અનલૉક-4 અને અનલૉક-5 વચ્ચે ગુજરાતમાં કોરોનાએ કેવો કેર મચાવ્યો?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોના મહામારીનો ચેપ વધુ ન ફેલાય એ માટે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને જાહેરજીવનની કેટલીક બાબતો પર નિયંત્રણો મૂકવામાં આવ્યાં હતાં. એ પછી તબક્કા વાર અનલૉક- એક, બે, ત્રણ, ચાર એમ જાહેર કરીને એમાં છૂટછાટ આપવામાં આવી હતી.

હવે વધુ નિયમો સાથે વધુ કેટલીક છૂટછાટ આપીને અનલૉક-5ની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં એક સપ્ટેમ્બરથી અનલૉક-4ની અમલવારી થઈ હતી અને વધુ કેટલીક છૂટછાટ અપાઈ હતી.

રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના માથું ઊંચકી રહ્યો છે. અમદાવાદ જેવા શહેરમાં હૉસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે.

જોવાનું એ રહે છે કે હવે અનલૉક-પાંચ અંતર્ગત વધુ છૂટછાટ આપવામાં આવી છે એને લીધે કેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.

હાલમાં કોરોના સંક્રમિતોનો આંકડો ગુજરાતમાં દોઢ લાખ પાસે પહોંચી ગયો છે. સપ્ટેમ્બર મહિનો કોરોનાની દૃષ્ટિએ ગુજરાત માટે ખૂબ આકરો રહ્યો હતો.

ઑક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં સરેરાશ 1350 કેસ રોજના નોંધાયા છે. અનલૉક-4 લાગુ થયું ત્યારે 3 સપ્ટેમ્બરે ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમિતોની કુલ સંખ્યા એક લાખને પાર કરી ગઈ હતી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનો અહેવાલ કહે છે કે રાજ્યના 29 ટકા કોરોના કેસ સપ્ટેમ્બરમાં નોંધાયા હતા. ઑગસ્ટ મહિનામાં ગુજરાતમાં 33,861 લોકો કોરોના સંક્રમિત થયા હતા, તો સપ્ટેમ્બરમાં 39,649 કેસ નોંધાયા હતા.

જુલાઈમાં રાજ્યમાં રોજિંદા નોંધાતા કોરોના કેસનો સરેરાશ આંકડો 929 હતો, જે ઑગસ્ટમાં 1129 થયો અને સપ્ટેમ્બરમાં 1365 થયો. ટૂંકમાં અનલૉક-4 લાગુ થયા પછી રાજ્યમાં કોરોના સંક્રમણ વધ્યું છે.

હવે અનલૉક-5માં વધુ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે, જેમ કે એસટી (સ્ટેટ ટ્રાન્સપૉર્ટ) તેમજ ખાનગી બસમાં 75 ટકા મુસાફરોને બેસાડી શકાશે.

સિનેમાઘર તેમજ મલ્ટિપ્લેક્સ થિયેટર્સને પચાસ ટકા દર્શકોની મર્યાદા સાથે પંદર ઑક્ટોબરથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

રેસ્ટોરાં અને હોટલ્સ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લાં રહી શકશે. દ્વીચક્રી વાહનમાં બે વ્યક્તિ માસ્ક, ફેસકવર સાથે સવારી કરી શકશે વગેરે.

આ ઉપરાંત શૉપિંગ મૉલ્સ માટે 8 જૂને આપવામાં આવેલી મંજૂરી મુજબ નિયમો સાથે યથાવત્ રહેશે અને મંદિરો 7 જૂને આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી નિયમાવલી મુજબ જ ચાલુ રહેશે.

આવનારા દિવસો આકરા રહેશે

અનલૉક-5માં વધુ છૂટછાટ અપાઈ છે ત્યારે કોરોનાની સ્થિતિ રાજ્યમાં કેવી રહેશે એ વિશે જણાવતાં અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનનાં વડાં મોનાબહેન દેસાઈ બીબીસીને કહે છે કે "અનલૉક તો કરવું જ પડે એમ છે નહીંતર રોજગાર-ધંધાને અત્યંત માઠી અસર પડે એમ છે."

"મુદ્દાની વાત એ છે કે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવે અને માસ્ક ન પહેરે તો કોરોનાનો ઉપદ્રવ વધવાનો જ છે. લોકો ટોળામાં નીકળે તો કોરોના વકરવાનો જ છે. આપણે ત્યાં એવું જ થઈ રહ્યું છે."

"જોવાનું એ રહે છે કે લોકો કઈ રીતે અનલૉકના નવા તબક્કાને સમજે અને અનુસરે છે. અત્યાર સુધી એવું જ જોવા મળ્યું છે કે લોકો ગંભીરતાથી નથી લઈ રહ્યા."

"દુનિયાના ઘણા દેશોમાં કોરોના હતો અને ત્યાં પણ છૂટછાટ આપવામાં આવી અને એમાંના કેટલાય દેશ કોરોનામાંથી બહાર આવી રહ્યા છે. આપણે ત્યાં જાગૃતિ નથી તેથી સમસ્યા દૂર થતી નથી."

"કોરોનાનો વ્યાપ ન વધે એ માટે અનલૉકના તબક્કા કરતાં લોકોની શિસ્ત એમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. આપણે ત્યાં કોરોના સામેની શિસ્તનો ખૂબ અભાવ છે."

અનલૉક-4માં કેસ વધ્યા છતાં અનલૉક-5માં વધુ છૂટછાટ આપવી જોઈએ?

આ સવાલના જવાબમાં ગાંધીનગરસ્થિત 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ'ના ડિરેક્ટર ડૉ. દિલીપ માવળંકર માને છે કે "કેસ તો વધવાના જ છે, પરંતુ મૃત્યુદર કેટલો છે એનું અવલોકન કરવું વધુ જરૂરી છે."

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે "અનલૉક તો કરવું જ પડે, કારણ કે કોઈ વિકલ્પ નથી. બીજી બાબત એ છે કે હાલમાં જ આઈસીએમઆર (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ)નો એક અભ્યાસ કહે છે કે એક કેસ પકડાય છે એની સામે ત્રેવીસથી અટ્ઠાવીસ વ્યક્તિ ઍસિમ્પ્ટોમેટિક ફરે છે."

"ગુજરાતમાં જો એક હજાર કેસ નોંધાય તો એનો મતલબ એ કે ત્રેવીસ હજાર લોકો જે તાવ, શરદી, ઉધરસનાં લક્ષણ વગર ફરે છે પણ તેમની અંદર પણ કોરોના છે."

તેઓ કહે છે કે "ટૂંકમાં, જે કેસ નોંધાય છે એ તો હિમશીલાની ટોચ માત્ર છે. દરિયામાં હિમશીલા તરતી હોય ત્યારે એની ટોચ જ માત્ર દેખાય છે. નેવું ટકા હિમશીલા તો દરિયાની અંદર હોય છે."

"કોરોનામાં તો દશ ટકા પણ નહીં પાંચ ટકા જ બહાર દેખાય છે, કોરોનાના પંચાણું ટકા દરદી તો નોંધાતા-દેખાતા નથી."

મૃત્યુદર વિશે વાત કરતાં ડૉ. માવળંકર કહે છે, "આવા લક્ષણ ન ધરાવતાં કોરોના પૉઝિટિવ લોકોથી પણ કોરોના ફેલાય છે. તેથી કેસ તો વધવાના જ છે. અગત્યની બાબત છે મૃત્યુદર ખરેખર કેટલો છે એ જોવું-જાણવું જોઈએ."

"મૃત્યુદર કાબૂમાં રહે એ ખૂબ જરૂરી છે. એનું સતત નિરીક્ષણ થવું જોઈએ. ટીબી (ટ્યુબરક્યુલોસિસ) જોવા રોગમાં પણ પાંચ ટકા મૃત્યુદર હોય છે."

લોકો વધુ જાગૃતિ દાખવે એ માટે કોરોનાથી મૃત્યુ પામતાં લોકોનો મૃત્યુદર વિગતવાર રજૂ થવો જોઈએ એવું પણ ડૉ. માવળંકર માને છે.

તેઓ કહે છે કે "ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં કેસ તો જોવા મળે છે પણ મૃત્યુ નથી જોવા મળતા. તેથી વિસ્તાર અનુસાર નોંધાતા મૃત્યુદર જાહેર કરવા જોઈએ. દા.ત., ગીર-સોમનાથના વેરાવળ તાલુકામાં મૃત્યુદર આટલો છે."

"અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં મૃત્યુદર આટલો છે વગેરે. સમગ્ર રાજ્યનો સેરરાશ મૃત્યુદર જાહેર થાય છે એને બદલે વિસ્તાર મુજબ મૃત્યદર જાહેર કરે તો આ મામલે વધુ સ્પષ્ટતા જોવા મળે."

"આને લીધે જો ક્યાંય વધુ મૃત્યુદર હોય તો ત્યાં વધારે સાવધાની રાખવાની લોકોને ખબર પડે. તેથી દેશમાં જિલ્લા અને તાલુકા અનુસાર મૃત્યુદર જાહેર કરવા જોઈએ. સમગ્ર રાજ્યનો મૃત્યુદર એ બદલાવભર્યો હોય છે. તેથી જિલ્લા અને તાલુકા અનુસાર દર બહાર પાડવો જોઈએ."

નવરાત્રી વિશે સરકાર જાહેરનામું બહાર પાડશે?

મુખ્ય મંત્રી વિજય રૂપાણી અમદાવાદમાં યોજાતો વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ રદ થયાની જાહેરાત કરી ચૂક્યા છે.

30 સપ્ટેમ્બરે યોજાયેલી ગુજરાત સરકારની કૅબિનેટની બેઠક બાદ નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું હતું, "ગુજરાત સરકારનું વલણ સ્પષ્ટ છે. સરકાર પોતે અધિકૃત રીતે કોઈ પણ પ્રકારના ગરબાનું આયોજન નહીં કરે."

ક્લબો અને પ્લોટમાં મોટા પાયે આયોજિત થતાં ગરબા અંગે તેમણે કહ્યું હતું, "ગરબાના સંચાલકોએ સ્વૈચ્છિક જાહેરાત કરી દીધી છે કે અમે ગરબાનું આયોજન નહીં કરીએ."

"ડૉક્ટરોનો આગ્રહ છે કે કોરોનાનું સંક્રમણને ધ્યાને લેતાં રાજ્ય સરકારે મોટા ગરબાના આયોજનને મંજૂરી આપવી જોઈએ નહીં. એટલે ખાનગી પાર્ટીપ્લૉટ કે વ્યાવસાયિક ગરબાને પરવાનગી આપવાની શક્યતા મને જણાતી નથી."

મહોલ્લા, શેરી અને સોસાયટીમાં યોજાતા ગરબા અંગે નીતિનભાઈ પટેલે અગાઉ કહ્યું હતું, "મર્યાદિત સંખ્યામાં ધાર્મિક પ્રવૃતિને ધ્યાનમાં રાખી મહોલ્લા શેરી અને સોસાયટીમાં યોજાતાં ગરબાને કેવી રીતે મંજૂરી આપવી તેનો કોઈ નિર્ણય કર્યો નથી."

એ બાદ 4 ઑક્ટોબરે નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે "200 લોકો સાથે અનલૉકની નવી ગાઇડલાઇન મુજબ ગરબા યોજાઈ શકે છે."

સામાજિક, શૈક્ષણિક, સ્પૉર્ટ્સ, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય કાર્યક્રમોમાં 100 લોકો ભાગ લઈ શકશે એવું અનલૉક-5ની જાહેરાતમાં એવું કહેવાયું છે.

તેથી હવે જોવાનું એ રહે છે કે રાજ્ય સરકાર આ મામલે કોઈ વિધિવત્ જાહેરાત કે જાહેરનામું બહાર પાડે છે કે નહીં.

પેટાચૂંટણીનો ધમધમાટ કોરોના વધારશે?

ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે એ પૂર્વે એટલે ઑક્ટોબર પ્રચારપ્રચૂર મહિનો રહેશે.

અત્યાર સુધી એવું જોવા મળ્યું છે કે વગર ચૂંટણીએ પણ રાજકીય નેતાઓએ રેલીઓ કાઢી છે અને સંક્રમણ ફેલાયું હોવાના આરોપો લાગ્યા છે.

હાલમાં જ ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ રોડના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં શશિકાંત પંડ્યા, ગાયિકા કિંજલ દવે વગેરે ઘોડે ચઢીને આવ્યાં હતાં.

તેમની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો.

એવી જ રીતે ભાજપના પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલે રાજ્યના કેટલાક જિલ્લાઓનો પ્રવાસ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

તેમાં હર્ષ સંઘવી જેવા ભાજપના ધારાસભ્યે તો ગરબા લીધા હતા અને પછી કોરોના સંક્રમિત પણ થયા હતા.

પાટીલની રેલીને વિપક્ષે કોરોના સંક્રમણની રેલી કહી હતી. એવી જ રીતે કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાથી લઈને કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પણ કોરોનાની ગંભીરતાને નેવે મૂકીને સંખ્યાબંધ કાર્યકરો સાથે કાર્યક્રમો આપ્યા હતા.

રાજ્યમાં માસ્ક ન પહેરવા બદલ જનતાએ અત્યાર સુધી 55 કરોડનો દંડ ચૂકવ્યો છે તો બીજી તરફ ભાજપના જયેશ રાદડિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વાસણભાઈ આહીર તેમજ કૉંગ્રેસનાં ગેનીબહેન ઠાકોર, મોહનસિંહ રાઠવા વગેરે નેતાઓ માસ્ક વગર કાર્યક્રમમાં જોવા મળ્યા હોય તેના પણ દાખલા છે.

હવે ચૂંટણી નજીક છે ત્યારે સવાલ એ છે કે જે નેતાઓએ વગર ચૂંટણીએ કોરોના સામેની સાવચેતીના નિયમો નથી જાળવ્યા તેઓ હવે પ્રચાર દરમ્યાન નિયમો જાળવશે કે કેમ?

મોના દેસાઈ કહે છે કે "આપણે ત્યાં કોરોનાની ગંભીરતા લોકોમાં નથી એમ હું જ્યારે કહું છું ત્યારે એ લોકોમાં દરેકનો સમાવેશ થાય છે. પછી તે શિક્ષિત હોય, અશિક્ષિત હોય કે રાજકીય પાર્ટીના લોકો હોય."

શાળા-કૉલેજો બંધ તો સિનેમાઘર શરૂ કરવા જોઈએ?

અનલૉક-5માં હવે પચાસ ટકાની દર્શકમર્યાદા સાથે 15 ઑક્ટોબરથી સિનેમાઘરોને ખુલ્લાં મૂકવાની છૂટ આપવામાં આવી છે.

આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ડૉ. માવળંકર કહે છે કે "એકતરફ શાળા-કૉલેજ બંધ રાખવામાં આવ્યાં છે અને મલ્ટિપ્લેક્સને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે એ નિર્ણય ગળે ઊતરતો નથી."

"મલ્ટિપ્લેક્સમાં તો ઍરકન્ડીશનર હોય છે અને હૉલ બંધ હોય છે, જે કોરોનાની દૃષ્ટિએ જોખમી કહી શકાય. સ્કૂલ-કૉલેજોમાં તો એસી પણ નથી હોતાં."

ડૉ. માવળંકર કહે છે કે "ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ચેપ ફેલાયો હશે પણ એટલા બધા કેસ જોવા મળ્યા નથી. કદાચ ત્યાં લોકોની રોગપ્રતિકારક ક્ષમતા વધુ હોઈ શકે."

"અમદાવાદની જ વાત કરીએ તો જે માઇક્રો કન્ટેઇન્મૅન્ટ ઝોન જાહેર થાય છે, એમાં છેલ્લાં દોઢ-બે મહિનાથી કોઈ ઝૂંપડપટ્ટી ઇલાકા જોવા મળ્યા નથી."

સંપન્ન વિસ્તારો કરતાં વંચિત વિસ્તારોમાં કોરોનાએ કેર ઓછો મચાવ્યો છે, એવું સંક્રમણના આંકડાઓનું અવલોકન કરતાં માલૂમ પડે છે

"એ યાદીમાં ફ્લેટ અને બંગલાવાળા જોવા મળે છે, પણ ઝૂંપડપટ્ટીના લોકો નથી જોવા મળતા. અમદાવાદના ગુલબાઈ ટેકરાના જે વસતી વિસ્તારને કન્ટેઇન્મૅન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો એ વખતે ત્યાં વીસ હજારની વસતીમાં પચાસ જેટલા લોકો પૉઝિટિવ જોવા મળ્યા હતા. જે સરખામણીએ નાનો આંકડો કહી શકાય."

તેઓ વધુમાં કહે છે, "એક ઝૂંપડામાં બબ્બે-પાંચ પાંચ લોકો રહેતા હોય અને કોરોના ન ફેલાયો હોય તો એ રોગપ્રતિકારક ક્ષમતા કહો કે કુદરતની કૃપા કહો જે કહો તે પણ આવું જોવા મળ્યું છે ખરું."

"આ ઉપરાંત, કોરોનાના હજારો કેસ નોંધાયા એમાંથી એવા કેટલા નીકળ્યા કે જેમનાં સરનામાં તરીકે તેઓ ભટકતા-વિચરતા હોય એવું લખ્યું હોય કે કે પુલ નીચે કે ફૂટપાથ પર રહેતા હોય એવું નોંધ્યું હોય?"

"આનું પણ અવલોકન થવું જોઈએ. આનું અવલોકન થાય તો વાઇરસના ફેલાવાની ગતિવિધિ વિશે ખયાલ આવે."

શિયાળામાં સંક્રમણ વધશે?

અમદાવાદમાં કોરોનાના દરદીઓને કૉર્પોરેશનના ક્વોટા હેઠળ સારવાર આપતી હૉસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે.

અમદાવાદ હૉસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ્સ ઍસોસિયેશનના હવાલા સાથે આઉટલૂકનો 28 સપ્ટેમ્બરે એવો અહેવાલ હતો કે 80 ટકા ખાટલા દરદીઓથી ભરેલા છે.

વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાએ ઊથલો માર્યો છે અને સંક્રમણ વધ્યું છે. જેમ કે, સ્પેનની રાજધાની મેડ્રિડમાં આંશિક લૉકડાઉન લાગુ થયું છે. જે અંતર્ગત 10 લાખ લોકો ઘરમાં છે.

યુકેમાં જુલાઈની શરૂઆતમાં લૉકડાઉનમાં વધારે છૂટ આપવામાં આવી હતી, એ પછી આરોગ્યનિષ્ણાતોએ સરકારને કોરોના સંક્રમણની બીજી લહેર માટે તૈયાર રહેવાની ચેતવણી આપી હતી.

મોના દેસાઈએ કહ્યું કે "કોરોના પર નિરીક્ષણ કરી રહેલા વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે નવેમ્બરમાં ભારતમાં કોરોનાની મોટી લહેર આવશે. નવેમ્બરમાં ઠંડક વધુ હશે. કોરોના બાબતે લોકોની શિસ્તનો અત્યાર સુધીનો રેકૉર્ડ ખરાબ છે એવામાં જો આવનારા દિવસોમાં તકેદારી ન રાખીએ તો પરિણામ વધુ ભયંકર આવી શકે છે."

"શિયાળામાં ઠંડા વાતાવરણમાં વાઇરલ ઇન્ફેક્શન વધુ ફેલાય છે. આપણે ત્યાં તો ઉનાળા અને ચોમાસામાં પણ કોરોનાના વાઇરસ ખૂબ ફેલાયા છે, ત્યારે નવેમ્બરમાં કોરોનાનો ગંભીર વાયરો ફુંકાઈ શકે એમ છે."

"હૉસ્પિટલોમાં ખાટલા ખૂટી પડ્યા છે. ત્યારે જો પરિસ્થિતિ છે એના કરતાં વધુ ખરાબ થશે તો એ સ્થિતિ વધારે ભયાવહ રહેશે."

કોવિડ-19 કોરોના વાઇરસે જો એના પરિવારના અન્ય વાઇરસની જેમ જ વ્યવહાર કર્યો તો શિયાળામાં તેનું સંક્રમણ વધી જશે. કોલંબિયા યુનિવર્સિટીના ઍન્વાયરમેન્ટલ હેલ્થ સાયન્સીસ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર મિકેલા માર્ટિનેઝનો આ દાવો છે.

તેઓ બદલાતી ઋતુ સાથે કોઈ વાઇરસના સ્વરૂપમાં આવનારા ફેરફારોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે.

મિકેલા માર્ટિનેઝનું માનવું છે કે સંક્રામક રોગોના ગ્રાફમાં આખા વર્ષ દરમિયાન ઉતારચઢાવ આવ્યા કરે છે.

તેઓ કહે છે, "મનુષ્યમાં થતા દરેક સંક્રામક રોગની એક ખાસ ઋતુ હોય છે. જેવી રીતે શિયાળામાં ફ્લૂ અને કૉમન કોલ્ડ થાય છે એ જ રીતે ગરમીઓમાં પોલિયો અને વસંતઋતુમાં મીઝલ્સ અને ચિકનપોક્સ ફેલાય છે. સંક્રામક રોગ ઋતુ પ્રમાણે વધે છે એટલા માટે એમ માનવામાં આવી રહ્યું છે કે કોરોના વાઇરસ પણ શિયાળામાં વધશે."

વૈજ્ઞાનિકો આના બે મુખ્ય કારણ માને છે. કોરોના વાઇરસના વિષયમાં અત્યાર સુધી જે પ્રમાણ મળ્યા છે તે બતાવે છે કે ભેજ જ્યારે ઘણો વધારે હોય છે ત્યારે કોરોના વાઇરસ માટે ફેલાવું મુશ્કેલ હોય છે.

મિકેલા માર્ટિનેઝ અનુસાર, "ફ્લૂમાં એવું થાય છે કે વાઇરસ તાપમાન અને હવામાં હાજર ભેજના હિસાબથી ફેલાય છે. આ નિશ્ચિત રીતે એક સમસ્યા છે. વાઇરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સરળતાથી જશે કે નહીં, ભેજ એમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે."

એનો અર્થ એ થયો કે શિયાળામાં તાપમાન ઘટવાથી જ્યારે ભેજમાં ઘટાડો થશે ત્યારે આ વાઇરસ હવામાં વધુમાં વધુ સમય સુધી હાજર રહી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો