હાથરસ કેસ : SITને યોગી આદિત્યનાથે વધુ 10 દિવસનો સમય આપ્યો

હાથરસ કેસ મામલે ઉત્તર પ્રદેશના અધિક મુખ્ય સચિવ (ગૃહ) અવનીશ અવસ્થીએ જણાવ્યું છે કે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના આદેશ પર વિશેષ તપાસ પક્ષ (એસઆઈટી)ને પોતાનો રિપોર્ટ જમા કરવા માટે વધુ 10 દિવસનો સમય અપાયો છે.

આ પહેલાં આશા હતી કે SIT બુધવારના રોજ પોતાનો રિપોર્ટ ઉત્તર પ્રદેશ સરકારને સોંપશે.

મંગળવારના રોજ SITએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. સાથે જ ઘટનાસ્થળ સહિત એ જગ્યાએ તપાસ કરી હતી, જ્યાં યુવતીના મૃતદેહને પોલીસે સળગાવ્યો હતો.

29 સપ્ટેમ્બરના રોજ મુખ્ય મંત્રી યોગીએ ગૃહસચિવ ભગવાન સ્વરૂપના નેતૃત્વમાં ત્રણ સભ્યોની ટીમની તપાસ માટે રચના કરી હતી, તેમને સાત દિવસમાં રિપોર્ટ સોંપવાના આદેશ આપ્યા હતા.

જોકે પીડિત પરિવાર આ મામલે ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસની માગ કરી રહ્યો છે.

શનિવારના રોજ સીએમ યોગીએ પણ કહ્યું હતું કે તેઓ 'હાથરસ મામલે ઊંડાણપૂર્વક તપાસ માટે CBI પાસે તપાસ કરાવવા માટે રજૂઆત કરી રહ્યા છે.'

આ કેસની તપાસ ચાલુ છે અને દરરોજ નવી બાબતો સામે આવી રહી છે. યુપી પોલીસે થોડા સમય પહેલાં આ મામલે ગૅંગરેપની શક્યતાને નકારી દીધી હતી.

હાથરસ કેસમાં 'હિંસા ન વધે એ માટે પીડિતાનો મૃતદેહ સળગાવ્યો'

હાથરસ કેસમાં ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંધનામું રજૂ કર્યું છે અને કહ્યું છે કે આ કેસમાં કોર્ટ સીબીઆઈ તપાસના આદેશ આપે.

ઉત્તર પ્રદેશની સરકારે કોર્ટને કહ્યું છે કે સીબીઆઈ તપાસમાં સુનિશ્ચિત થશે કે કોઈ નિહિત સ્વાર્થથી પ્રેરિત ખોટાં કે જૂઠાં નૅરેટીવ બનાવવામાં સફળતા ન મળે.

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેની અધ્યક્ષતામાં એક બેન્ચ હાથરસ કેસમાં જાહેર હિતની અરજી પર સુનાવણી કરી રહી છે.

ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે તેમણે અગાઉ કેન્દ્ર સરકાર સમક્ષ પણ સીબીઆઈ તપાસ માટે અરજ કરી હતી.

બીબીસી માટે સુપ્રીમ કોર્ટ કવર કરતાં સુચીત્ર મોહંતીએ જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલા સોગંધનામામાં ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું છે કે 'યોગ્ય તપાસ' છતાં રાજકીય પક્ષો પ્રૉપેગૅન્ડા ચલાવી રહ્યા છે અને મીડિયાનો એક હિસ્સો યોગી સરકારની છબિ ખરડે એવા પ્રયાસ કરી રહ્યા છે.

સોગંધનામામાં એવું કહ્યું છે કે હાથરસ મામલાને કેટલાંક રાજકીય પક્ષો અને મીડિયા સાંપ્રદાયિક અને જ્ઞાતિવાદના રંગે રંગી રહ્યાં છે.

ઉત્તર પ્રદેશ સરકારે સોગંધનામામાં કહ્યું છે કે જ્યારે પીડિતાના મૃતદેહને દાહ આપવામાં આવ્યો ત્યારે તેમના પરિવારના સભ્યો હાજર હતા.

તેમાં એવું પણ લખ્યું છે કે હિંસા ન વધે એ માટે મૃતદેહને રાત્રે સળગાવ્યો હતો, પરિવારના સભ્યોએ આ માટે હા પાડી હતી અને જે કંઈ પણ કરવામાં આવ્યું હતું તે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કરવામાં આવ્યું હતું.

પ્રિયંકા ગાંધીનું યોગી સરકાર પર નિશાન, 'ડીએમ પર કાર્યવાહી ક્યારે'

કૉંગ્રેસના મહાસચિવ અને ઉત્તર પ્રદેશનાં પ્રભારી પ્રિયંકા ગાંધીએ હાથરસ કેસમાં ફરી એક વખત મુખ્ય મંત્રી યોદી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે.

સોમવારે તેમણે ટ્વીટ કરીને પૂછ્યું હતું કે હાથરસના ડીએમ પર ક્યારે થશે કાર્યવાહી.

પ્રિયંકા ગાંધી કહ્યું કે યોગી સરકાર પરિવારની માગ અનુસાર ન્યાયિક તપાસનો નિર્ણય ક્યારે કરશે?

યોગી સરકારે આ સમગ્ર મામલામાં સીબીઆઈ તપાસની સિફારસ કરી છે પણ પીડિત પરિવારનું કહેવું છે કે તેમને ઉત્તર પ્રદેશ પોલીસ અને સીબીઆઈ બંને પર ભરોસો નથી.

તેઓ માગ કરી રહ્યા છે કે આ મામલામાં ન્યાયિક તપાસ કરવામાં આવે.

પ્રિયંકાએ કહ્યું કે ભાજપ હજી પણ છોકરી વિરુદ્ધ દુષ્પ્રચાર કરી રહ્યો છે.

પીડિત પરિવારની સુરક્ષા વધારાઈ, આપ નેતા સંજયસિંહ પર શાહી ફેંકાઈ

હાથરસમાં પીડિત પરિવારની સુરક્ષા ઉત્તર પ્રદેશ સરકારે વધારી દીધી છે. મૃતક યુવતીના ભાઈને બે બંદુકધારી પોલીસની સુરક્ષા આપવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના એડિશનલ ચીફ સેક્રેટરી અવનીશ કુમાર અવસ્થીએ સમાચાર સંસ્થા પીટીઆઈને કહ્યું કે "હાથરસમાં પીડિત પરિવારના ઘરની આસપાસ સુરક્ષા વધારવામાં આવી છે અને પરિવારને પણ સુરક્ષા આપવામાં આવી છે."

પોલીસનું કહેવું છે કે "ગામમાં 12થી 15 પીએસી જવાનો પરિવારની 24 કલાક સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા છે."

આ ઉપરાંત હાથરસ પોલીસે કહ્યું કે મૃતક યુવતીના ભાઈ માટે પણ બે સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે.

એમણે કહ્યું કે, કૉન્સ્ટેબલ, તીન એસએચઓ, એક ડેપ્યુટી એસપી રેન્કના અધિકારીને તહેનાત કરવામાં આવ્યા છે. ગામમાં સુરક્ષા માટે મહિલા પોલીસકર્મીઓને પણ તહેનાત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત મૅજિસ્ટ્રેટ પણ ત્યાં હાજર છે.

આ દરમિયાન આજે હાથરસમાં પીડિત પરિવારની મુલાકાતે ગયેલા આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ પર અજ્ઞાત વ્યક્તિએ શાહી ફેંકી હોવાની ઘટના પણ બની છે.

સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ સંજયસિંહ પર શાહી ફેંકવામાં આવી હતી. શાહી ફેંકનાર વ્યક્તિને પોલીસે સ્થળથી દૂર કરી છે અને આગળની કાર્યવાહી કરાઈ રહી છે.

'પોલીસે 11 દિવસ પછી પીડિતાના સૅમ્પલ લીધા, રિપોર્ટ બેમતલબ'

જવાહરલાલ નહેરુ હૉસ્પિટલના મુખ્ય મેડિકલ ઑફિસર ડૉ. અઝીમ મલિકે કહ્યું કે જે મહિલા પર કથિત રીતે ગૅંગરેપ કરવામાં આવ્યો હતો તેમના સૅમ્પલ પોલીસે 11 દિવસ પછી એકઠા કર્યા હતા.

હાથરસની પીડિતાને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની જવાહરલાલ નહેરુ મેડિકલ કૉલેજમાં પહેલાં બે અઠવાડિયાં રાખવામાં આવ્યાં હતાં.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર કથિત હાથરસ ગૅંગરેપ કેસમાં રેપ થયો નથી, એવું કહેતા એફએસએલ રિપોર્ટ સામે પ્રશ્નો ઊભા થયા છે.

જ્યારે સરકારની ગાઇડલાઇન પ્રમાણે ફોરેન્સિક પુરાવાઓ ઘટનાના 96 કલાક સુધી જ મળે છે. આ રિપોર્ટ ઘટનામાં રેપના પુરાવા આપતો નથી. મહિલા પર 14 સપ્ટેમ્બરે કથિત રીતે રેપ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ તેમને 22 સપ્ટેમ્બરે ભાન આવ્યું હતું ત્યારે પોલીસે તેમનું નિવેદન લીધું હતું અને રેપની કલમને એફઆઈઆરમાં ઉમેરી હતી.

પીડિતાના નિવેદનના આધારે ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં 25 સપ્ટેમ્બર 11 દિવસ પછી સૅમ્પલ મોકલવામાં આવ્યા હતા.

એફએસએલના રિપોર્ટને ટાંકીને ઉત્તર પ્રદેશ પોલીસે દાવો કર્યો હતો કે મહિલા પર રેપ થયો નથી.

જવાહરલાલ નહેરુ મેડિકલ કૉલેજના ડૉ. હમઝા મલિકે કહ્યું, "કેવી રીતે એફએસએલની ટીમ 11 દિવસ પછી પુરાવાઓને શોધી શકે? સ્પર્મ 2-3 દિવસ પછી ટકી ન શકે."

"તેમણે વાળ, કપડાં, નખના કચરા અને યોનિમાર્ગમાંથી પુરાવા લેવાના હોય છે. પેશાબ કરતા, મળોત્સર્જન કરતા અને માસિક સ્રાવને કારણે સીમન રહેતું નથી."

વિકાસવિરોધીઓ જાતીય રમખાણો ભડકાવવા માગે છે - યોગી આદિત્યનાથ

હાથરસ કેસમાં વિરોધપ્રદર્શન કરી રહેલા વિપક્ષ પર પલટવાર કરતાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોદી આદિત્યનાથે કહ્યું કે જેમને વિકાસ નથી ગમતો, તેઓ જાતીય અને સાંપ્રદાયિક રમખાણો ભડકાવવા માગે છે.

તેમણે કહ્યું, "રમખાણોની આડશમાં તેમને રાજકીય રોટલા શેકવાનો મોકો મળશે, એટલે એ લોકો અવારનવાર કાવતરા રચે છે."

"આ કાવતરાઓથી ચેતીને આપણે વિકાસની પ્રક્રિયાને ઝડપથી આગળ વધારવાની છે."

મુખ્ય મંત્રીએ રવિવારે વીડિયો કૉન્ફરન્સ યોજીને મંડળ, સેક્ટર અને બૂથ સ્તરના કાર્યકરોને સંબોધન કર્યું હતું.

સાથે જ તેમણે એક ટ્વીટ કર્યું હતું, "સંવાદના માધ્યમથી મોટી-મોટી સમસ્યાઓનું સમાધાન શક્ય છે. નવા ઉત્તર પ્રદેશમાં સંવાદ જ તમામ સમસ્યાઓના સમાધાનનું માધ્યમ છે."

પીડિત પરિવાર માટે ન્યાયની માગ સાથે દેશ-વિદેશમાં પ્રદર્શન

હાથરસના કથિત રેપની ઘટનાને લઈને અલગ-અલગ ક્ષેત્રોના અંદાજે દસ હજાર લોકો લગભગ દેશનાં તમામ રાજ્યોમાં એકઠા થયા અને પ્રદર્શનો યોજ્યાં છે.

આ ઉપરાંત વિદેશમાં પણ સરકાર અને તંત્ર વિરુદ્ધ પ્રદર્શનો યોજાયાં છે.

અમેરિકા, બ્રિટન, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, યુએઈ, હૉંગકૉંગ, જાપાન, નેપાળ, નેધરલૅન્ડ, સ્વીડન, સ્લોવેનિયા સહિતના દેશોમાં પ્રદર્શનો યોજાયાં હતાં.

લોકોએ પ્રદર્શન દરમિયાન દલિત યુવતી માટે ન્યાયની માગ કરી હતી.

આ સાથે જ પ્રદર્શનકારીઓએ આ ઘટનાની નિંદા કરી હતી.

નિવેદનમાં કહેવામાં આવ્યું કે યૌન હિંસા અને હત્યાની સતત બીજી ઘટના થવા છતાં દેશના લોકોની ચેનતા એટલી પ્રભાવિત નથી થઈ કે મહિલાઓ વિરુદ્ધ થઈ રહેલ હિંસા પર લગામ લગાવવા માટે ગંભીર પ્રયાસ કરવામાં આવે.

ચંદ્રશેખર આઝાદની માગ, પીડિતાના પરિવારને વાય સ્તરની સુરક્ષા આપો

ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ હાથરસમાં પીડિત પરિવારને મળ્યા અને તેમણે પીડિત પરિવાર માટે સુરક્ષાની માગ કરી.

તેમણે જણાવ્યું કે પરિવાર ગામમાં સુરક્ષિત નથી.

આઝાદે કહ્યું, "હું પરિવાર માટે 'વાઈ કૅટેગરી'ની સુરક્ષાની માગ કરું છું અથવા હું પરિવારને મારી ઘરે લઈ જઈશ. તેઓ અહીં સુરક્ષિત નથી. અમે સુપ્રીમ કોર્ટના નિવૃત જજની દેખરેખ હેઠળની તપાસ ઇચ્છીએ છીએ."

અહીં નોંધનીય છે કે યોગી આદિત્યનાથની સરકારે હાથરસની ઘટનામાં સીબીઆઈ તપાસ કરાવવાનો નિર્ણય લીધો છે.

મૃત યુવતીના પિતા બીમાર, મેડિકલ દેખરેખ હેઠળ

મૃત યુવતીના પિતા બીમાર પડી ગયા છે. એસઆઈટી તેમના ઘરે પૂછપરછ કરવા પહોંચી હતી.

એ બાદ એસઆઈટીએ તત્કાલ મેડિકલ ટીમને બોલાવવા માટે વિનંતી કરી.

હાથરસના મુખ્ય સ્વાસ્થ્યઅધિકારીએ જણાવ્યં છે કે એસઆઈટીએ મૃત યુવતીના પિતા બીમાર હોવા અંગે કૉલ કર્યો હતો.

તેમણે કહ્યું, "તેમનું (મૃત યુવતીના પિતા) બ્લડ પ્રેસર સામાન્ય છે અને બીજાં જરૂરી પરીક્ષણો કરાવાયાં છે. જોકે, એમની કોરોનાની તપાસ નથી કરાવાઈ."

આરોપીઓના સમર્થનમાં સવર્ણ સંગઠનોનાં પ્રદર્શનો

હાથરસમાં હાજર બીબીસીનાં પત્રકાર ચિંકી સિન્હાએ જણાવ્યું કે ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર આઝાદની પીડિત પરિવારના ગામ જવાના સમાચાર આવ્યા બાદ હવે કરણી સેનાએ પણ પોતાની એક ટીમને હકીકત જાણવા માટે ત્યાં મોકલી છે.

કરણ સેનાના સુભાષસિંહે કહ્યું છે કે ગામમાં એટલા માટે તેઓ હાજર છે કે ચંદ્રશેખર ત્યાં પહોંચી રહ્યા છે.

તેઓ કહે છે, "અમને સુશાંતસિંહ રાજપૂતના મામલે ન્યાય મળ્યો કેમ કે મીડિયાએ મદદ કરી. હવે અમે અહીં જોઈશું કે હકીકત શું છે?"

બીજી બાજુ, સવર્ણ સમાજનાં કેટલાંક સંગઠનો ગામમાં આરોપીઓના સમર્થનમાં બેઠાં છે.

ચંદ્રશેખર આઝાદને અટકાવાયા બાદ પરવાનગી મળી

મૃત યુવતીના ગામમાં ભારે તણાવનો માહોલ છે. હાથરસમાં હાજર બીબીસીના સંવાદદાતા દિલનવાઝ પાશાએ જણાવ્યું છે કે રાષ્ટ્રીય લોક દળના કાર્યકરો પર લાઠીચાર્જ થયો છે. જોકે, દળના નેતા જયંત ચૌધરીએ પીડિત પરિવારની મુલાકાત કરી છે.

તેમણે કહ્યું કે જો એવું કહેવાઈ રહ્યું છે કે રાજકારણ રમાઈ રહ્યું છે તો તેઓ કહેશે કે રાજકારણ રમાવું જોઈએ. કેમ કે મહિલાઓ વિરુદ્ધ ગુનાના આંકડા બહુ વધી ગયા છે અને એટલે આના પર રાજકારણ રમાઈ રહ્યું છે તો એ સારું થઈ રહ્યું છે.

કેટલાંક સવર્ણ સંગઠનોએ પણ અહીં આરોપીઓના સમર્થનમાં વિરોધપ્રદર્શનો અને ભીમ આર્મી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે.

તેમણે આ મામલે સીબીઆઈ તપાસની માગ કરી છે. તેમનો દાવો છે કે ધરપકડ કરાયેલા યુવકો નિર્દોષ છે અને સીબીઆઈની તપાસમાં એ વાત સ્પષ્ટ થઈ જશે.

ન્યાયની માગ સાથે પીડિત પરિવાર ખાધા વગર બેઠો

હાથરસમાં હાજર બીબીસીનાં સહયોગી પત્રકાર ચિંકી સિન્હાએ જણાવ્યું છે કે પીડિત પરિવારના ઘરમાં શનિવારથી જ ભોજન નથી બન્યું.

મૃતક પીડિતાનાં ભાભીએ ગઈ કાલે પણ બાંધેલો લોટ ફેંકી દીધો હતો. ત્યાં કેટલાય લોકો તેમના માટે ખાવાનું બનાવવા માટે હાજર છે.

મૃતક યુવતીનાં ભાભી આજે પણ રસોડામાં લોટ બાંધવા માટે આવ્યાં હતાં.

ગઈ કાલે આખો દિવસ તેઓએ માત્ર બિસ્કુટ જ ખાધી હતી અને રાતે એક વાગ્યે તેમણે થોડું ખાધું હતું.

આજ સવારથી જ મીડિયાના લોકો આવવાનું શરૂ થઈ ગયું હતું. ત્યારથી તેઓ કંઈ પણ ખાધા વગર ન્યાયને આસ લગાવીને બેઠાં છે.

પ્રિયંકા ગાંધીની ડી.એ.ને હઠાવવાની માગ

હાથરસમાં પીડિત પરિવારને મળવ્યા બાદ કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીએ હાથરસના જિલ્લાઅધિકારીને હઠાવવાની અને સમગ્ર પ્રકરણમાં તેમની ભૂમિકાની તપાસ કરાવવાની માગ કરી છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે પરિવારે તેમને જણાવ્યું કે હાથરસના જિલ્લાઅધિકારીએ તેમની સાથે બહુ ખરાબ વર્તન કર્યું હતું. તેમણે એવો પણ સવાલ કર્યો છે કે એ અધિકારીને કોણ બચાવી રહ્યું છે?

પ્રિયંકાએ ટ્વીટ કરીને કહ્યું, "હાથરસના પીડિત પરિવાર અનુસાર સૌથી ખરાબ વર્તન ડી.એમ.નું હતું. તેને કોણ બચાવી રહ્યું છે?"

"તેમને વિલંબ કર્યા વગર બરખાસ્ત કરીને સમગ્ર કેસમાં એમની ભૂમિકાની તપાસ થાય. પરિવાર ન્યાયની માગ કરી રહ્યો છે ત્યારે કેમે સીબીઆઈ તપાસનો હોબાળો કરીને એસઆઈટીની તપાસ ચાલુ છે?"

"ઉત્તર પ્રદેશની સરકાર જો થોડી પણ ઊંઘમાં ઊઠી હોય તો એણે પરિવારની માગ સાંભળવી જોઈએ."

હાથરસ કેસ: ન્યાયિક તપાસ પર પરિવાર અડગ, ચંદ્રશેખર આઝાદ જશે મુલાકાતે

હાથરસ કેસમાં ઉત્તર પ્રદેશ સરકારે સીબીઆઈને તપાસ સોંપવાની વાત કરી છે ત્યારે દેશમાં ઘટનાને લઈ આકરો વિરોધ થઈ રહ્યો છે અને ઉત્તર પ્રદેશ સરકારની કામગીરી પર સવાલો થઈ રહ્યા છે.

ઉત્તર પ્રદેશમાં દલિત યુવતી પર કથિત ગૅંગરેપ અને મૃત્યુને મામલે દેશમાં વિરોધપ્રદર્શન સતત વધી રહ્યા છે. મૃતક યુવતીનો પરિવાર ન્યાયિક તપાસની માગ કરી રહ્યો છે અને ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર પણ પરિવારજનોની મુલાકાતે જઈ રહ્યા છે.

ચંદ્રશેખર આઝાદે શનિવારે ટ્વીટ કર્યું કે એમને શક છે કે સરકાર પીડિત પરિવારને જ દોષી બનાવવા માગે છે. તેમણે આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મૌનને લઈને પણ સવાલો કર્યા છે.

આ અગાઉ બીજી ઑક્ટોબરે એમણે અને એમની આઝાદ સમાજ પાર્ટીના લોકોએ દિલ્હીના જંતર-મંતર ખાતે દેખાવો કર્યા હતા.

ચંદ્રશેખર ઉપરાંત સમાજવાદી પાર્ટીના 11 નેતાઓનું એક પ્રતિનિધિમંડળ પણ આજે પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમના વડપણ હેઠળ પીડિત પરિવારની મુલાકાત કરશે. રાષ્ટ્રીય લોક દળના નેતા જયંત ચૌધરી પણ પીડિત પરિવારની મુલાકાત કરશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો