કોરોના વાઇરસ : પ્રેમ, સેક્સ અને રોમાન્સની દુનિયા મહામારી પછી કેવી હશે?

    • લેેખક, ચિન્કી સિંહા
    • પદ, બીબીસી સંવાદદાતા

કહેવાય છે કે પ્રેમ કોઈ પણ વાઇરસથી મોટો હોય છે. તે કોવિડ મહામારીને માત આપશે અને જીવતો રહેશે. આ જ છે પ્રેમનું ભાવિ.

અન્ય વાતોના ભવિષ્યથી વિપરીત પ્રેમનું ભવિષ્ય મેટાફિઝિક્સના ઘેરામાં રહેશે- સૂક્ષ્મ અને ગૂઢ.

"આપણે માત્ર ભાવનાત્મક, આધ્યાત્મિક અને આભાસી સ્તર પર પ્રેમ કરી શકીએ છીએ. હવે પ્રેમ અને સેક્સ બંને અલગ વાત છે."

દિલ્હીમાં રહેતા પ્રોફેશનલ પપ્સ રૉય ખુદને લાઇલાજ વિદ્રોહી ગણાવે છે. તેઓ સમલૈંગિક છે અને કોરોના બાદ પ્રેમના ભવિષ્ય પર ઊંડાઈથી વાત કરે છે.

હાલમાં પપ્સ રૉય પોતાના ફોન સાથે એક ફ્લેટમાં ફસાયેલા છે.

તેઓ કહે છે, "પ્રેમ ક્યાંક બહાર છે. બસ, આપણે પ્રેમની જૂની રીતોને ભુલાવીને નવી રીત શીખવી પડશે."

લૉકડાઉનથી થોડા સમય પહેલાં તેઓ રેલવેમાં બેસીને એક માણસ સાથે કોઈ પહાડી શહેર તરફ નીકળી પડ્યા હતા.

તેમને લાગ્યું કે તેમને એ માણસ સાથે પ્રેમ છે અને તેની સાથે બે દિવસ વિતાવવા માગે છે.

પરંતુ ત્યાં સુધી લૉકડાઉન થઈ ગયું અને એક મહિના માટે તેઓ ત્યાં જ ફસાઈ ગયા. જ્યારે એપ્રિલમાં દિલ્હી પરત ફર્યા ત્યારે તેમને ભ્રમ ભાંગી ગયો હતો.

એકબીજા સાથે રહેવું એકબીજા સાથે ફસાઈ જવા જેવું થઈ ગયું હતું. સોશિયલ ડિસ્ટન્સિંગ હવે એકબીજાથી અંતરમાં ફેરવાઈ ગયું હતું.

હવે તેઓ દિલ્હી પરત ફર્યા છે. સાથે ફોન છે અને ઘણા પ્રેમી પણ. તેઓ મોટા ભાગે એકબીજા સાથે ચેટ કરે છે.

વીડિયો ડેટિંગ

ક્યારેક ક્યારેક વીડિયોના માધ્યમથી થોડો પ્રેમ પણ કરે છે. પ્રેમનું ભવિષ્ય કલ્પનાનો મોહતાજ નથી.

લોકો પરિસ્થિતિ અનુસાર પોતાને ઢાળી લે છે. આ રીતે આપણે ભવિષ્યમાં પગલાં માંડીએ છીએ.

ઈ-હારમની, ઓકે ક્યુપિક અને મૅચ જેવાં ડેટિંગ પ્લૅટફૉર્મ પર લૉકડાઉન દરમિયાન વીડિયો ડેટિંગમાં ઘણો વધારો થયો છે.

ઘણી અન્ય બાબતોનાં ભવિષ્ય પર ચર્ચા થઈ રહી છે. ધર્મ, પર્યટન, શિક્ષણ વગેરે.

પરંતુ પ્રેમનું ભવિષ્ય શું?

તેની વાત કંઈક અલગ છે. બ્રિટનમાં લૉકડાઉનના શરૂઆતમાં જ સરકારે લોકોને સલાહ આપી કે તેઓ પોતાના લવર સાથે રહે.

એકબીજાના ઘરે આવજા કરવાથી વાઇરસના સંક્રમણનો ખતરો વધી શકે છે. યુરોપમાં આવા ઘણા પ્રસ્તાવ આવ્યા છે.

મે મહિનામાં નેધરલૅન્ડની સરકારે એકલા રહેલા લોકોને કહ્યું કે તેઓ પોતાના માટે સેક્સ પાર્ટનર શોધી લે. તેમજ એ સલાહ પણ આપવામાં આવી કે બંને મળીને એ નક્કી કરી લે કે તેઓ અન્ય કેટલા લોકોને મળશે, કેમ કે તેઓ જેટલા વધુ લોકોને મળશે, કોરોના વાઇરસના સંક્રમણનો ખતરો એટલો વધશે.

એક સલાહ એ પણ આપવામાં આવી કે 'અન્યો સાથે અંતર રાખીને સેક્સ કરો.'

કેટલીક સલાહ એ પણ હતી કે અન્ય સાથે મળીને હસ્તમૈથુન કરો કે પછી કામુક કહાણીઓ વાંચો.

વીડિયો ચેટ્સ હવે સામાન્ય થઈ ગયું છે અને ફોન સેક્સ પણ.

રેસ્ટોરાં બંધ થવાને કારણે હવે વાસ્તવિક ડેટિંગ શક્ય નથી. આથી ડેટિંગ, લગ્નો અને એટલે સુધી કે સેક્સ પણ વર્ચ્યુઅલ દુનિયામાં થવું લાગ્યું છે.

આ જાણે કોઈ ભયાનક ભવિષ્યની તસવીર હોય. પરંતુ ભાવિની દરેક તસવીર એક નવું રૂપ લેતી રહે છે. નવાં રંગરૂપમાં આકાર લે છે.

ડેટિંગ ઍપ્સ

20 એપ્રિલ હતી.

33 વર્ષીય એક માણસ બેંગલુરુની એક મજાની સાંજે પોતાની બાલ્કનીમાં ટેબલ પર વાઇનના એક ગ્લાસ સાથે મીણબત્તી પ્રગટાવીને બેઠો હતો.

આ વીડિયો ડેટિંગ હતું. ડેટિંગ ઍપ બંબલ પર. એ અગાઉ પણ ડેટિંગ ઍપનો ઉપયોગ કરતા હતા, પણ વધુ સમય વિતાવતા નહોતા.

હકીકતમાં પોતાની સ્ટારઅપ કંપનીના કામ એટલા વ્યસ્ત રહેતા હતા કે સમય નહોતો મળતો. પણ લૉકડાઉન શરૂ થયા બાદ તેઓ એક સાથીની શોધમાં આ ઍપનો વધુ ઉપયોગ કરવા લાગ્યા. અને તેમની સાથી મળી પણ ગઈ.

શરૂઆતમાં બસ, એકબીજાને પિંગ કરતા કે ચેટ કરતાં. ધીમેધીમે વાતો લંબાતી ગઈ. અને બાદમાં આ ડેટિંગ નક્કી થયું.

તે પોતાની બાલ્કની બેઠી હતી અને તેઓ પોતાની બાલ્કનીમાં. આ મુલાકાત ચાલીસ મિનિટ સુધી ચાલી.

અને લૉકડાઉનમાં ઢીલ મળતાં તેઓ અંતે વાસ્તવમાં મળ્યાં. છોકરાના ઘરે ધાબા પર. તે માસ્ક પહેરીને આવી હતી. જેમ લોકો ગળે મળે તેવું તો ન થયું, થોડા અંતરથી મળ્યાં.

બસ, તેમની કહાણી એકબીજાને સ્પર્શી ગઈ. છોકરાએ કહ્યું, "હાલમાં આટલું જ યોગ્ય છે."

તેઓ કહે છે, "દરેકને કોઈની તલાશ છે. હવે લોકો ખૂલીને વાત કરવા લાગ્યા છે. અમે કોશિશ કરીએ છીએ કે વાઇરસ અંગે વાતો ન કરીએ. પણ આ દરમિયાન મગજની જે હાલત છે તેના પર વાતો થાય જ છે. લોકો કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તેના પર પણ વાત થઈ. હું આ માહોલમાં પ્રેમ કરવાનો ખતરો સારી રીતે સમજું છું. હું ભૂલો કરવા માગતો નથી."

આશિષ સહગલ દિલ્હીમાં રહે છે. તેઓ એક 'લાઇફ કોચ' છે. તેમનું કામ લોકોને તેમની સમસ્યાઓને સમજાવવાનું અને તેના નિવારણમાં મદદ કરવાનું છે.

તેઓ કહે છે કે "હાલના સમયમાં તેમને એવાં દંપતીના ઘણા ફોન આવે છે જેઓ વૈવાહિક જીવનમાં સમસ્યાથી પીડાઈ રહ્યાં છે. મહામારીના ડરને કારણે પ્રેમસંબંધોમાં ઘણા ફેરફાર આવશે."

"એક પ્રેમ અવધારણાના રૂપમાં વધુ મજબૂત થશે. ડરના માહોલમાં પ્રેમ વધુ ફૂલેફાલે છે."

પ્રેમસંબંધમાં તેમના અનેક અનુમાનો છે. "વધુ લગ્નો થશે. તલાક પણ વધશે. અને બાળકો પણ વધુ પેદા થશે. આ બધી વિરોધાભાસી વાતો ચોક્કસ છે, પરંતુ બની શકે કે કદાચ પ્રેમનું ભવિષ્ય આવું જ અવ્યવસ્થિત અને અરાજક હોય."

આશિષ સહગલ કહે છે, "ઘણા બધા લોકો એકલતા અનુભવી રહ્યા છે."

જોકે જ્યાં સુધી પ્રેમના ભવિષ્યની વાત છે તો કોઈ પણ સરકારી દિશાનિર્દેશ કે વાઇરસ વિશેષજ્ઞોના નીતિનિર્દેશો કાર્યક્ષેત્રથી બહાર છે. આ ભવિષ્ય હાલમાં એક મંથનના હવાલે છે.

આશિષ સહગલની દલીલ છે, "HIV/AIDS લોકોને પ્રેમ કરતા રોકી ન શક્યો. આજે લોકોને પ્રેમની જરૂર છે અને તલાશ પહેલેથી વધુ છે."

તેઓ કહે છે, "સંક્રમણના સમયમાં અંતરંગતા દિમાગમાં રહે છે. આપણા દેશમાં નૈતિકતાના ઠેકેદાર સૈનિકો એટલા તત્પર છે કે સેક્સ પાર્ટનર જેવી અવધારણાનો ઉલ્લેખ કરવો પણ મુશ્કેલ છે."

HIV/AIDSથી બચવા માટે કૉન્ડોમનો ઉપયોગ થવા લાગ્યો, પરંતુ તેની તુલના મહામારીથી બચવા માટે માસ્કના ઉપયોગથી ન થઈ શકે.

મુંબઈના કમાઠીપુરામાં રહેતાં એક સેક્સવર્કરે ફોન વાતચીત દરમિયાન કહ્યું કે તેમણે સાંભળ્યું છે કે ઘણી સેક્સવર્કરો હવે વીડિયો કૉલના માધ્યમથી પોતાના ગ્રાહકોને સેવાઓ આપે છે. પણ તેમને આ અજબ લાગે છે.

HIV/AIDSની વાત અલગ હતી. તેનાથી બચવા માટે કૉન્ડોમ પૂરતો હતો. પણ કોરોના વાઇરસ તો સ્પર્શમાત્રથી ફેલાય છે.

સ્ક્રીન પરનો પ્રેમ અને સ્પર્શ

ફોન કે કૉમ્પ્યુટરની સ્ક્રીન સ્પર્શનો વિકલ્પ તો ન હોઈ શકે.

નેહા (બદલેલ નામ) કહે છે કે તેઓ પોતાના ગ્રાહકોને જાણવા-સમજવામાં કે તેમની સાથે કોઈ અર્થપૂર્ણ સંવાદમાં કોઈ રુચિ રાખતી નથી. સેક્સ તેમના માટે નામમાત્રનું છે. આથી આ રીત કામ કરે છે.

નંદિતા રાજે 28 વર્ષનાં છે. મેબેલ ઇન્ડિયા નામના કપડાના બ્રાન્ડનાં તેઓ માલકણ છે. તેઓ સિંગલ છે.

તેઓ કહે છે કે હવે તેમને લોકોને મળવામાં કોઈ રસ નથી.

તેઓ કહે છે, "પ્રેમનું ભવિષ્ય ઘણું અંધકારમય છે. અને મારા માટે કદાચ તેના માટે કોઈ કારણ બચ્યું નથી."

હવે જોકો કોઈ જગ્યાએ કોઈનું મળવું મુશ્કેલ છે તો એવામાં ઘણા લોકો માટે ઑનલાઇન ડેટિંગ એક નવો રસ્તો બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ તેમાં પણ બદલાવ આવી રહ્યા છે.

ઝેક સેલિયન (Zach Schleien)એ ફેબ્રુઆરી 2019માં ફિલ્ડર ઑફ નામનું એક પ્લૅટફૉર્મ શરૂ કર્યું હતું.

તેઓએ ફેબ્રુઆરી 2020માં તેને લૉન્ચ કર્યું હતું. તેમનું કહેવું છે કે વર્ચ્યુઅલ સ્પીડ ડેટિંગ જ ભવિષ્યમાં લોકપ્રિય હશે.

ફિલ્ટર ઑફ એક એવી ઍપ છે જ્યાં તમે પહેલી 90 સેકન્ડ માટે વીડિયોના માધ્યમથી એ વ્યક્તિ અંગે જાણવા માગો છો કે તમે તેને જોઈને કેવું અનુભવો છે.

જો તમને એ વ્યક્તિ પસંદ આવે તો તમારી જોડી બની જાય છે અને બાદમાં તમે ઍપના માધ્યમથી એકબીજાને મૅસેજ અને વીડિયો મોકલી શકો છો.

તેઓ કહે છે, લૉકડાઉન ખતમ થયા બાદ લોકો ઑફલાઇન મુલાકાત કરવાનું શરૂ કરી દેશે.

લૉકડાઉનમાં બંબલ ડેટિંગ ઍપના નવા સબક્રાઇબર ખૂબ વધ્યા

બંબલની ટીમનું કહેવું છે કે "ભારતમાં વીડિયો અને ફોન-કૉલ્સની સરેરાશ અવધિ કમસે કમ 18 મિનિટ સુધી રહી છે. આ એક સંકેત છે કે અમારી ઍપનો ઉપયોગ કરનારા લોકો સોશિયલ ડિસ્ટન્સિંગના આ સમયમાં એકબીજાને સમજવા અને ઊંડા અને અર્થપૂર્ણ સંબંધ બનાવવાની કોશિશ કરી રહ્યા છે."

હાલમાં જ બંબલે એક નવું અભિયાન શરૂ કર્યું છે જેને નામ આપ્યું છે 'સ્ટે ફાર ઍન્ડ ગેટ ક્લૉઝ.' એટલે કે દૂર રહીને નજીકના સંબંધો બનાવો.

આનો હેતુ લોકોને ઘરમાં રહીને જ સંબંધ બનાવવાની શરૂઆત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

ડેટિંગ ઍપ્સની વધતી લોકપ્રિયતા

ટિંડર સમેત ઘણી ડેટિંગ ઍપ્સના ઉપયોગમાં છેલ્લાં અઠવાડિયાંમાં ઘણી વધારો થયો છે.

સિર્ફ કૉફી ઍપનું કહેવું છે કે તેઓ દુનિયાભરમાં વસેલા ભારતીયોને પ્રેમ શોધવામાં મદદ કરે છે. સિર્ફ કૉફી ઍપમાં એવા સાથીઓને શોધવામાં મદદ મળે છે, જેમના વિચારો કે મિજાજ એકબીજા સાથે મેળ ખાતો હોય.

આ ઍપ પ્લૅટફૉર્મનાં કાર્યકારી ઉપાધ્યાક્ષ નૈના હીરાનંદાની કહે છે, "અન્ય સાથેનું જોડાણ માણસની મહત્ત્વની જરૂરિયાત છે. આ મહામારીમાં જે સ્થિતિ સર્જાઈ છે એના પર કોઈનું નિયંત્રણ નથી. પરંતુ આ દરમિયાન આ જરૂરિયાત વધુ ઊભરીને આવે છે."

માર્ચ 2020થી આ ઍપના ઉપયોગમાં 25 ટકાનો વધારો થયો છે.

હીરાનંદાની કહે છે, "પરંતુ ભારતમાં હજુ પણ લોકો સાથી શોધવા માટે વર્ચ્યુઅલ કૉલનો રસ્તો પસંદ કરવામાં કેટલોક સંકોચ અનુભવે છે. પણ ધીમેધીમે અમારા 80 ટકા સભ્યોને તેની ટેવ પડવા લાગી છે. આ મહામારી બાદ આપણી કામ કરવાની, જીવવાની અને પ્રેમ કરવાની કે તેને શોધવાની રીત બદલાઈ જશે."

લૉકડાઉન શરૂ થયા બાદ હવે સિર્ફ કૉફી ઍપની મુંબઈ, દુબઈ અને લંડનસ્થિત ટીમે દુનિયાભરમાં 500થી વધુ મુલાકાતો નક્કી કરી છે.

જોકે ઘણા લોકો હજુ પણ વર્ચ્યુઅલ પ્રેમ માટે તૈયાર નથી.

કરણ અમીન 39 વર્ષના છે અને તેઓ મુંબઈમાં જાહેરાત એજન્સીમાં કામ કરે છે. તેઓ કહે છે કે તેઓએ ડેટિંગ ઍપ્સ પર ઘણા લોકોની પ્રોફાઇલ ચેક કરી છે. તેમાં ઘણા લોકોનું કહેવું છે કે તેઓ કંટાળાને લીધે ડેટિંગ ઍપનો ઉપયોગ કરે છે.

કરણ અમીન આગળ કહે છે, "ટિંડર એક એવી ઍપ છે જ્યાં તમે લોકો સાથે સંબંધ બનાવવા માટે સંપર્ક કરતા હતા, પરંતુ તમે બહાર નહોતા જઈ શકતા."

એક છોકરી સાથે તેઓ ઘણા સમયથી ચેટ કરતા હતા, તેમને પૂછ્યું કે લૉકડાઉન ખૂલ્યા બાદ તેનો શું "ઇરાદો" છે? તો એ છોકરીએ જવાબ આપ્યો કે છ મહિના સુધી તેઓ કોઈને સ્પર્શ નહીં કરે.

કરણ અમીનનો સવાલ છે, "હવે આપણે શું કરીએ? એવું સર્ટિફિકેટ લઈને ફરો જે કહે કે અમને કોરોના થયો નથી. જો વાસ્તવમાં મુલાકાત થઈ ન શકે તો ડેટિંગ ઍપ પર મેચિંગ કરવાનો કોઈ ફાયદો નથી.?

ગ્રાઉન્ડર એક એવી ઍપ છે જેનો ઉપયોગ સમલૈંગિક પુરુષો કરે છે. આ ઍપમાં એક ફીચર એ પણ છે જે બતાવી શકે છે કે કોઈ સમલૈંગિક સાથી કેટલો દૂર છે. કાલ સુધી એ અંતર એક મીટરથી ઓછું પણ હતું તો પણ ઍપ તમ ને સૂચિત કરી શકે છે. પરંતુ હવે આ અંતર થોડી મિનિટોમાંથી વધીને માઈલોનું થઈ ગયું છે.

નોઇડામાં રહેતા એક સમલૈંગિકે નામ ન આપવાની શરતે કહ્યું, "અને આ રીતે અમે ચહેરા પર માસ્ક પહેરીને ભવિષ્યના આંગણે પગલું માંડ્યું. આ બિહામણી સ્થિતિ છે. અમને પહેલાં જ HIV/AIDSનો ડર હતો અને હવે આ મહામારી આવી ગઈ."

જો આ મહામારીને રોકવા માટે કોઈ રસી વિકસિત થઈ જાય તો પણ લોકો બેફિકર થઈને એકબીજાને ગળે મળે એમાં ઘણો સમય લાગશે. ગમે તે થાય, એક વાત નક્કી છે કે પ્રેમ, સેક્સ અને રોમાંસનું ભવિષ્ય હંમેશાં માટે બદલાઈ ગયું છે.

દંપતીઓ માટે આ સમય ઘણો મુશ્કેલ રહ્યો છે. લોકો ઑફિસ ઓછા જાય છે અને મોટા ભાગે ઘરમાં રહીને કામ કરે છે. ઘણા લોકોને એકબીજાની આ રીતે હાજરીની ટેવ નથી.

રિપોર્ટો અનુસાર તલાકના મામલા વધ્યા છે. ઘરેલુ હિંસાની ઘટનાઓ પણ વધી છે. જોકે લોકો કોઈ પણ રીતે નિભાવી રહ્યા છે.

અંતરંગ સંબંધોમાં થયેલા વધારાને લીધે કૉન્ડોમ અને ગર્ભનિરોધક દવાઓના વેચાણમાં વધારો થયો છે.

ક્વોરૅન્ટીન પેઢી

કેટલાક વિશેષજ્ઞોનું પણ અનુમાન છે કે ડિસેમ્બર 2020 સુધીમાં વધુ સંખ્યામાં બાળકો પેદા થઈ શકે છે અને બની શકે કે આ નવી પેઢી 2033માં 'ક્વૉરેન્ટીન' કહેવાય.

ન્યૂયૉર્કમાં ઝૂમ ઍપ પર લગ્નોને કાયદાકીય માન્યતા મળી ગઈ છે.

ભારતમાં પણ કેટલાંક લગ્નો અને લગ્નના વર્ષગાંઠ ઝૂમ ઍૅપ પર ઉજવવામાં આવી. અને વાસ્તવિક લગ્નો દરમિયાન ઓછા મહેમાન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન સામાન્ય વાત બની રહી છે.

અસલમાં નવું ભવિષ્ય દરવાજે ઊભું છે. અને આપણે તેને અપનાવી પણ ચૂક્યા છીએ.

જોકે કેટલાક લોકો 'સામાન્ય સમય' પરત ફરવાની રાહ જુએ છે, બાકી લોકો 'વર્ચ્યુઅલ કે આભાસી પ્રેમ' કરવામાં મશગૂલ થઈ રહ્યા છે.

મહામારીના સંક્રમણકાળમાં ઘણા લોકો માટે પ્રેમ કરવાની બિનપરંપરાગત રીત વિકલ્પ બની રહી છે. બસ, શરત એટલી કે તેમનું દિલ પ્રેમ માટે ખુલ્લું હોય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો