શી જિનપિંગે ચીનની સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યું - અહેવાલો

ભારત-ચીન અને ચીન-અમેરિકા વચ્ચે અનુક્રમે તણાવ અને વેપારયુદ્ધની સ્થિતિ છે ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ચીનની સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવાનું આહ્વાન કર્યું હોવાના અહેવાલો છે.

સીએનએને સ્થાનિક ન્યૂઝ એજન્સી કિહુઆને ટાંકીને લખ્યું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગે પોતાના સૈનિકોને કહ્યું કે તમે તમારા મગજ અને ઊર્જાનો ઉપયોગ યુદ્ધની તૈયારી માટે કરો.

ચાઝૌ સિટીમાં પીપલ્સ લિબરેશન આર્મીના મરીન કૉર્પ્સની પરેડના નિરીક્ષણ દરમિયાન, જિનપિંગે સૈનિકોને કહ્યું કે, "હાઈઍલર્ટ માટે તૈયાર રહેવું જોઈએ."

તેમણે સૈનિકોને "સંપૂર્ણ નિષ્ઠાવાન, સંપૂર્ણ શુદ્ધ અને સંપૂર્ણ વિશ્વસનીય" રહેવા માટે જણાવ્યું હતું.

જિનપિંગ હાલ દક્ષિણ ચીનના ગ્વાંગડોંગની મુલાકાતે છે. તેમણે ત્યાં શેન્ઝેન ઇકૉનૉમિક ઝોનની 40 વર્ષની ઉજવણીમાં ભાગ લીધો હતો.

ચીનના સરકારી મીડિયા ગ્લૉબલ ટાઇમ્સના અહેવાલ અનુસાર ચીનના સૈન્ય વિશ્લેષક માને છે કે આ નિરીક્ષણે એવું સિગનલ આપ્યું હતું કે ચીન દરિયાઈ વિસ્તારો અને ટાપુ પર કોઈપણ પ્રકારના મિલિટરી સંઘર્ષને પહોંચી વળવા તૈયાર છે.

તેમણે વધુમાં કહ્યું, "તાઇવાનની સામુદ્રધુની, દક્ષિણ અને પૂર્વ ચીન, તથા જે વિસ્તારોમાં વિવાદ ચાલી રહ્યા છે ત્યાં ચીન પર વિદેશ દ્વારા દબાણ વધુ ઊભું કરવા માટે આ કરવામાં આવી રહ્યું છે."

ચીન અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાંય સમયથી આર્થિક બાબતોને લઈને સંઘર્ષ ચાલી રહ્યો છે. ઉપરાંત કોરોના વાઇરસની સમસ્યાના કારણે પણ બંને દેશો વચ્ચેના સંબંધો વચ્ચેની તિરાડ મોટી બની છે.

હાલમાં જ તાઇવાનને અમેરિકાએ શસ્ત્રો આપવાનું નક્કી કરતા બંને દેશો વચ્ચે વિવાદ વધ્યો છે. આ ઉપરાંત ગલવાનની ઘટના બાદ ભારત અને ચીન વચ્ચે પણ લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ પર તણાવની સ્થિતિ છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમેરિકા એકથી વધારે વખત ચીન સામે ભારતને મદદ કરવાની ઓફર મૂકી ચૂક્યું છે.

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને કહ્યું, સરકાર ખોટા વહીવટી ચાર્જ ઉઘરાવે છે

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને વહીવટીતંત્ર પર આરોપ મૂક્યો છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ ભંગના આરોપ હેઠળ સરકાર ખોટા વહીવટી ચાર્જ ઉઘરાવી રહી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ કહ્યું, "મહામારીને કારણે પહેલાંથી જ વેપારીઓ નાણાંકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. માગ પર મોટી અસર પડી છે અને કમાણી પણ નીચી ગઈ છે. વેપારીઓ અને કોમર્શિયલ મિલકતો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન થાય તે માટે મોટા પ્રમાણમાં કામ કરી રહી છે પરંતુ જો લોકો ન માને તો તેમને દંડ થવો જોઈએ. જે દંડની રકમ છે તે વહીવટી ચાર્જ તરીકે લેવામાં આવે છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં લેવાતા દંડને કારણે લોકોનાં ખિસ્સા પર તેની અસર પડે છે."

તન્ના વધારેમાં કહે છે, "દંડની રકમને કાયદા પ્રમાણે ફિક્સ કરવાની જરૂરિયાત છે અને કોઈ પણ વ્યક્તિ મનસ્વી રીતે ગમે તેને દંડ ન કરી શકે."

જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે ઍપિડેમિક ડિસિઝ ઍક્ટ, હેઠળ મ્યુનિસિપલ કૉર્પોરેશનને કોરોના વાઇરસના નિયમો તોડવા બદલ દંડ ઉઘરાવવાની પરવાનગી આપવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું, "વહીવટી ચાર્જ ઉઘરાવવાની વાત અનેક કમિટી દ્વારા કરવામાં આવી છે અને તેને અનેક કમિટી દ્વારા પરવાનગી પણ આપવામાં આવી છે."

મંદિરો હજારો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક છે. જેના કારણે તેને ગુજરાતમાં બંધ ન રાખી શકાય - ગુજરાત સરકાર

રાજ્ય સરકારે જાહેર કરેલી પ્રેસનોટમાં કહ્યું હતું કે મંદિરો હજારો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક છે. જેના કારણે તેને ગુજરાતમાં બંધ ન રાખી શકાય.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગુજરાત સરકારે નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને કોરોનાની મહામારી વચ્ચે મંદિર ચાલુ રાખવા કહ્યું છે.

બુધવારે યોજાયેલી કૅબિનેટની મિટિંગ પછી સરકારે મંદિર ખોલવાની જાહેરાત કરી હતી. આના એક દિવસ અગાઉ પાવાગઢ મંદિરને 17 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને ટાંકીને લખવામાં આવ્યું હતું કે ધાર્મિક સ્થળો અને મંદિરો હજારો લોકોની આસ્થાનું પ્રતીક છે, જેને શ્રદ્ધાળુઓ માટે બંધ ન રાખી શકાય. કોરોના વાઇરસના ફેલાવાને ચકાસીને, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું સરખી રીતે પાલન થાય તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરીશું. સરકારે અનલોક-1થી તમામ મંદિરના દર્શન ગાઇડલાઇનના આધારે ખોલ્યા છે. સરકારે એક પણ મંદિર બંધ નથી કર્યું.

આ ઉપરાંત પ્રસાદ પૅકિંગમાં આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે 2 નવેમ્બર સુધીમાં લોન પર રાહત આપવાનું કહ્યું

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર લોનની મુદ્દત દરમિયાન ચક્રવૃદ્દિ વ્યાજ માફ કરવા માટે બુધવારે સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું, "કેન્દ્ર સરકારના હાથમાં સામાન્ય માણસની દિવાળી છે."

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પુછ્યું, "જેમણે 2 કરોડ રૂપિયા સુધીની લોન લીધી છે તેને લાગુ કરવા માટે ઔપચારિકતા ક્યાં સુધી પૂર્ણ કરી દેવામાં આવશે.?"

આ અંગે જવાબ આપતા કેન્દ્ર સરકારે કહ્યું, "રાહત આપવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર છે. સરકાર એક મોટો ભાર ઉઠાવી રહી છે, પરંતુ અમે આ આંકનો ઉલ્લેખ કરી રહ્યા નથી. સરકાર દ્વારા આપવામાં આવતી રાહત જે પણ આપવામાં આવશે તે પણ લાગુ થશે, આ થઈ જશે."

સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું, "સરકારમે એક મહિનાની જરૂરિયાત કેમ છે? અમે આ નિર્ણય માટે સરકારની આવશ્યકતાની સાથે સહમત નથી. જ્યારે તમે નિર્ણય લઈ લીધો છે કે એક મહિનાની વાર કેમ થઈ રહી છે? અમારા મતે નિર્ણય લાગુ કરવા એક મહિનાની જરૂરિયાત નથી અને આ સરકાર તરફથી યોગ્ય નથી."

સુપ્રીમ કોર્ટે કહ્યું કે વાર લગાડવી એ સામાન્ય માણસના હિતમાં નથી. સામાન્ય માણસની દુર્દશા જુઓ. અમે આદેશ આપી રહ્યા નથી. સામાન્ય માણસની દુર્દશા પર વિચાર કરો. નાના લોકોને રાહત આપવી સારો નિર્ણય છે લોકો સ્વાગત કરશે. પરંતુ કેટલાંક આકરા પરિણામની જરૂર છે.

રાજ્યમાં છેલ્લાં 5 દિવસમાં ઓક્સિજનની માગમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો

રાજ્યમાં હૉસ્પિટલમાં સપ્લાય થતા ઓક્સિજનની માગમાં છેલ્લાં 5 દિવસમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે એમ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનો એક અહેવાલ કહે છે.

એક મહિના અગાઉ રાજ્યમાં ઓક્સિજનની ઘટ પડવાની ઘટનાઓ સામે આવી હતી.

7 ઑક્ટોબરે રાજ્યમાં 209 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત ઉભી થઈ હતી જે 12 ઑક્ટોબરે 168 મેટ્રિક ટને પહોંચી છે. 21 સપ્ટેમ્બરે 240 મેટ્રિક ટન ઑક્સિજનની જરૂર પડી હતી.

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે છેલ્લાં એક મહિનામાં આ સૌથી ઓછી માગ છે, જ્યારે રોજની સરેરાશ 20 મેટ્રિક ટનની રહેતી હતી.

સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ જે.પી.મોદીએ કહ્યું, "હાલના સમયમાં, ઓક્સિજન બેડ પર રહેલાં દરદીઓની સંખ્યા 50 ટકા જેટલી ઘટી છે. જે છેલ્લાં બે મહિનામાં સૌથી ઓછી છે."

22 ટકા એનઆરઆઈ આગામી ચૂંટણીમાં ટ્રમ્પને મત આપશે

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર અમેરિકાની ચૂંટણી પહેલાં કરાયેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે અમેરિકામાં વસતાં 68 ટકા ભારતીયોએ જો બાઇડનને મત આપવાનું વિચાર્યું છે જ્યારે 22 ટકાએ ટ્રમ્પને આપવા માટે વિચાર્યું છે.

મહત્ત્વની વાત એ છે કે ભારતીય અમેરિકન્સે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીની પ્રશંસા કરી છે. નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે સંબંધ હોવા છત્તાં પણ 68 ટકા લોકો જો બાઇડનને વોટ આપવાનું વિચારે છે.

કૅર્નેજી ઍન્ડોવ્મેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ, જોન હૉપકિન્સ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑફ પેન્સેલવેનિયા દ્વારા કરાયેલા સર્વેમાં આ વિગતો બહાર આવી હતી.

તેલંગણામાં વરસાદના કારણે 30 લોકોનાં મૃત્યુ, હૈદરાબાદમાં 17નાં મૃત્યુ

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર તેલંગણા અને આંધ્રપ્રદેશમાં મંગળવારે અને બુધવારે પડેલા વરસાદના કારણે 30 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 80 હજાર લોકોને રાહત કૅમ્પમાં ખસેડવામાં આવ્યા છે.

હૈદરાબાદમાં જ 17 લોકો મૃત્યુ પામ્યા છે. આંધ્રપ્રદેશમાં 10 લોકો મૃત્યુ પામ્યા છે.

હૈદરાબાદમાં 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો હતો. સિંગાપોર ટાઉનશિપ અને તેની આસપાસના વિસ્તારમાં 12 કલાકમાં 30.6 સેમી, દક્ષિણ હસ્તિનાપુરમમાં 28.3 સેમી અને બીજા વિસ્તારમાં 11.5 સેમીથી 20.5 સેમી વરસાદ વરસ્યો હતો.

રાજ્યના મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને અન્ડર ડેવલપમેન્ટ મંત્રી કે ટી રામા રાવે કહ્યું કે 40 રાહત કૅમ્પ બનાવવામાં આવ્યા છે અને 80 હજાર લોકોની વ્યવસ્થા કરવામાં આવી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો