You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જામનગર: પુત્રી પર બે વખત બળાત્કાર, પિતાનો આપઘાત અને પરિવારને ખાવાના વખા
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
"આ ગરીબ પરિવારને આર્થિક સહાય મળે તે હાલની જરૂરિયાત છે કારણ કે હવે તો તેમની પાસે કોઈ જ આધાર નથી."
આ શબ્દો જામનગરના એક નાનકડા ગામમાં રહેતી એ વ્યક્તિના છે, જેમના ખાસ મિત્રે હાલમાં જ આપઘાત કરી લીધો છે.
તેમની આત્મહત્યા પાછળનાં કારણોની તપાસ દરમિયાન જામનગર પોલીસને જાણવા મળ્યું હતું કે આત્મહત્યા પાછળનું કારણ તેમની સગીર વયની દીકરી પર બે વાર ગુજરાવામાં આવેલો બળાત્કાર છે.
એ બાદ પાલીસે આ મામલે બળાત્કારની ફરિયાદ દાખલ કરીને આરોપી ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપીએ પીડિતા સાથે બે વખત શરીરસંબંધ બાંધ્યો હોવાનું સામે આવ્યું છે.
બીજી વાર કથિત બળાત્કારની ઘટના બન્યાની જાણ થતાં પીડિતાના પિતાએ આપઘાત કરી લીધો હતો. પીડિતાના પિતાને કથિત દુષ્કર્મના આઠ મહિના બાદ આ અંગે જાણ થઈ હતી.
ખાવાના વખા
મજૂરી કરીને ગુજરાન ચલાવનારા આ પરિવારમાં કમાનારી એક જ વ્યક્તિ હતી અને તે ખુદ મૃતક હતા. તેમના પર કુટુંબના ચાર સભ્યો નિર્ભર હતા. તેમનાં પત્ની સતત બિમાર રહેતાં હોઈ ઘરનું કામ કરવામાં પણ સમર્થ નથી.
પીડિતા પર કથિત બળાત્કાર થયો ત્યારે તેમની ઉંમર 17 વર્ષની હોઈ આ મામલે પોલીસે પૉસ્કોની કલમો પણ ઉમેરી છે.
આ પરિવારના એક મિત્રે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે પીડિત કુટુંબની આર્થિક હાલત ખૂબ ખરાબ છે અને તેમને રોજ ખાવાના પણ વખા હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમુક દિવસો સુધી તો ગામના લોકોએ પરિવારની મદદ કરી પણ ગામ ખૂબ નાનું હોઈ અને મોટા ભાગની વસતી મજૂરી કરતી હોઈ, પરિવારને આર્થિક મદદ સતત ચાલુ રહે એવી શક્યતા ખૂબ ઓછી છે."
"મદદ માટે અમે સરકારને રજુઆત કરી છે પણ હજુ સુધી આર્થિક મદદના કોઈ અણસાર દેખાયા નથી."
"પીડિતા અને તેની બહેન આસપાસ મજૂરી કરવા જાય અને પણ તેમને ખાસ કંઈ કામ મળતું નથી."
પરિવારના મિત્રે આ મામલે વિસ્તૃતમાં જાણકારી આપતાં જણાવ્યું કે આરોપીએ પહેલાં પીડિતાનો મોબાઇલ નંબર મેળવીને તેની સાથે મિત્રતા કેળવી હતી અને બાદમાં તેની સાથે સાત-આઠ મહિના પહેલાં બે વખત કથિત દુષ્કર્મ ગુજાર્યું હતું.
"આ મામલે પીડિતાના પિતાને જાણ થતાં તેમણે પોતાના કુટુંબીજનોને જાણ કરી હતી પણ જ્યારે કંઈ થઈ શક્યું નહીં ત્યારે તેમણે આત્મહત્યા કરી લીધી હતી."
તેમણે એવું પણ જણાવ્યું કે પીડિતા અને આરોપીના પરિવાર વચ્ચે ભારે ઝઘડો થયો હતો અને એ બાદ મૃતકે આપઘાતનું પગલું ભર્યું હતું.
આ ઘટનાએ 500 લોકોની વસતી ધરાવતા ગામને શોકમાં ગરકાવ કરી દીધું છે.
સહાયની વાટ
આપઘતાના કેસની તપાસ કરી રહેલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વી.ડી. રાવળિયા સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "દીકરી સાથે બળાત્કાર થયો છે એ આઘાત તેઓ સહન નહોતા કરી શક્યા. આ મામલે તાબડતોબ બળાત્કારની ફરિયાદ પણ દાખલ કરાઈ છે."
બળાત્કારની ફરિયાદની તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર આર. બી. પ્રજાપતિએ બીબીસીને જણાવ્યું, "આરોપીના સંબંધીનું ઘર છોકરીના ગામમાં છે અને તેને મળવાનાં બહાનાં કરીને તે છોકરી સાથે વાતો કરતો હતો."
"તેણે છોકરીને એકાંત સ્થળે બોલાવીને બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસતપાસમાં હજુ બીજાં નામો ખૂલ્યાં નથી."
જામનગરના એસપી દિપેન ભદ્રન સાથે આ મામલે બીબીસી ગુજરાતીએ વાત કરી.
તેમણે જણાવ્યું, "એક વખત પરિવાર તરફથી રજુઆત થશે તો વિક્ટિમ કન્પન્સેશન સ્કીમ અંતર્ગત સરકારની સમિતિ નક્કી કરે રકમ પીડિતાને સરકાર તરફથી આપવામાં આવશે."
ગુજરાત હાઈકોર્ટના જાણીતા વકીલ આનંદ યાજ્ઞિકના મતે આ પરિવાર સહાય મેળવવા પાત્ર છે અને તેને તત્કાલ સહાય મળવી જોઈએ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો