You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુનિતા યાદવે ઉપરી પોલીસ અધિકારીઓ પર શું આરોપ લગાવ્યા?
સુરતમાં મંત્રીના પુત્રના સાથેની તકરારના વાઇરલ વીડિયો બાદ વિવાદમાં આવેલાં મહિલા પોલીસ કૉન્સ્ટેબલ સુનિતા યાદવે પોલીસ વિભાગના ઉપરી અધિકારીઓ પર કામ ન કરવા દેવાનો આરોપ લગાવ્યો છે.
સુનિતાએ ફેસબુક લાઇવ કરીને કહ્યું, "પોલીસ વિભાગમાં એવી કેટલીય છોકરીઓ છે, જે દાનતથી કામ કરવા માગે છે. એકદમ સિંઘમ બનીને કામ કરવું છે પણ તે નથી કરી શકતી. એમના ઉપરી અધિકારીઓએ એમને મજબૂર કરી રાખી છે."
લૉકડાઉનના નિયમોનો ભંગ અને કથિત રીતે અભદ્ર ભાષાનો પ્રયોગને લઈને સુનિતા યાદવ અને રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કિશોર ઉર્ફે કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને તેમના કેટલાક મિત્રો વચ્ચે રકઝક થઈ હતી.
જે બાદ પોલીસે સુનિતા યાદવ અને મંત્રીના પુત્ર તથા તેમના મિત્રો સામે ફરિયાદ નોંધી હતી.
ગત ગુરુવારે રાતે બનેલી ઘટના બાદ અનેક લોકો સુનિતા યાદવની કામગીરીને વખાણી રહ્યા છે અને તેમને ન્યાય આપવાની માગણી કરી રહ્યા છે.
તો સામે અનેક લોકો સુનિતા યાદવનું વર્તન પણ યોગ્ય ન હોવાનું કહી રહ્યા છે.
આખી ફિલ્મ બાકી છે...
સુનિતા યાદવે 13 જુલાઈના રોજ રાતે ફેસબુકમાં લાઇવ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓએ કહ્યું કે "મારી પાસે એવું ઘણું બધું છે, પણ હું એ બધું કહી શકતી નથી, કેમ કે મારી પર ઘણું બધું દબાણ આવી રહ્યું છે.
તેમણે એવું પણ કહ્યું, "તમે જે વીડિયો જોયો છે, એન માત્ર 10 ટકા છે, હજુ આખું પિક્ચર બાકી છે. એ પછી તમને જણાવીશ."
પોલીસની કામગીરીની વાત કરતાં તેઓ કહે છે, "પોલીસવાળા ચોવીસ કલાક ફરજ બજાવે છે. જે ટેન્શન કે તણાવમાં સામાન્ય લોકો આત્મહત્યા કરી લે છે, એનાથી ડબલ તણાવમાં પોલીસવાળા કામ કરે છે."
સુનિતાએ એમ પણ કહ્યું હતું કે પોલીસવાળા સાથે સારી ભાષામાં વાત કરવી જોઈએ.
તેઓ કહે છે કે "મારી જેવા અનેક પોલીસવાળા છે, જે સારી રીતે કામ કરવા માગે છે, પણ તેમની પણ કેટલીક મજબૂરી હોય છે."
એ સમયે બનેલી ઘટનાની વાત કરતાં સુનિતાએ કહ્યું કે "ત્યાં એક માણસ હતો, જે મારા માટે સાક્ષાત્ ભગવાન સમાન હતો, કેમ કે જો એ ન હોત તો મારી સાથે કંઈ પણ થઈ શકતું હતું. દિલ્હીના નિર્ભયાકેસની જેમ પાર્ટ-2 થયો હતો અને તમે કૅન્ડલ લઈને રસ્તા પર ઊતરી આવ્યા હોત."
તેમણે કહ્યું કે "હું મારા સારા ભવિષ્ય માટે રાજીનામું આપી રહી છે. હું તૈયારી કરવા માગું છું. રાતદિવસ મહેનત કરવી છે, મારે આઈપીએસ ઑફિસર બનવું છે."
આ મામલે શહેર પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટે સ્થાનિક પત્રકાર ધર્મેશ અમીન સાથે વાત કરતાં જણાવ્યું કે સુનિતા યાદવે ફેસબુક લાઇવમાં જે કહ્યું છે એ સમગ્ર મામલે તપાસના આદેશ અપાયા છે.
કોણ છે સુનિતા યાદવ?
પોલીસમાં એલઆર તરીકે ફરજ બજાવતા સુનિતા યાદવે સુરતમાંથી બીએનો અભ્યાસ કર્યો છે. તેમજ વીર નર્મદ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રના વિષય સાથે એમએ પૂરું કર્યું છે.
તેઓ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી)ની પણ તૈયારી કરતાં હતાં.
સુનિતા યાદવને ચેસ રમવું ખૂબ ગમે છે. તેઓ એનસીસીમાં હતાં અને તેમને બેસ્ટ કૅડેટનો ઍવૉર્ડ પણ મળ્યો હતો.
સુરત પોલીસમાં તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી ફરજ બજાવતાં હતાં.
કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી સાથે તેમની થયેલી બોલાચાલી બાદ તેઓ ચર્ચામાં આવ્યાં હતાં.
શું હતો આખો મામલો?
સુનિતા યાદવ ગત ગુરુવારે રાતે વરાછના મિની બજારમાં ફરજ પર હતાં. ત્યારે રાતે સાડા દસ વાગ્યા આસપાસ રાજ્યકક્ષાના મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીના મિત્રોને રાત્રિ કર્ફ્યૂ દરમિયાન અટકાવાતાં બોલાચાલી થઈ હતી.
એ પછી પ્રકાશ કાનાણી પણ કથિત રીતે ત્યાં પહોંચ્યા હતા અને સુનિતાએ તેમને પણ સવાલ કર્યો હતો કે કર્ફ્યૂ હોવા છતાં તેઓ શા માટે બહાર નીકળ્યા છે.
એવું પણ કહેવાય છે કે પ્રકાશ કાનાણીએ કથિત રૂપે સુનિતા યાદવને 365 દિવસ સુધી ઊભા રાખવાની ધમકી આપી હતી જે બાદ સુનિતા યાદવે પણ ખૂબ જ આકરા શબ્દોમાં પ્રકાશ કાનાણી અને તેમના મિત્રો સાથે વાત કરી.
આ ઘટનાની ઑડિયો અને વીડિયો ક્લિપ વાઇરલ થઈ હતી જેમાં સુનિતા યાદવે કહ્યું હતું કે 'તેઓ તેમના ગુલામ નથી.'
જોકે મંત્રી કુમાર કાનાણીએ પુત્રનો બચાવ કરતાં કહ્યું હતું કે પ્રકાશે મહિલા માટે કોઈ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો નથી.
કુમાર કાનાણીએ કહ્યું હતું કે મહિલા કૉન્સ્ટેબલે સૌની સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, પોલીસ આ મામલે નિષ્પક્ષ તપાસ કરે અને કસૂરવારને યોગ્ય સજા થાય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો