You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોનાની વૅક્સિન બનાવવામાં 10 આંખવાળા કરચલાના લોહીની જરૂર કેમ?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
હૉર્સશૂ ક્રૈબ (કરચલા) ઘોડાની નાળ જેવા આકારના કરચલા. 10 આંખવાળા આ જીવ લગભગ 30 કરોડ વર્ષથી આ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે. પરંતુ વર્ષોથી તેમના નીલરંગી લોહીનો ઉપયોગ માનવજાતિની દવા માટે કરવામાં આવે છે.
કોરોનાની મહામારીની વચ્ચે વિજ્ઞાનીઓમાં હૉર્સશૂ કરચલા પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે.
સંભવિત વૅક્સિનની શોધ કરવા માટે વૈજ્ઞાનિકો હૉર્સશૂ કરચલા ઉપર સંશોધન કરી રહ્યા છે.
જોકે, તેના કારણે લિવિંગ ફૉસિલ (જીવિત જીવાશ્મ) મનાતા કરચલાના અસ્તિત્વ ઉપર જોખમ ઊભું થયું છે. એવું માનવામાં આવે છે કે ધરતી ઉપર આ પ્રજાતિના કરચલાની સંખ્યા ઓછી છે અને દવા માટે તેના લોહીની માગ જોતા તેમની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.
કરચલાના દર્દનું કારણ દવા
શોધવામાં આવેલી નવી દવામાં કોઈ હાનિકારક બૅક્ટેરિયા છે કે નહીં, તે નક્કી કરવા માટે હૉર્સશૂ કરચલાના લોહીનો ઉપયોગ કરવામાં આવે છે.
હૉર્સશૂના રક્તકણ દવામાં રહેલા ખતરનાક તત્વો સાથે રસાયણિક પ્રક્રિયા કરે છે, જેથી કરીને વિજ્ઞાનીઓને એ વાતની ખાતરી થાય છે કે નવી શોધાયેલી દવા માણસો માટે સલામત છે કે નહીં.
સૌથી મોટી સમસ્યા એ પણ છે કે હૉર્સશૂ કરચલા એકમાત્ર એવા જીવ છે કે જેમનો ઉપયોગ આ પ્રકારના પરીક્ષણ માટે કરવામાં આવે છે.
આથી, દરવર્ષે હજારોની સંખ્યામાં હૉર્સશૂ કરચલાને પકડીને અમેરિકાની દવા બનાવતી લૅબોરેટરીઓમાં મોકલી દેવામાં આવે છે. તેમના હૃદય પાસેની નળીમાંથી લોહી કાઢવામાં આવે છે અને પછી તેમને ફરી પાણીમાં છોડી દેવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લોહી, લૅબોરેટરી અને લાલસા
નિષ્ણાતોનું માનવું છે કે હૉર્સશૂ કરચલાનું લોહી કાઢી લીધા બાદ પણ તેઓ જીવી શકે છે.
પરંતુ વર્ષોના સંશોધન બાદ માલૂમ પડ્યું છે કે જો તેમના શરીરમાંથી 30 ટકા કે તેથી વધુ લોહી કાઢી લેવામાં આવે તો તેમનું મૃત્યુ થઈ શકે છે.
અન્ય એક સંશોધનના તારણ પ્રમાણે, માદા કરચલાના શરીરમાંથી લોહી કાઢી લેવામાં આવે તો તેમની પ્રજનન શક્તિ ઓછી થઈ જાય છે.
વન્યજીવ સંરક્ષણ માટે કામ કરનારા કાર્યકર્તાઓનું કહેવું છે કે આ બધી બાબત સ્થિતિને વધુ જટિલ બનાવી દે છે.
રિસર્ચ માટે અમેરિકાના ન્યૂ જર્સીમાં લાખોની સંખ્યામાં હૉર્સશૂ કરચલા પકડવામાં આવે છે. અહીં પર્યાવરણ સંરક્ષણ માટે કામ કરતી ટીમના લીડર ડૉક્ટર બાર્બરા બ્રમરનાં કહેવા પ્રમાણે, "હાલમાં સંશોધન માટે લગભગ 50 લાખ હૉર્સશૂ કરચલાનું લોહી કાઢવામાં આવી રહ્યું છે."
'બીબીસી રેડિયો 4'ના એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું, "લોહી કાઢી લીધા બાદ કરચલાને જીવિત છોડી દેવામાં આવે છે, પરંતુ ત્યારબાદ તેમના જીવન ઉપર શું અસર થાય છે અને કેટલી અસર થાય છે, તે વિશે વાસ્તવમાં કોઈ નથી જાણતું."
અમેરિકન હૉર્સશૂ કરચલાની સંખ્યામાં જંગી ઘટાડો થયો છે અને તેમને સત્તાવાર રીતે લુપ્તપ્રાયઃ જીવોની યાદીમાં સામેલ કરવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
પરંતુ દવા બનાવતી કેટલીક મોટી કંપનીઓનું કહેવું છે કે હૉર્સશૂ કરચલાની સંખ્યા દર્શાવતા આંકડા ઉપર નજર કરવામાં આવે તો તાજેતરના વર્ષોમાં તેમની સંખ્યામાં કોઈ નોંધપાત્ર ઘટાડો નથી થયો.
સંશોધન, વિકલ્પ અને વિઘ્ન
દવા બનાવવાની પ્રક્રિયામાં હૉર્સશૂ કરચલાના વિકલ્પરુપે અન્ય કોઈ માનવનિર્મિત ચીજનો ઉપયોગ થઈ શકે કે કેમ, તે અંગે વર્ષોથી સંશોધન ચાલુ છે.
વર્ષ 2016માં આ દિશામાં થોડી સફળતા મળી. વિજ્ઞાનીઓએ કરચલાના લોહીનો વિકલ્પ શોધી કાઢ્યો, જેને યુરોપિયન દેશોમાં મંજૂરી મળી ગઈ છે.
અમેરિકાની દવા બનાવતી અમુક કંપનીઓ પણ આ અભિયાનમાં સામેલ થઈ છે.
કોરોના, કરચલા અને ક્લેશ
અમેરિકામાં દવાઓની અસરકારકતા અંગે નિર્ણય લેતા સંગઠને તાજેતરમાં કહ્યું હતું કે હૉર્સશૂ કરચલાના લોહીનો વિકલ્પ કારગત છે કે નહીં, તે ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી.
જે કંપનીઓ અમેરિકામાં દવા વેચવા માટે છે, તેમને કહેવામાં આવ્યું છે કે દવાઓની સલામતીનું પરીક્ષણ કરવા માટે હૉર્સશૂ લોહીનો ઉપયોગ ચાલુ રાખવો પડશે.
આનો અર્થ એ છે કે જો કોઈ કંપની કોરોનાની વૅક્સિન બનાવે અને તેને અમેરિકાની બજારમાં વેચવી હોય તો વૅક્સિનનું પરીક્ષણ જૂની પદ્ધતિ મુજબ થયેલું હોવું જોઈએ.
ડૉ. બાર્બરાનો પ્રયાસ છે કે સરકાર આ નિયમ ઉપર પુનર્વિચાર કરે અને જેમ અન્ય દેશોમાં હૉર્સશૂ કરચલાના વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે છે, તેનો ઉપયોગ કરવા માટે તંત્રને સહમત કરી શકાય. તેઓ કહે છે, "આનાથી પ્રાકૃતિક સંસાધનો ઉપર આપણી નિર્ભરતા ઓછી થશે."
કેટલીક દવા કંપનીઓનું કહેવું છે કે કોવિડ-19ની વૅક્સિનનું પરીક્ષણ થઈ શકે તેટલું હૉર્સશૂ કરચલાનું લોહી તેમની પાસે છે. એટલે વધુ હૉર્સશૂ કરચલાનું લોહી કાઢવાની જરૂર નહીં રહે.
ડૉ. બાર્બર કહે છે, "ઓછામાં ઓછી 30 કંપની કોરોનાની દવા બનાવવાના કામમાં લાગેલી છે. તમામની વૅક્સિને જૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. (મતલબ કે હૉર્સશૂ કરચલાના લોહીની ઉપર પરીક્ષણ કરવું પડશે.)"
"મને એ વાતની ચિંતા છે કે આને કારણે હૉર્સશૂ કરચલાની વસતી જોખમમાં મૂકાઈ શકે છે, વાસ્તવમાં તેઓ પણ પર્યાવરણનો મહત્ત્વપૂર્ણ ભાગ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો