ગુજરાત પેટાચૂંટણી : હાર્દિક અને સી.આર. પાટીલના જંગમાં કોણ બાજી મારશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

કોરોનાના સમયમાં ગુજરાતમાં પહેલી વાર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્રીજી નવેમ્બરે મતદાન યોજાશે અને દસમી નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.

અબડાસા, લીંબડી મોરબી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડા અને કરજણ એમ આઠ બેઠકની પેટાચૂંટણીઓ યોજાવાની છે.

જૂન 2019માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં, જે બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.

આ ચૂંટણીને કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પરીક્ષા સમાન પણ માનવામાં આવે છે.

એનું કારણ એવું છે કે સી. આર. પાટીલ ભાજપના પ્રદેશાધ્યક્ષ બન્યા અને હાર્દિક પટેલના કૉંગ્રેસના ગુજરાતના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી એ પછી ગુજરાતમાં પહેલી વખત કોઈ ચૂંટણી યોજાઈ રહી છે.

આ સ્થિતિમાં આઠ બેઠકો માટે રાજ્યના બંને મુખ્ય પક્ષો કૉંગ્રેસ અને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

કપરાડામાંથી જીતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવિણ મારુ, ધારીમાંથી જે.વી. કાકડિયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં. જેને પગલે આ બેઠકો ખાલી પડી છે.

હાર્દિક પટેલ અને સી. આર. પાટીલ :કોનું પલ્લું ભારે?

દક્ષિણ ગુજરાતમાં પ્રભુત્વ ધરાવતા સી. આર. પાટીલ ભાજપના પ્રદેશાધ્યક્ષ બન્યા ત્યારથી સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે.

તેઓએ પ્રથમ સૌરાષ્ટ્રનો પ્રવાસ ખેડ્યો હતો અને બાદમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મુલાકાત લીધી હતી.

કોરોનાના સમયમાં તેમની રેલીઓમાં ઊમટેલી ભીડ સામે વિપક્ષે સવાલો પણ ઉઠાવ્યા હતા અને તેમના કારણે કોરોના વધુ ફેલાયો હોવાના આરોપ પણ લગાવ્યા હતા.

તો સામે મોરચે હાર્દિક પટેલ પણ તૈયારીઓમાં લાગેલા જણાય છે.

ગુજરાતમાં હાલમાં કૉંગ્રેસના પ્રદેશના પ્રમુખ અમિત ચાવડા છે, પણ હાર્દિકના કૉંગ્રેસમાં જોડાવાથી રાજકીય વર્તુળમાં હાર્દિકની ચર્ચા વધુ થતી જણાઈ રહી છે.

બીબીસી સાથેની વાતચીતમાં રાજકીય વિશ્લેષક અજય ઉમટે કહ્યું કે પેટાચૂંટણીમાં 'સી. આર. પાટીલ' ફૅક્ટરની અસર જોવા મળી શકે છે. સી. આર. પાટીલ એડીચોટીનું જોર લગાવી દેશે.

તેમણે કહ્યું, "પાટીદાર મતો ધરાવતી બેઠકો (સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત)માં 'હાર્દિક પટેલ' ફેક્ટરની હાજરી છે. પણ બીજી તરફે ભાજપે સંગઠનશક્તિનો ઉપયોગ કરી વ્યૂહાત્મક બેઠકો માટે પ્રધાનોને પ્રભારીપદો સોંપ્યાં છે."

"દક્ષિણ ગુજરાતની ડાંગ, કપરાડા સહિતની બેઠકોની વાત લઈએ તો ત્યાં હાર્દિક પટેલનું નહીં પણ સી. આર. પાટીલનું પ્રભુત્વ છે."

"કરજણની બેઠક પરંપરાગત રીતે કૉંગ્રેસ જીતતી આવી છે. એક વખત ભાજપ તરફે નરેશ કનોડિયા વિજયી થયા હતા પણ પછી એ પણ હાર્યા હતા. એટલે આ બેઠક ડાઉટફૂલ છે."

"ભાજપે કૅબિનેટમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજા સહિતનાં પ્રધાનો-પદાધિકારીઓને જવાબદારી સોંપી છે."

"બીજી તરફ ધારી, મોરબીની બેઠક પર હાર્દિક પટેલની અસર જોવા મળી શકે છે. કેમ કે અહીં કડવા પાટીદાર સમાજના મતદારો છે."

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય પણ માને છે કે સૌરાષ્ટ્રમાં પાટીદારોના પ્રભુત્વવાળી બેઠક પર હાર્દિક ફૅક્ટર કામ કરી શકે છે.

તેઓ કહે છે, "ધારી અને મોરબી બંને પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો છે એટલે એમાં હાર્દિક એક ફેક્ટર બની શકે છે. ગઢડામાં પણ પાટીદાર મતદારોની સંખ્યા મોટી છે. લીમડીમાં પણ પાટીદારો નિર્ણાયક સાબિત થવાના છે. અને અબડાસામાં પણ પાટીદાર ફેક્ટર કામ કરવાનું છે."

બીબીસી સાથેની વાતચીતમાં દક્ષિણ ગુજરાતના રાજકારણ પર નજર રાખતાં રાજકીય વિશ્લેષક મનોજ મિસ્ત્રીનું પણ કહેવું છે કે દક્ષિણ ગુજરાતમાં પાટીલ ફૅક્ટરનું પ્રભુત્વ રહેશે, પણ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં પાટીદાર બેઠકો પર હાર્દિક પટેલ અસર કરી શકે છે.

તેમણે કહ્યું, "જોકે કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ પણ લાગતીવળગતી બેઠકોનાં પરિણામ પર અસર કરી શકે છે અને કરજણની બેઠકની વાત કરીએ તો, અહમદભાઈ પટેલના વર્ચસ્વને કારણે ભાજપ માટે આ બેઠક મુશ્કેલ રહી છે."

સૌરાષ્ટ્રના રાજકારણમાં કેટલી અસર થશે?

અગાઉ બીબીસી સાથેની વાતચીતમાં રાજકીય વિશ્લેષક જતીન દેસાઈએ કહ્યું હતું કે "હાર્દિક પટેલની લોકપ્રિયતા 2017માં જે પીક પર હતી એટલી હાલ નથી, પણ તેઓ રાજ્યમાં સતત સક્રિય રહ્યા છે અને હવે પ્રદેશ કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ બન્યા છે."

"તો પેટાચૂંટણીના સંદર્ભમાં તેમની અસર વધુ પડી શકે. જોકે ફક્ત એક જ નેતાની અસર પરિણામ બદલવામાં કાયમ સફળ નથી રહેતી. ગુજરાત કૉંગ્રેસ 2017ની સરખામણીએ હાલ સંગઠનની રીતે વધુ નબળી લાગી રહી છે."

રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ પણ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે હાર્દિકથી કૉંગ્રેસને ફાયદો થઈ શકે તેમ છે.

તેમણે કહ્યું, "મને લાગે છે કે હવે 2017ની સરખામણીએ આ યુવાનેતાઓ હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરનો જાદુ ઓસર્યો છે. તેમ છતાં હું હાર્દિક પટેલને અંડરએસ્ટિમેટ નથી કરતો. તે સતત ફરી રહ્યા છે. આવનારી પેટાચૂંટણીમાં પણ કૉંગ્રેસને તેઓ ફાયદો કરાવી શકે તેમ છે."

સૌરાષ્ટ્રના રાજકારણ પર સતત નજર રાખતાં રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યના મતે હાર્દિકનું ફૅક્ટર આ ચૂંટણીમાં કામ કરી શકે છે.

તેઓ કહે છે, "હાર્દિકનું સૌરાષ્ટ્રમાં તો પ્રભુત્વ ખરું, પાટીદાર નેતાઓમાં. સૌરાષ્ટ્ર ઉપરાંતની પણ જે બેઠકોમાં પાટીદાર સમાજ છે, એમાં પાટીલ કરતાં હાર્દિક જાણીતો ચહેરો કહેવાય."

આચાર્યના મતે, સી. આર. પાટીલ મૂળભૂત રીતે દક્ષિણ ગુજરાતના નેતા છે. એમનું ભાજપમાં જે વર્ચસ્વ છે, એ દક્ષિણ ગુજરાત પૂરતું મર્યાદિત કહેવાય. જોકે એવું નથી કે સૌરાષ્ટ્ર પર તેમનું પ્રભુત્વ નથી.

પાટીલ અને હાર્દિક અંગે તેઓ કહે છે, "સી. આર. પાટીલ માટે થોડું મુશ્કેલ એટલા માટે છે કે આવતાંવેત જે રીતે વાણી-વર્તન-વ્યવહાર કર્યાં, એનાથી ભાજપનું એક મોટું જૂથ તેમનાથી નારાજ છે. એટલે સી. આર. પાટીલ માટે આ લિટમસ ટેસ્ટ છે. ભાજપની કહેવાતી શિસ્ત અને કહેવાતી એકતાનો પણ આ ટેસ્ટ છે."

"સૌરાષ્ટ્રમાં પાટીલને કોઈ ઓળખતું નથી. સૌરાષ્ટ્ર માટે સી. આર. પાટીલ એક નવો ચહેરો છે. ભાજપના લોકો તેમને જાણતા હોય પણ સામાન્ય લોકો, મતદારો ન ઓળખતા હોય."

"એટલે જ સી. આર. પાટીલ સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે ગોરધન ઝડફિયાને સાથે રાખતા હતા અને મહત્ત્વ આપતા હતા. ગોરધન ઝડફિયાને સૌરાષ્ટ્રનો પાટીદાર ચહેરો બનાવવાની તેમની રણનીતિ હોઈ શકે."

શું હાર્દિક પટેલને વધુ પ્રમોટ કરાઈ રહ્યા છે?

વળી કૉંગ્રેસે હાર્દિક પટેલને વધુ પ્રમોટ કરવાથી શું પક્ષના અન્ય નેતા સાઇડલાઇન થઈ રહ્યા છે? તેના જવાબમાં અજય ઉમટે કહ્યું કે તેમના મત પ્રમાણે આવું કંઈ નથી.

"ખરેખર પાટીદાર ફૅક્ટરને લીધે કૉંગ્રેસ હાર્દિકને આગળ કરે એ સ્વાભાવિક છે."

મનોજ મિસ્ત્રી કહે છે, "જ્યાં સુધી હાર્દિક પટેલને કૉંગ્રેસ પ્રમોટ કરી રહી હોય તેની વાત છે, તો પાટીદાર મતોને માટે આવું થાય એ સ્વાભાવિક છે. પણ એનો અર્થ એ નથી કે કૉંગ્રેસના અન્ય નેતાઓને સાઇડલાઇન કરાઈ રહ્યા છે. ખરેખર કૉંગ્રેસ તેનું સંગઠન મજબૂત કરી રહી છે."

"બીજી તરફ ભાજપ માટે પેટાચૂંટણીઓ પ્રતિષ્ઠાનો જંગ છે અને તેમને હવે એક-એક બેઠકની કિંમત સમજાઈ ગઈ છે. એટલે તેમણે બેઠકો જીતવાની જવાબદારી માટે કૅબિનેટ કક્ષાના પ્રધાનોને મેદાને ઉતાર્યા છે."

તેઓ કહે છે, "સુરતમાં પાટીદાર મતદારો છે. પણ સુરતમાં કોઈ ચૂંટણી નથી એટલે હાર્દિક પટેલની અસર દક્ષિણ ગુજરાતમાં નહીં વર્તાય."

કોરોનાના સમયે ચૂંટણી મામલે અજય ઉમટે જણાવ્યું, "ખેડૂતોના પ્રશ્નો છે, બેકારી છે. મંદી છે. પણ જે બેઠકો પર ચૂંટણી છે ત્યાં કોરોનાના કેસની સંખ્યા એટલી બધી ગંભીર નથી. વળી ડાંગની વાત લઈએ તો ત્યાં કોઈ એવી મોટી ઇન્ડસ્ટ્રી જ નથી કે રોજગારીનો મુદ્દો એટલો હાવી હોય."

"ઉપરાંત સ્કૂલ ફીના વિવાદની વાત કરીએ તો એમાં પણ મોટા ભાગની બેઠકોમાં સરકારી સ્કૂલોનું પ્રમાણ વધારે છે. એટલે વાલીઓની નારાજગીનું પરિબળ અહીં અસર ન કરે"

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો