You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાર્દિક પટેલ : એ રણનીતિ જેનાથી પાટીદારનેતા હવે ભાજપને પડકારશે
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદના ઇન્ટરવ્યૂમાં હાર્દિક પટેલે ગુજરાતમાં કૉંગ્રેસને ફરીથી બેઠી કરવાની યોજના વ્યક્ત કરી.
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક પામેલા હાર્દિક પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી અને તેમાં આગામી સમયની યોજનાની રૂપરેખા રજૂ કરી હતી.
પટેલના કહેવા પ્રમાણે, કાયદાકીય ગૂંચવણને કારણે તેઓ આગામી પેટાચૂંટણીમાં ઝંપલાવી નહીં શકે અને 'કદાચ 2022'ની વિધાનસભા ચૂંટણી પણ નહીં લડી શકે.
જોકે, પાર્ટી તરફથી 33 ટકા મહિલા ઉમેદવારને ચૂંટણીજંગમાં ઉતારવાની નેમ વ્યક્ત કરી હતી.
પાટીદાર અનામત આંદોલન સમિતિના દિવસો દરમિયાન રાજકારણમાં આવવાનો ઇન્કાર કરનારા હાર્દિક પટેલ માર્ચ-2019માં કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં પાર્ટીમાં જોડાઈ ગયા હતા.
માત્ર દોઢ વર્ષની અંદર તેઓ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષપદે પહોંચી શક્યા, જે રાજકીય નિષ્ણાતો માટે આશ્ચર્યજનક બાબત છે.
33 ટકા મહિલા ઉમેદવાર
કૉંગ્રેસને આગળ લઈ જવા મુદ્દેના સવાલના જવાબમાં હાર્દિક પટેલે કહ્યું: "અમે ઘણું બધું આત્મમંથન કરીશું. જેમાં 30 વર્ષના ભાજપના શાસનકાળ દરમિયાન પાર્ટીના જે કાર્યકરોએ ઇમાનદારીથી સંઘર્ષ કર્યો છે, તેવા યુવાનોને સહયોગ આપો, પ્રતિનિધિત્વ આપો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પાર્ટીમાં જે કોઈ નાના-મોટા વિવાદ છે, તેને સંપૂર્ણપણે નાથવા."
"અમે 18થી 25 વર્ષના યુવાનો જેમણે કૉંગ્રેસનું શાસન જ નથી જોયું, તેમને સાથે લેવા માટે પ્રયાસ કરીશું."
હાર્દિક કહે છે, "30 વર્ષથી ભાજપને જિતાડી રહ્યા છો, છતાં પણ તકલીફ ભોગવી રહ્યા છો, આરોગ્ય કે શિક્ષણવ્યવસ્થાના કોઈ ઠેકાણાં નથી, ત્યારે એક વખત તો કૉંગ્રેસને મોકો આપો. પાંચ વર્ષ પછી જો તમને બરાબર ન લાગે તો ફરી વિપક્ષમાં મોકલી દેજો."
પટેલે પાર્ટીના સંગઠનમાં મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાની વાત કરી હતી, જેથી તેઓ જનતાના મુદ્દા ઉઠાવી શકે અને ચૂંટણી લડી શકે.
તેમણે 2022ની ચૂંટણી માટે 33 ટકા મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાની વાત કહી હતી.
જી.પી.સી.સી.ના અધ્યક્ષ હોવા છતાં હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે તથા વધુ કાર્યકારી અધ્યક્ષ નિમવાની ચર્ચા છે, ત્યારે આ મુદ્દે કૉંગ્રેસમાં જૂથબંધી વકરશે તેવી શક્યતાને પટેલે નકારી કાઢી હતી.
છેલ્લે સાતમી વિધાનસભા દરમિયાન 1985માં કૉંગ્રેસે તેમના નેતા માધવસિંહ સોલંકીના KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસલમાન)ના સહારે 182માંથી 149 બેઠક મેળવી હતી.
આઠમી વિધાનસભા દરમિયાન 1990માં ભાજપે યુતિમાં પહેલી વખત સત્તા બનાવી.
ત્યારબાદ નવમી વિધાનસભા દરમિયાન કૉંગ્રેસના ટેકાથી શંકરસિંહ વાઘેલાની રાષ્ટ્રીય જનતા પાર્ટી સત્તામાં આવી હતી, પરંતુ તે રાજગાદીથી વંચિત છે.
ચૂંટણી નહીં લડી શકું
હાર્દિક પટેલના કહેવા પ્રમાણે, કાયદાકીય કેસને કારણે તેઓ આગામી પેટાચૂંટણી કે કદાચ 2022ની વિધાનસભા ચૂંટણી પણ લડી નહીં શકે.
ચૂંટણી લડવા સંદર્ભના એક સવાલના જવાબમાં પટેલે કહ્યું : "કોર્ટ જ્યાં સુધી ચુકાદો ન આપે, ત્યારસુધી મારી ઇચ્છાનું કોઈ કામ નથી અને એ બાબતે કોઈ વાત કરવા માગતો નથી. મને કોર્ટ ઉપર ભરોસો છે કે તે જલદીમાં જલદી સારું ડિસિઝન લેશે."
2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન મહેસાણા અથવા જામનગરની બેઠક ઉપર કૉંગ્રેસના ઉમેદવાર તરીકે તેમનું નામ ચર્ચાતું હતું, પરંતુ ચૂંટણી લડવા માટેનો કેસ ચાલતો હોવાને કારણે તેઓ ચૂંટણી લડી શક્યા ન હતા.
મંજૂરી માટે તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.
પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણામાં બનેલી હિંસાના કેસમાં તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે.
જેના અમલ ઉપર ગુજરાત હાઈકોર્ટે સ્ટે મૂક્યો છે, પરંતુ તેમને દોષમુક્ત જાહેર નથી કર્યા.
આ સિવાય ઑગસ્ટ-2015માં અમદાવાદમાં જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતેની તેમની જાહેરસભા બાદ ફાટી નીકળેલી હિંસાના કેસમાં તેમની સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં તેમને જામીન મળેલા છે.
લોકપ્રતિનિધિ ધારાની જોગવાઈ અનુસાર, બે વર્ષ કે તેથી વધુ સમયની સજા માટે દોષિત ઠરેલ વ્યક્તિ સજાના ગાળા દરમિયાન તથા છૂટ્યાનાં છ વર્ષ સુધી ચૂંટણી લડી ન શકે.
કૉંગ્રેસના મુદ્દા
કૉંગ્રેસની યોજનાનો ચિતાર આપતાં પટેલે કહ્યું, પાર્ટી દ્વારા આગામી પેટાચૂંટણી તથા 2022ની વિધાનસભાની ચૂંટણીમાં બેકારી અને આરોગ્યની સમસ્યાને ઉઠાવવામાં આવશે.
કૉંગ્રેસના ધારાસભ્યોનાં રાજીનામાં તથા કોર્ટના ચુકાદા બાદ ગેરલાયક ઠરવાને કારણે રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠક ખાલી પડી છે. જેની ચૂંટણી ઑગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન યોજાય તેવી સંભાવના છે.
પટેલના કહેવા પ્રમાણે, તેઓ ગામડે-ગામડે તથા સોસાયટી-સોસાયટીએ જઈને મહિલા, ખેડૂત, બેરોજગારી, આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દા ઉઠાવશે અને આ મુદ્દે રાજ્યની છ કરોડની જનતાને જાગૃત કરવા પ્રયાસ કરશે.
તેમણે ખેડૂતોના પાકવીમા તથા ત્રણ લાખ ખાલી જગ્યા ભરવા જેવી પડતર માગણીઓને ફરીથી ઉઠાવવાની વાત કહી હતી.
પટેલે આરોપ મૂક્યો હતો કે ભાજપ દ્વારા વિરોધ કરનાર સામે કેસ કરવામાં આવે છે અને તેમને જેલમાં પૂરી દેવામાં આવે છે.
બી. બી. સી. સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેના ઇન્ટરવ્યૂ ઉપર આધારિત. વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો