હાથરસ કેસ : પીડિતાના ભાઈએ કહ્યું, 'પોલીસ અમારી સામે કાવતરું ઘડે છે' - BBC TOP NEWS

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશના હાથરસના કથિત ગૅંગરેપ અને હત્યાના કેસમાં પીડિતાના ભાઈએ કહ્યું છે કે 'પોલીસ કૉલ ડિટેઇલના આધારે અમારી સામે કાવતરું ઘડી રહી છે.'

અહેવાલ પ્રમાણે પીડિતા અને આરોપી વચ્ચે છેલ્લા પાંચ મહિનામાં 100 ફોન કૉલ થયાની વિગતો બુધવારે સામે આવી હતી.

પીડિતાના ભાઈએ કહ્યું હતું, "હત્યારાઓ લુચ્ચા છે. તેઓ પોતાની જાતને બચાવવા કંઈ પણ કરી રહ્યા છે."

તેમણે કહ્યું, "અમે ગરીબ છીએ માટે અમારી સામે ઉત્તર પ્રદેશ પોલીસ ખોટા આરોપ ગઢી રહી છે. પજવણીનો અંત આવતો નથી. તેમની પાસે પુરાવા હોવા જોઈએ. મારે કૉલ રેકૉર્ડિંગ્સ સાંભળવાં છે."

પીડિતાના ભાઈએ કહ્યું કે આ ફોન તેમના પિતા વાપરી રહ્યા હતા. તેમના ઘરમાં એક જ ફોન હતો અને મુખ્ય આરોપીનો ક્યારેય સંપર્ક કર્યો નથી.

સંરક્ષણ મંત્રાલયની વેબસાઇટ પરથી સરહદવિવાદના અહેવાલો ઉતારી લેવાયા

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર સંરક્ષણ મંત્રાલયે પોતાની વેબસાઇટ પરથી 2017થી તમામ માસિક અહેવાલોને ઉતારી લીધા છે.

આ પહેલાં લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણનો અહેવાલ રજૂ થયો હતો, જેને હઠાવી લેવામાં આવ્યો હતો.

આમાં 2017માં ડોકલામમાં થયેલા ઘર્ષણના પણ અહેવાલ હતા, જેમાં ભારત અને ચીનના સૈન્ય ઘર્ષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

ઇન્ડિયન એક્સપ્રેસે સંરક્ષણ મંત્રાલયનો આ બાબતે સંપર્ક કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો.

સુરત ટેક્સ્ટાઈલ માર્કેટના વેપારીઓની 1500 કરોડની ઉઘરાણી બાકી

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સુરતના ટેક્સ્ટાઈલ માર્કેટના વેપારીઓની 1500 કરોડ રૂપિયાની ઉઘરાણી દેશના વિવિધ ભાગોમાંથી કરવાની બાકી છે.

ફેડરેશન ઑફ સુરત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ ઍસોસિયેશને કરેલા એક સર્વે પ્રમાણે સુરતના વેપારીઓને પોતાના ગ્રાહકો પાસેથી 1500 કરોડ રૂપિયાની ઉઘરાણી કરવાની બાકી છે.

ફેડરેશનના સેક્રેટરી ચંપાલાલ બોથરાએ કહ્યું, "ઉઘરાણીની રકમ એક લાખથી એક કરોડની વચ્ચે છે. મોટા ભાગની પાર્ટીઓ મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, ચેન્નાઈ, દિલ્હી અને પંજાબની છે."

"અહીં જથ્થાબંધ માર્કેટ હજી ખૂલવાના છે. જેના કારણે સુરતના વેપારીઓ આર્થિક તંગીમાં છે."

નિષ્ણાતોનું કહેવું છે કે સુરતમાં ટેક્સ્ટાઇલનો વ્યવસાય ક્રૅડિટ પર ચાલતો હોય છે. ત્રણથી ચાર મહિનાની ક્રૅડિટ આપવામાં આવતી હોય છે. કોરોના વાઇરસના કારણે અનેક વેપારીઓના પૈસા ફસાઈ ગયા છે.

યતીન ઓઝાને અદાલતની અવમાનના બદલ બે હજારનો દંડ

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગુજરાત હાઈકોર્ટે વકીલ યતીન ઓઝાને કોર્ટની અવમાનના બદલ 2000 રૂપિયાનો દંડ અને 'રાઇઝિંગ ઑફ ધ કોર્ટ'ની સજા ફટકારી છે.

જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ એનવી અંજારિયાની બૅન્ચે સજા સંભળાવતાં કહ્યું કે જો સજા અને દંડ ન ભોગવે તો બે મહિનાની જેલની સજાનો આદેશ આપવામાં આવ્યો હતો.

યતીન ઓઝાના વકીલે અપીલમાં જવા માટે સ્ટે માગતાં હાઈકોર્ટે આ ઑર્ડર પર સ્ટે આપ્યો હતો.

હાઈકોર્ટના પૂર્વ સિનિયર કાઉન્સિલર યતીન ઓઝાએ પાંચમી જૂને કોર્ટની રજિસ્ટ્રી પર પક્ષપાત કરવાનો અને કોર્ટમાં "ભ્રષ્ટાચાર"ના આક્ષેપ કર્યા હતા. જોકે તેને પુરાવા આપી શક્યા ન હતા.

નીતિશ કુમારની પાર્ટીએ લાલુ પ્રસાદ યાદવના વેવઈને ટિકિટ આપી

નીતિશ કુમારની પાર્ટી જનતા દળ (યુનાઇટેડ)એ લાલુ પ્રસાદ યાદવના વેવાઈ ચંદ્રિકા રાયને ટીકિટ આપી છે.

ચંદ્રિકા રાય લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજપ્રતાપ યાદવના સસરા છે. તેઓ પહેલાં રાષ્ટ્રીય જનતા દળમાં રહ્યા હતા અને મંત્રી પણ બન્યા હતા.

ચંદ્રિકા રાયનાં દીકરી ઐશ્વર્યાનાં લગ્ન તેજપ્રતાપ સાથે થયાં હતાં, પછી સંબંધમાં વિવાદ શરૂ થયો.

ચંદ્રિકા રાયે પોતાનાં દીકરી સાથે ઘરેલુ હિંસાનો આરોપ મૂકતાં લાલુ પ્રસાદ યાદવનાં પત્ની, તેમનાં દીકરી અને દીકરા પર કેસ કર્યો હતો.

જનતા દળ યુનાઇટેડે બુધવારે આગામી વિધાનસભાની ચૂંટણી માટે 115 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી. જેમાં બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડેનું નામ ન હતું.

મુઝફ્ફરપુર બાલિકાગૃહ કેસમાં ચર્ચામાં આવેલા મંજુ વર્માનું પણ યાદીમાં નામ સામેલ છે. તેમણે બાલિકાગૃહ કેસમાં મંત્રી પદ ગુમાવવું પડ્યું હતું અને તેમને હવે ચેરિયા બરિયાપુરથી ફરી ટિકિટ મળી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો