ગુજરાત પેટાચૂંટણી: સોમાભાઈ ગાંડાભાઈ પટેલની ભાજપ અને કૉંગ્રેસ અવગણના કેમ નથી કરતા?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

છેલ્લા ચાર દાયકાથી પણ વધુ સમયથી જેઓ ચૂંટણીલક્ષી રાજકરણમાં સક્રિય છે, તેવા સોમાભાઈ ગાંડાભાઈ કોળી પટેલ હાલમાં ગુજરાતની પેટાચૂંટણીમાં ફરીથી સમાચારોમાં આવી ગયા છે.

ભાજપે આઠમાંથી સાત બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે. સોમાભાઈએ જે સીટ પર દાવેદારી નોંધાવી છે, તેવી લીમડી વિધાનસભા બેઠક અંગે નિર્ણય લેવામાં ભાજપે સમય લીધો અને કિરિટસિંહ રાણાને ટિકિટ આપી છે. કૉંગ્રેસે સુરેન્દ્રનગરની લીમડી વિધાનસભા બેઠક પર યોજાનાર ચૂંટણીમાં ચેતન ખાચરને ઉતાર્યા છે.

આમ બેઉ પક્ષોએ ઉમેદવારની જાહેરાત મોડી કરી. નિષ્ણાતોનું માનવું છે કે આ વિલંબનું થવાનું મુખ્ય કારણ સુરેન્દ્રનગરના સોમાભાઈનું રાજકીય કદ અને કોળી સમુદાયના નિર્ણાયક મતો છે.

મોટાભાગના લોકો માને છે કે સોમાભાઈ પટેલ કોળી સમુદાયમાં દાયકાઓથી પ્રખ્યાત હોવાથી તેમની અવગણના કરવી એ કોઈ પણ પક્ષ માટે મુશ્કેલ છે.

જો કે અગાઉ મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે તેઓ કૉંગ્રેસ અને ભાજપ બન્ને રાજકીય પક્ષો સાથે વાત કરી રહ્યા છે, જે પક્ષ તેમને પહેલાં ટિકિટ આપે તેમના માટે તેઓ ચૂંટણી લડશે.

કેવડું છે તેમનું રાજકીય કદ?

સુરેન્દ્રનગરમાં છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી પત્રકારત્વ કરી રહેલા દેવજીભાઈ ભરવાડે કહ્યું કે એ વાતમાં કોઈ બેમત નથી કે સોમાભાઈ આ વિસ્તરમાં ખૂબ જ પ્રખ્યાત નામ છે.

તેમણે કહ્યું કે અગાઉ અનેક વખત જોવા મળ્યું છે કે ચૂંટાયા બાદ પણ તેઓ પાર્ટીની લાઇન ઓળંગીને લોકોના મુખ્ય મુદ્દા આગળ મૂકે છે.

તેમણે વધુમાં કહ્યું કે હાલમાં આખા સુરેન્દ્રનગર જીલ્લામાં કોળી પટેલ મતદારોની સંખ્યા વધારે હોવાથી તેમની અવગણા કરવી કોઈ પણ પક્ષને નુકસાનકારણ હોઈ શકે.

'ટિકિટ અંગે મારે કંઈ જ કહેવું નથી'

ઉલ્લેખનીય છે કે 2017માં કૉંગ્રેસ તરફથી ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા બાદ, 2020માં રાજ્યસભાની ચૂંટણી અગાઉ જ તેમણે રાજીનામું આપી દીધુ હતું અને રાજ્યસભામાં તેનું સીધું નુકસાન કૉંગ્રેસના ઉમેદવારને થયું હતું.

જો કે ત્યારબાદ તેમણે ફરીથી કૉંગ્રેસ પાસે એ જ વિધાનસભા બેઠક પરથી લડવા માટે ટિકિટની માગણી કરી છે.

પાર્ટીનાં સૂત્રો પ્રમાણે જો તેમને ટિકિટ ન મળે તો તેઓ તેમનાં પુત્રવધુ સુનિતાબહેન ગેડિયાને ટિકિટ અપાવવા માટે જોર કરી રહ્યા છે.

જો કે બીબીસી ગુજરાતીએ જ્યારે સોમાભાઈ સાથે વાત કરી તો તેમણે કહ્યું, "આ સમયે ટિકિટ સંદર્ભે કે ઉમેદવારી અંગે મારે કંઈ જ કહેવું નથી, એટલું જ કહેવું છે કે મેં આટલાં વર્ષો સુધી લોકોના કામો કર્યાં છે, અને તેના કારણે જ પાર્ટીઓએ તેની નોંધ લેવી પડશે."

હાલમાં તો તેમણે પોતાની રીતે લોકસંપર્ક શરૂ કરી દીધો છે.

22 વર્ષની ઉંમરેથી રાજકારણમાં પ્રવેશ

79 વર્ષના સોમાભાઈ પોતાની રાજકીય કારકિર્દી વિશે વાત કરતાં જણાવે છે કે તેઓ પોતે 22 વર્ષના હતા ત્યારથી ચૂંટણીલક્ષી રાજકરણમાં ઝંપલાવી ચૂક્યા હતા.

સૌ પ્રથમ જનસંઘ, ભાજપ, પછી રાષ્ટ્રીય જનતા પાર્ટી અને ત્યારબાદ કૉંગ્રેસ અને હવે ફરીથી ભાજપમાં એમ તમામ મોટા પક્ષો તરફથી તેઓ ચૂંટણી લડી ચૂક્યા છે.

તેઓ કહે છે, “હું તો એક જ વાત માનું છું કે જો આપણે લોકોની સેવા કરતાં રહીએ તો પક્ષ વગેરે પાછળ રહી જાય અને વ્યક્તિ અને તેની કામગીરી આગળ રહે.”

એક અપક્ષ ઉમેદવાર તરીકે વીરમગામ નગરપાલિકાની ચૂંટણી લડીને ખૂબ જ નાની વયે તેઓ વીરમગામ નગરપાલિકાના ઉપપ્રમુખ બન્યા હતા.

આ વિશે તેઓ કહે છે, “હું ઉપપ્રમુખ હતો, ત્યારે જ ધારાસભાની ચૂંટણી લડ્યો હતો અને ધારાસભ્ય તરીકે જીતી ગયા બાદ મેં ઉપપ્રમુખ તરીકે રાજીનામું આપ્યું હતું.”

એક પણ વખત વિધાનસભાની ચૂંટણી હાર્યા નથી

સોમાભાઈ અત્યાર સુધીમાં આઠ વખત લોકસભાની ચૂંટણી લડ્યા છે, જેમાંથી તેઓ ચાર વખત સંસદસભ્ય બન્યા હતા.

ચાર વખત સંસદસભ્ય બન્યા, તેમાં તેમનો પક્ષ બદલાતો રહ્યો હતો.

આઠ વખતની લોકસભાની ચૂંટણીમાં તેઓ ત્રણ વખત કૉંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતા એને ચાર વખત ભાજપ તરફથી. એક વખત તેઓ શંકરસિંહ વાઘેલાની રાષ્ટ્રીય જનતા પાર્ટી તરફથી પણ ચૂંટણી લડ્યા હતા.

તેમના દીકરા અને કૉંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ જગદીશભાઈ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે સોમાભાઈ હજી સુધી ત્રણ વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા છે, જેમાંથી બે વખત કૉંગ્રેસ તરફથી અને એક વખત ભાજપ તરફથી લડ્યા હતા.

તેમના કહેવા પ્રમાણે આજ સુધીમાં તેઓ એક પણ વિધાનસભાની ચૂંટણી હાર્યા નથી.

જ્ઞાતિનું કાર્ડ ચલાવવાનો આરોપ?

જોકે તેમના સમકક્ષ ઘણા રાજકીય નેતાઓ તેમના પર અવારનવાર કોળી પટેલનું જ્ઞાતિકાર્ડ ચલાવવાનો આરોપ લગાવે છે.

એક અંદાજ પ્રમાણે સુરેન્દ્રનગરની લીમડી વિધાનસભામાં કોળી પટેલ મતદારોની સંખ્યા સારા પ્રમાણમાં છે અને ત્યારબાદ કાઠી દરબાર સમુદાયના લોકોના મત વધારે છે.

જોકે સોમાભાઈ પોતે આ વાતનું ખંડન કરતાં કહે છે કે “તદ્દન ખોટી વાત છે, એક જ સમુદાયની વાત કરીએ કે બીજા સમુદાયો પર ધ્યાન ન આપીએ તો ક્યારેય ચૂંટણી જીતી શકાય તેમ નથી, માટે હું જ્ઞાતિકાર્ડ ચલાવું છું, તે વાત તદ્દન ખોટી છે.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો