વિકાસ દુબેનું મૃત્યુ : ઉજ્જૈનમાં ધરપકડથી કાનપુરમાં મૃત્યુ સુધીની કહાણી

    • લેેખક, શુરૈહ નિયાઝી
    • પદ, બીબીસી માટે, ભોપાલથી

ઉત્તર પ્રદેશના કાનપુરમાં આઠ પોલીસ કર્મચારીઓની મૂઠભેડમાં થયેલી હત્યાના આરોપી વિકાસ દુબેનું શુક્રવારે સવારે મોત નીપજ્યું હતું.

ઉત્તર પ્રદેશ પોલીસના જણાવ્યા અનુસાર સ્પેશિયલ ટાસ્ક ફોર્સની એક ટુકડી વિકાસ દુબે સાથે મધ્યપ્રદેશથી કાનપુર પરત ફરી રહી હતી ત્યારે કાફલાની એક ગાડી પલટી ગઈ હતી, ત્યારબાદ વિકાસ દુબેએ ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસની કાર્યવાહીમાં આરોપીનું મોત નીપજ્યું.

આના એક દિવસ પહેલાં જ વિકાસ દુબેની ખૂબ જ નાટકીય રીતે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી હતી. કાનપુરમાં ગોળીબારની ઘટનાના સાત દિવસ બાદ પોલીસે વિકાસ દુબેની ધરપકડ કરી હતી.

ઉજ્જૈનનાં સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, વિકાસ દુબેએ ગુરુવારે સવારે મહાકાળેશ્વર મંદિર પહોંચીને 250 રૂપિયાની વીઆઈપી ટિકિટ લીધી હતી.

કાપલીમાં ફક્ત વિકાસ દુબે લખેલું હતું. વિકાસ પાસે એક બૅગ હતી. તે મંદિરની સામે એક પ્રસાદની દુકાન પર ગયો. વિકાસ તેની બૅગ ક્યાંક રાખવા માંગતો હતો. વિકાસે એક વ્યક્તિને બૅગ કયાં મૂકવી તે વિશે પણ પૂછ્યું હતું.

ત્યારબાદ વિકાસ મંદિરમાં દર્શન કરવા અંદર પહોંચ્યો. આ દરમિયાન સિક્યૉરિટી ગાર્ડને શંકા ગઈ હતી એટલે પોલીસને પણ જાણ કરવામાં આવી.

વિકાસ દુબે બહાર આવ્યો ત્યારે પોલીસ આવી ગઈ હતી અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

વિકાસના બે સહયોગી બિટ્ટુ અને સુરેશની પણ ધરપકડ કરવામાં આવી છે, પરંતુ તેમના વિશે હજી વધુ માહિતી નથી આપવામાં આવી.

એક પોલીસ અધિકારીનો દાવો છે કે ઉજ્જૈન મહાકાલ મંદિરની મુલાકાત લેવા આવવાનું કારણ એ જ હતું કે વિકાસ પોલીસ સાથેના ઍન્કાઉન્ટરને ટાળવા માગતો હતો.

તે જ સમયે, તે પણ જાણવા મળ્યું કે તે મંદિરના સંકુલમાં સવારે ઘણા સમયથી ફરતો હતો.

પોલીસે જ્યારે તેની ધરપકડ કરી, ત્યારે તે બૂમ પાડી રહ્યો હતો કે, "હું વિકાસ દુબે છું, કાનપુરવાળો."

ધરપકડ બાદ વિકાસ દુબેને મહાકાલ પોલીસસ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

આ દરમિયાન વિકાસે મીડિયા સાથે વાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યાં વિકાસે ફરી ચીસો પાડી કે તે 'વિકાસ દુબે છે, કાનપુરવાળો' ત્યારે પોલીસે તેને ચૂપ કરી દીધો હતો.

પૂછપરછ

પોલીસ વિકાસને પોલીસસ્ટેશન લઈ ગઈ અને લાંબા સમય સુધી પૂછપરછ કરી. એવું કહેવામાં આવે છે કે પોલીસ સંપૂર્ણ ખાતરી કરવા માગતી હતી કે જે પકડાયો છે તે વિકાસ દુબે જ છે કે કેમ.

જે વ્યક્તિની પાછળ ઘણાં રાજ્યોની પોલીસ છેલ્લા એક અઠવાડિયાથી મહેનત કરી રહી છે, તે આટલી સરળતાથી ધરપકડ કેવી રીતે વહોરી શકે. તેથી તેની સખત પૂછપરછ કરવામાં આવી હતી.

આ પછી મધ્ય પ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ પણ નિવેદન આપ્યું હતું કે વિકાસ દુબેની ધરપકડ કરવામાં આવી છે.

જોકે ધરપકડ કયા સંજોગોમાં થઈ અને પોલીસને માહિતી કેવી રીતે મળી તે અંગ તેમણે જણાવ્યું નહોતું.

નરોત્તમ મિશ્રાએ ભોપાલમાં કહ્યું હતુ કે, "હવે તે પોલીસની કસ્ટડીમાં છે. ધરપકડ કેવી રીતે થઈ તે વિશે કંઈ કહેવું યોગ્ય નથી. તે શરૂઆતથી ક્રૂરતાની હદ પાર કરી રહ્યો હતો."

"જ્યાં સુધી ઇન્ટેલિજન્સની વાત છે, તે માટે હાલ કંઈ કહેવું યોગ્ય નથી. ગોળીબારની ઘટના બાદથી રાજ્ય પોલીસ સંપૂર્ણ ઍલર્ટ પર હતી."

મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ ટ્વિટ કરીને વિકાસ દુબેની ધરપકડ અંગેની વાત કરી હતી.

પોલીસસૂત્રો પાસેથી એવી પણ જાણકારી મળી છે કે ઉજ્જૈન પોલીસ વિકાસ દુબેને કોઈ અજાણ્યા સ્થળે લઈ ગઈ હતી.

એવો આરોપ છે કે વિકાસ દુબેએ 2 જુલાઈએ કાનપુરના બિકરુ ગામમાં ધરપકડ કરવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો.

પોલીસની ટીમ પર કરાયેલા ફાયરિંગમાં 8 પોલીસ જવાનના મૃત્યુ થયા હતા. આ પછી, વિકાસ પર ઇનામની રકમ સતત વધી રહી હતી. ઇનામની રકમ વધીને પાંચ લાખ રૂપિયા થઈ ગઈ હતી.

રાજકારણ

ધરપકડની સાથે મધ્ય પ્રદેશમાં પણ રાજકારણ ગરમાયું હતું. મધ્ય પ્રદેશની રાજ્ય સરકાર તેને પોતાની સફળતા ગણાવી હતી. ત્યારે કૉંગ્રેસ આ મામલે સરકારને ઘેરી રહી હતી અને તેમની નિષ્ફળતા ગણાવતી હતી.

મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે "જે લોકોને લાગે છે કે મહાકાલના આશ્રયમાં જઈને તેમના પાપ ધોવાઈ જશે, તો તેઓ મહાકાલને ઓળખતા નથી. અમારી સરકાર કોઈ ગુનેગારને છોડશે નહીં."

તે જ સમયે, પ્રદેશ ભાજપે ટ્વીટ કર્યું કે, "વિકાસ દુબેની ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી, કોઈએ તેને કહ્યું નથી કે હવે મધ્યપ્રદેશમાં @chouhanshivraj સરકાર છે, @OfficeOfKNath નહીં જેને લીધે મધ્ય પ્રદેશમાં પ્રવેશવાની હિંમત કરી. @UPPoliceના બધા 8 શહીદોને સલામ, તમારો ગુનેગાર અમારી કસ્ટડીમાં છે."

બીજી તરફ કૉંગ્રેસે કહ્યું, "મ.પ્ર. બન્યું ગુનેગારોનું આશ્રયસ્થાન, વિકાસ દુબે પણ ઉજ્જૈનમાં છુપાયેલો હતો."

પૂર્વ મુખ્ય મંત્રી દિગ્વિજયસિંહે ટ્વીટ કર્યું, "આ તો પોલીસ ઍન્કાઉન્ટરને ટાળવા માટેની પૂર્વાયોજિત શરણાગતિ જેવું લાગે છે. મારી જાણ મુજબ એ મધ્ય પ્રદેશના ભાજપના વરિષ્ઠ નેતાના સૌજન્યથી આ શક્ય બન્યું છે. જય મહાકાલ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો