ગુજરાત પેટાચૂંટણી : પક્ષપલટાની રાજનીતિમાં ફરી અલ્પેશ ઠાકોર જેવું થશે કે ભાજપ બાજી મારશે?

    • લેેખક, સુરેશ ગવાણિયા
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતની પેટાચૂંટણીમાં ભાજપે આઠમાંથી સાત બેઠકના ઉમેદવારો જાહેર કરી દીધા છે. તો કૉંગ્રેસે પણ પાંચ ઉમેદવારનાં નામ જાહેર કર્યાં છે.

કૉંગ્રેસ તરફથી અબડાસામાંથી શાંતિલાલ મેઘજીભાઈ સંઘાણી, મોરબીમાં જયંતીલાલ જયરાજભાઈ પટેલ, ધારીમાંથી સુરેશ કોટડિયા, ગઢડામાંથી મોહનભાઈ સોલંકી અને કરજણ બેઠક પરથી કિરીટસિંહ જાડેજાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

આગામી સમયમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં રાજીનામાં આપવાને લીધે ખાલી પડેલી આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

ચૂંટણી અગાઉ કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પાંચ ઉમેદવારોને ભાજપે ટિકિટ આપી છે.

લીમડી બેઠક પરથી કૉંગ્રેસમાંથી સોમા પટેલે રાજીનામું આપ્યું હતું. તેમણે ગમે તે પક્ષમાંથી અને એટલે સુધી કે અપક્ષ તરીકે પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. કૉંગ્રેસે લીમડીમાં ઉમેદવાર જાહેર કર્યો નથી પરંતુ ભાજપે કિરિટસિંહ રાણાને ટિકિટ આપી છે.

વર્તમાન ચૂંટણી પર નજર કરીએ તો આઠ ઉમેદવારોમાંથી પાંચ ઉમેદવારો એવા છે, જેઓ એક સમયે કૉંગ્રેસના ધારાસભ્યો હતા. જોકે હવે તેઓ કૉંગ્રેસમાંથી નહીં પણ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

એટલે કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્યો સામે કૉંગ્રેસને ચૂંટણી લડવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયાની ચર્ચા જાગી છે.

ગુજરાતમાં પક્ષપલટાનું રાજકારણ વર્ષોથી ચાલ્યું આવે છે. ચૂંટણી અગાઉ રાજકીય પક્ષો પોતપોતાની રીતે જ્ઞાતિ-વર્ગ વગેરેને આધારે નેતાઓ-ધારાસભ્યોને પોતાના પક્ષમાં લાવતા હોય છે.

જોકે, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કૉંગ્રેસ છોડીને આવેલા 11માંથી સાત ધારાસભ્યોને ટિકિટ આપી હતી, તેમાંથી માત્ર બે જ ધારાસભ્ય ચૂંટણી જીતી શક્યા હતા.

વીરમગામ, જામનગર ગ્રામ્ય, બાલાસિનોર, ઠાસરા અને માણસા બેઠક પર પક્ષપલટુ ધારાસભ્યોની હાર થઈ હતી.

ઑક્ટોબર 2019માં ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણીમાં કૉંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો હાથ પકડનારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ચૂંટણી હારી ગયા હતા અને હવે ફરી એક વાર 2020માં પેટાચૂંટણીમાં કૉંગ્રેસ છોડી ભાજપમાં જનારા પાંચ ધારાસભ્યોનું ભવિષ્ય નક્કી થશે.

કોરોનાના સમયમાં પહેલી વાર ચૂંટણી યોજાઈ રહી છે અને ભાજપ-કૉંગ્રેસ બંનેએ આ વખતે પ્રચાર-પ્રસારની પણ નવી રીતો અપનાવવાની છે.

ભાજપના નવા પ્રમુખ સી. આર. પાટીલના નેતૃત્વમાં પણ આ પહેલી ચૂંટણી છે.

ભાજપના આ વખતના ઉમેદવારો કયા છે?

અબડાસા, લીબડી, મોરબી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડા અને કરજણ એમ આઠ બેઠકની પેટાચૂંટણીઓ યોજાવાની છે.

ભાજપ તરફથી કચ્છ જિલ્લાની અબડાસા બેઠકમાં પ્રદ્યુમ્નસિંહ જાડેજાની ટિકિટ આપવામાં આવી છે અને મોરબી બેઠક પર બ્રિજેશ મેરજાની પસંદગી કરવામાં આવી છે.

તો ધારી બેઠક પર પક્ષે જે. વી. કાકડિયા પર પસંદગી ઉતારી છે, જ્યારે ગઢડા બેઠકની પેટાચૂંટણીમાં પૂર્વ કૅબિનેટમંત્રી આત્મારામ પરમાર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે ગઢડામાંથી કૉંગ્રેસના પ્રવીણ મારુએ રાજીનામું આપ્યું હતું.

કરજણ બેઠક માટે અક્ષય પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તો ડાંગ બેઠક માટે વિજય પટેલ અને કપરાડા બેઠક માટે જિતુભાઈ ચૌધરીની પસંદગી કરવામાં આવી છે.

આઠ બેઠકો પૈકી બે બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને એક બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે.

આમાં વિચારધારા ક્યાં છે?

જાણીતા રાજકીય વિશ્લેષક દેવેન્દ્ર પટેલ ભાજપ-કૉંગ્રેસ બંનેની વિચારાધારા પર સવાલ ઉઠાવે છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે, "પેટાચૂંટણી થવા જઈ રહી છે, તેમાં કૉંગ્રેસના પક્ષપલટુઓને ટિકિટ આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની મોટામાં મોટી પાર્ટી હોવાનો દાવો કરે છે, અને છે પણ ખરી."

"તો હિન્દુસ્તાનની આવડી મોટી પાર્ટીએ કૉંગ્રેસમાંથી પક્ષપલટો કરાવવો પડે તો પાર્ટી 'વિથ ડિફરન્સ' ક્યાં ગયું?"

"ભાજપ-કૉંગ્રેસની વિચારધારા તો બે અલગ ધ્રુવ છે. તો આમાં વિચારધારા આધારિત પાર્ટી ભાજપ-કૉંગ્રેસ છે કે કેમ એ સવાલ છે, કારણ કે જે લોકો ગઈકાલ સુધી કૉંગ્રેસમાં હતા એ લોકો રાતોરાત વિચારસરણીને મારીને ભાજપમાં ગયા. એટલે આવડી મોટી પાર્ટીએ કૉંગ્રેસ પર આધાર રાખવાની જરૂર કેમ પડી એ એક મુદ્દો છે."

તેઓ વધુમાં કહે છે, "ભાજપ પાસે જૂના કસાયેલા કાર્યકરો અને આગેવાનો વર્ષોથી છે. જેમણે ભાજપને મજબૂત કરવામાં પોતાનાં લોહી-પાણી એકત્ર કર્યાં છે."

"એમના બદલે જે લોકો ગઈકાલ સુધી કૉંગ્રેસનો ખેસ પહેરતા હતા એમને ભાજપનો ખેસ પહેરાવીને ટિકિટ આપવામાં આવી, એટલે નીતિમત્તાના કેટલાક પ્રશ્નો કૉંગ્રેસ અને ભાજપ બંને માટે છે."

કૉંગ્રેસની આંતરિક સ્થિતિ અંગે વાત કરતાં દેવેન્દ્ર પટેલ કહે છે, "કૉંગ્રેસની હાલત હાલમાં આખા દેશમાં ખરાબ છે, તેમ છતાં કૉંગ્રેસ જૂથબંધીમાંથી બહાર આવતી નથી."

"કૉંગ્રેસના જે સભ્યો ગયા છે, એ ગયા કેમ? એમને કૉંગ્રેસ સાચવી કેમ ન શકી. ગયા છે એ બધા શક્તિશાળી માણસો જ હતા. એ લોકો કોઈ લાલચથી કે અન્ય કારણથી ગયા છે એ માનવાને હું તૈયાર નથી. એમની પાર્ટીમાં જ ઉપેક્ષા થઈ હોવાનો એક મુદ્દો છે."

સરદાર પટેલ યુનિવર્સિટીના પૉલિટિકલ સાયન્સ વિભાગના અધ્યાપક ડૉ. બળદેવ આગજા પણ આ ચૂંટણીને કૉંગ્રેસ માટે એક પડકાર સમાન ગણે છે.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "આ પાંચ લોકો (જે કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે) માટે ચૂંટણી જીતવી એ કપરા ચઢાણ સમાન છે. આઠમાંથી ચારેક બેઠકો ભાજપને મળે તેવી શક્યતા ખરી. કૉંગ્રેસ માટે એક તો અસ્તિત્વનો સવાલ છે. એને બધી રીતે એડીચોટીનું જોર લગાવવું પડશે."

"કુલ આઠ ધારાસભ્યોની બે વર્ષ માટે પેટાચૂંટણી થઈ રહી છે. અગાઉ સી. આર. પાટીલ જાહેર કર્યું હતું કે કૉંગ્રેસમાંથી આવેલા નેતાઓને અમે ટિકિટ આપવાના નથી."

"જોકે જ્યારે એ લોકો કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા ત્યારે ભાજપના કેટલાક મોભીઓ સાથે પરામર્શ થયું હોઈ શકે કે તેમણે ટિકિટ આપવાની શરતે રાજીનામાં આપ્યાં હોય અને ભાજપને એ વખતે જરૂર પણ હતી."

અલ્પેશ ઠાકોરની હાર

ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 182માંથી 99 બેઠક મળી હતી અને કૉંગ્રેસને 77 મળી હતી.

જોકે બાદમાં કૉંગ્રેસમાંથી કેટલાક ધારાસભ્યો કોઈને કોઈ કારણસર કૉંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં ભળી ગયા હતા.

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કૉંગ્રેસ છોડીને આવેલા 11માંથી સાત ધારાસભ્યોને ટિકિટ આપી હતી, તેમાંથી માત્ર બે જ ધારાસભ્ય ચૂંટણી જીતી શક્યા હતા.

વીરમગામ, જામનગર ગ્રામ્ય, બાલાસિનોર, ઠાસરા અને માણસા બેઠક પર પક્ષપલટુ ધારાસભ્યો હારી ગયા હતા.

ઑક્ટોબર 2019માં ગુજરાતમાં થયેલી પેટાચૂંટણીમાં કૉંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો હાથ પકડનારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ચૂંટણી હારી ગયા હતા.

રાધનપુર, બાયડ, ખેરાલુ, થરાદ, લુણાવાડા અને અમરાઈવાડી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.

છ બેઠકમાંથી ભાજપ અને કૉંગ્રેસ બન્નેને ફાળે ત્રણ-ત્રણ બેઠકો આવી હતી. રાધનપુર, થરાદ અને બાયડ બેઠક કૉંગ્રેસે જીતી હતી, જ્યારે અમરાઈવાડી, ખેરાલુ અને લુણાવાડામાં ભાજપનો વિજય થયો હતો.

ડૉ. બળદેવ આગજા ઉમેરે છે કે પક્ષ બદલાય છે પણ માણસો તો એના એ જ છે, એટલે એમનામાં પક્ષની વિચારધારા તો રહેવાની જ.

વર્તમાન ચૂંટણી અને પક્ષપલટાની રાજનીતિની લોકો પર શું અસર થશે એના સવાલના જવાબમાં ડૉ. આગજા કહે છે કે "હાલની ચૂંટણી મતદારોને એટલી અસર કરે તેવું લાગતું નથી. મતદાનની ટકાવારી 50-55 ટકાથી વધે એવું લાગતું નથી.

"લોકોને હાલમાં મોંઘવારીનો માર છે, કોરોનાની હાડમારી છે, રાજ્ય અને દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે, સામાન્ય માણસને રોજગારી નથી, બેકારી, શિક્ષણના પ્રશ્નો છે. એટલે તેની અસર ભાજપ પર થવાની છે."

ગુજરાત કૉંગ્રેસમાં એક શક્તિશાળી પ્રાદેશિક નેતૃત્વની ખોટ જણાવતાં દેવેન્દ્ર પટેલ કહે છે, "ગુજરાતમાં છેલ્લાં 20 વર્ષ કરતાં વધુ સમયથી કૉંગ્રેસ સત્તામાં નથી, છતાં જૂથબંધી આજે પણ કૉંગ્રેસનું એક 'કૅન્સર' છે અને એ જૂથબંધીને કારણે કૉંગ્રેસ પોતાના કસાયેલા સિનિયર ધારાસભ્યોને સાચવી શકી નથી. એટલે કૉંગ્રેસમાં પણ કોઈ મુશ્કેલી તો છે."

"એટલે હવે પ્રજાએ નક્કી કરવાનું છે કે મત કોને આપવાનો છે. પ્રજા ઘણી વાર પક્ષપલટાને સ્વીકારે પણ છે. તો પાર્ટી વિનિંગ ઉમેદવારને પણ પસંદ કરવાની છે."

"રાજકીય યુદ્ધમાં જો ભારતીય જનતા પાર્ટી પોતાની ચાણક્યનીતિ પ્રમાણે પોતાની પાર્ટીને મજબૂતી કરતી હોય તો કૉંગ્રેસે પણ વિચારવાનું કે એ શું કરી રહી છે."

ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી રહી ચૂકેલા સુરેશ મહેતા કહે છે કે રાજકારણમાં ધીમે-ધીમે ઉન્નતિ હોવી જોઈએ, અધોગતિ નહીં.

ભાજપ પર આરોપ લગાવતાં તેઓ કહે છે, "ભાજપે જે રસ્તો અપનાવ્યો છે, એ બધી બાજુથી અધોગતિનો રસ્તો છે, જે લોકશાહીને ખલાસ કરે છે."

પક્ષપલટા અંગે તેઓ કહે છે "આનાથી ભાજપના કાર્યકરોનું મનોબળ તૂટ્યું છે અને બીજી બાજુથી રાજકારણને જોનારા લોકોને પણ થાય છે કે આપણી સાથે વારંવાર દગા થઈ રહ્યા છે. મત આપીએ છીએ અને પછી અમારાથી પ્રતિનિધિ દગો કરે છે."

કૉંગ્રેસ માટે આ ચૂંટણી જીતવી કેટલી મુશ્કેલ લાગી રહી છે એનો જવાબ આપતાં તેઓ કહે છે કે "નવો ચહેરો વધુ નુકસાન ન કરે, જૂનો ચહેરો વધુ નુકસાન કરી શકે છે."

'ભાજપને વકરો એટલે નફો'

ભાજપના પ્રવક્તા પ્રશાંતભાઈ વાળા કહે છે કે ભાજપ માટે તો આ આઠેઆઠ બેઠકોમાં "વકરો એટલે નફો છે, કેમ કે આ આઠ બેઠકો કૉંગ્રેસની હતી. હવે આઠમાંથી પાંચ, છ કે આઠેઆઠ આવે, તમામમાં અમને તો નફો જ છે."

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે "આઠેઆઠ સીટ પર ઉમેદવાર 'કમળ' છે. તેઓ કમળના નિશાન પર લડે છે. અમારી પાસે અમારાં કરેલું કામોનું ભાથું છે, એટલે નાનામાં નાનો માણસ અનૂભૂતિ કરે છે કે આ સરકાર મારી છે. 'પ્રજાની સરકાર એટલે ભાજપની સરકાર' આ વાત નીચે સુધી લોકોને સમજાણી છે."

પક્ષપલટો ભાજપને ફળશે કે કેમ એ અંગે તેઓ કહે છે, "આમાં પક્ષપલટાની કોઈ વાત નથી. એ લોકો કૉંગ્રેસમાંથી રાજીનામાં આપીને આવ્યા છે. આઠેય સીટ કૉંગ્રેસની હતી અને ધારાસભ્યો પણ કૉંગ્રેસના હતા. તેઓએ રાજીનામાં શા માટે આપ્યાં?"

"કૉંગ્રેસમાં આંતરિક જૂથવાદ, એમની જે મૂંઝવણ હતી, કૉંગ્રેસમાં જે અસંતોષ હતો એટલે તેઓએ કંટાળીને રાજીનામાં આપ્યાં. રાજીનામાં આપ્યાં પછી એ ભાજપમાં ઘણા સમય પછી જોડાયા છે."

તેઓ ઉમેરે છે કે "તેઓ પહેલાં તો એક કાર્યકર તરીકે ભાજપમાં જોડાયા છે. ભાજપની વિચારધારા સાથે જોડાયા છે."

તો કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર કહે છે કે પ્રજા ક્યારેય પક્ષપલટો કરતી નથી. નેતાઓ આવનજાવન કરતા હોય છે. મતદાર હંમેશાં વિચારધારા અને પસંદગીનો ઉમેદવાર, પક્ષનું ચિહ્ન અને જ્ઞાતિ - આ પ્રમાણે મતદાન કરે છે.

બીબીસી સાથેની વાતમાં તેઓ કહે છે કે ભૂતકાળમાં અનેક વાર નેતાઓએ પક્ષપલટો કર્યો છે, પણ પ્રજાએ તેમને સ્વીકાર્યા નથી.

તેઓ કહે છે, "ભૂતકાળમાં 1995-96માં ભાજપમાંથી 46 ધારાસભ્યો કૉંગ્રેસમાં ગયા હતા. છતાં પણ પ્રજાએ તેમને હરાવ્યા હતા. 2002, 2007 અને 2012માં અનેક ધારાસભ્યો ભાજપમાંથી કૉંગ્રેસમાં આવ્યા હતા. છતાં પણ હાર્યા હતા."

"2017માં રાજ્યસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસમાંથી 17 ધારાસભ્યો ભાજપમાં ગયા હતા, એમાંથી 15 ચૂંટણી લડ્યા હતા અને 13 ધારાસભ્યો હાર્યા હતા, ભાજપમાં જવા છતાં. અલ્પેશ ઠાકોર, ધવલ ઝાલા વગેરે ભાજપમાં ગયા અને હાર્યા.

"હવે ફરી પાછી ચૂંટણી આવી રહી છે. એટલે પ્રજા પક્ષપલટુઓને મહત્ત્વ નથી આપતી. ઇતિહાસ સાક્ષી છે."

જયરાજસિંહ કહે છે કે આ પેટાચૂંટણીમાં 'વિશ્વાસઘાત કે વફાદાર' એ અમારું પ્રચારનું મુખ્ય સૂત્ર રહેશે.

આઠ બેઠકનું 2017ની ચૂંટણીનું પરિણામ શું હતું?

પેટાચૂંટણી થઈ રહી છે એ આઠ બેઠકની વાત કરીએ તો છેલ્લે યોજાયેલી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના છબીલભાઈ નારણભાઈ પટેલની સામે કૉંગ્રેસના પ્રદ્યુમ્નસિંહ મહીપતસિંહ જાડેજાની જીત થઈ હતી.

જોકે હવે પ્રદ્યુમ્નસિંહ જાડેજા ભાજપમાં જોડાયા પછી ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

તો મોરબીમાંથી કૉંગ્રેસના બ્રિજેશ મેરજાએ ભાજપના કાંતિલાલ અમૃતીયાને હરાવ્યા હતા.

ધારી બેઠક પરથી કૉંગ્રેસના જે. વી. કાકડિયાએ ભાજપના દિલીપ સંઘાણીને હરાવ્યા હતા.

ગઢડા (એસ.સી.) બેઠક પરથી કૉંગ્રેસના પ્રવીણ મારુએ ભાજપના આત્મારામ પરમારને હરાવ્યા હતા.

તો કરજણ બેઠક પરથી કૉંગ્રેસના અક્ષય ઈશ્વરભાઈ પટેલે ભાજપના સતીશ મોતીભાઈ પટેલને હરાવ્યા હતા.

ડાંગ (એસ.ટી.) બેઠક પરથી કૉંગ્રેસના મંગળભાઈ ગાવિતે ભાજપના ઉમેદવાર વિજય પટેલને હરાવ્યા હતા.

કપરાડા (એસ.ટી.) બેઠક પરથી કૉંગ્રેસના જીતુ ચૌધરીએ ભાજપના મધુભાઈ રાવતને હરાવ્યા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો