You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતની 'ગુપ્ત સેના'માં કામ કરતા તિબ્બતી સૈનિકની કહાણી
- લેેખક, આમિર પીરઝાદા
- પદ, બીબીસી સંવાદદાતા
ઘરના એક ખૂણામાં નીમા તેનઝિનની તસવીર લાગેલી છે અને તેલથી કરાયેલા દીવાનો પ્રકાશ તેના પર પડી રહ્યો છે. બાજુના રૂમમાં પ્રાર્થના ચાલુ છે, જ્યાં પરિવારના સભ્યો, સંબંધીઓ અને બૌદ્ધ ભિક્ષુઓ મંત્રોનો જાપ કરી રહ્યા છે.
કેટલાક દિવસો પહેલાં જ 51 વર્ષના નીમા તેનઝિન લદાખના પૅગૉંગ ત્સો ઝીલ પાસેન વિસ્તારમાં એક બારૂદી સુંરગના વિસ્ફોટમાં માર્યા ગયા હતા.
લદાખના આ વિસ્તારમાં ભારત અને ચીનની સેનાઓ મહિનાથી આમનેસામને છે. ભારતીય સેનાનાં સૂત્રોએ બીબીસીને જણાવ્યું કે તેનઝિન જે બારૂદી સુંરગના વિસ્ફોટમાં માર્યા ગયા તે 1962માં ભારત-ચીન યુદ્ધ સમયે લગાવવામાં આવી હતી.
એ દિવસને યાદ કરતાં તેનઝિનના ભાઈ નામદાખ કહે છે, "30 ઑગસ્ટની રાત્રે લગભગ સાડા દસ વાગ્યે મને ફોન આવ્યો કે નીમા ઘાયલ થઈ ગયો છે. તેમણે મને એ ન જણાવ્યું કે તેમનું મોત થઈ ગયું છે. બાદમાં એક મિત્રએ મને આની જાણકારી આપી."
21 બંદૂકોની સલામી
તેનઝિનના પરિવાર અનુસાર તેઓ સ્પેશિયલ ફ્રન્ટિયર ફૉર્સ (એસએફએફ)નો ભાગ હતા.
રિપોર્ટ અનુસાર આ ગુપ્તદળમાં 3500 સૈનિક તહેનાત છે, જેમાંથી મોટાભાગના તિબ્બતી શરણાર્થી છે.
તેનઝિનના પરિવાર અનુસાર તેઓ પણ શરણાર્થી હતા અને તેમણે ભારતની સેનામાં ત્રણ દાયકા સુધી સેવા આપી છે.
એસએફએફ વિશેની વધુ માહિતી જાહેરમાં ઉપલબ્ધ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય સેનાએ આ દળના અસ્તિત્વને જાહેરમાં ક્યારેય સ્વીકાર્યું નથી. પરંતુ આ એક એવું રહસ્ય છે, જેના વિશે સેના અને વિદેશનીતિ સાથે જોડાયેલા નિષ્ણાતો તથા લદાખથી રિપોર્ટિંગ કરતાં કેટલાક પત્રકારો સારી રીતે વાકેફ છે.
જોકે ઑગસ્ટમાં ભારત અને ચીન વચ્ચે તણાવના માહોલમાં તેનઝિનના મોતને સ્વીકારાયું હતી. આવું પ્રથમ વખત થયું છે, જ્યારે ભારતીય સેનામાં કોઈ તિબ્બતી મૂળની વ્યક્તિની ભૂમિકા વિશે જાહેરમાં વાતચીત થઈ હોય.
તેનઝિનને સૈન્ય સન્માન સાથે અંતિમ વિદાય આપતાં 21 બંદૂકોની સલામી આપવામાં આવી.
સાથે જ લેહમાં તિબ્બતી સમુદાય અને સ્થાનિક લોકોએ તેમના અંતિમસંસ્કારમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
એસએફએફની રચનાની કહાણી
ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવ પણ અંતિમ વિધિમાં સામેલ થયા હતા અને તેમણે પણ તાબૂત પર ફૂલ ચઢાવ્યાં હતાં.
વળી તાબૂત પર ભારતની સાથે તિબ્બતનો ધ્વજ પણ પાથરવામાં આવ્યો હતો, સેનાના એક ટ્રક દ્વારા તાબૂતને તેમના ઘર સુધી લઈ જવાયું હતું.
ઉપરાંત રામ માધવે તેનઝિનને એસએફએફના સભ્ય ગણાવી એક ટ્વીટ પણ કર્યું હતું. તેમણે તેમાં લખ્યું હતું કે લદાખમાં ભારતીય સરહદની સુરક્ષા કરતી વખતે તેઓ શહીદ થયા. જોકે બાદમાં તેમણે આ ટ્વીટ ડિલીટ કરી દીધું હતું.
તેમણે આ ટ્વીટમાં ભારત-ચીન સરહદની જગ્યાએ ભારત-તિબ્બત સરહદ પણ લખ્યું હતું.
જોકે ભારત સરકાર અને સેનાએ તેનઝિન વિશે કોઈ સત્તાવાર નિવેદન જારી નહોતું કર્યું. પંરતુ ભારતીય મીડિયમાં તેનું ઘણું કવરૅજ થયું. જેને ચીન માટે એક કડક સંદેશ તરીકે જોવામાં આવ્યું હતું.
નામદાખ તેનઝિન કહે છે, "અત્યાર સુધી આ એક રહસ્ય જ હતું. પરંતુ હવે તેને સ્વિકીર કરી લેવાયું છે. હું ઘણો ખુશ છું. દરેક જે સેવા કરે છે, તેમનું નામ થવું જોઈએ અને તેમને સમર્થન પણ મળવું જોઈએ."
"અમે 1971ની લડાઈ લડી તે બાબત પણ ગુપ્ત રાખવામાં આવી, 1999માં અમે કારગિલમાં પાકિસ્તાન વિરુદ્ધ લડાઈમાં ભાગ લીધો તે વાત પણ ગુપ્ત રાખવામાં આવી. પરંતુ હવે પહેલી વખત અમારું અસ્તિત્વ સ્વીકારાયું છે. તેનાથી મને ઘણી ખુશી છે."
નિષ્ણાતો અનુસાર 1962માં ભારત-ચીન યુદ્ધ બાદ એસએફએફની રચના કરવામાં આવી હતી.
તિબ્બતના પત્રકાર, ફિલ્મકાર અને ડૉક્યુમેન્ટરી ફિલ્મ ફૅન્ટમ ઑફ ચટગાંવના નિર્માતા કલસાંગ રિનચેન કહે છે, "આનો હેતુ એ તિબ્બતી લોકોને સેનામાં સામેલ કરવાનો હતો, જેઓ ભાગીને ભારત આવ્યા હતા અને જેમને ઊંચાઈ પર ગોરિલા યુદ્ધ લડવાનો અનુભવ હતો અથવા 1960ના દાયકા સુધી ચીન સાથે લડતા રહેલા તિબ્બતના ગોરિલા બલ ચૂશી ગૅંડરુનો જેઓ ભાગ હતા."
રિનચેને એસએફએફના પૂર્વ યોદ્ધાઓ સાથે લાંબા ઇન્ટરવ્યૂ કર્યા છે.
1959માં ચીન વિરુદ્ધ થયેલો વિદ્રોહ નિષ્ફળ ગયા બાદ 14મા દલાઈ લામા તિબ્બત છોડી ભારત ભાગી આવ્યા હતા અને ભારતમાં જ તિબ્બતની નિર્વાસિત સરકારની રચના કરી હતી.
દસ હજાર તિબ્બતી પણ તેમની સાથે ભારત આવ્યા હતા અને અહીં તેમણે શરણ લીધી હતી.
'અમેરિકાના વિશેષ દળોએ પ્રશિક્ષિત કર્યા'
ભારતે દલાઈ લામા અને તેમની સાથે આવેલા શરણાર્થીઓનું સમર્થન કર્યું તે બાબત ચીન અને ભારત વચ્ચેના તણાવનું એક કારણ બની હતી.
1962ના યુદ્ધમાં ભારત ચીન સામે હાર્યું, જેથી તણાવ વધી ગયો.
માનવામાં આવે છે કે ભારતના તત્કાલીન ઇન્ટલિજન્સ પ્રમુખ બી. એન. મલિકે સીઆઈએની મદદથી એસએફએફની રચના કરી હતી.
અમેરિકાએ તેમાં ભારતનો કેટલો સહયોગ કર્યો એ વાતને લઈને વિવાદ છે, જ્યારે કેટલાક સ્રોતથી માલૂમ પડ્યું છે કે આ સંપૂર્ણપણે ભારતનું જ અભિયાન હતું, જેને અમેરિકાનું સમર્થન પ્રાપ્ત હતું.
કેટલાંક સૂત્રોનું એવું પણ કહેવું છે કે લગભગ 12 હજાર તિબ્બતી લોકોને અમેરિકાનાં વિશેષ દળોએ તાલીમ આપી હતી અને આ કાર્યક્રમનું ભંડોળ પણ અમેરિકાએ જ આપ્યું હતું.
1962માં એસએફએફ સાથે જોડાયેલા તિબ્બતી શરણાર્થી ઝાંપા કહે છે, "તાલીમ આપનારા મોટાભાગના લોકો અમેરિકાના હતા. સીઆઈએની એક વ્યક્તિ હતી. જે થોડું ઘણું હિંદી બોલતી હતી."
"તેમણે અમારા ચાર લોકોને પ્રશિક્ષિત કર્યા, જેઓ હિંદી બોલતા હતા. કેમ કે અમારામાંથી મોટાભાગના લોકો હિંદી નહોતા બોલતા. પછી એ ચારેય લોકોએ અમારા અન્ય લોકોને તાલીમ આપી."
જાણકારી હોવાનો ચીનનો ઇન્કાર
આ દળમાં શરૂઆતમાં માત્ર તિબ્બતી લોકોને જ સામેલ કરવામાં આવતા હતા પણ પછી અન્યનોને પણ સામેલ કરવામાં આવ્યા.
નિષ્ણાતોનું માનવું છે કે આ દળ સીધું કૅબિનેટ જ રિપોર્ટ કરે છે અને ભારતીય સેનાના ઊચ્ચ રૅન્કના અધિકારીની કમાનમાં રહે છે.
રિનચેન કહે છે, "તેનો મુખ્ય હેતુ ગુપ્ત રીતે ચીન સામે લડવાનો અને ગુપ્ત જાણકારી પ્રાપ્ત કરવાનો હતો."
વળી બીજી તરફ ચીન એસએફએફ વિશે કોઈ પણ જાણકારી હોવાનો ઇન્કાર કરે છે.
તાજેતરમાં જ થયેલી એક પત્રકાર પરિષદમાં ચીનના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું હતું, "મને નિર્વાસિત તિબ્બતી લોકો ભારતની સેનામાં સામેલ છે કે નથી એ વિશે કોઈ જાણકારી નથી. આ વિશે તમારે ભારતને સવાલ કરવો જોઈએ."
ચીન અને ભારત વચ્ચે સરહદતણાવ
તેમણે કહ્યું, "ચીનની સ્થિતિ એકદમ સ્પષ્ટ છે, અમે તિબ્બતની આઝાદીનું સમર્થન કરનારા કોઈ પણ દેશનો વિરોધ કરીએ છીએ."
ચીન તિબ્બતને ચીનનો સ્વાયત્ત ભાગ માને છે.
જૂન મહિનામાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ટકરાવ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે.
આ ઘટનામાં ભારતના 20 જવાનોનાં મોત થયાં હતાં પરંતુ ચીને તેમના કેટલા સૈનિકોનાં મોત થયાં, એની સત્તાવાર રીતે કોઈ માહિતી જાહેર નહોતી કરી.
ભારત અને ચીન વચ્ચેના તણાવનું કારણ સરહદ છે. જેને સ્પષ્ટ રીતે નિર્ધારિત નથી કરાઈ. તે એવા કેટલાક દુર્ગમ વિસ્તારોમાંથી પસાર થાય છે, જ્યાં પહોંચવું સરળ નથી.
યુનિવર્સિટી ઑફ વેસ્ટમિન્સ્ટરના સ્કૂલ ઑફ સોશિયલ સાયન્સના પ્રોફેસર દિવ્યેશ આનંદ કહે છે, "ભારત માટે આ અજીબ સ્થિતિ છે. ભારતે સ્પષ્ટ રીતે ચીનને દર્શાવી દીધું છે કે તેઓ ચીન સામે તિબ્બતી લોકોનો ઉપયોગ કરશે પરંતુ તેઓ સત્તાવાર રીતે આ વાત નથી કરી શકતા."
એસએફએફના પૂર્વ સૈનિક ઝાંપા કહે છે, "અમે એ દરેક કામ કર્યું છે જે ભારતીય સેના કરે છે. પરંતુ અમને ક્યારેય ભારતીય સેનાને મળતું સન્માન અથવા ઓળખ નથી મળી આ વાત દુખી કરનારી છે."
એ કહેવું મુશ્કેલ છે કે ભારત હવે એસએફએફના અસ્તિત્વને સ્વીકારવાથી ચીન સાથેના સંબંધો પર શું અસર થશે પંરતુ ભારત અને ચીન વચ્ચે ચાલતા તણાવને પગલે ભારતમાં રહેતા 90 હજારથી વધુ તિબ્બતી લોકોને તેણે ચિંતિત જરૂર કરી દીધા છે.
આમાંથી ઘણા લોકોને હજુ પણ આશા છે કે તેઓ તિબ્બત પરત જઈ શકશે પરંતુ ભારતને હજુ પણ તેઓ પોતાનું ઘર જ માને છે.
તેનઝિનના સાળુભાઈ તુડૂપ તાશી કહે છે, "અમને આ વાત પર ગર્વ છે કે તેનઝિને અમારા બે દેશ ભારત-તિબ્બત માટે પોતાનો જીવ આપી દીધો."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો