You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીરમાં પાકિસ્તાન પાસે ભારતીયો કેવી રીતે રહે છે?
- લેેખક, રિયાઝ મસરૂર
- પદ, બીબીસી સંવાદદાતા, શ્રીનગર
ભારતપ્રશાસિત કાશ્મીરના ઉરી સેક્ટર પાસે એક ગામ ચુરાંદામાં ઉદાસી છવાયેલી છે. આ ગામ નિયંત્રણરેખા એટલે કે એલઓસી પર આવેલી એક પહાડીની ટોચ પર વસેલું છે.
ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે છાશવારે થતા ગોળીબારનાં પરિણામો આ ગામના લોકોને ભોગવવા પડે છે. આના કારણે બંને તરફ ઘણા લોકોના જીવ ગયા છે.
સરહદ પર વ્યાપેલા આ તણાવપૂર્ણ માહોલના 63 વર્ષીય ઝહૂર અહમદ તાજેતરના શિકાર બન્યા છે.
ગત મહિને તેમણે તેમનાં પત્નીને એક મૉર્ટાર હુમલામાં ગુમાવી દીધાં. મૉર્ટાર તેમના દરવાજા પાસે જ આવીને પડ્યો હતો.
ઝહૂર પોતાના દરવાજા પાસે ઊભા રહીને ગાઢ જંગલની પહાડીઓ તરફ ઈશારો કરતા કહે છે, "તે કાશ્મીરનો પાકિસ્તાની ભાગ છે. ગામનું નામ ખ્વાજા બંદી છે. અમે હંમેશાં આગની નદી પાસે રહીએ છીએ."
તેઓ કહે છે કે તેમનાં પત્ની દરવાજા પાસે મરઘીને દાણા નાખી રહ્યાં હતાં ત્યારે પહાડો પાછળથી એક મૉર્ટાર આવીને પડ્યો.
"અમે તેમને હૉસ્પિટલ લઈ જવાનું વિચારીએ એટલામાં તો તેમનું મૃત્યુ થઈ ગયું."
ઘાયલોને હૉસ્પિટલ લઈ જવાની પરેશાનીઓ વિશે તેઓ જણાવે છે કે 20 માઈલ પહાડ નીચે ખરાબ રસ્તા છે, તેના પર ગાડી નથી ચાલી શકતી. ત્યાંથી કોઈ ઘાયલને લઈ જવું લગભગ અશક્ય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે,"અહીં ક્યારેક કોઈ માર્ગ નથી બન્યો. પહાડમાંથી નીકળેલો આ એક માત્ર કેડી જેવો માર્ગ છે. અમારે ઘાયલને ખાટલા પર મૂકીને જંગલોમાંથી નીકળી દૂર ઉરીની હૉસ્પિટલમાં લઈ જવા પડે છે."
બંકર બનાવવાનો આદેશ
ચુરાંદા ગામના લોકો અને બાજુના ભટ્ટ ગ્રેન વિસ્તારના લોકોએ જણાવ્યું કે વર્ષોથી અહીં લશ્કરની એક મોટી હતી.
ગામના સજ્જાદ હુસ્સેન જણાવે છે, "પાકિસ્તાની લશ્કર કેટલાય સમયથી તેને નિશાન બનાવતી આવી છે. તેઓ હજુ પણ એવું વિચારી હુમલો કરે છે કે અહીં કૅમ્પ છે પરંતુ ભારતીય લશ્કરે આ જગ્યા પહેલાં જ છોડી દીધી છે. બીજી તરફથી થતા હુમલાનો શિકાર અમારે બનવું પડે છે."
તાજેતરમાં થયેલા મહિલાનાં મૃત્યુએ સરહદપાર બંને તરફે ચિંતાની એક રેખા ખેંચી નાખી છે.
ગામના વડીલોએ અધિકારીઓને સુરક્ષા મામલે કેટલીક વધુ સાવધાની વર્તવા માટે વિનંતી પણ કરી છે.
જેથી સરકારે ત્વરિત પગલાં લઈ ગામમાં બંકર બનાવવાના આદેશ આપ્યા છે.
મંઝૂર અહમદ એક સ્થાનિક કાર્યકર્તા છે અને તેઓ ડ્યૂટી મૅજિસ્ટ્રેટ તરીકે પણ કામ કરે છે.
તેઓ જણાવે છે,"ગામના લોકોએ જાણીને ખુશ હતા કે અહીં બંકર બનાવવામાં આવશે પરંતુ આ યોજના મામલે કેટલીક સમસ્યાઓ છે. કામની ગતિ ઘણી ધીમી છે અને ગોળીબાર પણ થતો રહે છે."
કેટલીક જગ્યાઓ પર બંકર બનાવવામાં આવી રહ્યાં છે પરંતુ ત્યાં કામ હજુ પણ પ્રારંભિક તબક્કામાં જ છે.
બંકર બનાવવામાં વિલંબ કેમ?
ઝહૂરના પુત્ર જાવેદ અહમદ લશ્કરમાં સામાન પહોંચાડવાનું કામ કરે છે.
જાવેદ કહે છે, "લશ્કરના અધિકારી અમારા પર ઘણા મહેરબાન છે. તેમણે અમે 50 હજાર રૂપિયા આપ્યા અને અમારા ઘરની બહાર બંકર બનાવવાનું કામ શરૂ કર્યું છે."
"સરકારી કામોમાં વાર લાગે છે પણ ત્વરિત મદદ પહોંચાડવા બદલ અમે લશ્કરનો આભાર માનીએ છીએ."
જ્યારે અમે ઉરીના ઉપ-જિલ્લી મૅજિસ્ટ્રેટ રિયાઝ મલિકને પૂછ્યું કે બંકર બનાવવાના કામમાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે તેમણે કહ્યું કે કૉન્ટ્રાક્ટરોએ મુશ્કેલ વિસ્તાર હોવાનું કારણ આગળ ધરી કામમાં રસ નથી દાખવ્યો.
તેમણે બંને તરફથી થતા ગોળીબારના જોખમની પણ બાબતને આગળ ધરી.
રિયાઝ મલિકે કહ્યું,"અમે હવે સ્થાનિક લોકોને આ કામમાં જોતર્યા છે અને કામ ચાલી રહ્યું છે."
નિયંત્રણ રેખા
નિયંત્રણ રેખા માનચિત્ર પર દેખાતી માત્ર એક લાઇન નથી. તે 650 માઈલ લાંબો અને 25 માઈલમાં ફેલાયેલો એક વિસ્તાર છે જેમાં બંને તરફ સેંકડો લોકો રહે છે. અહીં રહેતા લોકો હંમેશાં ડરમાં જીવે છે.
ભારત અને પાકિસ્તાન 2003માં સંઘર્ષવિરામને લઈને સંમત થયા હતા પરંતુ તણાવ હજુ યથાવત છે અને બંને એકબીજા પર સંઘર્ષવિરામ તોડવાનો આરોપ-પ્રત્યારોપ લગાવતા રહે છે.
ગત મહિને ભારતના ગૃહમંત્રીએ સંસદમાં કહ્યું હતું કે પાકિસ્તાને આ વર્ષં સુધી અત્યાર સુધી 9 મહિનામાં 3000 વખત સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું છે.
જમ્મુ-કાશ્મીરના પુંચ્છ, રાજૌરી, સામ્બા, આરએસપુરા અને કઠુઆ જિલ્લામાં બે વર્ષ પહેલાં જ સામુદાયિક બંકરના નિર્માણનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
આ વર્ષની ગરમીઓમાં બંકર બનાવાવની યોજના ઘાટીના બારામૂલા અને કુપવાડા જિલ્લા સુધી પણ વિસ્તાર કરી દેવાઈ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો