You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત પોલીસના વિવાદ જગાવનારા એ ત્રણ કિસ્સા
ગુજરાત પોલીસ લૉકડાઉનમાં નિયમો તોડનારાઓ પર બળપ્રયોગને કારણે ચર્ચામાં રહી હતી. જોકે, આ દરમિયાન ઘટેલી અમુક ઘટનાઓએ પણ પોલીસને અખબારોની હેડલાઇનોમાં સ્થાન અપાવ્યું છે.
ગુજરાત પોલીસનાં એક મહિલા કૉન્સ્ટેબલ અને મંત્રીના પુત્ર વચ્ચે થયેલી રકઝક આજકાલ મીડિયા અને સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે.
ગુજરાતમાં રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી સાથે બોલાચાલી બાદ સુરતના મહિલા કૉન્સ્ટેબલ સુનિતા યાદવે ફોન પર રાજીનામું આપી દીધું છે.
ગત શુક્રવારની રાત્રે સુરતમાં ડ્યૂટી પર સુનિતાએ એક ગાડીને રોકી હતી જેમાં રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીના મિત્રો સવાર હતા, જેમની સાથે સુનિતા સાથે બોલાચાલી થઈ હતી.
ઘટનાને પગલે ઘટનાસ્થળે કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ પહોંચ્યા હતા.
સુનિતા યાદવે પ્રકાશ કાનાણીને આકરા શબ્દોમાં પ્રશ્ન કર્યા હતા કે તેઓ રાત્રે કર્ફ્યૂ છતાં બહાર કેમ નીકળ્યા છે અને તેમની ગાડીમાં એમએલએની પ્લેટ કેમ લગાવેલી છે?
આ ઘટનાનો વીડિયો અને ઑડિયો વાઇરલ થયો હતો, જેમાં કથિત રૂપે પ્રકાશ કાનાણીએ સુનિતાને 365 દિવસ ઊભા રાખવાની વાત કહી હતી.
કુમાર કાનાણીએ કહ્યું હતું કે તેમના પુત્રે મહિલા કૉન્સટેબલ માટે કોઈ અપશબ્દ નહોતાં વાપર્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઘટના બાદ સુનિતા અને પ્રકાશ બન્ને વિરુદ્ધ ફરિયાદો દાખલ કરાઈ છે. પણ સોશિયલ મીડિયા પર #IsupportSunitaYadav સાથે લોકો સુનિતાનું સમર્થન કરી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં સુનિતાની હિંમત અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનાં વખાણ થઈ રહ્યાં છે.
ગુજરાત પોલીસના ભૂતપૂર્વ અધિકારી ડી.જી. વણઝારાએ સુનિતા યાદવનાં સમર્થનમાં ટ્વીટ કરીને કહ્યું કે કાયદો તોડનારાઓ પર જલદી ગુનો નોંધાવો જોઈએ.
તેમણે ટ્વીટમાં લખ્યું, "મેં કેટલાક એસપી જોયા છે જેમની પ્રતિભા કૉન્સ્ટેબલ કરતા પણ ઓછી હતી અને કેટલાક એવા કૉન્સ્ટેબલોને જોયાં છે જેમણે અવસર મળતા સારું પ્રદર્શન કર્યું છે. હું સુનિતા યાદવનું સમર્થન કરું છું."
દીપક નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું છે કે 'ધારાસભ્યના પુત્ર માટે કાયદો અલગ છે. એક તો કર્ફ્યૂ ભંગ કરવો છે અને 365 દિવસ ડ્યૂટી કરાવવાની ધમકી આપવી ક્યાં સુધી વ્યાજબી છે.'
એ સિવાય હિંદી ભાષાના જાણીતા કવિ કુમાર વિશ્વાસે પણ આ અંગે ટ્વીટ કરીને મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પ્રશ્ન કર્યો હતો કે 'સત્તાનું ચરિત્ર પણ બદલાશે કે માત્ર દર વખતે સરકાર જ બદલાશે? સીનિયરને જૂનિયર અને બહાદુર જૂનિયરને સીનિયર બનાવો.'
જોકે, આ એક જ કેસ નથી જેણે ગુજરાત પોલીસને ચર્ચામાં લાવી દીધી છે. હાલમાં ગુજરાત પોલીસના અન્ય યુવા અધિકારીઓ સોશિયલ મીડિયામાં છવાયા છે.
ફરજ બજાવતા પોલીસ ઇન્સપેક્ટરની બદલી
હાલમાં જ અમદાવાદના એક પોલીસકર્મી પણ સમાચારમાં રહ્યા હતા જ્યારે તેમની બદલી કરી દેવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમદાવાદમાં પોલીસે રાત્રે કર્ફ્યુ દરમિયાન કલોલના એક મહંતની ગાડીને રોકી હતી અને ત્યાર પછીના ઘટનાક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર બદલી કરી દેવાઈ.
પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના પગલે અન્ય પોલીસકર્મીઓમાં રોષ જોવા મળ્યો હતો. તો સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દે લોકોએ પ્રશ્ન કર્યા કે સાચી ફરજ બજાવતા પોલીસકર્મીને કેમ હેરાન કરવામાં આવે છે.
દિવ્ય ભાસ્કર અખબારના એક રિપોર્ટ પ્રમાણે કલોલના સ્વામીનારાયણ મંદિરના સ્વામીની ગાડી પકડવા બદલ અમદાવાદમાં એક પોલીસ ઇન્સ્પેક્ટરની ગણતરીના કલાકોમાં જ બદલી કરી દેવાઈ હતી.
આ રિપોર્ટ પ્રમાણે આ ગાડીમાં ડ્રાઇવર સાથે પાંચ લોકો હતા જેમણે કહ્યું કે તેમણે મહંતનો રિપોર્ટ બતાવવા માટે હૉસ્પિટલ જવું છે પરંતુ તેઓ આ અંગે કોઈ કાગળ બતાવી શક્યા નહોતા.
વાડજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ રાતના સમયે ડ્યૂટી પર હતા જ્યારે આ બનાવ બન્યો હતો.
કથિત રૂપે તેઓ ગાડીમાં સવાર લોકોને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર જે. એ. રાઠવા પાસે ગાડી જવા દેવા માટે મહંતનો ફોન આવ્યો, ત્યાર બાદ ધારાસભ્ય અને મંત્રીનો પણ ફોન આવ્યો હતો.
અહેવાલો પ્રમાણે તેમના પર આખરે ઉચ્ચાધિકારીનો ફોન આવ્યો અને તેમને ગાડી છોડવાની ફરજ પડી હતી અને ત્યાર બાદ તેમની બદલી કરી નાખવામાં આવી હતી.
લોકોએ ફેસબુક પર પોલીસ ઇન્સપેક્ટર રાઠવાના સમર્થનમાં #ISupportPIRathwa હૅશટેગ હેઠળ પોસ્ટ કરી હતી.
દુષ્કર્મના આરોપી પાસેથી લાંચ લેવાનો કેસ
અમદાવાદનાં મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાનું નામ પણ છેલ્લા થોડા દિવસોથી ચર્ચામાં રહ્યું છે.
તેમનાં પર દુષ્કર્મના એક કેસમાં ખંડણી લેવાનો આરોપ હતો.
શ્વેતા જાડેજા અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચનાં મહિલા પીએસઆઈ હતાં, 2017ના દુષ્કર્મ કેસમાં 20 લાખ રૂપિયાની ખંડણી વસૂલવાનો આરોપ લગાવવામાં આવ્યો અને ગુનો નોંધાયો. શહેરની ડિટેક્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ પણ કરી.
અમદાવાદના એક વ્યવસાયી કેનલ શાહ વિરુદ્ધ દુષ્કર્મની એક ફરિયાદ વર્ષ 2017 માં નોંધાઈ હતી. કેનલ શાહ પર બે કેસ નોંધાયા હતા જેમાંથી એકની તપાસ શ્વેતા જાડેજા કરી રહ્યાં હતાં.
પોલીસે જે રિમાન્ડ ઍપ્લિકેશન રિપોર્ટ ફાઇલ કર્યો હતો એ મુજબ 'શ્વેતા જાડેજાએ દુષ્કર્મના આરોપી કેનલ શાહને તેમના ભાઈ મારફતે ધમકી આપી હતી કે જો 25 લાખ રૂપિયા આપવામાં આવશે તો પાસા હેઠળ કેસ નહીં નોંધવામાં આવે. જોકે પછી આ રકમ 20 લાખ નક્કી થઈ હતી અને તેને આંગળિયાપેઢી દ્વારા મોકલવામાં આવ્યા હતા.'
તપાસમાં સામે આવ્યું હતું કે શ્વેતા જાડેજાના બનેવી પાસે આ પૈસા પહોંચ્યા હતા. ત્યાર પછી પણ શ્વેતા જાડેજાએ 15 લાખ રૂપિયાની માગ કરી હતી. ત્યાર પછી કેનલ શાહે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાન્ચે સ્પેશિયલ ઑપરેશન ગ્રુપને આ તપાસ સોંપી હતી.
ઘટનાને પગલે શ્વેતા જાડેજાની ધરપકડ થઈ છે અને લાંચના 20 લાખ રૂપિયાની તપાસ પણ ચાલી રહી છે.
પોલીસ પ્રમાણે શ્વેતા જાડેજાએ આ પહેલાં જે કેસોની તપાસ કરી છે તેના આરોપીઓને પણ પૂછવામાં આવશે.
2016-17ની બૅચમાં પોલીસમાં જોડાયેલાં શ્વેતા જાડેજા પોરબંદરના એક ગામના રહેવાસી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો