You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજસ્થાન : સચીન પાઇલટની ઉપમુખ્ય મંત્રીપદેથી અને પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખપદેથી હકાલપટ્ટી
રાજસ્થાનમાં ચાલી રહેલી સચીન પાઇલટ અને અશોક ગેહલોત વચ્ચેની સત્તાની ખેંચતાણમાં નવો વળાંક આવ્યો છે અને બળવાખોરી કરનાર સચીન પાઇલટ સામે કૉંગ્રેસે પગલાં લીધાં છે.
સચીન પાઇલટને રાજસ્થાનના ઉપ મુખ્ય મંત્રીપદેથી અને રાજસ્થાન કૉંગ્રેસના પ્રમુખપદેથી હઠાવી દેવાયા છે.
કૉંગ્રેસ પાર્ટીએ રાજ્યના પ્રમુખપદે વર્તમાન સરકારમાં શિક્ષા મંત્રી એવા ગોવિંદસિંહ ડોતાસરાની નિમણૂક કરી છે.
કૉંગ્રેસ સામે બળવો કરનારા સચીન પાઇલટ હાલ એમના સમર્થક ધારાસભ્યો સાથે દિલ્હીની એક હોટલમાં છે.
કૉંગ્રેસે એમને મનાવવાની કોશિશ કરી હતી પણ તે નિષ્ફળ રહી છે. તેઓ સોમવારે કે મંગળવારે પાર્ટીની ધારાસભ્યોની બેઠકમાં હાજર નહોતા રહ્યા.
અશોક ગેહલોતની બેઠક બાદ નિર્ણય
જયપુરમાં આજે 11 વાગે હોટલ ફૅરમાઉન્ટમાં કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠક થઈ હતી.
આ બેઠક અગાઉ કૉંગ્રેસના રાજસ્થાનના પ્રભારી અવિનાશ પાંડેએ મીડિયાને કહ્યું, "અમે સચીન પાઇલટને બીજો મોકો આપી રહ્યા છીએ અને તેમને ધારાસભ્યદળની બેઠકમાં સામેલ થવા કહ્યું છે. આશા રાખીએ કે તમામ ધારાસભ્યો બેઠકમાં સામેલ થશે અને રાજસ્થાનના વિકાસ માટે કામ કરશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, બેઠકમાં સચીન પાઇલટ કે તેમના સમર્થક ધારાસભ્યો હાજર રહ્યા નહોતા.
આ બેઠકમાં રાજસ્થાન કૉંગ્રેસ પ્રભારી અવિનાશ પાંડે, મુખ્ય મંત્રી અશોક ગેહલોત, ધારાસભ્યો, વરિષ્ઠ નેતા વેણુગોપાલ અને રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સૂરજેવાલા હાજર હતા.
જયપુરમાં હાજર બીબીસીના સહયોગી પત્રકાર મોહરસિંહ મીણાએ કહ્યું, "આ બેઠકમાં સચીન પાઇલટ વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે બેઠકમાં હાજર નહીં રહેનાર તમામ સામે કૉંગ્રેસ પાર્ટી કાર્યવાહી કરશે. ધારાસભ્યોએ તાળીઓ સાથે એ પ્રસ્તાવનું સ્વાગત કર્યું હતું."
સમાચાર સંસ્થા એએનઆઈએ પણ સૂત્રોના હવાલાથી કહ્યું કે ધારાસભ્યોના દળની બેઠકમાં સામેલ તમામે સચીન પાઇલટને પાર્ટીમાંથી બહાર કરવાની માગ કરી હતી.
સચીન પાઇલટે સોમવારે સાંજે કહ્યું હતું કે 'એમનો વિચાર રાહુલ ગાંધીને મળવાનો નથી.' એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં એમણે એમ પણ કહ્યું કે તેઓ પાર્ટી દ્વારા મનાવવાની કોશિશોથી દૂર છે.
સોમવારે કૉંગ્રેસે વ્હિપ જારી કરી અશોક ગેહલોતના નિવાસ્થાને બેઠક બોલાવી હતી. એ બેઠકમાં અને એ પછી મંગળવારની બેઠકમાં પણ પાઇલટ હાજર રહ્યા નહોતા.
હવે શું
સચીન પાઇલટનો બળવો અને તેમની હકાલપટ્ટીથી રાજસ્થાન કૉંગ્રેસમાં બે ફાંટા દેખાઈ રહ્યા છે. અશોક ગેહલોત હાલ સંખ્યાબળનો દાવો તો કરે છે પણ હજી આ ખેલ પૂરો થયો નથી. નાનકડો ફેરફાર સરકાર પાડી શકે છે.
અશોક ગેહલોતના જૂથનો દાવો છે કે એમની પાસે 106 ધારાસભ્યો છે. જે રાજસ્થાનમાં બહુમત માટે જરૂરી 101ની સંખ્યા કરતાં પાંચ વધારે છે. રાજસ્થાનમાં કુલ 200 બેઠકો છે.
જોકે, પાઇલટના જૂથે સોમવારે 106 ધારાસભ્યોના દાવા પર શંકા કરી હતી.
કહેવામાં આવ્યું હતું કે જો 'એમની પાસે 106 ધારાસભ્યો છે તો એમની પાસે સંખ્યાબળ છે અને એવામાં ધારાસભ્યોને હોટલમાં રાખવાની ક્યાં જરૂર છે.'
જોકે, મંગળવારે જયપુરમાં થયેલી બેઠકમાં અશોક ગેહલોતના સમર્થકોની સંખ્યા 102 હતી.
કૉંગ્રેસ પાસે સચીન પાઇલટે બળવો કર્યો તે અગાઉ 122 ધારાસભ્યોનું સમર્થન હતું. આમાં 107 કૉંગ્રેસી અને 15 અપક્ષોનો સમાવેશ થાય છે. પંરતુ હવે સચીન પાઇલટના બળવા બાદ સ્થિતિ બગડી શકે છે.
હવે આ રાજકીય ખેંચતાણ પછી અશોક ગેહલોત પાસે 102 ધારાસભ્યોનું સમર્થન છે જે બહુમતથી એક વધારે છે.
આ 102 માં 90 કૉંગ્રેસી, 7 અપક્ષ, 5 નાની પાર્ટીઓના ધારાસભ્યો છે. આ પાંચ નાની પાર્ટીઓમાં સીપીએમ, બીટીપી અને આરએલડીનો સમાવેશ થાય છે.
આમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીની ભૂમિકા ખૂબ મોટી બની જાય છે. એ બે ધારાસભ્યોના મત પર સરકાર ટકી પણ શકે છે અને ગબડી પણ શકે છે.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં બે બેઠકો જીતનાર ગુજરાતના છોટુભાઈ વસાવાની પાર્ટીએ આ મામલે તટસ્થ રહેવાની જાહેરાત કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો