ભારત અને ચીન આ નાના પાડોશી દેશને કેમ લલચાવી રહ્યાં છે?

    • લેેખક, ભૂમિકા
    • પદ, બીબીસી સંવાદદાતા

ચીન આ સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક વિવાદો સામે લડી રહ્યું છે. પછી એ કોરોના વાઇરસનું સંક્રમણ હોય, હૉંગકૉંગમાં નવો સુરક્ષા કાયદો હોય, વીગર મુસલમાનોની કથિત હેરાનગતિ હોય કે પછી ભારત સાથે સરહદ પર સંઘર્ષ હોય.

પરંતુ આ બધા વચ્ચે ચીને પૂર્વ ભુતાનના સકતેંગ અભયારણ્ય પર પણ દાવો કર્યો છે. એટલું નહીં ભુતાનના પૂર્વ સૅક્ટરને પણ ચીને સીમાવિવાદ સાથે જોડી દીધો.

ચીન પોતાના દાવાના સમર્થનમાં કહેતું આવ્યું છે કે બંને દેશો વચ્ચે અત્યાર સુધી સીમાંકન થયું નથી અને મધ્ય, પૂર્વ તેમજ પશ્ચિમ વિભાગને લઈને વિવાદ છે.

જોકે, હવે ચીને આ વિવાદને ઉકેલવા માટે પૅકેજ સમાધાનની રજૂઆત કરી છે. ત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે કે ચીનના વલણમાં અચાનક ગરમી અને પછી નરમાશ કેવી રીતે આવી.

ચીને પહેલાં આવો દાવો કર્યો નથી

પૂર્વ ભુતાન પર ચીનનો દાવો નવો છે, કારણ કે આ પહેલાં તેણે ક્યારેય સકતેંગ વન્યજીવઅભયારણ્ય પર દાવો નહોતો કર્યો. આ અભયારણ્ય અરુણાચલ પ્રદેશની સરહદની નજીક છે.

રસપ્રદ વાત એ છે કે વર્ષ 1984 પછીથી વિવાદિત સરહદને લઈને 24 વખત વાતચીત થઈ, ત્યાં સુધી ચીને એવો કોઈ દાવો નહોતો કર્યો.

મંગળવારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને પત્રકારો સાથે વાતચીતમાં સીમાંકનની વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું, "ચીનની સ્થિતિ તટસ્થ અને સ્પષ્ટ છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધી સીમાંકન થયું નથી અને મધ્ય, પૂર્વ તેમજ પશ્ચિમ વિભાગને લઈને વિવાદ છે."

જોકે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે એમ પણ કહ્યું કે ચીન નથી ઇચ્છતું કે બંને દેશો વચ્ચે આ મુદ્દાની અન્ય મંચો પર ચર્ચા થાય.

ચીનના આ દાવા પર દિલ્હીસ્થિત ભુતાનના દૂતાવાસ તરફથી પણ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર ભુતાને પણ આ મામલે પોતાનો જવાબ આપ્યો છે.

વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત બ્રહ્મા ચેલાની કહે છે, "ચીને આ પહેલાં ક્યારેય આ મુદ્દો નથી ઉઠાવ્યો અને હવે અચાનકથી પાછલા મહિને આના ઉપર દાવો કર્યો."

"એનો સીધો અર્થ એ કે ચીન ક્યારેય પણ કોઈ પણ નવો દાવો રચી શકે છે. એના પડોશીઓને પણ ખબર નહીં પડે કે તે ક્યારે કયો વિવાદ ઊભો કરી દે."

ચેલાની ગલવાન ખીણ પરના દાવાનું ઉદાહરણ આપતાં કહે છે કે આ પહેલાં ક્યારેય તેણે આવો દાવો કર્યો નહોતો.

તેઓ કહે છે, "નિશ્ચિતરૂપે આ ચીનની રણનીતિ છે અને આ વ્યવહાર ચીનના સંદર્ભમાં નવો નથી."

ભારત- ભુતાનનો સંબંધ કેટલો મજબૂત?

એક તરફ જ્યાં ચીન ભુતાનના ભાગ પર દાવો કરી રહ્યું છે અને આ મુદ્દાને પરસ્પર વાતચીતથી ઉકેલવા પર જોર આપી રહ્યું છે, ત્યાં જ બીજી તરફ ભારત ભુતાન સાથે સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ધ્યાન આપી રહ્યું છે.

હાલના ઘટનાક્રમ પર નજર કરીએ તો 15 જુલાઈએ ભારત અને ભુતાન વચ્ચે એક નવો વેપારમાર્ગ ખૂલ્યો.

આ સાથે જ ભારત સરકાર ભુતાનની વધુ એક કાયમી 'લૅન્ડ કસ્ટમ સ્ટેશન' ખોલવાની વિનંતી પણ સ્વીકાર કરી શકે છે. આનાથી ભુતાનને નિકાસ વધારવામાં મદદ મળશે.

આ ઉપરાંત બંને દેશો વચ્ચે ટ્રેડ પૉઇન્ટ્સ બનાવવા અને મુજનાઈ-ન્યોએનપાલિંગ રેલલિંક બનાવવાની દિશામાં પણ કામ થઈ રહ્યું છે.

ભારત અને ભુતાન વચ્ચેનો સહયોગ નવો નથી.

ભારતની આઝાદી પછી બંને દેશો વચ્ચે એક સંધિ થઈ હતી, જેમાં અનેક જોગવાઈઓ હતી અને સૌથી મહત્ત્વપૂર્ણ હતી રક્ષા અને વિદેશમામલાઓમાં ભુતાનની નિર્ભરતા.

જોકે બાદમાં આ સંધિમાં અનેક બદલાવ થયા અને બિનજરૂરી જોગવાઈઓને હઠાવી દેવાઈ.

જોકે આર્થિક સહયોગને મજબૂત કરવા અને તેના વિસ્તાર માટે સંસ્કૃતિ-શિક્ષા, સ્વાસ્થ્ય, રમતગમત, વિજ્ઞાન અને ટેકનૉલૉજીનાં ક્ષેત્રોમાં પરસ્પર સહયોગની જોગવાઈઓ યથાવત્ રહી. સાથે જ વિકાસ માટે જરૂરી નવી જોગવાઈઓને સામેલ પણ કરવામાં આવી.

ભારત-ભુતાનને દૂર કરવા ચીન દબાણ કરી રહ્યું છે?

ચીનનો જે બે દેશો સાથે હાલ સીમાવિવાદ ચાલી રહ્યો છે, એમાંથી એક ભારત છે અને બીજું છે ભુતાન.

બીજી તરફ ભુતાન અને ભારત દક્ષિણ એશિયાના સૌથી વધુ નિકટતા ધરાવતા દેશો છે.

જાણકારો માને છે કે ભુતાન સાથે ચીનનો તાજો સીમાવિવાદ ભારતના વ્યૂહાત્મક હિતોને અસર પહોંચાડવાની કોશિશ હોઈ શકે છે.

ભુતાનમાં ભારતના પૂર્વ રાજદૂત પવન વર્મા અનુસાર આ ભુતાન પર દબાણ બનાવવાની ચીનની પદ્ધતિ છે.

ચીન જાણે છે કે ભુતાન સાથે કઈ જગ્યાએ તેની સીમા નિર્ધારિત થાય છે, એનાથી ભારતનાં વ્યૂહાત્મક હિતો પર અસર થશે.

પવન વર્માનું માનવું છે કે આ પ્રયત્ન ચીન આજથી નહીં વર્ષોથી કરતું આવ્યું છે કે ભુતાન કોઈ પણ રીતે ભારત સાથેની પોતાની મિત્રતા છોડીને ચીન સાથે સંબંધ ગાઢ કરે. જોકે હજુ સુધી ભુતાન અને ચીન વચ્ચે રાજકીય સંબંધ સુધ્ધાં નથી.

વર્ષ 2017માં ભુતાનને લઈને જ ચીન અને ભારત સામસામે આવી ગયા હતા અને બંને દેશો વચ્ચે 75 દિવસ સુધી સૈન્યઘર્ષણ પણ થયું હતું.

ત્યારે પણ ચીને ભુતાનના હિસ્સાને નિયંત્રણમાં લેવાની કોશિશ કરી હતી.

ભુતાનમાં ભારતના પૂર્વ રાજદૂત ઇન્દ્રપાલ ખોસલાએ બીબીસી સાથે વાતચીતમાં આને ચીનની વિસ્તારવાદી વિચારધારાનું પરિણામ ગણાવ્યું.

એમનું માનવું છે કે આ વિચારધારાને કારણે જ ચીન બધી બાજુ દાવા કરી રહ્યું છે.

ચીન ભારત પર આરોપ લગાવતું આવ્યું છે કે ભારત પોતાના હિતોને સાધવા માટે ભુતાનનો ઉપયોગ કરી રહ્યું છે.

ડોકલામ વિવાદ દરમિયાન ચીનના સરકારી સમાચારપત્ર 'ગ્લોબલ ટાઇમ્સ'એ આરોપ લગાવ્યો હતો કે ભુતાનની સરહદી ચોકી પર ભારતે કારણ વગર આવીને વિઘ્ન નાખ્યું છે.

ચીનના આ સરકારી સમાચારપત્રમાં લખ્યું હતું, "ભૂતકાળમાં ચીન અને ભુતાન સરહદ પર અનેક ઘટનાઓ થઈ છે. બધાનું સમાધાન રૉયલ ભુતાન આર્મી અને ચીની આર્મી વચ્ચે થતું રહ્યું છે."

"તેમાં ક્યારેય ભારતીય સૈનિકોની જરૂર નથી પડી."

સમાચારપત્રએ લખ્યું હતું, "એમાં કોઈ શંકા નથી કે ભુતાનમાં ભારતીય સૈનિકોની હાજરી છે અને ભુતાની આર્મીને ભારત ટ્રૅનિંગ અને ફંડ ઉપલબ્ધ કરાવે છે."

"ભારત આવું ભુતાનની સુરક્ષા માટે નથી કરતું, પરંતુ એવું તે પોતાની સુરક્ષા માટે કરે છે. આ ભારતની ચીન વિરુદ્ધ વ્યૂહાત્મક યોજનાનો ભાગ છે."

ચીન અને ભારત માટે ભુતાન મહત્ત્વપૂર્ણ કેમ?

ભુતાન ભારત અને ચીન વચ્ચે એક બફર સ્ટેટ છે.

ભારત માટે ભુતાનના મહત્ત્વને એ વાતથી સમજી શકાય છે કે ભારતમાં એક અનૌપચારિક પ્રથા છે કે ભારતીય વડા પ્રધાન, વિદેશમંત્રી, વિદેશસચિવ, સેના અને રૉ પ્રમુખની પહેલી વિદેશયાત્રા ભુતાનની જ હોય છે.

પવન વર્મા અનુસાર, "ભારત માટે ભુતાન કેમ મહત્ત્વનું છે એ નકશા ઉપર ભુતાનની સ્થિતિને જોઈને જ સમજી શકાય. આપણી સુરક્ષા માટે અને વ્યૂહાત્મક અગ્રતા માટે ભુતાન સાથે સંબંધ બનાવી રાખવા ખૂબ જ મહત્ત્વના છે."

"આ જ કારણ છે કે ભારતના વિશ્વમાં સૌથી સારા સંબંધ ભુતાન સાથે જ છે."

ભુતાન સાથે ભારતની 605 કિલોમિટરની સરહદને કારણે એનું વ્યૂહાત્મક મહત્ત્વ તો છે જ સાથે જ ભારત અને ભુતાન વચ્ચે વેપારી સંબંધો પણ ઘણા મજબૂત છે.

વર્ષ 2018માં બંને દેશો વચ્ચે 9228 કરોડ રૂપિયાનો દ્વિપક્ષી વેપાર થયો હતો.

ભુતાન ભારત માટે એક અગત્યનો જળવિદ્યુતસ્રોત પણ છે. ઉપરાંત ભારતના સહયોગથી ભુતાનમાં વિકાસ સાથે જોડાયેલી અનેક પરિયોજનાઓ ચાલી રહી છે.

બીજી તરફ ભુતાન અને ચીન વચ્ચે રાજનૈતિક સંબંધ પણ નથી.

પવન વર્મા કહે છે, "ચીનના સંદર્ભમાં ભુતાનનું મહત્ત્વ કંઈ એ રીતે છે કે જો ચીન ભુતાનમાં પોતાનો પગપેસારો કરી લે તો તે ભારતની સરહદની વધુ નજીક આવી જઈ શકે."

"એની સાથે જ ભારત, ભુતાન અને ચીન વચ્ચે કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં ચીન પહોંચી જાય તો ચિકન-નૅક સુધી પહોંચી જાય એનાથી ભારત પર નિશ્ચિત રીતે દબાણ બને."

"એવામાં ચીન વારંવાર કોશિશ કરતું રહ્યું છે કે કાં તો દબાણથી કાં તો પ્રલોભનથી ભુતાનને પોતાના પક્ષમાં કરી લે."

પવન વર્મા માને છે કે ભુતાનને લઈને ચીન વર્ષોથી પ્રયત્ન કરતું આવ્યું છે અને આગળ પણ કરતું રહેશે કે તેની સાથે પોતાના સંબંધ ગાઢ કરી લે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો