ગુજરાત પેટાચૂંટણી: ભાજપ માટે લીમડીનો ઉમેદવાર નક્કી કરવો આસાન કેમ નથી?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતમાં પેટાચૂંટણીને લઈને ભાજપ, કૉંગ્રેસ અને અન્ય પક્ષોએ પોતાની રીતે તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપે એક લીમડી સિવાય સાત બેઠક પર ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે.

રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાંથી ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં અને બાદમાં ખાલી પડેલી આઠ સીટો પર ચૂંટણી યોજાઈ રહી છે.

ત્રીજી નવેમ્બરે પેટાચૂંટણી માટે મતદાન થશે અને દસમી નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.

અબડાસા, લીબડી, મોરબી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડા અને કરજણ એમ આઠ બેઠકની પેટાચૂંટણીઓ યોજાવાની છે.

આ ખાલી સીટોમાં સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી બેઠકનો પણ સમાવેશ થાય છે.

સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી બેઠક ભાજપ અને કૉંગ્રેસ બંને માટે અગત્યની માનવામાં આવે છે.

આ બેઠક પરથી અગાઉ કૉંગ્રેસના સોમા પટેલે ભાજપના કિરીટસિંહ રાણાને હરાવ્યા હતા.

જોકે રાજ્યસભાની ચૂંટણી પહેલાં સોમા પટેલે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે આ સીટ પર કોને ટિકિટ આપવી એ પણ બંને પક્ષો સામે મૂંઝવણનો સવાલ છે.

ભાજપ-કૉંગ્રેસ માટે મહત્ત્વની બેઠક

આ બેઠક પર કોળી અને ક્ષત્રિય મતદારો જીત માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. આથી બંને પક્ષો એ આધારે ઉમેદવારોની પસંદગી કરે એવું રાજકીય નિષ્ણાતોનું માનવું છે.

જાણીતા રાજકીય વિશ્લેષક અજય ઉમટ કહે છે કે ભાજપ અને કૉંગ્રેસ બંને માટે આ બેઠક મહત્ત્વની છે. ભાજપ માટે આમ પણ આઠમાંથી ચાર બેઠક પડકારજનક દેખાઈ રહી છે.

બીબીસી સાથે વાત કરતાં અજય ઉમટ કહે છે, "લીમડી બેઠક પર ક્ષત્રિય અથવા તો કોળી ઉમેદવારો જ ચૂંટાય છે. સોમા ગાંડા પટેલ અગાઉ આ બેઠક પરથી ત્રણથી ચાર વાર સાંસદ તરીકે ચૂંટાયા છે અને ધારાસભ્ય તરીકે પણ બે વાર ચૂંટાયા છે."

"આ વિસ્તાર કોળી સમાજના વર્ચસ્વવાળો વિસ્તાર છે, જે સનત મહેતા જેવા મોટા નેતાને પણ માત્ર જ્ઞાતિવાદને કારણે હરાવી શકે છે."

ઉલ્લેખનીય છે કે સોમા પટેલ અગાઉ કહી ચૂક્યા છે કે તેઓ ગમે તે પક્ષમાંથી ચૂંટણી લડવા માટે તૈયાર છે.

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યના મતે લીમડી બેઠક પર સોમા પટેલ નિર્ણાયક સાબિત થઈ શકે છે.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "લીમડી બેઠક પર કૉંગ્રેસ મજબૂત સ્થિતિમાં જણાય છે. કિરીટસિંહ રાણા ભાજપના મોટા નેતા છે અને બે વાર પેટાચૂંટણી જીતેલા છે. પીઢ નેતા છે અને જાણીતો ચહેરો છે. જ્યારે સોમા ગાંડા પક્ષ બદલવા માટે જાણીતા છે. મૂળે તો એ ભાજપમાંથી આવેલા અને એક સમયે હિન્દુત્વનો એક મોટો ચહેરો હતા."

"સોમા ગાંડા સુરેન્દ્રનગર અને લીમડામાં મજબૂત નેતા છે અને પોતાના દમ પર ચૂંટણી જીતી શકે તેમ છે."

તેઓ વધુમાં કહે છે, "ભાજપ માટે આ એક મોટો લિટમસ ટેસ્ટ છે, કેમ કે જે ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં એમને ભાજપ ટિકિટ આપશે કે કેમ એ મોટો સવાલ છે. અને જો સોમા પટેલ કદાચ અપક્ષ ચૂંટણી લડે તો ભાજપથી કોળી સમાજ નારાજ થાય એવું બની શકે."

લીમડી બેઠક કયા મતદારો નિર્ણાયક?

ભારતીય ચૂંટણીપંચ અનુસાર, 2017ની વિધાનસભા ચૂંટણીના આંકડા પ્રમાણે લીમડી બેઠકમાં કુલ 2,59,915 મતદારો છે.

જેમાં ઓબીસી, એસસી અને રાજપૂત સમાજના મતદારોની સંખ્યા મોખરે છે.

ક્ષત્રિય સમુદાયના અંદાજે 18થી 20 ટકા મત, એસસી સમુદાયના આશરે 21થી 23 ટકા અને ઓબીસી સમુદાયના અંદાજે 13થી 15 ટકા મત છે.

જોકે આ બેઠક પર પાટીદારો પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે. આ બેઠક પર પાટીદાર સમુદાયના અંદાજે 21થી 23 ટકા મત છે.

તો મુસ્લિમ સમાજના 5થી 7 ટકા અને બ્રાહ્મણ સમુદાયના 7થી 9 ટકા મતદારો છે.

ગત વિધાનસભાની સ્થિતિ

ગત વિધાનસભામાં એટલે 2017ની ચૂંટણીમાં આ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ પટેલે ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને હરાવ્યા હતા.

2017ની વિધાનસભા ચૂંટણીમાં લીમડી બેઠક પર કુલ 63.71 ટકા મતદાન થયું હતું અને તેમાં 50.67 ટકા મત સોમાભાઈ પટેલને અને 41.82 ટકા મત કિરીટસિંહ રાણાને મળ્યા હતા.

તો 2012માં પણ સોમા પટેલ સામે કિરીટસિંહ રાણા હારી ગયા હતા. જોકે સોમા પટેલ માત્ર 1561 મતથી ચૂંટણી જીત્યા હતા.

એ અગાઉની વાત કરીએ તો 2007ની ચૂંટણી ભાજપમાંથી કિરીટસિંહ રાણા જીત્યા હતા. તેઓએ એ સમયે કૉંગ્રેસમાં રહેલા ભવાન ભરવાડને હરાવ્યા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો