ગુજરાત સ્કૂલ ફી વિવાદ: 'નીતિમાં ખામી' કે 'શિક્ષણનીતિ જેવું કંઈ છે જ નહીં'?

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી સંવાદદાતા

તાજેતરમાં જ ગુજરાત સરકારે વાલીઓને સ્કૂલ ફીમાં 25% રાહત આપવાની જાહેરાત કરી. કોરોના વાઇરસે સર્જેલી આફતને લીધે આર્થિક ફટકો પડતા વાલીઓએ કરેલી રજૂઆતોને પગલે સરકારે આ જાહેરાત કરી હતી. જોકે, હજી આ મામલો પત્યો નથી.

છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં વાલીમંડળો અને સરકાર 'સ્કૂલ ફી' મુદ્દે આમને-સામને આવી ગયાં હોવાના ઘણા બનાવ નોંધાયા છે. આ મામલા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોચ્યાં હતાં.

આથી સવાલ એ છે કે ગુજરાતમાં વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે છેલ્લાં ઘણાં વર્ષોથી સતત ઘર્ષણ કેમ થઈ રહ્યાં છે? તથા વાલીઓ અને સરકાર વારંવાર કેમ આમને-સામને આવી જાય છે?

આ સમજવા માટે એજ્યુકેશનના ઇકૉનૉમિક્સને સમજવું જરૂરી છે.

રસપ્રદ વાત એ છે કે પહેલા ઇકૉનૉમિક્સ સમજવા એજ્યુકેશન (શિક્ષણ) લેવું પડતું, પણ હવે એજ્યુકેશન લેવા પહેલા એનું ઇકૉનૉમિક્સ સમજવું પડે છે.

છેલ્લા દાયકામાં વાલીઓએ શિક્ષણની નીતિઓ સામે જેટલા વિરોધપ્રદર્શન નથી કર્યાં એના કરતા વધુ પ્રદર્શનો સ્કૂલ ફીના મુદ્દે થયા છે. આમ, સવાલનું મૂળ 'કોસ્ટ ઓફ એજ્યુકેશન' (શિક્ષણ પાછળ થતા ખર્ચ)માં છે.

સ્કૂલ શિક્ષણ પાછળ કેટલો ખર્ચ?

નિષ્ણાતોના નિરીક્ષણ અને વાલીઓના અંદાજ પ્રમાણે ગુજરાતમાં સ્કૂલ શિક્ષણના ખર્ચની વાત કરીએ તો સરકારી સ્કૂલમાં 1-12 ધોરણનો સરેરાશ સ્કૂલ ફી કુલ ખર્ચ (વગર ટ્યુશન) 10થી 12 હજાર રૂપિયા થાય છે.

જ્યારે ગુજરાત બોર્ડ (ગુજરાતી મીડિયમ)નો ધોરણ 1-12નો સરેરાશ કુલ અંદાજિત ફી ખર્ચ 4-7 લાખ રૂપિયા થાય છે. પરંતુ જો સીબીએસઈ કે આંતરરાષ્ટ્રીય બોર્ડ હોય અથવા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય તો સરેરાશ 8-10 લાખ રૂપિયા સુધી ખર્ચો થતો હોય છે.

નિષ્ણાતોના મતે આ તમામ ખર્ચ મોટા ભાગે સ્કૂલ ફી સંબંધિત છે. તેમાં ટ્રાન્સપોર્ટેશન, સ્ટેશનરી, ટ્યુશન ક્લાસ અને અન્ય શૈક્ષણિક ખર્ચ સામેલ નથી. આ ખર્ચાઓ સામેલ કરતા કુલ ખર્ચમાં 70થી 100 ટકાનો વધારો જોવા મળે છે.

પરંતુ અત્રે એક વાત એ પણ નોંધવા લાયક છે કે રાજ્યમાં ખાનગી સ્કૂલોનું પ્રમાણ રાજ્ય સરકાર કે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ચાલતી સ્કૂલોની સંખ્યા કરતાં વધી રહ્યું છે.

સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે રાજ્યમાં ખાનગી સ્કૂલોની ફી નિયમન કરતી 'ફી રેગ્યુલેટરી કમિટી' (FRC)ની વેબસાઇટ પર સ્કૂલોની ફીના ઓર્ડર ચકાસતા માલૂમ પડે છે કે ગુજરાતમાં કેટલીક ખાનગી સ્કૂલોની ફી સુરતની સરદાર પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી (એનઆઈટી) કરતાં પણ ઊંચી છે. એટલે કે ભારતની પ્રતિષ્ઠિત ઇજનેરી કોલેજમાં મળતા શિક્ષણ કરતાં સ્કૂલ્સમાં મળતું માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક કક્ષાનું શિક્ષણ વધારે મોંઘું છે.

શિક્ષણ ખૂબ જ ખર્ચાળ છે?

શું ગુજરાતમાં ખરેખર શિક્ષણ ખૂબ જ ખર્ચાળ છે? એની પાછળ કયાં કારણો રહેલાં છે?

ગુજરાત સરકારના વર્ષ 2018-2019નાં સત્તાવાર આંકડા અનુસાર રાજ્યમાં કુલ સરકારી સ્કૂલોની સંખ્યા 1360 છે, જેમાં મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સંસ્થાઓ દ્વારા સંચાલિત સ્કૂલો પણ સામેલ છે. વળી ગ્રાન્ટ-ઇન-એઇડ (સરકાર પાસેથી ગ્રાન્ટ/સહાય મેળવતી સ્કૂલ્સ)ની કુલ સંખ્યા 5209 છે.

બીજી તરફ કુલ ખાનગી સ્કૂલોની સંખ્યા 5265 છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવાં મોટાં શહેરોમાં ખાનગી સ્કૂલોની સંખ્યા અન્ય જિલ્લા અથવા શહેરો કરતાં ઘણી વધુ છે.

વાલીમંડળ 'વાલી સ્વરાજ મંચ'ના સભ્ય અમિત પંચાલ અનુસાર કુલ ખાનગી સ્કૂલોમાંથી માત્ર 1000-1200 સ્કૂલ જ એવી છે જેની ફી 15000થી ઓછી અથવા 15000 રૂપિયા છે. જ્યારે 4000થી વધુ ખાનગી સ્કૂલોની ફી 15000થી વધુ છે. વળી કેટલીક સ્કૂલ્સની ફી વર્ષે 70થી 80 હજાર રૂપિયા છે.

જોકે હાલના વિવાદ મુદ્દે તેમનું કહેવું છે કે જો સરકાર 75 ટકા ફી માફી રાહત નહીં આપે તો તેઓ કાયદાકીય લડાઈ અને ગાંધીચિંધ્યા માર્ગે આગળ વધશે.

ખાનગી સ્કૂલોની સંખ્યામાં વધારો

ભારત સરકારના નેશનલ સૅમ્પલ સરવે-2014 અનુસાર ભારતમાં ખાનગી એલિમેન્ટરી સ્કૂલ ફી (મધ્યકિંમતની દૃષ્ટિએ) 417 રૂપિયા પ્રતિ મહિનો છે. ખાનગી સ્કૂલોના ફી ઓર્ડર તેનો પુરાવો છે.

જોકે કેટલીક ખાનગી સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવેલાં સંશોધનો અનુસાર દેશમાં ખાનગી સ્કૂલોની ફીમાં ઝડપથી વધારો થયો છે અને ખાનગી સ્કૂલોની સંખ્યા પણ વધી છે.

બીજી તરફ ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ એક તરફ સરકાર તરફથી ગ્રાન્ટ મેળવતી કેટલીક સ્કૂલો બંધ થઈ છે, તો બીજી તરફ નવી ખાનગી સ્કૂલોનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે.

એસોચેમ (ધ ઍસોસિયેટેડ ચેમ્બર ઑફ કોમર્સ ઑફ ઇન્ડિયા)ના રિપોર્ટ અનુસાર દેશમાં ખાનગી સ્કૂલ શિક્ષણ પાછળ વર્ષ 2005માં 5500 રૂપિયા ખર્ચ થતો હતો એ 2015માં વધીને 1,25000 રૂપિયા થઈ ગયો છે. આમ (ખાનગી) સ્કૂલ શિક્ષણ ઘણું મોંઘું થયું છે.

એક અહેવાલ મુજબ દેશમાં સરેરાશ પ્રાઇમરી શિક્ષણની ફી માટે ખાનગી સ્કૂલમાં વર્ષે 6024 રૂપિયા, સેકન્ડરી શિક્ષણ માટે 9013 રૂપિયા અને હાયર સેકન્ડરી શિક્ષણ માટે વિદ્યાર્થીદીઠ સ્કૂલ ફી માટે વાલીના 13, 845 રૂપિયા ખર્ચાય છે. વળી સરકારી સ્કૂલમાં સરેરાશ વાર્ષિકખર્ચ 1100 રૂપિયા જેટલો છે, જ્યારે ખાનગી સ્કૂલમાં તે 10,600 રૂપિયા છે.

આમ, સરકારી અને ખાનગી સ્કૂલમાં શિક્ષણ મેળવવા માટેના ખર્ચમાં મોટો તફાવત છે. જોકે ચિંતાનો વિષય એ પણ છે કે વાલીઓ મોટા ભાગે તેમનાં બાળકોને હવે ખાનગી સ્કૂલોમાં જ ભણાવવા ઇચ્છે છે. તદુપરાંત ગ્રામ્ય વિસ્તારોની સરકારી સ્કૂલોમાં ડ્રોપઆઉટની સમસ્યા પણ એક પડકાર છે.

ઉપરાંત ડિમાન્ડના કારણે સપ્લાય વધી રહ્યો છે અને કૉમ્પિટિશનના કારણે રેટ (કિંમત) વધી રહ્યો છે.

'શિક્ષણનીતિ જેવું કંઈ છે જ નહીં'

લાંબા સમયથી શિક્ષણક્ષેત્રમાં બદલાતા પ્રવાહો અને ફેરફારો પર નજર રાખતા સુરતના વરિષ્ઠ પત્રકાર જયેશ બ્રહ્મભટ્ટનું કહેવું છે કે રાજ્યમાં શિક્ષણ ખૂબ જ ખર્ચાળ બની રહ્યું છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "હવે એક રિક્ષાચાલક વાલી પણ પોતાના સંતાનને ઇંગ્લિશ મીડિયમ કે સીબીએસઈ બોર્ડમાં જ ભણાવવા ઇચ્છે છે. તેમને લાગે છે કે ભવિષ્યમાં રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધાઓ, જેવી કે જેઈઈ, નીટ પાસ કરવી હોય અને ઇજનેરી, મેડિકલમાં ભણવું હોય તો સ્કૂલ શિક્ષણનું સ્ટાન્ડર્ડ તો ઊંચું જ રાખવું પડશે અને પૈસા પણ ખર્ચવા જ પડશે. એટલે તેઓ ગમે તેમ કરીને પણ ઊંચી ફી ખર્ચવા તૈયાર હોય છે."

તેમનું માનવું છે કે જ્યારથી રાષ્ટ્રીયકક્ષાની પરીક્ષાઓ જેઈઈ, નીટ લાગુ કરાઈ ત્યારથી ખાનગી સ્કૂલોની ફી અને શિક્ષણના ઇકૉનૉમિક્સમાં મોટો બદલાવ આવ્યો છે.

"જ્યારથી નેશનલ લેવલની પરીક્ષાઓ આવી છે ત્યારથી અન્ય પ્રાઇવેટ પ્લેયર્સની ગુજરાતમાં મજબૂત એન્ટ્રી થઈ છે. સ્કૂલોએ પણ તેની વ્યૂહરચનાઓ બદલી છે. જેની સમગ્ર અસર ફી અને ખર્ચાઓ પર પડી છે."

"કેટલીક સ્કૂલો હવે જાતે જ ડાઉટ ક્લિયરિંગ ક્લાસિસના માળખા હેઠળ ટ્યુશનની ગરજ સારવા ખાસ ક્લાસ ચલાવે છે. જેનો ચાર્જ પણ ફીમાં એક રીતે સામેલ કરી લેવાય છે."

"બીજા તરફ સારી સારી ગ્રાન્ટ-ઇન-એઇડ સ્કૂલો બંધ થઈ રહી છે. અને સ્કૂલો હવે ખાનગીકરણ તરફ વળી રહી છે. કેમ કે વાલીઓ ખુદ હવે બાળકોને ખાનગી સ્કૂલમાં ભણાવવાની બાબતને જ પ્રાધાન્ય આપે છે."

તેમણે ઉમેર્યું કે,"આ સમગ્ર સ્થિતિ જોતા લાગે છે કે ખરેખર શિક્ષણનીતિ જેવું કંઈ છે જ નહીં. કહેવત છે કે પૈસો પૈસાને ખેંચે પણ હવે પૈસો શિક્ષણને ખેંચે એવું થઈ ગયું છે."

'સરકારની નીતિમાં જ ખામી છે'

ઉપરાંત શિક્ષણવિદ સુખદેવ પટેલનું પણ માનવું છે કે શિક્ષણ દિવસેને દિવસે મોંઘું થઈ રહ્યું છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "સરકારની નીતિમાં જ ખામી છે. કોઈ પણ પ્રકારનું યોગ્ય આયોજન નથી. મહાનગરપાલિકાની સ્કૂલનું બજેટ તેની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ દીઠ વહેંચીએ તો પ્રતિબાળક 40000 રૂપિયાની ફાળવણી જોવા મળે છે."

"બીજી તરફ સરકારની કમિટી ખાનગી સ્કૂલોની ફી 15000 નક્કી કરે છે. એટલે આવું કરીને ખાનગી સ્કૂલોના શિક્ષકોના શોષણની સમસ્યા ઊભી કરે છે."

"તદુપરાંત સરકાર ખાનગી સ્કૂલોને વિદ્યાર્થીદીઠ આરટીઈ હેઠળ સરકાર મહત્તમ 10 હજાર રૂપિયા ફાળવે છે. એટલે સરકારનું કહેવું છે કે આટલી ફીમાં સારામાં સારું શિક્ષણ આપી શકાય. તો પછી 40 હજાર ફાળવણી જે સ્થાનિક સંસ્થાઓ કરે છે એનું શું? અને વળી જે સ્કૂલો 70-80 હજાર ફી વસૂલે છે એનું શું?"

શિક્ષણ ખર્ચ પર ફુગાવાની અસર

દરમિયાન અર્થશાસ્ત્રી પ્રો. હેમંતકુમાર શાહે શિક્ષણ ખર્ચના વધવા પાછળની બાબતો વિશે જણાવ્યું કે સરકાર ખરેખર 1થી 12 ધોરણ માટે જે ખર્ચ કરવો જોઈએ એ કરતી નથી. અને ખાનગી સ્કૂલો વધતા કુલ ખર્ચાઓ વધી રહ્યા છે.

તેમણે કહ્યું, "કોઠારીપંચે 66મા ભલામણ કરી હતી કે જીડીપીના 6 ટકા શિક્ષણ પાછળ વાપરવા પણ ગુજરાત સરકાર ફક્ત 3 ટકા જેટલો ખર્ચ માંડ કરે છે. એટલે ખર્ચ વધારવાની જરૂર છે."

"દસ વર્ષ પહેલાં 1લા ધોરણમાં 17 લાખ વિદ્યાર્થીઓ એનરોલ થયા હતા. 2020માં 10મા ધોરણમાં 11 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. વળી 12મા ધોરણમાં જેમણે પરીક્ષા આપી એમની સંખ્યા સવા છ લાખ. એટલે કે બીજા 5 લાખ ડ્રોપઆઉટ થયા. આમ ડ્રોપઆઉટ પણ ઘણા થયા છે."

"જેનો અર્થ એ થયો કે 17 લાખમાંથી માત્ર પાચ લાખ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં જાય છે. ગુજરાતમાં દર 100માંથી માત્ર 22 જ ઉચ્ચ શિક્ષણ મેળવવા જાય છે. જ્યારે દેશમાં આ આંકડો 26નો છે. આ પરિસ્થિતિ ઘણી ચિંતાજનક છે. "

"આથી સરકારે પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિકમાં પૂરતા શિક્ષકોની ભરતી કરવી પડશે. સરકારી આંકડા મુજબ 22 હજાર શિક્ષકોની અછત છે. બીજી તરફ આચાર્ય વિનાની શાળાઓ પણ ચાલે છે. ટેટ-ટાટ લેવાય છતાં ભરતીઓ નથી થતી. "

"આદિવાસી ગ્રામ પંચાયતો સહિતના વિસ્તારોમાં શિક્ષણની વિશેષ કાળજી માટે ખર્ચ કરવો જોઈએ. શિક્ષકોની તાલીમ પૂરતા પ્રમાણમાં વ્યવસ્થિત થતી નથી. આવી સમગ્ર બાબતોને કારણે અત્યંત ભારવાળું શિક્ષણ થઈ ગયું છે."

શિક્ષણનાં ખર્ચ પર ફુગાવાની અસરના સંબંધ વિશે જણાવતા તેમણે ઉમેર્યું, "જેટલા પ્રમાણમાં ફુગાવો થાય, ધારો કે 5 ટકા ફુગાવો હોય, તો ગુજરાત સરકારે 10થી 15 ટકા ખર્ચ વધારવો પડે. કેમ કે દર વર્ષે સામાન્ય માણસોની આવક 5થી 10 ટકા નથી વધતી પણ શિક્ષણનો ખર્ચ 10-15 ટકા વધે છે."

સ્કૂલ સંચાલકનું શું કહેવું છે?

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ (સુરત)ના અધ્યક્ષ દીપક રાજગુરુએ 'સ્કૂલ ફી' વિવાદ અને 'વધી રહેલા શિક્ષણના ખર્ચ' મામલે બીબીસી સાથે વાતચીત કરી.

તેમણે કહ્યું, "અમે સરકાર-વાલીઓ સમક્ષ રજૂઆત કરી છે કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીને ચોક્કસપણે ફીમાં રાહત આપવામાં આવશે. અમે 25 ટકા કરતા વધુ માફી પણ આપી શકીએ છીએ. પરંતુ જે પ્રકારે સરકાર 'બ્લેન્કેટ ફોર્મ'માં ફી ઘટાડો જાહેર કરે એ યોગ્ય નથી."

દીપક રાજગુરુ ખુદ એક સીબીએસઈ બોર્ડની શાળા ચલાવે છે. તેમણે આ મામલે વધુમાં કહ્યું,"અમારે લૉકડાઉન દરમિયાન ટૅક્સ અને અન્ય ખર્ચાઓ થયા છે. અમે શિક્ષકોને પગાર પણ ચૂકવ્યા છે. બીજી તરફ સરકારે અમને કોઈ પણ પ્રકારની સબસિડી નથી આપી કે ન કોઈ સહાય આપી છે. આથી સરકારે પોતે પણ આ મામલે આર્થિક સહાય જાહેર કરવી જોઈએ."

"ખાનગી શાળાઓમાં 50 ટકા બાળકોના વાલી સરકારી, અર્ધસરકારી કે કૉર્પોરેટ સહિતના ક્ષેત્રમાં નોકરી કરનારા હોય છે. એમના પગાર ચાલુ જ હતા. બાકીના 50 ટકા જે મધ્યમવર્ગીય બાળકો હોય તેમને 10-15 ટકા માફી મળે તો તે કેસ દીઠ જે યોગ્ય લાગે તે આપવું જોઈએ."

"વળી કોરોનામાં જો કોઈના વાલીનું મૃત્યુ થયું હોય તો તેવા વિદ્યાર્થીને તો 100 ટકા માફી મળવી જોઈએ. આથી સરકાર આ રીતે એક નિશ્ચિત 25 ટકા મર્યાદા બાંધીને વિદ્યાર્થીઓને જ નુકસાન કરી રહી છે."

વળી વધી રહેલા શિક્ષણના ખર્ચના મુદ્દા વિશે પૂછતા તેમણે કહ્યું,"અમારે પાણી, હાઉસિંગ સહિતના ટૅક્સ કૉમર્શિયલ સ્લેબના ટૅક્સના બરાબર ચૂકવવા પડે છે. અમને કોઈ રાહત કે સબસિડી નથી મળતી."

"વળી કેટલાકે સ્કૂલ ઊભી કરવા માટે લૉન લીધેલી હોય છે. તેના વ્યાજ ભરવાના હોય છે. દસ વર્ષનો સમય લાગે છે ત્યારે એક બ્રાન્ડ તૈયાર થાય છે. જેમાં સંચાલક તેનો પરસેવો રેડે છે. આથી ખરેખર અમને પણ રાહત આપવી જોઈએ."

આ સમગ્ર બાબતે બીબીસીએ ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે પણ વાતચીત કરવાની કોશિશ કરી પરંતુ તેમણે આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો