હાથરસ મામલો : શું યોગી સરકાર પર મોદી સરકારનું દબાણ આવી રહ્યું છે?

    • લેેખક, સમીરાત્મજ મિશ્ર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ઉત્તર પ્રદેશના હાથરસમાં કથિત ગૅંગરેપ બાદ થયેલ હત્યાના મામલામાં સમગ્ર દેશમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે અને પીડિતાના ગામમાં રાજકીય દળોની અવરજવર છે, બીજી તરફ રાજ્ય સરકારે પોતાના ઘણા નિર્ણયોને કારણે ઘણા નવા વિવાદ સર્જી દીધા છે.

રાજ્ય સરકારે CBI તપાસના આદેશ ભલે આપ્યા હોય પરંતુ પીડિત પક્ષનું પણ નાર્કો પરીક્ષણ કરાવવાના આદેશ આપી દીધા છે. પીડિત યુવતીના પરિવારજનો એક તરફ પોતાના નાર્કો ટેસ્ટ કરાવવાના નિર્ણય અંગે આશ્ચર્ચચકિત છે તો બીજી તરફ CBIની જગ્યાએ ન્યાયિક તપાસની માગ કરી રહ્યા છે.

CBI તપાસના આદેશ સાથે યોગી આદિત્યનાથે કહ્યું, “હાથરસની દુર્ભાગ્યપૂર્ણ ઘટના અને તેને સંલગ્ન તમામ પૉઇન્ટની ગહન તપાસના ઉદ્દેશથી ઉત્તર પ્રદેશ સરકાર આ પ્રકરણની વિવેચના કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો મારફતે કરાવવાની ભલામણ કરે છે."

"આ ઘટના માટે જવાબદાર તમામ લોકોને કડકમાં કડક સજા અપાવવા માટે અમે સંકલ્પબદ્ધ છીએ.”

આ પહેલાં તેમણે કહ્યું હતું, “ઉત્તર પ્રદેશમાં માતા-બહેનોનાં સન્માન-સ્વાભિમાનને ક્ષતિ પહોંચાડવાનો વિચાર કરનારનો સમૂળગો નાશ સુનિશ્ચિત છે. તેમને એવી સજા મળશે જે ભવિષ્યમાં ઉદાહરણરૂપ બનશે."

"તમારી ઉત્તર પ્રદેશ સરકાર પ્રત્યેક માતા-બહેનની સુરક્ષા અને વિકાસ માટે સંકલ્પબદ્ધ છે. આ અમારો સંકલ્પ છે-વચન છે.”

આ દરમિયાન, એવું પણ કહેવાઈ રહ્યું છે કે રાજ્ય સરકાર પર ન માત્ર વિપક્ષ અને ઠેરઠેર થઈ રહેલાં વિરોધપ્રદર્શનોનું દબાણ છે પરંતુ ભાજપની અંદરથી પણ તેમની પર દબાણ કરવામાં આવી રહ્યું છે.

જાણકારોનું માનવું છે કે ઘણા નિર્ણયો પાછળ સીધો કેન્દ્ર સરકારનો હસ્તક્ષેપ હોય તેવું લાગે છે.

આંતરરાષ્ટ્રીય મીડિયા

હાથરસમાં પીડિત યુવતીના ગામ ખાતે પહોંચવાના પ્રયત્નમાં રવિવારે પણ રાષ્ટ્રીય લોકદળ, ભીમ આર્મી અને સમાજવાદી પાર્ટીના પ્રતિનિધમંડળને રોકવાની કોશિશ થઈ.

રાષ્ટ્રીય લોકદળના નેતાઓ પર તો PAC અને પોલીસના જવાનોએ લાઠીચાર્જ પણ કર્યો, જેમાં પાર્ટીના નેતા જયંત ચૌધરીને તેમના કાર્યકરોએ ઘણી મુશ્કેલીથી બચાવ્યા.

આ પહેલાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સિવાય તૃણમૂલ કૉંગ્રેસના નેતાઓને પણ પીડિતાના ગામ સુધી પહોંચવાથી બે વખત રોકવામા આવ્યાં.

આ દરમિયાન રાહુલ ગાંધી અને તૃણમૂલ કૉંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયન સાથે પોલીસતંત્રની ધક્કા-મુક્કીના સમાચાર ન માત્ર રાષ્ટ્રીય પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ જોવા મળ્યા.

આટલું જ નહીં, મીડિયાને પણ પીડિતાના પરિવારને મળવાથી રોકવામાં આવ્યાં, ધક્કામુક્કી કરાઈ અને બળપ્રયોગ કરવામાં આવ્યો.

અહીં રસપ્રદ વાત એ છે કે પાછલા ઘણા દિવસોથી પીડિતાના પરિવારજનોની મુલાકાત લેવા પર લગાવાયેલો પ્રતિબંધ અચાનક શનિવારે હઠાવી લેવાયો.

શનિવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પરિવારજનોને મળવા ગયાં ત્યારે પરિવારજનોનું દુખ ઉભરાઈ આવ્યું. જોકે, તંત્ર દ્વારા ત્યાર બાદ પણ ત્યાં હાજર કૉંગ્રેસના કાર્યકરો પર જોરદાર લાઠીચાર્જ કરાયો, જેમને બચાવવા આવેલાં પ્રિયંકા ગાંધી સાથે પણ દુર્વ્યવહારની તસવીરો વાઇરલ થઈ હતી.

અચાનક કેમ નિર્ણય બદલવો પડ્યો

અહીં એ પ્રશ્ન ઊઠે છે કે યોગી સરકારે આખરે પીડિત પક્ષ સાથે વાત કરવા પર પ્રતિબંધ કેમ લાદ્યો કે પછી તેમને નજરબંધ જેવી સ્થિતિમાં રાખવાનો પ્રયત્ન કેમ કર્યો અને આવું કર્યા બાદ અચાનક આ નિર્ણય કેમ બદલી નખાયો?

લખનૌમાં વરિષ્ઠ પત્રકાર શરદ પ્રધાન પહેલા પ્રશ્નના જવાબમાં કહે છે કે તે મુખ્ય મંત્રી આદિત્યનાથની ‘જીદ’ છે અને બીજી સ્થિતિ માટે તેઓ સીધો વડા પ્રધાનનો હસ્તક્ષેપ હોવાનું જણાવે છે.

શરદ પ્રધાન જણાવે છે, “પ્રત્યક્ષપણે વડા પ્રધાને હસ્તક્ષેપ કર્યો હોય તેવું લાગે છે. તેમને જ્યારે લાગ્યું કે આ મામલો તો ઉત્તર પ્રદેશની સીમાઓ વટાવી બહાર નીકળી ચૂક્યો છે, ઇંડિયા ગેટ પર પ્રદર્શનો થઈ રહ્યાં છે, કૉંગ્રેસ પાર્ટી અને ભીમ આર્મીએ આને મુદ્દો બનાવી લીધો છે, દલિત વોટબૅંક જોખમમાં છે; તો તેમણે સીધેસીધો તેમને આવી જીદ ન કરવાનો અને CBI તપાસ કરાવવાની ભલામણ કરવાનો નિર્દેશ કરી દીધો.”

“બીજી વાત એ કે જે પ્રકારે હાઈકોર્ટે આ મામલાની જાતે નોંધ લીધી, તેના કારણે પણ સરકાર પર દબાણ વધ્યું છે."

"હાઈકોર્ટે જેવી રીતે આદેશ જારી કર્યો છે, પીડિત પક્ષ સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને મીડિયાને ટાંક્યાં છે, તેનાથી તેમને એવું પણ લાગ્યું હશે કે ક્યાંક કોર્ટ જાતે જ આ મામલાની CBI તપાસ કરાવવાના આદેશ ન આપી દે.”

“પીડિત પરિવાર સાથે લોકો કે મીડિયાને ન મળવા દેવાનો નિર્ણય એ તો બિલકુલ બિનજરૂરી હતો. આવા મુદ્દે આ સરકાર અવારનવાર આવા નિર્ણયો લે છે અને પછી પીછેહઠ કરવી પડે છે.”

વહીવટીતંત્રની કમજોરી અને નિષ્ક્રિયતા

માત્ર હાથરસમાં જ નહીં પરંતુ પહેલાં પણ એવું ઘણી વખત બન્યું છે કે જ્યારે સરકારે તાકીદે લેવાની જરૂર હોય એ પગલાં લેવામાં ઘણું મોડું કર્યું હોય.

ભલે એ સ્વામી ચિન્મયાનંદ, કુલદીપ સેંગરનો મામલો હોય, સોનભદ્રમાં બાર આદિવાસીઓની હત્યા કે પછી કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીની ધરપકડનો મામલો હોય કે પછી લૉકડાઉન દરમિયાન મજૂરોને બસો મારફતે મોકલાવાનો મામલો હોય, સરકારે નિર્ણયો લીધા તો ખરા પરંતુ તેમાં ઘણું મોડું કર્યું.

જાણકારો પ્રમાણે, તે નિર્ણયો પાછળ પણ કેન્દ્રીય હસ્તક્ષેપ જ જવાબદાર છે.

હાથરસમાં મીડિયાને રોકવાના પ્રશ્ને સ્થાનિક અધિકારીઓએ માત્ર એટલું જ કહ્યું હતું કે SITને તપાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

જોકે, શનિવારે મીડિયા અને રાજકીય દળોના લોકો પીડિતાના ગામમાં ગયા પણ ખરા અને SITની તપાસ પણ ચાલુ રહી.

વરિષ્ઠ પત્રકાર યોગેશ મિશ્ર CBI તપાસની ભલામણ કે પછી અન્ય નિર્ણયો પાછળ વડા પ્રધાનના હસ્તક્ષેપની વાતને નથી સ્વીકારતા. તેના માટે વહીવટી તંત્રની નિર્બળતા અને નિષ્ક્રિયતા જવાબદાર છે.

યોગેશ મિશ્ર જણાવે છે, “સરકારના એવા તમામ નિર્ણયો જે વિવાદિત રહ્યા કે પછી પાછળથી તેને પરત ખેંચવા પડ્યા તેની પાછળનું અસલ કારણ છે કાં તો એ છે કે સરકાર પાસે માહિતી નથી પહોંચી રહી કાં તો યોગ્ય અને સાચી માહિતી નથી પહોંચી રહી."

"સરકાર પાસે યોગ્ય અધિકારીઓ નથી. ખબર નહીં શું વિચારીને આ અધિકારીઓએ પીડિતાના મૃતદેહને રાત્રે બાળવાનો નિર્ણય લીધો હશે.”

“મીડિયાને ગામમાં પ્રવેશવાથી કેમ રોકવામાં આવ્યાં, સરકારે પણ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટને ન હઠાવ્યા, જ્યારે આ તમામ નિર્ણયો પાછળ તેમનો જ હાથ છે"

"ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે ભલે અત્યાર સુધી સારું કામ કર્યું હોય પરંતુ જ્યારે પોલીસ અધિકારીઓને હઠાવી દેવાયો તો તેમના પર આવી કાર્યવાહી ન થાય એ મુદ્દે પ્રશ્નો તો ઊઠશે જ.”

પાર્ટીમાં કેટલો જૂથવાદ?

યોગેશ મિશ્ર એવું પણ જણાવે છે કે સરકારને પોતાના જ લોકોનો સાથ નથી મળી રહ્યો. જોકે, આવું થવા પાછળ તેઓ પક્ષના જૂથવાદને નહીં પરંતુ સરકારની કાર્યપદ્ધતિને કારણભૂત માને છે.

તેમના પ્રમાણે, “ભાજપમાં કોઈ યોગીવિરોધી જૂથ સક્રિય થયું છે. એવું કહેવું યોગ્ય નથી. પરંતુ એ કહેવું તો યોગ્ય છે જ કે પોતાના જ પક્ષના MP-MLA સરકારની સાથે નથી.”

“તેનું કારણે એ છે કે સરકારે પણ પોતાના સમગ્ર કાર્યકાળ દરમિયાન આ લોકોનો સાથ નથી આપ્યો, જેની ફરિયાદ એ લોકો તક મળે ત્યારે કરતા પણ હતા."

"હાથરસમાં જ જોઈ લો. આસપાસના મોટા ભાગના ધારાસભ્યો-સાંસદ ભાજપના જ છે, પરંતુ સરકારના પક્ષે કોઈ નિવેદન આવી રહ્યું હોય કે ઘટનાસ્થળે પહોંચીને સરકારને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય, તેવું નથી દેખાતું.”

પરંતુ શરદ પ્રધાન જણાવે છે કે ભાજપમાં તમામ લોકો એવા છે, જેઓ યોગી આદિત્યનાથને નાપસંદ કરે છે અને તક મળતાં તેઓ આગમાં ઘી હોમવાથી પણ નથી ચૂકતા.

તેમના પ્રમાણે એ વાત અલગ છે કે આવું તેઓ સામે આવીને નહીં પરંતુ પાછળ રહીને જ કરે છે.

શરદ પ્રધાન કહે છે કે “સાચી વાત તો એ છે કે ભાજપના કોઈ મોટા નેતા યોગી આદિત્યનાથની સાથે નથી. કોઈને પણ આશા નહોતી કે યોગી આદિત્યનાથ મુખ્ય મંત્રી બની શકે પરંતુ તેઓ બની ગયા.”

“બીજી વાત એ છે કે યોગી આદિત્યનાથ મુખ્ય મંત્રી હોવાની સાથે પોતાની જાતને ઠાકુરોના નેતા સ્વરૂપે સાબિત કરવાની કોશિશમાં લાગેલા છે."

"અત્યાર સુધી ભાજપમાં રાજનાથ સિંહને જ ઠાકુરોના નેતા તરીકે જોવામાં આવતા હતા પરંતુ હાલ તેઓ નેપથ્યમાં છે. બીજી તરફ, કેન્દ્રીય નેતૃત્વને ય એવી સ્થિતિ સારી લાગે છે જેમાં એકમેક વચ્ચે વિરોધ હોય. જેથી તેમનું મહત્ત્વ જળવાઈ રહે.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો