You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શિક્ષણનીતિ : ગુજરાતમાં બદલાશે શિક્ષણની તસવીર કે એ જ રહેશે તાસીર?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટની બેઠકમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિને મંજૂરી આપી દેવાઈ હતી. નવી શિક્ષણનીતિ અનુસાર પ્રવર્તમાન શૈક્ષણિક માળખામાં અસંખ્ય પરિવર્તનો સૂચવવામાં આવ્યાં છે. આ નીતિ અંતર્ગત શાળાશિક્ષણની સાથે ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે પણ ઘણા ફેરફારો સૂચવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે ઇસરોના પૂર્વ પ્રમુખ કે. કસ્તૂરીરંગનની અધ્યક્ષતામાં વિશેષજ્ઞોની એક સમિતિએ આ શિક્ષણનીતિનો મુસદ્દો તૈયાર કર્યો હતો.
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં સૂચિત કરાયેલા આ સુધારાઓની શિક્ષણ ક્ષેત્રે પડનારી દૂરગામી અસરો વિશે જાણવા બીબીસી ગુજરાતીએ નિષ્ણાતો અને પક્ષકારો સાથે વાત કરી હતી.
નિષ્ણાતોનો અભિપ્રાય જાણીએ એ પહેલાં નવી શિક્ષણનીતિની મુખ્ય જાહેરાતો પર એક નજર કરી લઈએ.
નવી શિક્ષણની નીતિની મુખ્ય જાહેરાતો
- નવી શિક્ષણ પદ્ધતિ 10+2ની પદ્ધતિ ઉપર નહીં, પરંતુ 5+3+3+4ની ઉપર આધારિત હશે. એમ.ફીલ. (માસ્ટર ઑફ ફિલૉસૉફી)નો અભ્યાસ બંધ થશે
- વર્ષ 2035 સુધીમાં ગ્રોસ ઍનરોલમૅન્ટ રેશિયો 50 ટકા ઉપર લઈ જવાશે. સ્વાયત્તતા, શિક્ષણ તથા નાણાકીય સ્વતંત્રતાના આધારે શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવશે.
- રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં નેશનલ ઍજ્યુકેશનલ ટેકનૉલૉજી ફોરમની સ્થાપના કરવાનું સૂચન કરાયું છે. વિકલાંગો ફ્રેન્ડલી સોફ્ટવૅર તૈયાર કરાવવાની જાહેરાત કરાઈ છે.
- શાળા, ટીચર તથા વિદ્યાર્થીઓને ડિજિટલી સજજ કરાશે. પ્રાદેશિક ભાષામાં ઈ-કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવાશે.
- શિક્ષણ પાછળ ગ્રોસ ડોમૅસ્ટિક પ્રોડક્ટના છ ટકા ખર્ચ કરવાનો લક્ષ્યાંક.
- પાંચમા ધોરણ સુદીનો અભ્યાસ માતૃ /સ્થાનિક ભાષામાં જ કરાવવાનો આગ્રહ રાખવાનું સૂચન કરાયું છે.
- કેન્દ્રીય માનવસંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરાશે
- ગણિત તથા વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે તે રીતે અભ્યાસક્રમ ઘડાશે. શાળાઓમાં આર્ટ્સ અને સાયન્સ, શૈક્ષણિક તથા ઇત્તર પ્રવૃત્તિ, વૉકેશનલ શિક્ષણ વચ્ચે ખાસ અંતર નહીં કરવામાં આવે.
- અભ્યાસક્રમ ઘટાડીને મૂળભૂત વિભાવના ઉપર ભાર મુકાશે. છઠ્ઠા ધોરણથી જ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમને સાંકળી લેવાશે
- બોર્ડની પરીક્ષાનું મહત્ત્વ ઘટાડાશે અને જ્ઞાન તથા તેના ઉપયોગ ઉપર ભાર મુકાશે
- ઉચ્ચ શિક્ષણસંસ્થાઓમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા સર્વસામાન્ય પરીક્ષા લેવામાં આવશે.
- શિક્ષકો માટે રાષ્ટ્રીય પરિમાણ ઘડાશે. સેન્ટ્રલ યુનિવર્સિટી, યુનિવર્સિટી, ડિમ્ડ યુનિવર્સિટી વગેરે માટે અલગ-અલગ નહીં, પરંતુ એકસમાન નિયમો રહેશે.
- કાયદા તથા તબીબી અભ્યાસક્રમો સિવાયના અભ્યાસક્રમો માટે એક જ રેગ્યુલેટર રહેશે
- અંડર-ગ્રૅજ્યુએટ કાર્યક્રમ ત્રણથી ચાર વર્ષના, અનુસ્નાતક અભ્યાસક્રમ એક કે બે વર્ષના રહેશે. બૅચલર કે માસ્ટર્સનો ઇન્ટિગ્રૅટેડ અભ્યાસક્રમ પાંચ વર્ષનો
- દરેક જિલ્લામાં (કે નજીક) મોડલ મલ્ટી ડિસ્પિપ્લિનરી ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ યુનિવર્સિટીની સ્થાપના.
- 15 વર્ષમાં કૉલેજો માટેની સંલગ્ન પદ્ધતિ નાબૂદ કરાશે.
'અમલીકરણ માટે ઝીણવટપૂર્વકના આયોજનની જરૂર'
અમદાવાદમાં સી. એન. વિદ્યાવિહારના ડિરેક્ટર ડૉ. કિરિટ જોષી નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંગે વાત કરતાં જણાવે છે કે, "હાલમાં ભારતની પ્રવર્તમાન શિક્ષણપદ્ધતિઓમાં રહેલી તમામ સમસ્યાઓનો ઉકેલ આ નવી શિક્ષણનીતિમાં જોવા મળે છે."
"પરંતુ જો આ સમસ્યાઓના ઉકેલ માટે કરાયેલા આ પ્રયત્નને યોગ્ય ન્યાય આપવો હશે તો તેના માટે આ નીતિના અમલીકરણ હેતુ ઝીણવટપૂર્વકના આયોજનની દરકાર રહેશે. આ આયોજન એ ખૂબ જ અગત્યનો મુદ્દો રહેશે. જો આ દિશામાં યોગ્ય પગલાં લઈ શકાય તો જ આ શિક્ષણનીતિના તમામ ઉદ્દેશો સિદ્ધ થઈ શકશે."
નવી શિક્ષણનીતિમાં કૉલેજોની સ્વાયત્તતાને લઈને ભવિષ્યમાં ઊભા થનારા પડકારો વિશે વાત કરતાં ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ એમ. એન. પટેલ જણાવે છે, "નવી શિક્ષણનીતિમાં કૉલેજોની સ્વાયત્તતા પર ભાર મૂકવામાં આવ્યો છે, હું માનું છું કે આવું થવું પણ જોઈએ. પરંતુ જે સંસ્થાને સ્વાયત્તતા આપવામાં આવે તેમનો ચોક્કસ વિઝન હોય અને તેઓ ચોક્કસ ધોરણો જાળવે એ પણ એટલું જ જરૂરી છે, જો એવું નહીં થાય તો મુશ્કેલી પેદા થઈ શકે છે અને એ કૉલેજોના પ્રદર્શન અંગે શંકા જન્માવી શકે છે."
જોકે, તેઓ આ નીતિને કારણે યુનિવર્સિટીઓનું મહત્ત્વ ઘટશે એવું તેઓ નથી માનતા. તેઓ જણાવે છે, "આવનારા દિવસોમાં યુનિવર્સિટીઓના સ્થાને કૉલેજોનાં ગ્રૂપ હશે, જોકે, આ નીતિને કારણે આ ચલણની શરૂઆત નથી થઈ, એ અગાઉ પણ કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ તરફથી યુનિવર્સિટીના દરજ્જાની માગણીઓની શરૂઆત થઈ જ ચૂકી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉલેજોની સ્વાયત્તતા સાથે સંબંધિત ભયસ્થાનો વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, "કૉલેજોની સ્વાયત્તતાને કારણે ઘણી કૉલેજોને નાણાકીય મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે. જોકે, એ પરિસ્થિતિમાં બધી રીતે સધ્ધર હોય એ કૉલેજો ચાલશે. તેમજ સ્વાયત્તતા મળતાં કૉલેજોએ જરૂરી વ્યવસ્થાઓ પણ ઊભી કરવી પડશે જેના માટે કૉલેજોએ જરૂરી આર્થિક સંસાધનો ભેગાં કરવાં પડશે."
"તેમજ સ્વાયત્ત યુનિવર્સિટીઓને ડિજિટલી શિક્ષણ પૂરું પાડવાની પરવાનગી અપાતાં શિક્ષકોની બેરોજગારીનો પ્રશ્ન પણ ઉદ્ભવી શકે છે."
આ સિવાય અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમનો સમય ઘટાડી એક વર્ષ રાખવાની જોગવાઈ વિશે વાત કરતાં તેઓ કહે છે કે, "અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમનો સમય ઘટાડવાની જોગવાઈને કારણે વિદ્યાર્થીઓને સમય ઘટી શકે છે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓએ સંશોધન માટે સમય ફાળવવાનો હોય છે, જેથી ઘણા વિદ્યાર્થીઓને સમયની ઘટ પડી શકે છે."
ગુજરાતના શૈક્ષણિક જગતમાં ક્રાંતિકારી ફેરફારો લાવનારી બનશે નવી શિક્ષણનીતિ?
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિના અમલીકરણથી ગુજરાતમાં શેક્ષણિક ક્ષેત્રે આવનારાં પરિવર્તનો અંગે પોતાનો મત વ્યક્ત કરતાં રિસર્ચર અને પૉલિસી સ્ટ્રૅટેજિસ્ટ અને ગુજરાતના શાળાકીય શિક્ષણનો એક્સ-રે પુસ્તકના લેખક જયેશ શાહ જણાવે છે કે, "નવી શિક્ષણનીતિના અમલીકરણથી ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો આવી શકે છે. ખરેખર કેન્દ્ર સરકાર આ નીતિના અમલીકરણ અંગે ગુજરાતને પ્રયોગશાળા બનાવી શકે છે. પરંતુ આ નીતિનો અમલ ગુજરાત કેટલી ઝડપથી કરે છે તે અંગે પ્રશ્ન છે."
નવી શિક્ષણનીતિના અમલીકરણથી રાજ્યમાં શૈક્ષણિક ક્ષેત્રે થનારા મહત્ત્વપૂર્ણ ફેરફારો વિશે વાત કરતાં તેઓ આગળ કહે છે કે, "નવી શિક્ષણનીતિમાં પૂર્વ-પ્રાથમિક શિક્ષણને પણ સમગ્ર શાળાશિક્ષણમાં સમાવી લેવાતાં નર્સરી અને સિનિયર-જૂનિયર કે. જી.માં સમગ્ર રાજ્યમાં અભ્યાસક્રમની બાબતે એકરૂપતા લાવવામાં સફળતા મળશે, જે ખૂબ જ મહત્ત્વનું છે."
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં છઠ્ઠા ધોરણથી વિદ્યાર્થીને વ્યાવસાયિક તાલીમમાં જવાની છૂટ અંગેના સૂચનની ટીકા કરતાં તેઓ કહે છે કે, "વ્યાવસાયિક તાલીમ માટે નીતિમાં અપાયેલ આ ભલામણ અયોગ્ય છે. છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને વ્યાવસાયિક તાલીમ માટેની છૂટ નહોતી આપવી જોઈતી. આટલી ઉંમરે વ્યાવસાયિક તાલીમનો કોઈ અર્થ નથી રહેતો. ઉપરથી તાલીમ બાદ આવા તાલીમાર્થી માટે અન્ય કાયદાકીય જોગવાઈઓ પણ નડતરરૂપ બની શકે છે. જોકે, આઠમા ધોરણથી વ્યાવસાયિક તાલીમ માટે કરાયેલ વ્યવસ્થા યોગ્ય છે."
ગુજરાતમાં નવી શિક્ષણનીતિના અમલને કારણે ઘણા હકારાત્મક ફેરફારો થઈ શકે તેવો અભિપ્રાય વ્યક્ત કરતાં તેઓ જણાવે છે કે, "નવી શિક્ષણનીતિમાં ઇન્ટરડિસિપ્લિનરી અને મલ્ટિ-ડિસિપ્લિનરી ઍપ્રોચ અપનાવવાની વાત કરવામાં આવી છે જો ગુજરાતમાં આવું થાય તો ન માત્ર વિદ્યાર્થીઓ જુદા-જુદા શૈક્ષણિક પ્રવાહોમાંથી પોતાના રસના વિષયો પસંદ કરી ભણી શકશે, પરંતુ આ રીતથી વિદ્યાર્થીઓને પોતાના વ્યાવસાયિક કૌશલ્યને વિકસાવવા માટે અન્ય પ્રવાહના જરૂરી વિષયો ભણવાની છૂટછાટ મળશે."
નવી શિક્ષણનીતિના અમલીકરણથી રાજ્યમાં પ્રવર્તી રહેલા શિક્ષકોની લાયકાત અંગેના પ્રશ્નોનું નિરાકરણ આવશે તેવો મત રજૂ કરતાં તેઓ જણાવે છે કે, "અત્યાર સુધી પ્રી-પ્રાઇમરી સ્કૂલોમાં બાળકોને ઓછી લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા પણ ભણાવવામાં આવતા હતા, પરંતુ નવી શિક્ષણનીતિના અમલ દ્વારા ગુજરાત સહિત સમગ્ર દેશમાં માત્ર યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો જ બાળકોને ભણાવી શકશે, આ પગલાંથી પણ ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં મોટો ફેરફાર થાય તેવી શક્યતા છે."
સ્થાનિક ભાષામાં શિક્ષણની જોગવાઈનું મહત્ત્વથી શું ફેર પડશે?
નવી શિક્ષણનીતિમાં એકથી પાંચ ધોરણ સુધી સ્થાનિક કે માતૃભાષામાં શિક્ષણ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
સાહિત્યકાર અને ભાષાશાસ્ત્રી રતિલાલ બોરીસાગર બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "શિક્ષણનું માધ્યમ તો હંમેશાં માતૃભાષા હોવી જોઈએ. શિક્ષણ અંગે જગતમાં જાતજાતના મતમતાંતરો પ્રવર્તે છે. પણ આ બાબતમાં આખું જગત એકમતી છે કે બાળકનું શિક્ષણનું માધ્યમ તો એની માતૃભાષા જ હોય. કમસે કમ પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષા દ્વારા જ મળવું જોઈએ."
તેઓ કહે છે, "આ નવી શિક્ષણનીતિમાં માતૃભાષાને આટલી અગત્યતા આપવામાં આવી છે, આજે માતૃભાષા કે પ્રાદેશિક ભાષા દ્વારા શિક્ષણ આપવાની વાત સ્વીકારાઈ છે, એ ઘણા આનંદની વાત છે અને એના માટે સરકારને અભિનંદન આપવા જોઈએ."
તેઓ વધુમાં કહે છે, "આપણી ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ નિરંજન ભગતે કહ્યું છે કે 'ઉત્તમ અંગ્રેજી, માધ્યમ ગુજરાતી.' આપણે એ ભૂલવું ન જોઈએ કે માધ્યમ ગુજરાતી રાખ્યા પછી પણ આ દેશના વિદ્યાર્થીઓને-બાળકોને અંગ્રેજીનું પણ ઉત્તમ શિક્ષણ મળવું જ જોઈએ, જેથી જ્ઞાનભાષા તરીકે એ અંગ્રેજીના અભ્યાસથી પોતાનો વિકાસ કરી શકે."
માતૃભાષામાં શિક્ષણના સવાલ પર રણછોડભાઈ શાહ, જેઓ ભરૂચમાં આવેલી એમિટી શૈક્ષણિક સંકુલના સ્થાપક અને મૅનેજિંગ ટ્રસ્ટી છે અને છેલ્લાં ઘણાં વર્ષોથી શિક્ષણક્ષેત્રે સંકળાયેલા છે, તેઓ કહે છે, "નિર્વિવાદપણે શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવું જોઈએ એવું વિશ્વે મનોવૈજ્ઞાનિક, વૈજ્ઞાનિક, સામાજિક અને વ્યવસ્થાના ભાગરૂપે સ્વીકાર્યું છે. પણ તેનું અમલીકરણ થયું નથી."
તેઓ વર્તમાન સમયની તાસીર રજૂ કરતાં કહે છે, "મને એવું લાગે છે કે આજે વાલીઓ જ્યાં પહોંચી ગયા છે, ત્યાંથી પાછા આવે એવી શક્યતાઓ મને વ્યક્તિગત ધોરણે નહિવત્ દેખાય છે. અને એને કારણે મુશ્કેલી એવી થાય છે કે અંગ્રેજી અને સ્થાનિક ભાષાનું માધ્યમ એવા કમનસીબે આખાય દેશમાં બે ભાગ પડી ગયા છે. એ બે વચ્ચે મોટી ખાઈ પણ રચાઈ ગઈ."
તેઓ કહે છે કે એક શિક્ષણ તરફનો વર્ગ થયો અને બીજો કેળવણી તરફનો વર્ગ થયો. કેળવણી અને શિક્ષણ સાથે જવાં જોઈતાં હતાં, એમાં ક્યાંક વિરોધાભાસ થયો હોય એવું લાગી રહ્યું છે.
તેઓ કહે છે, "મને બહુ ધૂંધળી શક્યતા લાગે છે કે ગામડાંના વાલીઓ પણ માતૃભાષાને માધ્યમ તરીકે સ્વીકારશે."
તેઓ માતૃભાષા તરફના આશાવાદ પર કહે છે, "એવું ચોક્કસ કહી શકાય કે પ્રત્યેક કક્ષાએ જે તે વિભાગની માતૃભાષા ફરજિયાત જે ધોરણમાં શીખવાડાય, એનો અભ્યાસક્રમ તૈયાર કરાય. ઑનલાઇન શિક્ષણ માતૃભાષામાં ન હોય તો માતૃભાષામાં ખૂબ સરસ રીતે તૈયાર થાય એ જોવાની જવાબદારી દરેક રાજ્યે સ્વીકારવી પડશે અને સ્વીકારવી જોઈએ."
સ્થાનિક ભાષામાં પ્રાથમિક શિક્ષણની જોગવાઈની ગુજરાતની શાળાકીય શિક્ષણ પર પડનારી દૂરગામી અસરો વિશે પોતાનો મત વ્યક્ત કરતાં જયેશ શાહ જણાવે છે કે, "પાંચમા ધોરણ સુધી શાળામાં સ્થાનિક ભાષા અને જે તે વિસ્તારની સ્થાનિક બોલીમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે તો બાળકોના શિક્ષણનું સ્તર ઘણી હદે સુધરી શકે છે."
"માત્ર ભાષાકીય વિષયો જ નહીં પરંતુ ગણિત પણ સ્થાનિક ભાષા કે બોલીમાં ભણાવાય તો વિદ્યાર્થીઓ જે-તે વિષયની વધુ સમજ કેળવી શકશે અને હાલની જેમ પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ સામાન્ય ગુણાકાર-ભાગાકાર નથી કરી શકતા એવી પરિસ્થિતિ ન ઉદ્ભવે."
નવી શિક્ષણનીતિથી શિક્ષણનું વેપારીકરણ વધશે?
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિના અમલીકરણથી ગુજરાતમાં શિક્ષણનું વેપારીકરણ વધશે એવો મત વ્યક્ત કરતાં અમદાવાદની એચ. કે. આર્ટ્સ કૉલેજના પ્રાધ્યાપક હેમંતકુમાર શાહ જણાવે છે કે, "નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિના અમલીકરણ માટે ગુજરાત બિલકુલ પણ સજ્જ નથી, એનું કારણ એ છે કે ગુજરાતમાં હાલ શિક્ષણ ક્ષેત્રે સંપૂર્ણ અંધાધૂંધી પ્રવર્તી રહી છે."
"સ્વનિર્ભર શાળા-કૉલેજો અને યુનિવર્સિટીઓમાં હાલ કોઈ નિશ્ચિત માપદંડો કે વ્યવસ્થાઓ નથી."
"ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓની સરેરાશ રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછી છે."
"રાજ્યમાં ઉચ્ચ શિક્ષણમાં ઍનરોલમૅન્ટ રેશિયોને ઉપર લાવવા માટે ગુજરાતમાં GDP એટલે કે ગ્રોસ ડોમૅસ્ટિક પ્રોડક્ટના છ ટકા જેટલો ખર્ચ શિક્ષણ ક્ષેત્રમાં કરવો પડે."
"જોકે, હાલ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે આટલો ખર્ચ કરાતો નથી. તેથી હાલ બજેટમાં શિક્ષણ માટે કરાઈ રહેલા ખર્ચમાં જો ત્રણથી ચાર ગણો વધારો કરવામાં આવે તો જ શિક્ષણનીતિ મુજબ માધ્યમિક શિક્ષણમાં 100 ટકા ગ્રોસ ઍનરોલમૅન્ટ રેશિયોનો લક્ષ્યાંક મેળવી શકાય."
જોકે, રણછોડભાઈ શાહ નવી શિક્ષણનીતિને સમયની જરૂરિયાત ગણાવે છે તેઓ કહે છે કે, "શિક્ષણ, સમાજમાં અનેક જગ્યાએ ઘણાં પરિવર્તનો આવ્યાં. શિક્ષણનાં પરિવર્તનોને આપણે સ્વીકારવાં પડે, સમજવાં પડે, અમલીકરણ કરવું પડે અને એ દિશામાં શિક્ષણ, વ્યવસ્થા, બાળકો, વાલીઓ બધાને લઈ જવા પડે."
"પરિવર્તનનો તમામ આધાર અમલીકરણ પર હોય છે. કોઈ પણ શિક્ષણનીતિ અથવા તો કોઈ પણ કાયદો લોકોના સારા માટે બનાવવામાં આવે છે. મને ક્યારેક એવું લાગે છે કે જે "કાયદાના બનાવનારા છે અને કાયદાનો અમલ કરનારા છે એ બંને વચ્ચે સમજની થોડી 'ગેપ' હોય છે. અથવા સમજમાં ફેરફાર હોય છે. આથી તેનું અમલીકરણ જેવું થવું જોઈએ એવું થતું નથી."
ગુજરાત નવી શિક્ષણનીતિનો અમલ કરશે
નવી શિક્ષણનીતિના અમલીકરણ અંગે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, "અમને ગઈકાલે 600 પાનાંની આ નવી પૉલિસી મળી છે. જેનો અમે અભ્યાસ શરૂ કરી દીધો છે. આજે તાત્કાલિક આ અંગે બેઠક બોલાવી છે અને તેનો અમલ શરૂ કરી દેવાનો છે. નવી શિક્ષણનીતિ ગુજરાતના ઘડતરમાં મોટું યોગદાન આપશે. નવી શિક્ષણનીતિ નક્કી કરવા માટે શિક્ષણક્ષેત્રને વધુ સજ્જ કર્યું છે અને એનો અમલ યુદ્ધના ધોરણે કર્યો છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો