You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બનાસકાંઠામાં 12 વર્ષની કિશોરી સાથે કથિત દુષ્કર્મ બાદ ગળું કાપીને હત્યા
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી ગુજરાતી
બનાસકાંઠા પોલીસ અનુસાર દાંતીવાડામાં કિશોરી પર કથિત 'દુષ્કર્મ બાદ હત્યા' કરી દેવાઈ હોવાની ઘટના નોંધાઈ છે.
ડીસાના ડીવાયએસપી કુશલ ઓઝાએ બીબીસી સાથેની વાતચીતમાં ઘટનાની પુષ્ટિ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર કિશોરી મૂકબધિર હતી
તેમણે આ મામલે જણાવ્યું, "રેપ વિથ મર્ડરની મેટર છે. આરોપીની અટક કરાઈ છે. પૂછપરછ ચાલુ છે. એફએસએલમાં નમૂના મોકલી દેવાયા છે. તપાસ માટે ખાસ ટીમ પણ બનાવાઈ છે."
કિશોરીની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે જેમાં કોઈ તીક્ષ્ણ હથિયારથી તેનું માથું ધડથી અલગ કરી દેવાયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસ અનુસાર પ્રાથમિક દૃષ્ટિએ દુષ્કર્મ આચર્યા બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવાઈ છે.
'ગઈકાલથી કિશોરી ગુમ થઈ હતી'
આ વિશે સ્થાનિક પત્રકાર પરેશ પઢિયારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ગઈ કાલથી કિશોરી ગુમ થઈ હતી. તેની શોધખોળ ચાલુ હતી. પરિવારે પોલીસમાં પણ જાણ કરેલ. જોકે આજે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો. સ્થાનિકો આરોપીને ફાંસીની સજાની માગણી કરી રહ્યા છે. અને બનાવને કારણે વિસ્તારમાં રોષ પણ ભભૂકી ઊઠ્યો છે."
તેમણે વધુમાં ઉમેર્યું, "કિશોરી મૂકબધિર હતી અને આરોપી મૃતકનો સંબંધી જ છે. તેને ડુંગરાળ વિસ્તારમાં લઈ જવામાં આવી હતી અને પછી તેની સાથે ખોટું કામ કરી હત્યા કરી દેવાઈ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દરમિયાન સ્થાનિક પત્રકારો સાથેની વાતચીતમાં પીડિતાના પરિવારના સભ્યે પણ આરોપીને ફાંસીની સજા થવી જોઈએ એવી માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે સમગ્ર ઘટનાને પગલે પરિવાર દુખમાં ગરકાવ થઈ ગયો છે.
'રાષ્ટ્રીય મહિલા આયોગ'નાં સભ્ય ડૉ. રાજુલ દેસાઈએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
તેમણે નિવેદનમાં કહ્યું હતું કે આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે આ ખૂબ જ નિંદનીય ઘટના છે અને સમાજ માટે આ એક ચિંતાનો વિષય છે.
આ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરી રોષ વ્યક્ત કર્યો હતો.
તેમણે ટ્વીટ કરી લખ્યું, "ભારત માતાનું ગુજરાતમાં ગળું કાપી નાખ્યું. અમે વારંવાર કહી રહ્યા હતા કે મોદીજી હાથરસ વિશે કંઈક બોલો, પરંતુ તેમણે એક શબ્દ ન બોલ્યો. હવે જુઓ દાંતીવાડામાં એક માસૂમ બાળકીનું ગળું કાપી હત્યા કરી દીધી. આ કેવો વિકાસ છે? કાયદો અને વ્યવસ્થા તથા બંધારણના તો ધજાગરા ઊડી રહ્યા છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો