વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહમાંથી કોની સંપત્તિ વધારે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કૅબિનેટ મંત્રીઓ સાથે સ્વેચ્છાએ પોતાની સંપત્તિ અને દેવા અંગેની માહિતી જાહેર કરી છે જૂન 30,2020 અનુસાર વડા નરેન્દ્ર મોદીની કુલ સંપત્તિનું મૂલ્ય લગભગ 2.85 કરોડ આંકવામાં આવ્યું છે, જે ગત વર્ષે 2.49 કરોડ હતું.

વડા પ્રધાનકાર્યાલય સમક્ષ જાહેર કરાયેલી વિગતો અનુસાર આ વર્ષે વડા પ્રધાન મોદીની સંપત્તિમાં વધારો થયો છે જ્યારે ગૃહમંત્રી અમિત શાહની સંપત્તિમાં આ વર્ષે ઘટાડો જોવા મળ્યો છે.

'ઇન્ડિયા ટુડે'ના એક અહેવાલ અનુસાર આ વર્ષે જૂન માસ સુધી વડા પ્રધાનની કુલ સંપત્તિનું મૂલ્ય 2.85 કરોડ આંકવામાં આવ્યું છે જે ગત વર્ષે 2.49 કરોડ હતું.

આ સિવાય નેશનલ સર્વિસ સર્ટિફિકેટ અને વીમા પોલિસીમાં તેમણે રોકાણ કર્યું છે.

વડા પ્રધાનને જાહેર કરેલી વિગતો પ્રમાણે તેમણે કોઈ લૉન લીધી નથી તેમજ તેમની પાસે પોતાનું કોઈ વાહન નથી.

જોકે, વડા પ્રધાન પાસે કુલ 45 ગ્રામ સોનાની ચાર વીંટી છે, જેનું અંદાજિત મૂલ્ય રૂપિયા 1,15,875 આંકવામાં આવ્યું છે.

આમ તેમની કુલ જંગમ મિલકતોનું મૂલ્ય 1.75 કરોડ કરતાં થોડું વધારે છે.

વડા પ્રધાને જાહેર કરેલી વિગત અનુસાર તેમની પાસે ગાંધીનગરના સેક્ટર-1માં 3531 ચોરસ ફૂટની જમીન છે. આ જમીનમાં તેમના ત્રણ અન્ય ભાગીદારો પણ છે.

વર્ષ 2002માં ખરીદેલી આ જમીનમાં તેમના ભાગનું બજાર મૂલ્ય હાલ 1.10 કરોડ છે.

વડા પ્રધાન પર કોઈ દેવું નહીં

70 વર્ષના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માથે કોઈ દેવું નથી. જૂન માસના અંતે તેમની પાસે રૂપિયા 31,450ની રોકડ હતી. જ્યારે તેમના બચતખાતામાં રૂપિયા 3..38 લાખ રૂપિયા હતા. માર્ચ 31,2019માં આ આંકડો રૂપિયા 4,143નો હતો.

આ જાહેરાત અનુસાર જૂન, 2020 સુધી વડા પ્રધાનના હાથ પરની રોકડ માત્ર 31, 450 રૂપિયા હતી.

આ સિવાય તેમના SBI ગાંધીનગર NSC શાખામાં ફિક્સ ડિપોઝિટ અને મલ્ટિ ઑપ્શન ડિપોઝિટ સ્કીમમાં તેમના નામે રૂપિયા 1, 60, 28, 939 છે. ગત નાણાકીય વર્ષે આ આંકડો રૂપિયા 1,27,81,574 હતો.

અમિત શાહની સંપત્તિ કેટલી?

વડા પ્રધાનની સંપત્તિનું કુલ મૂલ્ય જાણ્યા બાદ હવે વાત કરીએ અમિત શાહની કુલ સંપત્તિ અંગે.

ગૃમંત્રી અમિત શાહની સંપત્તિમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે.

તેમની કુલ સંપત્તિનું મૂલ્ય 28.63 કરોડ રૂપિયા છે, જે ગત વર્ષે 32.3 કરોડ રૂપિયા હતું.

અમિત શાહ પાસે ગુજરાતમાં કુલ દસ સ્થાવર મિલકતો છે. તેમજ માતા પાસેથી વારસામાં મળેલ મિલકતના ભાગ સહિત કુલ સ્થાવર મિલકતનું મૂલ્ય 13.56 કરોડ રૂપિયા જેટલું છે.

અમિત શાહે જાહેર કરેલી વિગતો અનુસાર તેમના હાથ પર માત્ર 15, 814 રૂપિયાની રોકડ છે. જ્યારે તેમના બૅંક ખાતામાં 1.04 કરોડ રૂપિયા છે. તેમનું વીમા અને પૅન્શન પોલિસીઓમાં 13.47 લાખ રૂપિયાનું કુલ રોકાણ છે.

આ ઉપરાતં અમિત શાહે 2.78 લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટમાં રોક્યા છે અને તેમની પાસે 44.47 લાખ રૂપિયાની કિંમતના દાગીના હોવાનું જાહેર કરાયેલી વિગતો અનુસાર જાણવા મળ્યું છે.

અમિત શાહ પાસે 12.10 કરોડ મૂલ્યની વારસામાં મળેલી જામીનગીરીઓ છે, જ્યારે તેમની પોતાની માલિકીની 1.4 કરોડની જામીનગીરીઓ છે.

નોંધનીય છે કે ગત વર્ષની સરખામણીએ તેમની પાસે રહેલી જામીનગીરીઓના મૂલ્યમાં ઘટાડો થયો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો