હાથરસ ઘટનાથી ભાજપને ગુજરાતની પેટાચૂંટણીમાં ફટકો પડશે?

    • લેેખક, સુરેશ ગવાણિયા
    • પદ, બીબીસી ગુજરાતી

ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી સાથે થયેલા કથિત ગૅંગરેપ અને હત્યા બાદ દેશમાં ગુસ્સો છે, ગુજરાતમાં પણ કૉંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે.

સાત ઑક્ટોબરે ગુજરાત કૉંગ્રેસે અમદાવાદના કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધી 'પ્રતિકાર રેલી'નું આયોજન કર્યું હતું.

જોકે પોલીસે આ રેલીને મંજૂરી આપી નહોતી અને ગુજરાતના કૉંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

ગુજરાતમાં આગામી સમયમાં આઠ બેઠક માટે પેટાચૂંટણી યોજાનાર છે અને હાથરસનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે.

હાથરસ મામલે રાજ્યના દલિત સમાજના લોકો પણ વિરોધ કરી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય કે શું ગુજરાતની પેટાચૂંટણીમાં હાથરસ મામલે કોઈ અસર થશે ખરી?

કોરોનાકાળમાં પહેલી વાર ચૂંટણી

ગુજરાતમાં પહેલી વાર કોરોના મહામારીના સમયમાં ચૂંટણી યોજાઈ રહી છે. કોરોનાના કેસ પણ દિવસે-દિવસે વધી રહ્યા છે, જોકે મૃત્યુઆંકમાં પહેલાં કરતાં ઘટાડો થયો છે.

અનલૉક-5માં પણ ઘણી છૂટછાટો આપવામાં આવી છે. પેટાચૂંટણીને લઈને ભાજપ અને કૉંગ્રેસ દ્વારા પણ સંગઠન સહિતના ક્ષેત્રે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

ત્રીજી નવેમ્બરે પેટાચૂંટણી માટેનું મતદાન યોજાશે અને દસમી નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.

જૂન 2019માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં, આ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

અબડાસા, લીંબડી, મોરબી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડા અને કરજણ એમ આઠ બેઠકની પેટાચૂંટણીઓ યોજાવાની છે.

આ વખતની પેટાચૂંટણીમાં રાજ્યમાં બેરોજગારી, સ્વાસ્થ્ય સંબંધિત સવાલો, કૃષિ બિલ વગેરે બાબતો પણ ધ્યાન ખેંચે તેવી છે.

તો અગાઉ બેરોજગાર યુવાનો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરી અને ભરતીની માગ કરી ચૂક્યા છે.

'રાજકીય નહીં પણ સામાજિક મુદ્દો'

વિશ્લેષક રોહિત શુક્લ આ બાબતને જરા જુદી રીતે મૂલવી આપે છે. બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે આ મુદ્દો રાજકીય નહીં પણ સામાજિક છે.

તેઓ કહે છે, "મને લાગે છે કે કૉંગ્રેસ ગુજરાતમાં આ મામલે એક થાય તો સારું, કેમ કે સવાલ માત્ર રેપનો કે એક છોકરીનો નથી, પરંતુ આમાં ઘણી બધી સમસ્યા ભેગી થઈ ગઈ છે."

તેઓ એમ પણ કહે છે કે માત્ર કૉંગ્રેસે નહીં પણ બધા પક્ષોએ ભેગા મળીને આ મુદ્દો ઉઠાવવો જોઈએ.

તેઓ આગળ કહે છે, "એક દલિત છોકરીને અત્યંત ખરાબ રીતે મારી નાખવામાં આવી, રાતે અગ્નિસંસ્કાર કરી નાખવામાં આવ્યા. આ સમાજને બહુ આંચકો આપનારી વાત છે."

"કૉંગ્રેસ ખરેખર દલિતના હિતને સમજનારી પાર્ટી છે. દલિતો અને આદિવાસીઓનું હિત કૉંગ્રેસના હૈયે હંમેશાં રહ્યું છે. રાજકીય લાભ માટે નહીં પણ એક સામાજિક ન્યાય, સામાજિક નૈતિકતાનો મુદ્દો કૉંગ્રેસે ઉપાડવો જોઈએ."

તો રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ બીબીસી સાથે વાત કરતાં કહે છે કે ચૂંટણીઓ મોટા ભાગે મુદ્દા વિના જ લડાતી હોય છે.

તેઓ કહે છે, "મને નથી લાગતું કે હાથરસના મુદ્દાની ગુજરાતની ચૂંટણીમાં અસર થાય, કેમ કે ગુજરાતની ચૂંટણી એ મુદ્દાઓ વિનાની ચૂંટણી છે."

"આ ચૂંટણી માત્ર પૈસાનો ખેલ છે, લોકોને ભરમાવવાનો ખેલ છે અને આમાં કોઈ મુદ્દા છે જ નહીં. લોકોને કેમ કરીને ભોળવવા એ જ ચાલી રહ્યું છે."

'સ્થાનિક મુદ્દા અને ઉમેદવાર મહત્ત્વના'

ગુજરાતમાં જે ચૂંટણીઓ યોજાઈ રહી છે તેમાં મોટા ભાગની સૌરાષ્ટ્રની બેઠકો છે.

રાજકીય વિશ્લેષક અજય નાયકના મતે ગુજરાતની પેટાચૂંટણીઓમાં હાથરસના મુદ્દાની ખાસ અસર નહીં થાય.

બીબીસી સાથે વાત કરતાં નાયક કહે છે કે "હાથરસના મુદ્દાની અસર ગુજરાતની ચૂંટણીમાં એટલા માટે નહીં થાય કે જે પેટાચૂંટણી થવાની છે, એ તમામ બેઠકો પર પહેલાં કૉંગ્રેસના ધારાસભ્યો હતા."

"એ લોકો રાજીનામાં આપીને ભાજપમાં જોડાયા છે. એટલે પેટાચૂંટણીમાં જે જંગ ખેલાશે એ સ્થાનિક ઉમેદવારો અને સ્થાનિક મુદ્દાઓને આધારે થશે."

તેઓ વધુમાં કહે છે કે "મોટા ભાગની બેઠકો સૌરાષ્ટ્રની છે, જ્યાં પાટીદારોનું પ્રભુત્વ છે. ગુજરાતની જે ચૂંટણી થશે એ મુખ્ય રીતે સ્થાનિક સ્તરે જ લડાશે, પક્ષાપક્ષી પણ એમાં બહુ નહીં આવે. એટલે બંને પક્ષ કેવા સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપે છે અને કેવા સ્થાનિક મુદ્દા છે એ મહત્ત્વનું છે."

તો સરદાર પટેલ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના પ્રોફેસર બળદેવ આગજા અનુસાર ગુજરાતની પેટાચૂંટણીમાં હાથરસના મુદ્દાની ચોક્કસ અસર થવાની છે.

તેઓ કહે છે, "હાથરસની જે ઘટના બની છે, એના આખા દેશમાં પડઘા પડ્યા છે. પેટાચૂંટણી આવી રહી છે અને છેલ્લા બે દિવસથી કૉંગ્રેસ આના પર વધુ મહત્ત્વ આપી રહી છે. એટલે આ પેટાચૂંટણીમાં અસર તો થવાની જ છે."

તેઓ એમ પણ કહે છે કે "અત્યારે ગુજરાતમાં ભાજપનું એવું કોઈ મોટું મોજું પણ નથી કે અસર કરે. એટલે ભાજપને આઠમાંથી ચાર બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે."

"હાથરસની ઘટના અને તાજેતરમાં ગુજરાતના જામનગરમાં બનેલી ઘટનાના સમાજમાં બહુ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. એટલે અસર તો થશે જ."

રોહિત શુક્લ હાથરસની ઘટનાની ગંભીરતા દર્શાવતાં વધુમાં જણાવે છે, "આ દેશમાં કંઈ નૈતિકતા જેવું છે કે નહીં, જેમ ફાવે તેમ રાજ્ય સરકાર વર્તે, પોલીસ અધિકારીઓ વર્તે અને આખી ઘટના અત્યંત દુખ ઉપજાવે તેવી છે. છેક યુનાઇટેડ નેશન્સ સુધી એના પડઘા પડ્યા છે."

તેઓ એમ પણ કહે છે કે ભાજપે પણ આમાં બહાર આવવું જોઈએ, કેમ કે આ પક્ષનો મુદ્દો છે જ નહીં.

"રાજકીય લાભ માટે નહીં પણ કૉંગ્રેસ જે વિચારો પર ઊભી છે, એની જે બુનિયાદ છે, એ બુનિયાદને અહીં પડકારવામાં આવી છે. એટલે કૉંગ્રેસે આ મુદ્દો પકડવો જોઈએ."

તેઓ ભાર દઈને કહે છે કે "ચૂંટણી તો આકસ્મિક છે. આવે ને જાય. હાર-જીત મારે મન મહત્ત્વની નથી. આજે સામાન્ય માણસ જાય ક્યાં, કોની પાસે આશા-અપેક્ષા રાખે એ મોટો સવાલ થઈ ગયો છે."

"એટલે કૉંગ્રેસે આમાં બરાબર મેદાનમાં ઊતરવું જોઈએ અને કસીને વાત કરવી જોઈએ."

ભાજપ-કૉંગ્રેસ શું માને છે?

કૉંગ્રેસના ગુજરાતના પ્રવક્તા મનીષ દોશી કહે છે કે અમારા માટે આ કોઈ રાજકીય નહીં પણ મહિલાઓનાં સન્માન-અધિકારીનો મુદ્દો છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું કે "હાથરસની ઘટના હોય કે જામનગરની ઘટના હોય, મહિલા સુરક્ષાની વાત હોય; રાજકીય મુદ્દાથી ઉપર ઊઠીને રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કથળી ગયેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામેની અમારી આ લડાઈ છે."

તેઓ કહે છે કે "કૉંગ્રેસ પક્ષ સ્પષ્ટ રીતે માને છે કે દીકરીઓને સુરક્ષા મળવી જોઈએ. અમારી માટે મહિલાની સુરક્ષા અને સન્માનનો મુદ્દો છે, રાજકીય મુદ્દો નહીં."

તેમણે હાથરસની ઘટના અંગે કહ્યું, "એટલું જ નહીં હાથરસની ઘટનાનું સત્ય બહાર લાવવા માટે કૉંગ્રેસ, મીડિયા કે અન્ય સંસ્થાઓ લડી રહી છે, તેમના પર ડંડા વરસાવાઈ રહ્યા છે, પણ અસામાજિક તત્ત્વોને રોકવાની કામગીરી કરાતી નથી."

તો ગુજરાત ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળા કહે છે કે ગુજરાતની પેટાચૂંટણીમાં આ પ્રકારનો કોઈ મુદ્દો નથી.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "ગુજરાતની જનતા સમજુ છે અને સારી રીતે જાણે છે કે આ મુદ્દાને રાજકીય હાથો બનાવવાનું કામ કૉંગ્રેસનું છે."

તેઓ કહે છે કે ઉત્તર પ્રદેશમાં જે ઘટના બની એ દુખદ છે, પરંતુ એને રાજકીય રંગ આપવો એ ખોટું છે.

તેઓ વધુમાં કહે છે, "ભાજપની સરકાર (ગુજરાતમાં અને કેન્દ્રમાં પણ) તમામ લોકોને સાથે રાખીને બધાનો સર્વાંગી વિકાસ થાય એ રીતે કામ કરે છે અને એટલે જ છ વાર વિધાનસભા (ગુજરાત)માં લોકોએ આશીર્વાદ આપ્યા અને લોકસભા (ગુજરાત)માં પણ બીજી વાર 26માંથી 26 સીટ આપી છે."

તેઓ એમ પણ કહે છે કે આવનારી તમામ આઠ વિધાનસભા બેઠક પર લોકોના આશીર્વાદ ભાજપની સાથે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો