You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા ચીન સંઘર્ષ : કેવી રીતે ડ્રેગન લિન્કડઇન દ્વારા કરે છે જાસૂસોની ભરતી?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
અમેરિકા અને ચીન વચ્ચે વેપારયુદ્ધ બાદ વિદેશનીતિના ક્ષેત્રે યુદ્ધ છેડાઈ ગયું છે. જેમાં અમેરિકાએ ચીનનું હ્યુસ્ટન ખાતેનું કૉન્સ્યુલેટ બંધ કરવાના આદેશ આપ્યા છે.
બીજી બાજુ, જાસૂસીક્ષેત્રનો નવો મોરચો ખૂલી ગયો છે. અમેરિકાની કોર્ટમાં સિંગાપોરના યુવકે સ્વીકાર્યું છે કે તેમણે ચીન માટે જાસૂસી કરી છે.
આ પ્રકરણે અમેરિકામાં લગભગ દોઢ વર્ષ પહેલાં બહાર આવેલા જાસૂસી પ્રકરણની યાદ અપાવી દીધી. બંને જાસૂસી પ્રકરણોમાં એક બાબત સામાન્ય હતી.
સિંગાપોરના આંતરિક આકલન પ્રમાણે, આ પ્રકરણથી દેશની સુરક્ષાને કોઈ નુકસાન થાય એમ નથી, પરંતુ તેનાથી અમેરિકાના સમાજમાં સિંગાપોરના લોકો પ્રત્યે શંકા વધશે.
બંનેનાં 'સંશોધન' પ્રોફેશનલ સોશિયલ નેટવર્કિંગ સાઇટ લિન્ક્ડઇન ઉપરથી લેવામાં આવી હતી.
પહેલાં તેમને 'ફ્રિલાન્સ ઢબે કામ' કરવા માટે તક આપવામાં આવી હતી, જે તેમને જાસૂસી સુધી દોરી ગઈ હતી.
પ્રેઝન્ટેશન દ્વારા પ્રારંભ
વર્ષ 2015માં સિંગાપોરની લી કુઆન યૂ સ્કૂલ ઑફ પબ્લિક પૉલિસી યુનિવર્સિટીમાં પીએચ.ડી. સ્ટુડન્ટ જન વેઈ યો ઉર્ફ ડિક્સને બિજિંગમાં ચીનના શિક્ષણશાસ્ત્રીઓને પ્રેઝન્ટેશન આપવા માટે બોલાવવામાં આવ્યા.
જે સિંગાપોરના આદ્યસ્થાપકના નામ ઉપરથી સ્થાપવામાં આવી છે. અહીં ભારત સહિત એશિયાના અનેક દેશના સનદી તથા સરકારી અધિકારીઓ ઉચ્ચઅભ્યાસ માટે આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2015માં જ્યારે લીનું નિધન થયું, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગણતરીની કલાકો માટે સિંગાપોર ગયા હતા અને પોતાની શોકાંજલિ પાઠવી હતી.
ડિક્સનને થયું કે તેમનું ડૉક્ટરેટનું રિસર્ચ ચાઇનીઝ ફોરેન પૉલિસી ઉપર હોવાથી તેમને આ પ્રેઝન્ટેશન આપવા માટે બોલાવવામાં આવ્યા છે.
જોકે ટૂંકસમયમાં તેમને ચીનની વિદેશનીતિના 'વધુ એક સ્વરૂપ'નો પરિચય થઈ ગયો કે કેવી રીતે નવોદિત સુપરપાવર રાષ્ટ્ર પોતાની પહોંચ વધારવા ચાહે છે.
અમેરિકાની કોર્ટમાં રજૂ કરવામાં આવેલાં દસ્તાવેજો મુજબ પ્રેઝન્ટેશન બાદ કેટલાક લોકોએ તેમનો સંપર્ક સાધ્યો અને કહ્યું કે તેઓ ચીનની થિન્ક-ટૅન્કે કહ્યું કે 'પૉલિટિકલ રિપોર્ટ્સ તથા ઇન્ફર્મેશન'ના બદલામાં તેમને નાણા ચૂકવશે.
બાદમાં આ લોકોએ કહ્યું કે તેમને 'અફવા અને અંદરની વાત'માં પણ રસ છે. આ કામ બદલ તેમને પૈસા ચૂકવવાની પણ વાત કહી.
થોડા સમય બાદ ડિક્સનને અહેસાસ થઈ ગયો કે જે લોકોએ તેમનો સંપર્ક કર્યો હતો, તે ચીનના ઇન્ટેલિજન્સ ઍજન્ટ હતા, આમ છતાં ડિક્સને તેમની સાથેનો સંપર્ક જાળવી રાખ્યો.
પહેલાં તો સંપર્કસૂત્રો (હેન્ડલર)એ તેમને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું, બાદમાં તેમને અમેરિકાની સરકારને જ ટાર્ગેટ કરવા કહ્યું. આ સાથે જ ચીનના ઍજન્ટ બનવાની દિશામાં તેઓ આગળ વધી ગયા.
39 વર્ષીય સંશોધક ઉપરનો દોષ સાબિત થશે, તો તેમને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ પહેલાં પણ ચીને લિન્ક્ડઇન દ્વારા જાસૂસની 'ભરતી' કરી હોવાનું બહાર આવ્યું હતું.
ગુરુનો દેશનિકાલ
સંસ્થામાં અભ્યાસ દરમિયાન ડિક્સન સાથે અનુસ્નાતકનો અભ્યાસ કરનારી એક વિદ્યાર્થિનીના કહેવા પ્રમાણે, "તેઓ ક્લાસમાં ખૂબ જ ઍક્ટિવ રહેતા અને મને તેઓ બુદ્ધિશાળી પ્રતિભા જણાયા હતા."
તેમના કહેવા પ્રમાણે, ડિક્સને નાનપણમાં ગરીબી જોઈ હતી, એટલે તેઓ હંમેશાં અસમાનતાની વિરુદ્ધ વાત કરતા હતા. ઇન્સ્ટિટ્યૂટમાં ડિક્સનના પૂર્વ સહપાઠી પોતાનું નામ આપવા નથી માગતા.
જોકે સંસ્થાના પૂર્વ સ્ટાફ-મેમ્બરના કહેવા પ્રમાણે, "તેમનામાં પોતે મહત્ત્વપૂર્ણ હોવાનો અહેસાસ હતો."
જાસૂસીની દુનિયા સાથે સંકળાયેલા લોકોના કહેવા પ્રમાણે, "પૈસા, નારી, ડ્રગ્સ કે બદલો લોકોને આ દુનિયામાં દોરી લાવે છે."
ડિક્સનના સુપરવાઇઝર હુઆંગ ઝિંગ હતા, જેઓ હાઈ-પ્રોફાઇલ ચાઇનીઝ-અમેરિકન પ્રોફેસર હતા.
વર્ષ 2017માં તેમને 'વિદેશના પ્રભાવ હેઠળના ઍજન્ટ'ના આરોપ સબબ દેશનિકાલ આપવામાં આવ્યો હતો, જોકે પ્રોફેસર ઝિંગ કયા દેશ માટે કામ કરતા હતા, તે સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.
પ્રોફેસર ઝિંગે આ આરોપોને નકાર્યા હતા. પહેલાં તો તેમણે અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં કામ કર્યું અને હવે બિજિંગમાં કાર્યરત્ છે.
કોર્ટમાં રજૂ કરવામાં આવેલાં દસ્તાવેજો પ્રમાણે, આરોપીએ તેના હૅન્ડલર્સ સાથે અલગ-અલગ સમયે ચીનનાં અલગ-અલગ સ્થળોએ મુલાકાત કરી હતી.
આવી જ એક મિટિંગ દરમિયાન ડિક્સનને અમેરિકાના વાણિજ્ય વિભાગ, અમેરિકા તથા ચીનના વેપારયુદ્ધ તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે માહિતી એકઠી કરવા માટે કહેવામાં આવ્યું હતું.
2019 દરમિયાન ડિક્સન સારો એવો સમય અમેરિકામાં રહ્યા હતા.
જેમાં તેમને આર્મી ઑફિસરની નિમણૂક કરવા માટે કહેવામાં આવ્યું હતું, 'જે માહિતીનો કાયમી સ્રોત' બની શકે. જોકે, ડિક્સન કોઈને સાધી શકે તે પહેલાં તેમની ધરપકડ થઈ ગઈ હતી.
લિન્ક્ડઇન દ્વારા લિન્ક જોડાણ
ડિક્સન દ્વારા બનાવટી કન્સલ્ટિંગ કંપની ઊભી કરવામાં આવી અને 'ઉત્સુક અભ્યાસુ'ના ઓઠા હેઠળ નોકરી તથા કારકિર્દી ઉપર કેન્દ્રિત નેટવર્કિંગ સાઇટ લિન્ક્ડઇન ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
ચીનમાં પશ્ચિમી દેશોની બહુ થોડી સોશિયલ નેટવર્કિંગ સાઇટને બ્લૉક કરવામાં નથી આવતી અને લિન્ક્ડઇન તેમાંની એક છે.
પ્રૉફેશનલ નેટવર્કિંગ વેબસાઇટ ઉપર સરકાર તથા સેનાના પૂર્વ કર્મચારીઓ, અધિકારીઓ તથા કૉન્ટ્રાક્ટરો દ્વારા પોતે ક્યાં-ક્યાં અને કેવી-કેવી કામગીરી બજાવી છે, તેના વિશે છૂટથી લખવામાં આવે છે.
જેની પાછળનો હેતુ ખાનગી કંપનીમાં નોકરીદાતાઓનું ધ્યાન આકર્ષિત કરવાનો તથા ઉચ્ચ પગાર કે પરામર્શક તરીકેની ફી મેળવવાનો હોય છે.
માહિતી, આપનાર અને લેનાર
ડિક્સનના કહેવા પ્રમાણે, આ કામમાં તેમને એક 'અદૃશ્ય સાથી'એ મદદ કરી હતી. લિન્ક્ડઇનનું અલ્ગૉરિધમ.
તેઓ કોઈ ચોક્કસ પ્રકારની પ્રોફાઇલ સર્ચ કરતા, ત્યારે તેમને સમાન પ્રકારની અનેક પ્રોફાઇલના સજેશન મળતા હતા.
ડિક્સને અમેરિકન ઍરફૉર્સના એફ-35 ફાઇટર જેટ પ્રોગ્રામ ઉપર કામ કરનારી વ્યક્તિને સાધ્યા હતા, જેમણે સ્વીકાર્યું હતું કે તેઓ નાણાભીડ અનુભવતા હતા.
પૅન્ટાગોનમાં કામ કરતા અમેરિકાની સેનાના અધિકારીને 'અફઘાનિસ્તાનમાંથી અમેરિકનદળો હઠાવવાની ચીન ઉપર શું અસર થશે' એ વિષય ઉપર લખવાનું કહેવામાં આવ્યું હતું.
આ કામ માટે તેમને કમ સે કમ બે હજાર ડૉલર ચૂકવવામાં આવ્યા હતા.
2018માં ડિક્સને લિન્ક્ડઇન પર પોતાની કન્સલ્ટન્સી કંપની માટે નોકરીની ખોટી જાહેરખબરો મૂકી હતી, જેની પર તેમને 400થી વધુ સી.વી. મળ્યા હતા.
જેમાંથી 90 ટકા એવા હતા કે જેઓ સરકારી કે સૈન્ય કામગીરી સાથે સંકળાયેલા હતા અને તેમને તંત્ર તરફથી 'સિક્યૉરિટી ક્લિયરન્સ' પણ હાંસલ હતા.
ડિક્સને આમાંથી અમુક પ્રોફાઇલ્સ તેમના હૅન્ડલર્સને મોકલી આપી હતી.
આ સિવાય ડિક્સન લિન્ક્ડઇન પર પ્રોફાઇલ નક્કી કરતા અને તેમને 'કન્સલ્ટન્સી' રિપોર્ટ લખવાનું કામ સોંપતાં, જે માહિતી મલતી તે ચાઇનીઝ કૉન્ટેક્ટ્સને મોકલી દેતા હતા.
હૅન્ડલર્સ દ્વારા ડિક્સનને કહેવામાં આવ્યું હતું કે તેઓ 'કામથી અસંતુષ્ટ છે કે કેમ' તથા 'શું તેમને કોઈ આર્થિક સમસ્યા છે કે કેમ' તેની માહિતી મેળવવા માટે કહેવામાં આવતું હતું.
લગભગ 70 કરોડ યૂઝર આ સાઇટનો ઉપયોગ કરે છે. 2016ના અંતભાગમાં માઇક્રૉસોફ્ટે 26 અબજ 20 કરોડમાં આ સાઇટને ખરીદી લીધી હતી.
માહિતી માટે 'સોનાની ખાણ'
વિદેશી ગુપ્તચર સંસ્થાઓ માટે આ પ્રોફાઇલ્સ તથા તેમના દ્વારા આપવામાં આવેલી માહિતી 'સોનાની ખાણ' જેવી બની રહે છે.
2018માં અમેરિકાના કાઉન્ટર-ઇન્ટેલિજન્સ ચીફ વિલિયમ એવિનાએ લિન્ક્ડઇન ઉપર ચીન 'ખૂબ જ આક્રમક' છે અને તેના સામે ચેતવણી પણ ઉચ્ચારી હતી.
અંદરના જાસૂસ કે ગુપ્તચરોની ઉપર નજર રાખવાની પ્રક્રિયાને કાઉન્ટર-ઇન્ટેલિજન્સ તરીકે ઓળખવામાં આવે છે.
2017માં જર્મનીની ઇન્ટેલિજન્સ ઍજન્સીનું કહેવું હતું કે લિન્ક્ડઇનનો ઉપયોગ કરીને ચીનના ઍજન્ટોએ કમસે કમ 10 હજાર જર્મનોને સાધવાનો પ્રયાસ કર્યો હતો.
ડિક્સનના અહેવાલ માટે પ્રતિક્રિયા મેળવવા લિન્ક્ડઇનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.
અગાઉ કંપનીએ કહ્યું હતું કે વાંધાજનક પ્રવૃત્તિઓને અટકાવવા માટે તે અનેક પગલાં લઈ રહી છે.
'Chinese Communist Espionage: An Intelligence Primer'ના સહ-લેખક મૅથ્યુ બ્રાઝિલના કહેવા પ્રમાણે, લિન્ક્ડઇનનો ઉપયોગ બેશરમીપૂર્ણ જણાય તો પણ તેનાથી આશ્ચર્ય ન થવું જોઆએ. તેઓ કહે છે:
"મને લાગે છે કે વિશ્વભરમાં જાસૂસી સંસ્થાઓ માહિતીના સ્રોત માટે કદાચ તેનો ઉપયોગ કરે છે."
"જે કોઈ લિન્ક્ડઇન ઉપર છે, તેઓ આખી કૅરિયર વિશેની માહિતી મૂકે તે ઇચ્છનીય હોય છે, જે બીજા લોકો જુએ છે. - એ રીતે તે કામનું સાધન બની રહે છે."
તેમના કહેવા પ્રમાણે, કન્સલ્ટન્સી રિપૉર્ટ લખવા માટે કહેવું એ ઍજન્ટને 'ફાંદા'માં લેવા જેવું હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ માહિતીના સ્રોત તરીકે મહત્ત્વપૂર્ણ જણાય ત્યારે તેને રિપૉર્ટ લખવાનું કામ સોંપવામાં આવે છે બાદમાં તેને ગુપ્ત માહિતી આપવા માટે કહેવામાં આવે છે.
"વાસ્તવમાં આ પરંપરાગત તકનીકનું આધુનિક સ્વરુપ છે."
ગત વર્ષે મે મહિનામાં કેવિન મેલોરી નામના સી.આઈ.એ. (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી, અમેરિકાની ગુપ્તચર સંસ્થા)ના પૂર્વ અધિકારીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
તેમણે ચીનના ઍજન્ટને અમેરિકાના સૈન્ય સિક્રેટ વેચ્યા હતા. કેવિનને પણ લિન્ક્ડઇન દ્વારા જ સાધવામાં આવ્યા હતા.
સંસ્થાના પ્રવક્તાના કહેવા પ્રમાણે, 2019માં ડિક્સનની પીએચ.ડી. કાર્યક્રમમાંથી અરજી મંજૂર રાખવામાં આવી હતી અને હવે તેમનો પ્રવેશ રદ કરી દેવાયો છે.
સંસ્થાના ડીને વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકોને મોકલેલા ઈ-મેઇલમાં 'અન્ય કોઈ વિદ્યાર્થી કે પ્રોફેસર ડિક્સન સાથે સંકળાયેલા ન હોવાનું' જણાવ્યું હોવાના અહેવાલ છે.
ભારત દ્વારા ભરતી અને અપહરણ?
'ઇન્ડિયા ટુડે'ના રિપોર્ટ પ્રમાણે, એપ્રિલ-2017માં પાકિસ્તાનની સેનાના પૂર્વ અધિકારી લેફ્ટનન્ટ કર્નલ મોહમ્મદ હબીબ ઝાહિર નેપાળમાંથી ગુમ થયા હતા.
પુત્ર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ પ્રમાણે, સેનામાંથી નિવૃત થયાનાં ત્રણ વર્ષ બાદ તેમણે લિન્ક્ડઇન તથા અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર સારી નોકરી મેળવવા માટે પોતાની પ્રોફાઇલ મૂકી હતી.
તેમને માસિક 8500 પાઉન્ડના પગારથી કાઠમાંડુમાં 'સ્ટ્રૅટજિક સૉલ્યુશન્સ' નામની કન્સલ્ટન્સી ફર્મમાં કંપનીના ઝોનલ ડાયરેક્ટર તરીકેની પોસ્ટ ઑફર થઈ હતી.
કાઠમાંડુ જવા માટે તેમને વાયા ઓમાનની બિઝનેસ ક્લાસ ફ્લાઇટ ટિકિટ પણ મોકલવામાં આવી હતી.
નેપાળ ગયા બાદ તેમના ફોન ઑફ આવતા હતા અને તેમના સાથે સંપર્ક થઈ શકતો ન હતો, કંપનીની વેબસાઇટ પણ ઇન્ટરનેટ ઉપરથી હઠી ગઈ છે.
પરિવારજનોના આરોપ પ્રમાણે, આની પાછળ ભારતની ગુપ્તચર સંસ્થા RAW (રિસર્ચ ઍન્ડ ઍનાલિસિસ વિંગ) દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું છે.
ભારતના કથિત જાસૂસ કુલભૂષણ જાધવ પાકિસ્તાનની જેલમાં બંધ છે, તેમને છોડાવવા માટે 'આપ-લે' કરવા માટે તેમનું અપહરણ થયું હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે જાધવને પાકિસ્તાનની સૈન્ય કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી છે, પરંતુ ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ દ્વારા ફાંસી ઉપર સ્ટે મૂકવામાં આવ્યો છે.
આ સિવાય ભારતને જાધવના કૉન્સ્યુલર એક્સેસ આપવા માટે પણ પાકિસ્તાનને કહેવામાં આવ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો