સરકારી શિક્ષકો રૂપાણી સરકાર સામે રોષે કેમ ભરાયા?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં શિક્ષકોને શિક્ષણ સિવાયનાં સોંપાતાં કામોને લીધે અવારનવાર ઊહાપોહ થાય છે. હાલમાં જ ફરી આવો એક વિવાદ ઊભો થયો જ્યારે જામજોધપુર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને મગફળી ખરીદીની પ્રક્રિયાની ઑનલાઈન કામગીરી સોંપવામાં આવી હતી.

જે શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવી હતી તેમાંના જામજોધપુરના નરમાણા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક મનીષભાઈ ગઢિયાએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, "જો કોઈ એવું માનતું હોય કે શિક્ષકો પાસે ફાજલ સમય ખૂબ છે, તો એ ભૂલભરેલું છે."

"કોરોનાની મહામારીમાં તો શિક્ષકો પર કામનું ભારણ ઊલટાનું વધી ગયું છે. અમે પહેલાંથી બાળકોને ઑનલાઈન ભણાવી રહ્યા છીએ."

"કોરોના મહામારીને લીધે શાળાઓ કાર્યરત્ નથી. તેથી જે વિદ્યાર્થીઓ શાળામાં મધ્યાહ્ન ભોજન લેતાં હોય તેઓ શાળામાં આવી શકે તેમ નથી. તેથી તેમનાં ખાતાંમાં રોકડ રકમ જમા કરાવવાની જવાબદારી પણ અમારા માથે છે."

"બાળકોને ઑનલાઈન ભણાવવાની પ્રક્રિયા ખૂબ મહેનત માગી લે તેવી છે. બાળક તેમજ તેમના વાલીને અમારે સૌ પ્રથમ તો એ પ્રક્રિયા સમજાવવી પડે છે. રાતોરાત તેમને ઑનલાઈન શિક્ષણની સમજ આપવી એ સરળ કામ નથી."

"સમજ આપ્યા પછી પણ વિદ્યાર્થીઓને ઑનલાઈન ક્લાસમાં બેસતાં કરવા એ જહેમત માગી લે તેવું કામ છે. ઉપરાંત, બાળકોને અભ્યાસ વિશેની કોઈ પણ પૂછપરછ કરવી હોય તો અમને દિવસ દરમિયાન ફોન પર ગમે ત્યારે સંપર્ક કરી શકે છે."

"આટઆટલી વ્યસ્તતા પછી પણ અમને મગફળીની ઑનલાઇન નોંધણીમાં બેસવાનું હોય તો એ વ્યાવહારિક નિર્ણય નથી."

શિક્ષણમંત્રી પાસેથી શિક્ષકોને શું અપેક્ષા છે?

જામજોધપુર તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકોએ સરકારના આ નિર્ણયને પડકારતાં તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે શિક્ષકો મગફળીની ઑનલાઈન નોંધણીમાં ભાગ નહીં લે.

આવાં કામોને લીધે સરવાળે શિક્ષણને નુકસાન પહોંચે છે, એવું જણાવતાં સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષક રાજેશભાઈ રોજીવાડિયાએ બીબીસીને કહ્યું, "જામજોધપુર તાલુકામાં પાક નુકસાનીનો સર્વે કરવાની કામગીરીમાં સો જેટલા શિક્ષકોને તલાટી સાથે મોકલવામાં આવ્યા હતા."

"લૉકડાઉન દરમિયાન અમે સસ્તાં અનાજની દુકાનોએ જઈને રાશનકાર્ડ-આધારકાર્ડ નોંધણીની કામગીરી પણ કરી હતી."

"એમાં ગ્રાહકોનાં રાશનકાર્ડ અને આધારકાર્ડ હાથમાં લઈને એના નંબર નોંધવા પડતા હતા અને ગ્રાહકની સહી લેવી પડતી હતી."

"સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો ત્યાં જળવાતા નહોતા. તો શું અમારા જેવા શિક્ષકોને કોરોનાના ચેપનો ભય ન લાગે?"

"કોરોના જાગૃતિની કામગીરી અંતર્ગત ઘરે-ઘરે જઈને લોકોના તાવ- શરદી માપ્યાં છે. ચેકપોસ્ટ પર જઈને ચેકીંગ કર્યું છે."

"આ ઉપરાંત, ગરીબ કલ્યાણ મેળામાં પણ શિક્ષકોને જોતરવામાં આવે છે. લોકોની સંખ્યા ભેગી કરીને બસમાં લઈ જવાની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવે છે. શું આ શિક્ષણનો ભાગ છે?"

તેઓ શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને અનુલક્ષીને કહે છે કે "શિક્ષણપ્રધાન અમારા શિક્ષક પરિવારના વડા છે. અમારી એવી અપેક્ષા છે કે તેમણે એવું કહેવું જોઈએ કે મને પૂછ્યા વગર અમારા શિક્ષકોને કોઈ કામ ન સોંપતા. શિક્ષકોનું મુખ્ય કામ બાળકોને શિક્ષણ આપવાનું છે."

શિક્ષણ વિભાગ જાગ્યો

મગફળી ખરીદ-વેચાણની ઑનલાઈન નોંધણીમાં જોડાવાના પરિપત્ર સામે શિક્ષકોએ બાંયો ચઢાવી હતી.

તેમણે મળીને તેમના સંગઠનના નેજા હેઠળ પત્ર લખીને જણાવ્યું હતું કે શિક્ષણ સિવાયની કામગીરી શિક્ષકોને સોંપવી તે રાઇટ ટુ ઍજ્યુકેશનની બંધારણીય જોગવાઈનું ઉલ્લંઘન ગણાશે માટે મગફળીની નોંધણીમાંથી અમને બાકાત રાખવામાં આવે.

એ પછી સરકારનું શિક્ષણતંત્ર પણ સફાળું જાગ્યું હતું અને મગફળી નોંધણી પ્રક્રિયામાંથી તેમને બાકાત રાખવામાં આવ્યા હતા.

રાજેશભાઈ રોજીવાડિયા કે જેઓ શિક્ષક ઉપરાંત પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી છે તેમણે જણાવ્યું, "કેન્દ્ર સરકારે 2009માં અને ગુજરાત સરકારે 2011માં રાઇટ ટુ ઍજ્યુકેશનની જોગવાઈ મંજૂર કરી છે, એમાં શિક્ષકોને શિક્ષણ સિવાય માત્ર ચૂંટણી, વસતીગણતરી અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટની કામગીરી સોંપવાની જ છૂટ છે."

"મગફળીની નોંધણી ન તો ડિઝાસ્ટર મૅનેજમૅન્ટનો ભાગ છે કે ન તો ચૂંટણીપ્રક્રિયાનો તો પછી એમાં શિક્ષકોને જોતરવા જોઈએ નહીં."

બીબીસીએ આ મુદ્દે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક(ઇન્ચાર્જ) આઈ.એમ. જોષી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "એ પરિપત્ર માત્ર જામજોધપુર તાલુકા પૂરતો હતો. રાજ્યમાં બીજી કોઈ જગ્યાએ આવો કોઈ ઑર્ડર ન હતો."

જામજોધપુરના શિક્ષકોએ એમ કહ્યું હતું કે અમારી જવાબદારીમાં પ્રાથમિક ધોરણે શિક્ષણ હોવું જોઈએ.

એ વિશે જોષીએ કહ્યું, "હા તેમની વાત સાથે હું સહમત છું. પણ જામજોધપુરમાં સ્થિતિ જુદી હતી. ત્યાંની પંચાયતમાં ડેટા ઍન્ટ્રી કરતાં ઑપરેટરો હડતાળ પર ઊતર્યા હતા."

"જેના કારણે શિક્ષકોને કહ્યું હતું કે તમે ડેટા ઍન્ટ્રી કરજો. શિક્ષકોએ ના પાડી પછી ત્યાં અન્ય વ્યવસ્થા કરી લેવામાં આવી હતી."

લગ્ન-પાર્ટીઓમાં અન્નનો બગાડ શિક્ષકોએ રોકવાનો

નોંધનીય છે કે શિક્ષકોને અગાઉ લગ્ન, પાર્ટીઓ, મિટિંગો જેવા સામાજિક કાર્યક્રમોમાં ખાદ્યપદાર્થોનો બગાડ ન થાય એનું ધ્યાન રાખવા અને કામગીરી કરવાનું કહેવામાં આવ્યું હતું.

આ વર્ષે 13 જાન્યુઆરીએ ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગના સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા એ અંગેનો પરિપત્ર શિક્ષણાધિકારીઓને લખવામાં આવ્યો હતો.

જેમાં લખ્યું હતું, "ભારતીય જાહેર પ્રશાસન સંસ્થા દ્વારા સામાજિક સંમેલનોમાં ખાદ્યપદાર્થોના થતા બગાડ અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો."

"અહેવાલનાં મુખ્ય તારણોમાં જણાવ્યું છે કે સામાજિક સંમેલન, લગ્ન, જન્મદિનની ઉજવણી દરમિયાન ખોરાકનો બગાડ વધારે થાય છે. આ માટે શાળાઓ અને કૉલેજોમાં ઑડિયો-વિઝ્યુઅલ પબ્લિસિટી દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવું."

"ગરીબોમાં ખાદ્યપદાર્થોની વહેંચણી કરતી સ્વયંસેવી સંસ્થાઓની શોધ જેવી કામગીરી કરવાનું પરિપત્રમાં સૂચવ્યું છે."

ગત વર્ષે ડિસેમ્બર માસમાં બનાસકાંઠા જિલ્લાના વાવ અને સૂઈગામ તાલુકાનાં ગામડાંમાં તીડના આક્રમણને કારણે ખેડૂતો પરેશાનીમાં મુકાઈ ગયા હતા.

તીડ ભગાવવાની કામગીરીમાં પણ શિક્ષકોએ જોતરાવું તેવો એક પરિપત્ર બનાસકાંઠા જિલ્લામાં રજૂ થયો હતો. જે તાલુકાની તમામ પ્રાથમિક તથા માધ્યમિક શાળાના આચાર્યોને મોકલવામાં આવ્યો હતો. આ બંને પરિપત્રો અંગે તે સમયે વિવાદ સર્જાયો હતો.

તીડ ભગાડવાનું કામ હોય કે મગફળીની ઑનલાઈન નોંધણીનું કામ હોય અવારનવાર વિવાદ થાય છે. આ વિશે તમારે શું કહેવું છે?

આ સવાલ જ્યારે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક (ઇન્ચાર્જ) આઈ. એમ. જોષીને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, "આના વિશે ફોન પર તમારી સાથે હું ચર્ચા નહીં કરૂં. તમને કામ હોય તો રૂબરૂ ઑફીસે આવો."

શિક્ષણ સિવાયનાં 60 જેટલાં અન્ય કામો શિક્ષકોને સોંપાયાં છે - કૉંગ્રેસ

રાજ્યમાં એકલદોકલ નહીં પરંતુ 60 જેટલાં શિક્ષણ સિવાયનાં કામો શિક્ષકોને સોંપવામાં આવ્યાં છે. એક તરફ સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે અને બીજી તરફ શિક્ષકોને ઇતર કામોમાં જોડવામાં આવે છે. સરવાળે શિક્ષણની સ્થિતિ કથળી ગઈ છે એવો આક્ષેપ કૉંગ્રેસે કર્યો હતો.

કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ મીડિયાને જણાવ્યું હતું કે "જામજોધપુરમાં જે કામ શિક્ષકોને સોંપવામાં આવ્યું છે, એ કામ ખરેખર તો અન્ન અને પુરવઠા વિભાગનાં કર્મચારીઓ અને મહેસૂલ કર્મચારીઓએ કરવાનું હોય. જેને બદલે શિક્ષકો અને આચાર્યો પર થોપી દેવામાં આવ્યું હતું."

"અગાઉ પણ શિક્ષકોને જે કામોમાં જોતરવામાં આવ્યા હતા, તેમાં પંક્ચર સાંધતાં શિખવાડવાનું, ખાડા ખોદવાની કામગીરી, કોરોના દરમિયાન લોકોની નોંધ લેવાની અને માર્ગદર્શન આપવાનું, રાશન કાર્ડની દુકાને અનાજવિતરણ નોંધણી, ચેકપોસ્ટ પર ચેકીંગ, વરસાદમાપણી જેવાં કામ સોંપાયાં હતાં."

તર કામોને લીધે જ રાજ્યમાં શિક્ષણનો સ્તર નબળુંછે?

સમાજમાં એક મોટો વર્ગ એવો છે જેમને શિક્ષકો પ્રત્યે સહાનુભૂતિ છે અને તેમને સોંપાતાં અન્ય કામોનો આવા લોકો વિરોધ કરે છે.

બીજી તરફ એવો પણ વર્ગ છે, જે માને છે કે શિક્ષકોને પાંચ કલાકની નોકરી હોય છે, તો તેમને અન્ય કાર્યો સરકાર સોંપે તો એમાં કશું ખોટું નથી.

વડોદરાનાં રિસર્ચ સ્કૉલર જયેશ શાહ જણાવે છે કે મૂળ મુદ્દો શિક્ષકને સોંપાતાં કામ નહીં પરંતુ શિક્ષણની ગુણવત્તા હોવો જોઈએ. જેના પર ફોકસ કરાતું નથી.

તેઓ બીબીસીને કહે છે, "શિક્ષકોની પાંચ કલાકની નોકરી પછી તેમના માટે પણ તાલીમવર્ગો હોવા જોઈએ. તેઓ વર્ષોથી એક જ ઢબે અભ્યાસ કરાવ્યા કરે છે."

"શિક્ષકો અપડેટ હોતા નથી અને શિક્ષણનો કે વિદ્યાર્થીનો વિકાસ થતો નથી. જો સરકાર શિક્ષકોને અપડેટ કરવાના કોઈ પ્રોગ્રામ ન કરતી હોય તો તેમને શિક્ષણ સિવાયનાં કાર્યોમાં જોતરવામાં કશું ખોટું નથી કારણકે આપણે ત્યાં નોકરીના સરેરાશ આઠ કલાક હોય છે."

"સરકાર શિક્ષણ પાછળ ખર્ચ ખૂબ સારો એવો કરે છે. પરંતુ એ ખર્ચની શિક્ષણમાં ઊપજ જોવા મળતી નથી. અલબત્ત, કેટલાક શિક્ષકો નમૂનેદાર કામ કરે છે પરંતુ એની સંખ્યા ઓછી છે."

બજેટ જંગી છતાં શિક્ષણની તંગી

ગુજરાત સરકાર બજેટમાં શિક્ષણ પાછળ માતબર રકમ ફાળવે છે છતાં ગુજરાતમાં સરકારી શિક્ષણ કેમ નબળું પડ્યું છે, એનું કારણ સમજવું અઘરું છે.

આ વર્ષે બજેટમાં શિક્ષણ પાછળ રૂપિયા 31,955 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે કોઈ પણ વિભાગ કરતાં વધારે છે.

જેમકે કૃષિ, ખેડૂતકલ્યાણ અને સહકાર વિભાગ માટે 7,423 કરોડ, આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ માટે 11,243 કરોડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ માટે 13,440 કરોડ, માર્ગ અને મકાન વિભાગ માટે 10,200 કરોડ.

આ ઉપરાંત ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 13,917 કરોડ. આમ જોઈ શકાય છે કે સરકારના જે પાયાના અન્ય વિભાગો છે, તેની સરખામણીએ શિક્ષણ પાછળ રાજ્ય સરકાર બમણી કે ત્રણ ગણી રકમ ફાળવે છે.

છતાં રાજ્યમાં શિક્ષણ ખાડે ગયું છે, એવા આક્ષેપ વિપક્ષ અને શિક્ષણવિદ્ કરતા રહે છે. જેને સમર્થન કરતાં પુરાવા પણ મળી રહે છે.

જેમકે ન્યૂ દિલ્હી સ્થિત એ.એસ.ઈ.આર. સેન્ટર દ્વારા દર વર્ષે સ્ટેટસ ઑફ એજ્યુકેશન રિપોર્ટ (ગ્રામીણ) બહાર પાડવામાં આવે છે.

આ સેન્ટર ગામડાંની સ્થિતિ પર અભ્યાસ કરે છે. રાજ્યનાં 779 ગામોમાં શિક્ષણનો અભ્યાસ કરીને 2018માં તેમના અહેવાલમાં જણાવાયું હતું કે ધોરણ 2માં અભ્યાસ કરતાં 89.4 ટકા બાળકો પોતાનાં જ પાઠ્યપુસ્તક વાંચી શકતાં નથી.

રાજ્યમાં ગયા વર્ષે ખાસ કરીને સરકારી તેમજ સરકારની ગ્રાન્ટ પર નભતી શાળાઓમાં ભણતાં દર દસમાંથી ત્રણ વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયમાં પાસ થયા નહોતા, એવો ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનો ગયા વર્ષનો 19 ડિસેમ્બરનો અહેવાલ છે.

જેમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં આ વિષયો માટે શિક્ષકોની 58 ટકા જગ્યાઓ રાજ્યમાં ખાલી પડી છે.

શિક્ષણનું જંગી બજેટ છતાં માળખાકીય સવલતોનો અભાવ કેમ?

માળખાગત સવલતોનો અભાવ હોય એવા કેટલાક જિલ્લાની વિગતો જોઈએ તો બનાસકાંઠાનાં 14 તાલુકામાં ગયા વર્ષે 31 ઑક્ટોબરની સ્થિતિએ પ્રાથમિક શાળાઓમાં 1765 ઓરડાની ઘટ હતી તેમજ કચ્છના 10 તાલુકામાં 646 ઓરડાની ઘટ હતી.

અમદાવાદ જિલ્લાના 10 તાલુકામાં 417 ઓરડાની ઘટ હતી. 31 મે 2019 સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં 192 શાળા જર્જરિત હતી એવું સરકારે વિધાનસભામાં કબૂલ્યું હતું.

આ સંદર્ભે પુછાયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણપ્રધાને જવાબ આપ્યો હતો કે બનાસકાંઠામાં વર્ષ 2018-19 માં 35 શાળાઓ અને 2019 -20માં 58 શાળાઓ માટે બાંધકામ હાથ ધરેલ છે અને બાકી રહેતી શાળાઓમાં આગામી વર્ષોમાં તબક્કાવાર બાંધકામ કરવાનું આયોજન છે.

2019ની 14મી વિધાનસભાનાં પાંચમા સત્રમાં સરકારે રાજ્યમાં બંધ કરવામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાની વિગતો આપી હતી.

વિદ્યાર્થીઓની અપૂરતી સંખ્યાને કારણે સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે, એવું સરકારે જણાવ્યું હતું.

જો વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થઈ રહી હોય તો એના માટે ખાનગી શાળા તરફ લોકો ઢળી રહ્યા છે કે કેમ એ દીશામાં પણ અભ્યાસ થવો જોઈએ.

નવેમ્બર 2018થી ઓક્ટોબર 2019 સુધી રાજ્યમાં બંધ થયેલી કેટલીક સરકારી શાળાની વિગત.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો