You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિજય રૂપાણીએ મોદીએ 2002માં ‘રાજધર્મ’નું પાલન કર્યું હતું એવું અત્યારે કેમ કહ્યું?
નરેન્દ્ર મોદીએ સત્તાની બાગડોર સંભાળી એને બુધવારે 19 વર્ષ પૂરાં થયાં હતાં. 7 ઑક્ટોબર, 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે પ્રથમ વખત શપથ લીધા હતા.
આ પ્રસંગે એક વર્ચ્યુઅલ રેલીને સંબોધતાં ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, "નરેન્દ્ર મોદીએ વર્ષ 2002માં ગોધરાકાંડ પછી થયેલાં રમખાણો દરમિયાન રાજધર્મનું પાલન કર્યું હતું."
તેમણે એ સમય દરમિયાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલી કામગીરીનાં વખાણ કરતાં કહ્યું, "વર્ષ 2002 પછી ગુજરાત રમખાણમુક્ત બની ગયું છે."
નોંધનીય છે કે વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં તોફાનો બાદ તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ એક પત્રકારપરિષદમાં નરેન્દ્ર મોદીને 'રાજધર્મ' પાલન કરવાનું સૂચવ્યું હતું.
અટલ બિહારી વાજપેયીએ સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું હતું કે રાજધર્મના પાલનનો અર્થ સત્તામાં બેઠેલી વ્યક્તિ લોકો સાથે જ્ઞાતિ, ધર્મ કે ક્ષેત્રને આધારે કોઈ ભેદભાવ ન રાખે તેવો થાય છે.
જોકે, મુખ્ય મંત્રી રૂપાણીએ વર્ષ 2002નાં રમખાણો દરમિયાન મોદી દ્વારા 'રાજધર્મ'નું પાલન કરાયું હોવાની હાલ કેમ યાદ અપાવી?
'ચૂંટણીલક્ષી નિવેદન'
રાજકીય વિશ્લેષક જતીન દેસાઈ મુખ્ય મંત્રી વિજય રૂપાણી દ્વારા નરેન્દ્ર મોદીએ વર્ષ 2002નાં રમખાણો સમયે 'રાજધર્મ'નું પાલન કરાયાની વાત, તેમના જાહેર પદે 19 વર્ષ પૂરાં થવાના પ્રસંગે કરાઈ, તેને સ્વાભાવિક માને છે.
તેઓ કહે છે કે, "પક્ષના પ્રતિનિધિ તરીકે પોતાના નેતાનાં વિજય રૂપાણી દ્વારા ગુણગાન કરવામાં આવે એ બાબત સ્વાભાવિક છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ વધુમાં જણાવે છે, "ગુજરાતમાં આગામી સમયમાં પેટાચૂંટણી યોજાવાની છે, મતદારો સામે વાસ્તવિક મુદ્દા લઈ જવાય એવી પરિસ્થિતિ નથી."
"તેથી આવા ભાવનાત્મક મુદ્દા દ્વારા મતદારોને આકર્ષિત કરવાનો આ પ્રયત્ન હોઈ શકે. કારણ કે ગુજરાતમાં ભાજપ પાસે મોદી અને અમિત શાહ સિવાય કોઈ ચહેરો નથી. જેને ચૂંટણીમાં ચહેરો બનાવી મતદારોને પોતાની તરફ વાળી શકાય."
તેઓ પેટાચૂંટણીને ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલ ગણાવતાં કહે છે, "કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ઉમેદવારોને ફરીથી ચૂંટણી લડાવીને ધારાસભ્ય બનાવવા એ ભાજપ માટે પડકારરૂપ હશે. તેથી સ્થાનિક સ્તરે જુદાજુદા મુદ્દાઓને લઈને રહેલા અસંતોષને ભાવનાત્મક મુદ્દાઓથી સ્થળાંતરિત કરવા માટે આ પ્રકારનાં નિવેદનો કરાય છે."
જોકે, વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના પ્રાધ્યાપક અમિત ધોળકીયાના મતે મુખ્ય મંત્રી વિજય રૂપાણી દ્વારા કરાયેલ આ નિવેદનને પેટાચૂંટણી સાથે કોઈ સંબંધ નથી.
મુખ્ય મંત્રી રૂપાણીના આ નિવેદનને ચૂંટણીલક્ષી ગણાવતાં ડૉ. હરિ દેસાઈ જણાવે છે કે, "જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે આવા ભાવનાત્મક મુદ્દાઓ ઉછાળીને, મુઘલો અને અંગ્રેજોએ શું કર્યું એની વાતો કરીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરવામાં આવે એ યોગ્ય નથી. ચૂંટણીને જોતાં આવા ગૂંચવાડાઓ ઊભા કરવામાં આવે એ વખોડવાપાત્ર છે."
'વિદેશી મીડિયામાં ગુજરાત અને મોદી છબિ સુધારવા પ્રયાસ'
અમિત ધોળકીયા મુખ્ય મંત્રી રૂપાણીના વિધાન વિશે વાત કરતાં કહે છે, "વર્ષ 2002નાં રમખાણોને કારણે ગુજરાતની અને મોદી છબિ વિદેશી મીડિયામાં ખરાબ થઈ હતી તેમાં પાછલાં અમુક વર્ષોમાં સુધારો થયો છે."
"મુખ્ય મંત્રીનું આ નિવેદન પણ એ દિશામાં જ એક પગલુ છે. ગુજરાતની અને નરેન્દ્ર મોદીની સદ્ભાવનાપૂર્ણ અને બિનસાંપ્રદાયિક છબિ ઊભી કરવા માટે ઘણા સમયથી પ્રયત્નો થઈ રહ્યા છે. બુધવારે જાહેર પદ પર નરેન્દ્ર મોદીનાં 19 વર્ષ પૂરાં થયાં એ પ્રસંગે મુખ્ય મંત્રીએ એ તેમની છબિમાં સુધારો કરવાની દિશામાં વધુ એક વિધાન કર્યું છે."
'વિજય રૂપાણી અટલજી કરતાં જુદો મત ધરાવે છે?'
રાજકીય વિશ્લેષક ડૉ. હરિ દેસાઈ અટલ બિહારી વાજપેયીના 'રાજધર્મ' અંગેના નિવેદન વિશે વાત કરતા કહે છે:
"ગોધરાકાંડ બાદ રાજ્યભરમાં થયેલાં રમખાણોથી તે વખતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી ખૂબ નારાજ હતા. તેથી તેમણે જાહેરમાં પત્રકારપરિષદમાં તે સમયના ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને 'રાજધર્મના પાલન'ની ટકોર કરવી પડી હતી."
"તેનો અર્થ એવો થયો કે તે સમયે અટલ બિહારી વાજપેયીને નહોતું લાગતું કે નરેન્દ્ર મોદી રાજધર્મનું પાલન કરી રહ્યા છે. તેથી તેમને પક્ષના વરિષ્ઠ નેતા અને દેશના વડા પ્રધાન તરીકે જાહેરમાં સૂચન કરવું પડ્યું હતું."
"જ્યારે અટલજીએ પત્રકારપરિષદમાં કહ્યું હતું કે 'રાજધર્મનું પાલન કરો' ત્યારે તેના જવાબમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'સાહેબ એ જ તો કરી રહ્યા છીએ.' અહીં પ્રશ્ન એ ઊઠે છે કે શું વિજય રૂપાણી અટલજીની વાત કરતાં જુદો મત ધરાવે છે? પ્રશ્ન ઊઠવો તો સ્વાભાવિક છે."
જતીન દેસાઈ અટલજીની રાજધર્મવાળી વાતને યાદ કરતાં કહે છે કે, "જે પરિપ્રેક્ષ્યમાં અટલજીએ રાજધર્મની વાત કરી હતી તેને સાર્થક પુરવાર કરી શકે એવું ગુજરાતમાં થયું નથી. ભૂતકાળની વાતો પરથી શીખ લેવાની હોય છે, જેથી એની એ જ ભૂલો ફરી વાર ન થાય. પરંતુ ગુજરાતના કિસ્સામાં આ બાબત પણ લાગુ પડતી નથી."
ગુજરાતમાં 2002 પછી રમખાણો નથી થયાં?
આ અંગે રાજકીય વિશ્લેષક જતીન દેસાઈ જણાવે છે, "ગુજરાતમાં રાજકારણની સાથોસાથ રમખાણોનું સ્વરૂપ પણ બદલાયું છે."
"પહેલાંની જેમ મોટા પાયે રમખાણો થતાં હોય તેવું જોવા મળતું નથી. હવે રમખાણોનું સ્વરૂપ પ્રાદેશિક વધુ બની ગયું છે. પહેલાંની જેમ રાજ્યવ્યાપી રમખાણોના કિસ્સા જોવા મળતા નથી. જોકે, પ્રાદેશિક હોય કે રાજ્યવ્યાપી રમખાણ એ દુર્ભાગ્યપૂર્ણ જ હોય છે. જોકે, ગુજરાતમાં રમખાણો થવાનું બિલકુલ બંધ થઈ ગયું તેવું કહેવું અતિશયોક્તિ કહેવાય."
જોકે, પ્રોફેસર અમિત ધોળકીયા મુખ્ય મંત્રી રૂપાણીના આ નિવેદન સાથે સંમત થાય છે. તેઓ કહે છે કે, "ગુજરાતમાં વર્ષ 2002 પછી મોટાં રમખાણો નથી થયાં તેવું કહી શકાય."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો