ગજેન્દ્રસિંહ જાડેજાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે મારાં માતાને પહેલાં કફ થયો અને ખાંસી આવી, અમે ખેડૂત રહ્યા અને અમને કઈ ખબર પડે નહીં.

તેઓ કહે છે, "અમે પહેલાં ઘરગથ્થુ દવા કરી પણ એમને છાતીમાં દુખવા લાગ્યું, અમે ગાંધીધામની ઘણી હૉસ્પિટલમાં ગયા."

"બધે રિપોર્ટ કરાવ્યા, પણ કોઈ દાખલ કરવા તૈયાર નહોતું. છેવટે સેન્ટ જોસેફ હૉસ્પિટલમાં ગયા. રિપોર્ટ જોઈ ડૉક્ટરે કહ્યું કે કોરોના થયો છે અને બચવાના ચાન્સ ઓછા છે પણ ભગવાન પર ભરોસો હતો એટલે મારી મા બચી ગઈ."

"અમને એવું હતું કે મારાં માતાને હાર્ટ-ઍટેક આવ્યો છે પણ કોરોના હતો. પહેલા ખબર નહોતી પણ હવે ખબર પડી કે એ ભગવાનના ઘરેથી પાછી આવી છે."

માજીનો જીવ કેવી રીતે બચ્યો?

ગાંધીધામની સેન્ટ જોસેફ હૉસ્પિટલના આરએમઓ સુધાંશું કુમારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અમે પ્રૉટોકૉલ પ્રમાણે દવા આપી રહ્યા હતા પણ દવાની સાથે ઑક્સિજન ફ્લૉ મૅન્ટેન થયો, એના કારણે અમે કોરોનાના આ દર્દીને ફેફસાં ખરાબ હોવા છતાં બચાવી શક્યાં.

"જ્યારે ઑક્સિજનનું સ્તર 60 હોય ત્યારે બી.પી. ફ્લક્ચ્યૅટ થાય અને દર્દી કોમોરબીટ થઈ જાય, એવામાં એમને બચાવી શકવું મુશ્કેલ હોય છે, જે રીતે 24 કલાક અમારી ટીમે ઑક્સિજનનું સ્તર જાળવી રાખ્યું. એના કારણે દર્દીને બચાવી શક્યાં.

ડૉ. રાઠોડ આગળ કહે છે, "ઑક્સિજનનો ફ્લૉ નક્કી કરી બાય પેપ માસ્ક પર માજીને રાખ્યાં કારણકે ઑક્સિજનનું સ્તર 60એ પહોંચી ગયું હતું. જે 95થી પર હોવું જોઈએ."

ડૉક્ટર કહે છે કે "માજી વારંવાર ઑક્સિજન માસ્ક કાઢી નાખતાં હતાં, નર્સે 24 કલાક એમનું ધ્યાન રાખવું પડતું હતું. માજીથી ખોરાક લેવાતો ન હતો, અમે બૉટલ ચડાવીને દવા આપતા હતા."

"અમારા ફિઝિશિયન ડૉ. સુધીર સાકરિયા રેમડેસિવિર આપતા હતા, ત્રણ દિવસમાં દવા અસર કરી રહી હતી. ત્રીજા દિવસે ઑક્સિજનનું સ્તર 70થી 72 રહેવા લાગ્યું."

ડૉ. રાઠોડ કહે છે કે "અમે એમને હાઈ ફ્લૉ ઑક્સિજન પર લીધાં, આ પ્રયોગ અમે સામાન્ય રીતે ઑપરેશન વખતે દર્દીના હૃદય અને સ્નાયુને ઑક્સિજન મળે, એ માટે કરીએ છીએ."

"જેમાં ઑક્સિજનનું સ્તર જરૂર મુજબ વધઘટ કરીએ છીએ. ઑક્સિજનનું સ્તર પહેલા દિવસે યથાવત્ રહ્યું, બીજા દિવસે 75થી 82 વચ્ચે આવી ગયું, અમારી મહેનત રંગ લાવતી હતી."

"હું ગુજરાતના બીજા ડૉક્ટર્સના સંપર્કમાં હતો, સાત દિવસ પછી અમે એમને ઑક્સિજન વગર રૂમ ઍરમાં રાખ્યા તો ઑક્સિજનનું સ્તર યથાવત્ રહ્યું પણ આ કેસ પછી ભણવામાં ન આવે એવી વાત શીખવા મળી કે કયા તબક્કે કેટલો ઑક્સિજન આપવો અને કોરોનાના દર્દીને કેવી રીતે ઑક્સિજન આપીને બચાવી શકાય.

ગાંધીધામ મેડિકલ ઍસોસિયેશનના પ્રમુખ અને આ ટીમના સભ્ય ડૉ. ભારત ખત્રીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ગાંધીધામથી કોરોનાના દર્દીઓને ભુજ મોકલવા પડતા હતા.

ડૉ. ખત્રી કહે છે, "અમે 200 ખાનગી ડોક્ટરોએ ભેગા થઈને સેન્ટ જોસેફ હૉસ્પિટલમાં કોરોનાના 70 બેડ રાખવાનું નક્કી કર્યું અને દરેક ખાનગી ડૉક્ટર એક અઠવાડિયું મફત સેવા આપે એવું નક્કી થયું."

"અમને ઇન્ડિયન મેડિકલ સોસિયેશન અને સરકારે ઑક્સિજન મશીનથી માંડી કોરોનાની સારવારનાં સાધનો આપ્યાં."

"શરૂઆતમાં કોરોનાના એસિમ્પ્ટોમેટિક દર્દીઓ આવતા હતા પણ પછી 6 ગંભીર દર્દી આવ્યા,પણ આ કેસ અમારા માટે પણ ચૅલેન્જિંગ હતો . છતાં ડૉક્ટરોની મહેનતથી આ અશક્ય કેસને અમે સફળ બનાવી શક્યા છીએ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો