એ ‘શકુંતલા’ દેવી જેમનાં પર ત્રણ વર્ષની ઉંમરે ગણિત મોહી પડ્યું

    • લેેખક, વંદના
    • પદ, ટીવી ઍડિટર (ભારતીય ભાષાઓ)

કૅનેડાનો એક ટી.વી. શો, જેમાં એક વિશાળ પેનલ છે અને તેમાં ઘણા નિષ્ણાતો, જે ગણિતના જટિલ અને મુશ્કેલ પ્રશ્નો સાથે તૈયાર હતા. બ્લૅકબોર્ડ પર પ્રશ્ન લખાઈ રહ્યો છે અને જવાબ આપનારાં છે, સાડી પહેરેલાં ભારતીય મહિલા, જેઓ ભારતથી કૅનેડા ગયાં હતાં.

તેમને આઠ અંકની સંખ્યા આપવામાં આવી હતી. 2459593728નો 38722136થી ગુણાકાર કરવાનો હતો.

આ સવાલ લખવામાં જેટલો સમય લાગ્યો એના કરતાં ઓછા સમયમાં મહિલા જવાબ જણાવે છે.

તેમનામાં આત્મવિશ્વાસથી એટલો બધો હતો કે જવાબ આપતી વખતે તેઓ હસીને પેનલને પૂછે છે કે 16-અંકનો જવાબ જમણેથી ડાબે લખું કે ડાબેથી જમણે લખું.

શકુંતલા દેવીકોણ?

આ કૅનેડિયન શોમાં પ્રશ્નોના જવાબ આપનારાં મહિલાનું નામ છે શકુંતલા દેવી, જેમને 'હ્યુમન કમ્પ્યુટર'ના નામથી પણ ઓળખવામાં આવે છે.

70ના દાયકામાં કમ્પ્યુટરોને પરાજિત કરનારાં શકુંતલા દેવી ગણિતનાં જાદુગર હોવાની સાથેસાથે બહુમુખી પ્રતિભા ધરાવનારી વ્યક્તિ હતી.

તેઓ સિંગલ મધર હતાં અને એકલા હાથે પોતાની પુત્રીનો ઉછેર કર્યો. ઇંદિરા જેમને ભારતનાં રોવિંગ ઍમ્બૅસૅડર કહેતાં, શકુંતલા તેમની સામે ચૂંટણી લડ્યાં હતાં.

શકુંતલા દેવીએ એક મહિલા તરીકે 1977માં સમલૈંગિકતા પર એક પુસ્તક લખ્યું હતું. એ સમયે ભારતમાં જાહેરમાં તેના વિશે વાત કરવાની મનાઈ હતી. પુસ્તક લખવા બદલ તેમની આકરી ટીકા થઈ હતી.

ગે લોકોની લડાઈમાં તેઓ સંભવત ભારતનાં પ્રથમ મહિલા આઇકૉન હતાં.

શકુંતલા દેવીનાં લગ્ન પરિતોષ બેનરજી સાથે થયાં હતાં, જે ગે હતા. પણ તે સમયે ખુલ્લેઆમ આ વિશે કહેવું શક્ય નહોતું. બંનેએ છૂટાછેડા લીધા. ગે લોકોની મનોદશા સમજવા માટે શકુંતલા દેવી ગે લોકોને મળવા લાગ્યાં અને 1977માં તેમનું 'ધ વર્લ્ડ ઑફ હોમોસેક્સ્યુઅલ' પુસ્તક આવ્યું.

આ પુસ્તકમાં તેઓ લખે છે, 'હું ગે નથી, ન તો મનોવૈજ્ઞાનિક છું અને ન કોઈ સામાજશાસ્ત્રી. આ પુસ્તક લખવાની મારી લાયકાત માત્ર એટલી છે કે હું એક માણસ છું. હું એવા લોકો, સહકાર્યકરો વિશે લખવા માગું છું જેમને સમાજ યોગ્ય રીતે સમજી શક્યો નથી અને ખોટું જીવન જીવવા માટે મજબૂર છે.'

આ પુસ્તકમાં સમલૈંગિક લોકો સાથે મુલાકાતની વાતો, સમલૈંગિકતાનો ઇતિહાસ, તેના પર બનેલા કાયદાઓ, આની પાછળનું મનોવિજ્ઞાન, ફિલ્મોમાં સમલૈંગિકતાનું ચિત્રણ, તેનાથી સંબંધિત દંતકથાઓ વગેરે પર વિસ્તારથી લખ્યું છે, જે 70ના દાયકામાં ખૂબ મોટી વાત હતી.

ગણિતમાં એક્કો હતાં

શકુંતલા દેવીના ગણિતની વાત કરીએ તો તેમણે 1980માં ઇમ્પિરિયલ કૉલેજ ઑફ સાયન્સ અને ટેક્નોલૉજીમાં કમ્પ્યુટરને પરાજિત કર્યું હતું.

લંડનમાં એક હજારથી વધુ લોકોની સામે તેમણે તરત જ 7, 686, 369, 774, 870 અને 2, 465, 099, 745, 779નું ગુણનફળ કહીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

આ પહેલાં 1977માં તેમણે અમેરિકામાં કમ્પ્યુટરો સાથે સ્પર્ધા કરી હતી, તેમાં શકુંતલા દેવીએ 188132517નું ઘનમૂળને બતાવીને જીત હાંસલ કરી હતી.

આ બધું તેમના માટે ડાબા હાથનો ખેલ હતો.

શકુંતલા દેવીનો જન્મ 4 નવેમ્બર, 1929ના રોજ બેંગલુરુમાં થયો હતો. તેમના પિતા સરકસમાં કામ કરતા હતા. ત્રણ વર્ષની વયે જ શકુંતલા દેવીએ ગણિતના પ્રશ્નો હલ કરવાનું શરૂ કર્યું.

તેમના પિતાએ પોતાની દીકરીની અનન્ય પ્રતિભાને ઓળખી લીધી હતી. મૈસૂર યુનિવર્સિટીમાં સાડા ત્રણ-પોણા ચાર વર્ષની ઉંમરે તેમણે પ્રથમ કાર્યક્રમ આપ્યો.

આના પછી તો કાર્યક્રમનો સિલસિલો શરૂ થઈ ગયો. ક્યારેક દિલ્હી યુનિવર્સિટી અને ક્યારેક બનારસ યુનિવર્સિટી. તેમણે ઇંદિરા ગાંધી, જાકીર હુસેન, ચંદ્રશેખર વેંકટરમણ જેવા લોકોની સામે પોતાની કલાનું પ્રદર્શન કર્યું. તેઓ 'બેબી શંકુતલા' તરીકે પ્રખ્યાત થઈ ગયાં.

મોટાં થતા સુધીમાં તો શકુંતલા દેવીનું નામ દેશવિદેશમાં ચર્ચાવા લાગ્યું. વિશ્વમાં ભાગ્યે જ કોઈ દેશ હશે જ્યાં તેઓ ગયાં ન હોય.

બહુમુખી પ્રતિભાવાન શકુંતલા દેવી

બીજાને આશ્ચર્યચક્તિ કરતી નાંખતા શંકુતલા દેવી માટે ગણિત શું હતું?

ઘણી વાર પોતાના ઇન્ટરવ્યૂમાં શંકુતલા દેવી કહેતાં, "ગણિત માત્ર ગુણનો ભાગ નથી. ઇટ્સ ધ ઑન્લી ટ્રૂથ ઇન ધ વર્લ્ડ. ખરેખર તો ગણિત એ વિશ્વનું એકમાત્ર સત્ય છે. નંબર ક્યારેય જૂઠું બોલતા નથી. તમે ક્યાંય પણ જાઓ, બે વત્તા ચાર જ રહેશે."

શંકુતલા દેવી એક બહુમુખી પ્રતિભાવાન મહિલા હતાં. તેઓ વાંસળીવાદક હતાં. ખાવાપીવાથી લઈને આપદા જેવા વિષયો પર તેમણે પુસ્તકો લખ્યાં છે.

તેમણે ગણિત પર એટલાં પુસ્તકો લખ્યાં છે કે તેઓ કહેતાં હતાં કે જો તમારે ઇન્ફોસિસ, આઈટી વગેરેમાં યોગ્યતા પરીક્ષા પાસ કરવી હોય તો આ પુસ્તકો તે માટેનો ગુરુમંત્ર છે.

નંબરોની હેરાફેરીથી સંબંધિત જુગાર પર પણ તેમણે ત્રણ પુસ્તકો લખ્યાં, પણ ક્યારેય છપાવ્યાં નહીં.

તેઓ એક જાણીતાં જ્યોતિષી પણ હતાં. તેઓ કહેતા કે જ્યોતિષ બનવા માટે તમારું ગણિત ઘણું સારું હોવું જોઈએ અને તમારી ઇન્ટયુશન ખૂબ જ ઝડપી હોવી જોઈએ, નહીંતર કુંડળી કમ્પ્યુટર પણ બનાવે છે.

કોઈ પણ તારીખ અને વર્ષને જોઈને તેઓ કહી શકતાં કે એ તારીખ અને વર્ષે કયો દિવસ હશે.

બીબીસી હિન્દીને 1973માં આપેલા ઇન્ટરવ્યૂમાં શકુંતલા દેવીએ કહ્યું હતું કે તેમણે ક્યારેય ઔપચારિક શિક્ષણ લીધું નથી. તેમ છતાં તેમણે અંગ્રેજી અને તમિળમાં પુસ્તકો લખ્યાં છે.

શકુંતલા દેવી એક ચાઇલ્ડ પ્રોજડી એટલે કે એક એવી હસ્તી જે બાળપણથી જ પ્રતિભાવાન હતી. નાનપણથી જ તેમણે પ્રદર્શનો શરૂ કર્યાં, પ્રવાસ શરૂ કર્યો.

આવાં બાળકો વિશે વિચારતા, કોઈને ચોક્કસપણે વિચાર આવે છે કે આવાં બાળકોનું બાળપણ પ્રતિભામાં ખોવાઈ જાય છે, શું તેમને સામાન્ય જીવન જીવવાનો મોકો નથી મળતો? અથવા તેના અન્ય જીવનનો કેટલો પ્રભાવ વ્યક્તિગત જીવન પર પડ્યો હશે? મને આનો સચોટ જવાબ ખબર નથી.

શકુંતલા દેવીની મુશ્કેલીઓ

શકુંતલા દેવીને જાહેર જીવનમાં પ્રતિભાશાળી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ખાનગી જીવનમાં તેમની પોતાની મુશ્કેલીઓ હતી. ખાસ કરીને તેમનો અને તેમનાં પુત્રી વચ્ચેનો સંબંધ.

શકુંતલા દેવી પરની ફિલ્મ આ સંબંધની જટિલતાઓને પણ બતાવે છે, જેમાં પુત્રીને ઘણી વખત તેમની માતા સાથે મતભેદ થાય છે. શકુંતલા દેવીનાં પુત્રી અનુપમા બેનરજી લંડનમાં રહે છે.

તેમણે બીબીસીને તેમના સંબંધો વિશે કહ્યું, "કોઈ પણ સંબંધ સંપૂર્ણ નથી. લોકો ભૂલી જાય છે કે તે સમયે તેઓ એક માતા હતી, તે ખૂબ પ્રગતિશીલ હતી. તેઓ તેમના સમય કરતાં આગળ હતાં. અમે એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં, પણ હા, અમારા સંબંધો ખૂબ જ અસ્થિર હતા. આ માતા અને પુત્રી વચ્ચેના પ્રેમસંબંધ જેવું હતું. અમારા સંબંધોમાં પણ તણાવ હતો, જેને અમે સાથે બેસીને ઉકેલી શકીએ. આ ફિલ્મ માટે દુનિયાની સામે બધું શૅર કરવું મારા માટે સરળ નહોતું."

શકુંતલા દેવી ફિલ્મના દિગ્દર્શક અનુ મેનને અનુપમા સાથે ફિલ્મ બનાવવા માટે નોંધપાત્ર સમય પસાર કર્યો હતો.

તેઓ કહે છે, "શકુંતલા દેવી પર સંશોધન કરતી વખતે મને ધીમેધીમે ખબર પડી કે તેમના જીવનમાં ગણિત સિવાય બીજું પણ હતું. અંગત જીવનમાં પ્રતિભાશાળી બનવું સરળ નથી અને એક પ્રતિભાશાળી મહિલાની પુત્રી તરીકે અનુપમાનું જીવન સરળ હતું. જીનિયસ માણસ પણ સંપૂર્ણ નથી. તેમની પણ પોતાની સમસ્યાઓ હોય છે."

આત્મવિશ્વાસથી ભરપૂર વ્યક્તિત્વ

ઘણા નિષ્ણાતો એમ પણ માને છે કે શકુંતલા દેવીની ગણિતમાં જે પ્રકારની નિપુણતા હતી, જે રીતે તેઓ ગણિતને ખૂબ જ સરળ બનાવતા હતા અને જે રીતે તેઓ શાળાઓમાં લોકપ્રિય હતાં, કદાચ તેનો ઉપયોગ શાળાઓમાં ગણિતને લઈને કોઈ ઠોસ નીતિનિર્માણમાં નથી થયો.

આ કારણસર દિગ્દર્શક અનુ મેનને પણ શકુંતલા દેવી પર ફિલ્મ બનાવવાનું વિચાર્યું.

તેઓ કહે છે, "એક દિવસ મારી પુત્રીએ મારી પાસે આવી અને કહ્યું, 'માતા અંગ્રેજી છોકરીઓ માટે છે અને ગણિત છોકરાઓ માટે છે.' મેં વિચાર્યું કે આ વિચારસરણીને બદલવા માટે હું શું કરી શકું. ગણિત અને મહિલાઓ સાથે સંકળાયેલા એવા કોણ છે, જેમનું ઉદાહરણ આપણે આપી શકાય. ત્યારે મારા મનમાં શકુંતલા દેવીનું નામ આવ્યું."

પરંતુ આ બધાથી આગળ શકુંતલા દેવી એક એવાં મહિલા હતાં જેમણે પોતાની શરતો પર પોતાનું જીવન જીવ્યું.

તેઓ ગણિતમાં મનોરંજન પણ શોધતાં. તેમને છેલ્લે સુધી રંગબેરંગી સાડી અને લિપસ્ટિક્સનો શોખ હતો. તેઓ એક આત્મવિશ્વાસી વ્યક્તિ હતી.

શકુંતલા દેવીએ બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું, "એક વખત લંડનના મશહૂર અખબારનો એક પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા આવ્યો હતો. તેમણે મને અંક આપ્યા અને મેં જવાબ આપી દીધા. જોકે તેઓ મક્કમ હતા કે હું પહેલેથી જવાબ સાથે લઈ આવી છું અને મારો જવાબ એકદમ ખોટો હતો. અમે તે જ સમયે તેમના અખબારના એકાઉન્ટ વિભાગમાં ગયા અને એકાઉન્ટવાળા લોકોને તેનો જવાબ આપવા કહ્યું. મારો જવાબ જ સાચો નીકળ્યો."

'હું મારી જાતને પડકારું છું'

બીબીસીને લગતો એક કિસ્સો પણ ખૂબ પ્રખ્યાત છે. કાર્યક્રમમાં બીબીસી હોસ્ટ લેસ્લી મિશેલ દ્વારા આપવામાં આવેલા જવાબને ખોટો જાહેર કરવામાં આવ્યો, પરંતુ શકુંતલા દેવી મક્કમ હતાં. જ્યારે ગુણાકાર ફરીથી કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે શકુંતલા દેવી સાચાં છે. આત્મવિશ્વાસ એ તેમનો સૌથી મોટો સાથી અને શસ્ત્ર હતું.

એ જ રીતે જ્યારે કૅનેડિયન શોની પેનલે તેમને મુશ્કેલ પ્રશ્ન પૂછવા પડકાર ફેંક્યો ત્યારે તેમણે તરત કહ્યું કે "હું કોઈને પડકારતી નથી, હું મારી જાતને પડકારું છું."

આખરે તેઓ ગણિતને લગતી આશ્ચર્યજનક કારનામાંઓ કેવી રીતે કરતાં હતાં, કદાચ શકુંતલા દેવી પાસે પણ આનો જવાબ નહોતો.

બીબીસી હિન્દી સાથેની વાતચીતમાં તેમણે માત્ર એટલું કહ્યું, "આ સમજવું મુશ્કેલ છે. જ્યારે હું નંબરો જોઉં છું ત્યારે મારા મગજમાં આપમેળે ગણતરી શરૂ થઈ જાય છે."

શકુંતલા દેવી ફિલ્મમાં એક દૃશ્ય છે, જ્યાં તેમની પુત્રી નારાજગીમાં પૂછે છે, "તમે કેમ અન્ય માતાની જેમ સામાન્ય નથી થઈ શકતા?"

આના પર, શકુંતલા દેવી જવાબ આપે છે, "જ્યારે હું આશ્ચર્યજનક હોઈ શકું છું ત્યારે મારે શા માટે સામાન્ય થવું જોઈએ."

શંકુતલા દેવીનું આ પ્રકારનું વ્યક્તિત્વ હતું, જે તેમની પુત્રી સાથે વાત કરીને કંઈક-કંઈક સમજમાં આવે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો