You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષપદે હાર્દિક પટેલની નિમણૂક અંગે PAASના પૂર્વસાથી શું માને છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલની નિમણૂક કરવામાં આવી છે. માર્ચ-2019માં તેઓ પાર્ટીમાં જોડાયા તેના માત્ર દોઢ વર્ષની અંદર તેઓ રાજ્યમાં પાર્ટીના સર્વોચ્ચ પદ પર પહોંચી ગયા છે.
ઑગસ્ટ-2015માં પાટીદારોને અનામતની માગ સાથે તેઓ રાજકીય ફલક ઉપર આવ્યા અને છવાઈ ગયા.
પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS, પાસ)ના નેજા હેઠળ હાથ ધરવામાં આવેલા આંદોલનમાં અનેક નેતાઓ તેમની સાથે જોડાયા હતા. આંદોલનનાં લગભગ અઢી વર્ષ બાદ તેમાં તડાં પડવાનાં શરૂ થયાં અને પાંચ વર્ષ બાદ મોટા ભાગના 'અગ્રણી ચહેરા' રાજકારણમાં આવી ગયા.
હાર્દિક પટેલ કૉંગ્રેસમાં, વરુણ પટેલ ભાજપમાં, રેશ્મા પટેલ એન.સી.પી.માં જોડાયાં છે. હાર્દિકના પૂર્વ સાથીઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
'અત્યારે તો હાર્દિકને અભિનંદન'
ભાજપના નેતા વરુણ પટેલે બીબીસી ગુજરાતીના જયદીપ વસંત સાથે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું, "બહુ ટૂંકાગાળામાં હાર્દિક પટેલને કૉંગ્રેસમાં આટલું મોટું પદ મળ્યું તે આવકારદાયક બાબત છે. આંદોલનનો સાથી આગળ આવે તે આનંદની બાબત છે."
"રાજકીય ટિપ્પણી કરવા માટે ઘણો સમય છે, અત્યારે તો તેમને અભિનંદન જ આપવાનાં છે."
વરુણે આશા વ્યક્ત કરી હતી કે ભાજપ સંગઠન તથા સરકારમાં ફેરફાર કરશે, ત્યારે તેમને ધ્યાને લેવામાં આવશે અને અનુભવ તથા પ્રતીભાને અનુરુપ પદ આપવામાં આવશે. સાથે જ તેમણે દરેક સ્થિતિમાં પાટીદાર સમાજની સાથે રહેવાની વાત કહી હતી.
ઑક્ટોબર-2017માં વરુણ પટેલ ભાજપમાં જોડાયા, ત્યારે તેમની સાથે પાસનો 'મહિલા ચહેરો' રેશ્મા પટેલ પણ ભાજપમાં જોડાયાં હતાં, પરંતુ ત્યારબાદ તેમણે પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો હતો અને બાદમાં તેઓ એન.સી.પી. (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)માં જોડાયાં હતાં. રેશ્મા પટેલ પણ ભાજપમાં જોડાયાં હતાં, પરંતુ ત્યારબાદ તેમણે પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો હતો અને તેઓ એન.સી.પી. (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)માં જોડાયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'યુવાનો આગળ આવે તે આવકારદાયક'
એન.સી.પી. (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)નાં નેતા રેશ્મા પટેલે બીબીસી સાથેની વાતચીતમાં હાર્દિક પટેલની પદોન્નતિને આવકારી હતી અને 'સકારાત્મક રીતે' આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.
પટેલે કહ્યું હતું, "રાજકારણમાં વૃદ્ધોને બદલે મહિલાઓ અને યુવાનો આગળ આવે તે ઇચ્છનીય છે."
પટેલે કહ્યું કે 'હાર્દિક પટેલ સાથેના વિચારભેદ હવે ભૂતકાળ બની ગયો છે અને તેને હવે વાગોળવાનો કોઈ મતલબ નથી. સાથે જ જો કોઈ સ્થિતિ ઊભી થાય તો હાર્દિક પટેલ સાથે કામ કરવાની તૈયારી છે.'
'સમાજને લાભ થશે'
પાટીદાર અનામત આંદોલનના સાથી અલ્પેશ કથીરિયાએ આ નિમણૂકને આવકારતાં, આશા વ્યક્ત કરી હતી કે હાર્દિક પટેલ જમીનના સ્તરેથી નેતા બન્યા હોઈ કૉંગ્રેસને, પાટીદાર સમાજને તથા ગુજરાતને લાભ થશે.
કથીરિયાના મતે, "પાટીદારોને ભાજપમાં મહત્ત્વ મળે છે, પરંતુ કૉંગ્રેસમાં તેમને પદ નથી અપાતું, તેવી સામાન્ય ચર્ચાનો જવાબ આ નિમણૂકે આપ્યો છે."
ગુજરાત કૉંગ્રેસમાં બીજું મહત્ત્વપૂર્ણ પદ પરેશ ધાનાણીને મળેલું છે, જેઓ પણ પાટીદાર સમાજના છે.
કથીરિયાએ કહ્યું હતું કે કોરોનાને કારણે આંદોલન સંદર્ભે કોઈ મોટી હલચલ નથી થઈ રહી, પરંતુ આંદોલનકારીઓ સામે જે કેસ કરવામાં આવ્યા હતા, તેને પડતા મૂકવામાં આવે, તેવી માગ હતી અને આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
કથીરિયા ઉપર રાજદ્રોહનો કેસ દાખલ થયો છે અને તેઓ જામીન ઉપર બહાર છે.
હાર્દિક પટેલની પ્રતિક્રિયા
આંદોલન સમયે રાજકારણમાં નહીં જોડાવાની વાત કરનારા હાર્દિક પટેલ 2019માં લોકસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા. તેમને મહેસાણા કે જામનગરની બેઠક ઉપરથી કૉંગ્રેસની ટિકિટ મળશે, તેવી ચર્ચા હતી, પરંતુ કાયદાકીય ગૂંચવણ બાદ તેઓ ચૂંટણી લડી નહોતા શક્યા.
ગત સપ્તાહે નિમણૂક બાદ હાર્દિક પટેલે ટ્વિટર ઉપર પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું, "ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ તરીકે મને જે જવાબદારી સોંપી છે, તે મારા માટે પદ નહીં, પણ પડકાર છે. મારા જેવી ગરીબ ખેડૂત પરિવારની વ્યક્તિને જવાબદારી આપી, તેનાથી સાબિત થઈ ગયું છે કે પાર્ટી સામાન્ય પરિવારના તથા યુવાનને આગળ વધારવામાં માને છે."
"આદરણી અધ્યક્ષ સોનિયા ગાંધીજી તથા રાહુલ ગાંધીજીનો આભાર માનું છું. લોકશાહી તથા બંધારણને બચાવવા માટે કૉંગ્રેસ પાર્ટી લડતી રહેશે. ગુજરાતના અલગ-અલગ મુદ્દા ઉઠાવવામાં આવશે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બેતૃતીયાંશ બહુમતી સાથે પાર્ટી સરકાર બનાવશે."
"અમારા નેતા રાહુલ ગાંધી, વરિષ્ઠ નેતા અહેમદભાઈ પટેલ, પ્રદેશના પ્રભારી રાજીવ સાતવજી, પ્રદેશના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા તથા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીના નેતૃત્વમાં ગુજરાતની જનતાની લડાઈ લડવામાં આવશે. મારી ઉપર વિશ્વાસ મૂકવા બદલ હું ફરી એક વખત બધાનો આભાર માનું છું."
નિમણૂક બાદ હાર્દિક પટેલે રાજકોટ જિલ્લામાં ખોડલધામ તથા જામનગર જિલ્લામાં સીદસર ખાતે પાટીદારનાં ધાર્મિકસ્થળે દર્શન કરીને પોતાની આગામી રાજકીય યોજનાની રુપરેખા આપી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો