ભારત-ચીન તણાવ : આખી દુનિયામાં આ રીતે ફેલાયેલી છે ચીની જાસૂસીની જાળ, છોકરીઓનો થાય છે ઉપયોગ

    • લેેખક, ફ્રૅન્ક ગાર્ડનર
    • પદ, બીબીસી સિક્યૉરિટી સંવાદદાતા

ચાઇનિઝ ટેલિકોમ કંપની ખ્વાવેના વિવાદથી ચીનનો જાસૂસી કાર્યક્રમ વધુ એક વખત ચર્ચામાં આવી ગયો છે. તે એજન્ટ્સની નિમણૂક કરવા અને વિશ્વમાં પોતાની તાકાત વિસ્તારવાના મહત્ત્વકાંક્ષી કાર્યક્રમનો ભાગ છે.

MI6 (યુ.કે.ની ગુપ્તચર એજન્સી)ના પૂર્વ જાસૂસની મદદથી તૈયાર કરવામાં આવેલી માહિતી પ્રમાણે, ચીન દ્વારા યુ.કે.ની ટોચની હસ્તીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

બ્રિટનમાં ચીનની ટેલિકોમ કંપનીઓને પ્રવેશ મળી શકે તે માટે રાજનેતાઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

રાજને કાજ

કથિત રીતે ચીનની દરેક મોટી કંપનીમાં આંતરિક સ્તરે એક "સેલ" હોય છે, જે ચીનના શાસક પક્ષ ચાઇનીઝ કૉમ્યુનિસ્ટ પાર્ટી (સી.સી.પી.)ની દેખરેખ હેઠળ કામગીરી કરે છે.

કંપનીમાં પાર્ટીના રાજકીય ઍજન્ડાનો અમલ થાય તથા રાજકીય નિર્દેશોનું પાલન થાય તે જોવાની આ સેલની જવાબદારી હોય છે.

આથી, ચાઇનીઝ બાબતોને લગતાં નિષ્ણાત માને છે કે સી.સી.પી. બ્રિટનમાં બધે જ છે અને તે બિઝનેસના ઓઠાં હેઠળ પોતાની કામગીરી કરે છે. એક નિષ્ણાતના મતે, "પાર્ટીનું તંત્ર બધે જ છે", સાથે જ ઉમેરે છે, "ચીન માટે, વેપાર અને રાજકારણ અલગ નથી."

સી.સી.પી. લગભગ નવ કરોડ 30 લાખ સભ્ય ધરાવે છે, જેમાંથી અનેકને વિદેશમાં ગોઠવી દેવામાં આવ્યા છે અથવા તેઓ ગુપ્ત રીતે કામ કરે છે.

તેમને ગુપ્ત માહિતી એકઠી કરવાનું કામ સોંપવામાં આવે છે, તેમાં પણ ખાસ કરીને ટેકનૉલૉજીના ક્ષેત્રમાં.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે, "એજન્ટ" તથા વિદેશી કંપનીમાં ઉચ્ચપદે બેઠેલી વ્યક્તિઓને સામેલ કરવા તથા તેમની નિમણૂક કરવા અલગ-અલગ પદ્ધતિ અપનાવવામાં આવે છે.

લાલચ દ્વારા સામેલગીરી

જ્યારે કોઈ વિદેશી વ્યક્તિને ટાર્ગેટ કરવાનું નક્કી થાય એટલે ચીનની કંપનીઓ દ્વારા 'પૉઝિટિવ ઇન્સૅન્ટિવ' સાથે તેમનો સંપર્ક કરવામાં આવે છે.

જો વ્યક્તિ પશ્ચિમી દેશમાં હોય તો તેને ચીનમાં મહત્ત્તવપૂર્ણ બિઝનેસ મીટિંગ સેટ કરી દેવાની લાલચ આપવામાં આવે છે. અથવા જો કંપની આર્થિક સંકડામણમાં હોય તો તેને મદદ કરવાની ઓફર આપવામાં આવે છે.

અથવા તો કેટલીક વખત નૉન-ઍક્ઝિક્યુટિવ બોર્ડમાં સભ્ય તરીકેની ઓફર આપવામાં આવે છે કે કેટલીક વખત જિંદગી બદલી નાખે, એટલી જંગી રકમ આપવામાં આવે છે.

છેલ્લા 10-15 વર્ષ દરમિયાન 'પૉઝિટિવ ઇન્સૅન્ટિવ' દ્વારા વિદેશીઓને ટાર્ગેટ કરવાનું ચલણ વધ્યું છે.

હનીટ્રૅપિંગ દ્વારા ફસામણી

ચીનની પદ્ધતિઓથી વાકેફ જાણકારોના કહેવા પ્રમાણે, ડ્રેગનના દેશમાં ભરતી કરવા માટે અલગ-અલગ પદ્ધતિ અપનાવવામાં આવે છે. જેમાં ચાઇનીઝ પરિવારની ઉપર હનીટ્રૅપ કરીને બ્લૅકમેલ કરવાનું દબાણ પણ લાવવામાં આવે છે.

છટકાંથી અજાણ પશ્ચિમી વેપારીઓ તેમાં ફસાઈ જાય છે અને સપડાતો જાય છે.

આ પદ્ધતિમાં વેપારીની મુલાકાત 'અચાનક જ' કોઈ સુંદર મહિલા સાથે થાય છે. ત્યારબાદ તેમની ક્રિયાઓને ગુપ્ત રીતે રેકર્ડ કરી લેવામાં આવે છે. ત્યારબાદ કામ કઢાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

ચીનમાં કામ કરી ચૂકેલા એક બ્રિટિશ ઉદ્યોગપતિના કહેવા પ્રમાણે, "પોતાના જ દેશમાં હનીટ્રૅપનું છટકું ગોઠવવામાં માહેર છે." સામાન્ય રીતે ચીનના ગૃહ સુરક્ષા વિભાગ દ્વારા આ કામ કરવામાં આવે છે.

ચીનની કેન્દ્રીયસ્તરે સંડોવણી

જાસૂસી કરવાનો તથા પશ્ચિમી ઉદ્યોગપતિઓને ફસાવવાનો આ કાર્યક્રમ ચીનમાં કેન્દ્રીયસ્તરે ચાલે છે. દરેક પ્રાંતીય સ્ટેટ સિક્યૉરિટી બ્યૂરોને વિશ્વના ચોક્કસ વિસ્તારની કામગીરી સોંપવામાં આવી છે.

જેમ કે, શાંઘાઈ બ્યૂરોને અમેરિકાની, બેજિંગને રશિયા તથા પૂર્વ સોવિયેટ સંઘના સભ્યોની કામગીરી સંભાળે છે. જાપાન તથા કોરિયાની જવાબદારી તિયાનજિનને સોંપવામાં આવી છે, આવી રીતે વિશ્વભરના દેશોની વહેંચણી કરી દેવામાં આવી છે.

આ પ્રકારના ઑપરેશનથી વાકેફ એક વ્યક્તિના કહેવા પ્રમાણે, "ચીનની સરકાર દ્વારા માહિતી મેળવવા માટે તમામ પ્રકારની યુક્તિઓ અજમાવવામાં આવે છે."

"આ સિવાય મોટાપાયે સાયબર જાસૂસી, ઇન્ડસ્ટ્રીના ઍક્સ્પર્ટને સાથે રાખીને તેમની જાણકારીમાં કે જાણ બહાર માહિતી કઢાવવાનો સમાવેશ થાય છે."

એમના કહેવા પ્રમાણે, "યુ.કે. ઉપર રશિયા તથા ચીન દ્વારા જાસૂસીનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો