You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાન અને ચીન વચ્ચે થયેલો એ કરાર જે વધારી શકે છે ભારતની મુશ્કેલી
- લેેખક, સિન્ધુવાસિની
- પદ, બીબીસી સંવાદદાતા
ઈરાન અને ચીન વચ્ચે એક મહત્ત્વાકાંક્ષી ડીલ થઈ છે, જેના પર હવે સમગ્ર વિશ્વની નજર છે. બંને દેશો વચ્ચે થયેલી આ રાજનીતિક અને વ્યાપારી સમજૂતી આવનારાં 25 વર્ષ સુધી અમલમાં રહેશે. આ સમજૂતી પછી મંગળવારે સમાચાર આવ્યા કે ઈરાને ચાબહાર રેલ પ્રોજેક્ટથી ભારતની અલગ કરી નાખ્યું છે.
ઈરાને આનું કારણ ભારત તરફથી ફંડ મેળવવામાં જોવી પડી રહેલી રાહને ગણાવ્યું છે. ઈરાન અને ભારત વચ્ચે ચાર વર્ષ પહેલાં ચાબહારથી અફઘાનિસ્તાન સરહદ પર જાહેદાન સુધી રેલ લાઈન પાથરવાને લઈને સમજૂતી થઈ હતી.
હવે ઈરાને પોતાની રીતે જ આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે અને એના પર કામ શરૂ કરી દીધું છે.
અમેરિકન સમાચારપત્ર 'ન્યૂયૉર્ક ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર લગભગ 400 અબજ ડૉલરના આ સોદા હેઠળ ઈરાન ચીનને આવતાં 25 વર્ષ સુધી ખૂબ જ સસ્તાદરે કાચું તેલ આપશે અને એના બદલામાં ચીન ઈરાનમાં મોટા પાયે રોકાણ કરશે.
બંને દેશોએ આ સમજૂતી એવા સમયે ચૂપચાપ કરી લીધી છે જ્યારે વિશ્વ કોવિડ-19ની મહામારી સામે ઝૂઝી રહ્યું છે.
કારણ કે ઈરાને ચીન સાથે આ સમજૂતી અમેરિકાના પ્રતિબંધો અને ધમકીઓને બાજુ પર મૂકીને કરી છે એટલે એની દૂરગામી અસર થવાના સંકેત ગણાવાઈ રહ્યા છે.
નિષ્ણાતોનું માનવું છે કે આ સમજૂતીની અસર માત્ર અમેરિકા પર જ નહીં, ભારત સહિત બાકી વિશ્વ પર પણ પડશે.
શું છે આ સમજૂતીમાં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈરાનની સમાચાર એજન્સી તસનીમ અનુસાર સમજૂતીના અનુચ્છેદ-6 પ્રમાણે બંને દેશો ઊર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ અને ટેકનૉલૉજીના ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારશે.
સમાચાર એજન્સી અનુસાર "બંને પક્ષ આવતાં 25 વર્ષ સુધી પરસ્પર સહયોગ વધારવા પર સંમત થયા છે"
ડીલને હજુ ઈરાનની સંસદ મજલિસની મંજૂરી મળી નથી અને તેને જાહેર પણ કરાઈ નથી પરંતુ 'ન્યૂયૉર્ક ટાઇમ્સ'એ આ પ્રસ્તાવિત સમજૂતી સાથે જોડાયેલો 18 પાનાંનો દસ્તાવેજ મેળવ્યો છે.
આ દસ્તાવેજ પર જૂન 2020ની તારીખ નોંધાયેલી છે અને એને સમજૂતીનું 'અંતિમ સ્વરૂપ' ગણાવાયું છે.
આ સમજૂતીની શરૂઆતમાં કહેવાયું છે "બે પ્રાચીન એશિયાઈ સંસ્કૃતિઓ વેપાર, રાજનીતિ, સંસ્કૃતિ અને સુરક્ષાના ક્ષેત્રમાં સમાન વિચારોવાળા બે સહયોગી, અનેક પરસ્પર દ્વિપક્ષી અને બહુપક્ષી હિતોવાળા દેશ ચીન અને ઈરાન એકબીજાને પોતાના રણનૈતિક સહયોગી માનશે."
આ દસ્તાવેજોથી જાણ થાય છે કે સમજૂતી પ્રમાણે :
- ચીન ઈરાનના તેલ અને ગૅસઉદ્યોગમાં 280 અબજ ડૉલરનું રોકાણ કરશે.
- ચીની પક્ષ ઈરાનમાં ઉત્પાદન અને પરિવહનના આધારભૂત માળખાના વિકાસ માટે પણ 120 બિલિયન ડૉલરનું રોકાણ કરશે.
- ઈરાન ચીનને આવતાં 25 વર્ષ સુધી નિયમિત રીતે ખૂબ જ સસ્તાદરે કાચું તેલ અને ગૅસ ઉપલબ્ધ કરાવશે.
- ચીન 5G ટેકનૉલૉજીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવામાં ઈરાનની મદદ કરશે.
- બૅન્કિંગ, ટેલિકૉમ્યુનિકેશન, બંદરો, રેલવે અને ડઝનબંધ અન્ય ઈરાની પરિયોજનાઓમાં ચીન મોટા પાયે પોતાની ભાગીદારી વધારશે.
- બંને દેશ પરસ્પર સહયોગથી સંયુક્ત સૈન્યાભ્યાસ અને શોધ કરશે.
- ચીન અને ઈરાન મળીને હથિયારોનું નિર્માણ કરશે અને એકબીજા સાથે જાસૂસી જાણકારીનો પણ વિનિમય કરશે.
બંને દેશને ડીલથી શું ફાયદો થશે?
મધ્ય-પૂર્વ મામલાના વિશેષજ્ઞ અને ખાડી દેશોમાં ભારતીય રાજદૂત રહી ચૂકેલા તલમીઝ અહમદનું માનવું છે કે આ કરાર ચીન અને ઈરાન બંને માટે ઘણી રીતે મહત્ત્વપૂર્ણ છે.
તેમના અનુસાર, ચીન એ ઈરાનનું સહયોગી બની રહ્યું છે, જેનો વિરોધ અમેરિકા, ઇઝરાયલ અને સાઉદી અરેબિયા જેવા તાકાતવર દેશો કરે છે.
અહમદ માને છે કે ટ્રમ્પ પ્રશાસને ઈરાન પર કડક પ્રતિબંધ લગાવીને જે રીતે 'મહત્તમ પ્રેશર' બનાવ્યું હતું એ આ કરારથી ઘણું નબળું પડી જશે.
અમેરિકાના પ્રતિબંધોને કારણે ઈરાનમાં વિદેશી રોકાણ લગભગ ઠપ થઈ ગયું છે. એવામાં ચીનને કારણે ઈરાનમાં વિદેશી રોકાણ, તકનીકી અને વિકાસને ગતિ મળશે. બીજી તરફ કાચા તેલના સૌથી મોટા આયાતી દેશ ચીનને ઈરાનથી સાવ સસ્તાદરે તેલ અને ગૅસ મળશે.
આ સિવાય રક્ષા મામલમાં ચીનની સ્થિતિ ઘણી મજબૂત છે. માટે તે રક્ષાઉત્પાદકોના માધ્યમથી કે સામરિક ક્ષમતાના માધ્યમથી બંને તરફથી ઈરાનની મદદ કરી શકે છે.
બીજી તરફ ચીન માટે ઈરાન એટલા માટે મહત્ત્વનું છે કે આ તેને વન બેલ્ટ, વન રોડ પરિયોજનાને સફળ બનાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
ભારત પર શું અસર થશે?
જાણકારોનું કહેવું છે કે ચીન અને ઈરાન વચ્ચે આ સમજૂતી ભારત માટે એક ઝટકો પણ સાબિત થઈ શકે છે.
અમેરિકાના પ્રતિબંધને કારણે ભારત, ઈરાનથી તેલ આયાત કરવાનું લગભગ બંધ કરી ચૂક્યું છે. જોકે કેટલાંક વર્ષ પહેલાં આ ભારત માટે તેલનું મુખ્ય આપૂર્તિકર્તા હતું.
આ સિવાય ચીની રોકાણ ઈરાનમાં જવાથી નુકસાન પણ ભારતને થશે. ભારત ઈરાનમાં ચાબહાર પૉર્ટને વિકસિત કરવા માગે છે અને તેને ચીનના પાકિસ્તાનમાં ગ્વાદર પૉર્ટના જવાબના રૂપમાં માનવામાં આવતું હતું. ચાબહાર ભારત માટે વ્યાપારિક અને રણનીતિક રીતે પણ મહત્ત્વનું છે.
આથી ચીનની હાજરી ભારત માટે મુશ્કેલી પેદા કરશે.
આ ડીલને કારણે ભારત માટે સ્થિતિ અમેરિકા, ઇઝરાયલ અને સાઉદી અરેબિયા વિરુદ્ધ ઈરાન જેવી થઈ શકે છે. આ ભારત માટે કેટલું મુશ્કેલ હશે?
આ સવાલના જવાબમાં તલમીઝ અહમદ કહે છે, "આઝાદી બાદ અત્યાર સુધીમાં ભારતની વિદેશનીતિ 'સ્ટ્રેટેજિક ઍટૉનૉમી' રહી છે. એટલે કે ભારત કોઈ ખાસ દેશ કે જૂથમાં સામેલ થતું નહોતું, તેમના દબાણમાં આવતું નહોતું અને પોતાનાં હિતો અનુસાર બધા દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખવાની કોશિશ કરતું હતું. પણ એવું લાગે છે કે કેટલાંક વર્ષોથી ભારતની આ નીતિ નબળી પડી છે. ભારતના પડોશી દેશોમાં પણ આ ધારણા બંધાઈ છે કે ભારત ક્યાંક ને ક્યાંક અમેરિકાના પ્રભાવમાં છે."
તલમીઝ અહમદ અનુસાર ભારતનું હિત ઈરાન, રશિયા અને ચીનમાં છે. ભારતનું હિત યુરેશિયામાં છે. તેઓ કહે છે કે ભારત એ સ્પષ્ટ કરી દેવું જોઈએ કે અમેરિકા અને રશિયાની લડાઈ તેની લડાઈ ન હોઈ શકે.
દુનિયાનાં સમીકરણો કેવી રીતે બદલાઈ જશે?
ઈરાન અને ચીનની અમેરિકા પ્રત્યેની નારાજગી નવી નથી. ઈરાની મંત્રાલયથી સંબંધિત સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ફૉર ટ્રેડ સ્ટડીઝ ઍન્ડ રિસર્ચે વર્ષ 2012માં એક લેખમાં કહ્યું હતું કે 'ચીન અને ઈરાનનું સહયોગી થવું સ્વાભાવિક છે, કેમ કે બંને અમેરિકા અને પશ્ચિમી દેશના પ્રભુત્વથી નાખુશ છે.'
બંને દેશોની આ જ નારાજગી આજે આ કરારના માધ્યમથી દુનિયા સામે આવી છે.
ઈરાની વિદેશ મંત્રાલયનું કહેવું છે કે ચીન દુનિયાની સૌથી તાકાતવર અર્થવ્યવસ્થા છે અને ઈરાન પશ્ચિમ એશિયાની સૌથી મોટી તાકાતોમાંથી એક છે. આ બંને તાકાતો મળીને 'ભય ફેલાવવાવાળી તાકાતો' (અમેરિકા)નું દબાણ ખતમ કરશે.
ઈરાન મામલાના જાણકાર અને વરિષ્ઠ પત્રકાર રાકેશ ભટ્ટનું માનવું છે કે ચીન અને ઈરાન વાસ્તવમાં અમેરિકા માટે એક પડકાર બનીને સામે આવશે.
બીબીસી સાથે વાત કરતાં તેઓએ કહ્યું, "ઈરાન પાસે કુદરતી ગૅસનો ભંડાર છે. રશિયા બાદ ઈરાન પાસે સૌથી વધુ કુદરતી ગૅસ અનામત છે. કાચા તેલ મામલે પણ ઈરાન સાઉદી અરેબિયા પછી બીજા નંબરે છે. આ કરારના માધ્યમથી ચીન સાઉદી અરેબિયાના એકાધિકારને પડકાર આપવા માગે છે અને ઈરાનને તેના વિકલ્પ તરીકે રજૂ કરવા માગે છે."
તલમીઝ અહમદ પણ રાકેશ ભટ્ટના વિચારો સાથે સહમત થાય છે.
તેઓએ કહ્યું, "મારું માનવું છે કે આ કરાર રાજકીય રીતે ખાસ મહત્ત્વનો છે અને તેને કારણે ખાડી ક્ષેત્રમાં પાયાના ફેરફારો આવશે. ઈરાન અને ચીન સાથે આવવાથી આ વિસ્તારમાં એક નવો 'પાવર પ્લેયર' પહોંચી ગયો છે. પૂર્વ એશિયામાં હજુ સુધી મુખ્ય રીતે અમેરિકાનું વર્ચસ્વ રહ્યું છે અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં રશિયાએ પણ કેટલીક હદે પહોંચ બનાવી છે. પહેલી વાર ચીને અહીં આ રીતે પગલું ભર્યું છે."
અહમદ કહે છે, "અમેરિકાએ ટ્રેડ વૉર જેવાં પગલાંના માધ્યમથી ચીન પ્રત્યે જે આક્રમક વલણ અપનાવ્યું, તેનાથી ચીન ઈરાન સાથે આ કરાર કરવા મજબૂર થયું અને હવે બંને દેશ મળીને અમેરિકા સામે મજબૂતીથી ઊભા છે."
વિશેષજ્ઞોનું માનવું છે કે આ કરાર બાદ અમેરિકા અને પશ્ચિમી દેશોનું વલણ ઈરાન પ્રત્યે નરમ પડી શકે છે.
ઈરાનના લોકો નાખુશ?
બીબીસી મૉનિટરિંગના રિપોર્ટ અનુસાર ઈરાનના લોકો આ ડીલથી ખુશ નજરે આવતા નથી.
સોશિયલ મીડિયા પર લોકો કરારને લઈને અનેક પ્રકારની આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે.
ઈરાની સોશિયલ મીડિયામાં #IranNot4SellNot4Rent (ઈરાન ભાડા માટે નથી, ઈરાન વેચવા માટે નથી)ના હૅશટેગ સાથે તેને 'ચીની ઉપનિવેશવાદ'ની શરૂઆત ગણાવી રહ્યા છે.
રાકેશ ભટ્ટનું કહેવું છે કે આ કરારને લઈને ઈરાનના લોકોના મનમાં જે ભય છે, તેનું કારણ ચીનનો અગાઉનો રેકર્ડ છે.
ચીની રોકાણે આફ્રિકાના કેન્યા અને એશિયાના શ્રીલંકા જેવા દેશોને કરજદાર બનાવી દીધા છે. આથી લોકોને લાગે છે કે ઈરાનની પણ કંઈક આવી જ હાલત થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો