You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ગુજરાતમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર ઑનલાઇન શિક્ષણનું દબાણ કેટલું છે?
- લેેખક, રીષિ બેનર્જી
- પદ, બીબીસી ગુજરાતી
"ખુશી એકદમ સામાન્ય વર્તન કરતી હતી અને એ દિવસે સવારે આખા પરિવારે સાથે નાસ્તો કર્યો. એનું ઑનલાઇન શિક્ષણ પણ સારી રીતે ચાલી રહ્યું હતું. શાળામાંથી જે પણ ભણવામાં આવતું હતું તેમાં રસ લેતી અને હોમવર્ક પણ સમયસર પૂર્ણ કરી નાખતી હતી."
આ શબ્દો છે રાજકોટના રોહિત શિંગાળાના, જેમની 12 વર્ષની દીકરી ખુશીએ, કથિત રીતે ઑનલાઇન ક્લાસનું દબાણ સહન ન થતા આપઘાત કરી લીધો.
ઑનલાઇન શિક્ષણ ત્યારે સફળ છે જ્યારે બાળકો પાસે મોબાઇલ અને ઇન્ટરનેટની સુવિધા હોય. ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં પણ સેંકડો બાળકો છે, જેમની પાસે આ બંને સવલત નથી.
ઑનલાઇન શિક્ષણ માટે અલાયદી શાંત જગ્યા પણ જોઈએ જે ઘણાં વિદ્યાર્થીઓ પાસે નથી.
બીજી બાજુ, સી.બી.એસ.ઈ.એ તેના શૈક્ષણિક અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ તર્જ ઉપર ગુજરાતના ઍજ્યુકેશન બોર્ડે પણ તેના સિલેબસમાં ઘટાડો કરવો જોઈએ, તેવી માગ ઉઠી રહી છે.
ભણતરમાં ભાર
રાજકોટના માવડી વિસ્તારમાં ઑટો ગૅરેજ ચલાવતા શિંગાળા મુજબ તેમને સ્વપ્નમાં ખ્યાલ ન હતો કે ખુશી આવું પગલું ભરશે.
'અમદાવાદ મિરર' તેના અહેવાલમાં લખે છે કે, 'ઑનલાઇન અભ્યાસ અને હોમવર્ક સમયસર પૂર્ણ ન કરી શકવાથી ખુશી કંટાળી ગઈ હતી. તે પોતાના મિત્રોને મળી ન શકવાના કારણે નિરાશ પણ હતી. ક્લાસના બીજા વિદ્યાર્થીઓની સરખામણીમાં અભ્યાસમાં પાછળ રહેવાના કારણે ખુશી માનસિક તાણમાં હતી.
જેની ખત્રી વાપીની શાળામાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે. તેમને ઑનલાઇન ભણવામાં રસ નથી પડતો અને તે શાળા શરૂ થવાની રાહ જોઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાપીમાં રહેતા પિતા પ્રભુદયાલ ખત્રી જણાવે છે, "મારી દીકરી જેની મને કાયમ પૂછે છે કે શાળા ક્યારથી શરૂ થશે? ક્યારેક જેની ઑનલાઇન ક્લાસમાં જોડાવાની ના પડે છે અને ઘણું સમજાવ્યા બાદ તે રાજી થાય છે. શાળાએ જવા માટે જેનીને ક્યારે પણ કહેવું પડ્યું નથી.
આ સિવાય ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા, પાઠ્યક્રમના પુસ્તકનો અભાવ તથા તમામ પુસ્તક પી.ડી.એફ. ઉપલબ્ધ ન હોવાની સમસ્યા પણ વિદ્યાર્થીઓને નડી રહી છે.
નવી પદ્ધતિ, નવીન સમસ્યાઓ
ઑનલાઇન શિક્ષણના કારણે શું ખરેખર વિધાર્થીઓ દબાણમાં છે? પોતાના શિક્ષક પાસે ભણવામાં વિદ્યાર્થીઓ કેમ મુશ્કેલી અનુભવી રહ્યા છે?
સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે, "ઑનલાઇન શિક્ષણ પદ્ધતિ ભારતમાં નવું-નવું છે અને એટલા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વર્ગમાં હોય અને ભણતી વખતે વિદ્યાર્થીને કોઈ મુંઝવણ હોય તો બીજા વિદ્યાર્થી પાસેથી તેને મદદ મળી જાય છે, જે ઑનલાઇન શિક્ષણમાં મળવું મુશ્કેલ છે. શાળાઓ બંધ છે અને કોવિડ-19ના કારણે વિદ્યાર્થીઓ પોતાના મિત્રના ઘરે પણ જઈ શકતા નથી, જેના કારણે તેઓ ઘણીવાર માનસિક એકલતા અનુભવે છે."
જાની વધુમાં જણાવે છે, "ઑનલાઇન શિક્ષણમાં માતા-પિતાની ભૂમિકા મહત્ત્વની બની જાય છે."
"તેમને ધ્યાન રાખવું જોઈએ કે સંતાનનું શિક્ષણ કેવું ચાલી રહ્યું છે અને તેને કોઈ મૂંઝવણ છે કે નહીં. માતા-પિતાનું હૂંફ પણ બાળકમાં સકારાત્મક ઊર્જા લાવે છે."
"જો માતા-પિતા ઓછું ભણેલા હોય, ત્યારે તેમને ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ઘણી વખત સંતાનો પોતાની સમસ્યાઓ વિશે માતા-પિતાને જણાવતા નથી."
શિક્ષકોની સ્થિતિ પણ કફોડી
ઑનલાઇન શિક્ષણના કારણે તેમના પર કામનું ભારણ વધી ગયું છે અને આ માટે ઘણી બધી તૈયારીઓ કરવી પડે છે આના કારણે તેમને વધારે સમય સુધી કામ કરવું પડે છે.
સુરતની ખાનગી શાળામાં ફરજ ભજવતા શિક્ષક મનોજ ગૌડા કહે છે, "જ્યારથી ઑનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારથી અમારું કામ વધી ગયું છે. હવે દરેક વિદ્યાર્થીને ક્લાસ પેહલાં મૅસેજ મોકલવો પડે છે."
"જો વિદ્યાર્થી ઑનલાઇન ન હોય તો વાલીને ફોન કરીને જાણ કરવી પડે છે. ઑનલાઇન ક્લાસ માટે અલગથી વર્કશીટ અને સ્ટડી મટિરીયલ બનાવવું પડે છે. આ બધું સમય માંગી લે છે."
ગૌડા વધુમાં કહે છે, "ઑનલાઇન અસેસમૅન્ટ, હોમવર્ક તપાસવું અને આગલા દિવસનું પ્લાનિંગ કરવું. આ બધું કરવામાં રોજના સરેરાશ 10-11 કલાક નીકળી જાય છે. મે મહિનામાં અમે ઑનલાઇન પૅરન્ટ-ટીચર મિટિંગ કરી હતી, જે માટે અલગથી તૈયારીઓ કરવી પડી હતી."
એવા પણ શિક્ષકો છે જેમને ઑનલાઇન શિક્ષણ આપી શકે તે માટે ઘણી મહેનત કરવી પડી છે.
વલસાડની ઘાસવાલા હાઈસ્કૂલમાં ભણાવતા મંજુલા પટેલ કહે છે, "વર્ષોથી ચોક અને બ્લૅકબોર્ડ થકી વિદ્યાર્થીઓને ભણાવતી આવી છું અને એટલા માટે મને ઑનલાઇન ક્લાસ વિશે કોઈ માહિતી હતી નહીં."
"સહુ પહેલાં વિવિધ ઍપ્લિકેશન અને તેમને ઑપેરેટ કઈ રીતે કરવું તે વિશે જાણ્યું. એમાં ખાસ્સો એવો સમય નીકળી ગયો. ઑનલાઇન ક્લાસ તો હું લઈ શકું છું, પણ ક્યારેક મુશ્કેલી પડે છે. હું હજુ પણ શીખી રહી છું."
શિક્ષકો મુજબ ઑનલાઇન શિક્ષણમાં સહુથી મોટો પડકાર છે, વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનો. ક્લાસમાં હાજર રહેવાના કારણે સંવાદ સાધવામાં સરળતા રહે છે, જ્યારે ઑનલાઇનમાં વિદ્યાર્થીઓ ખુલીને વાત કરતા ખચકાય છે.
આ સિવાય વિદ્યાર્થીઓએ મ્યૂટનું બટન દાબ્યું ન હોય તો સમગ્ર ક્લાસના ભણતરમાં ખલેલ ઊભી થાય છે.
એકાંતનો અભાવ
માત્ર મોબાઇલ અથવા કમ્પ્યૂટરની મદદથી બાળક ઑનલાઇન શિક્ષણ મેળવી લેશે, એવું માની લેવું ભૂલભરેલું છે.
વિદ્યાર્થી ક્લાસમાં જે ભણાવવામાં આવી રહ્યું છે સારી રીતે સાંભળી અને સમજી શકે એ માટે જરૂરી છે કે તે એક શાંત જગ્યામાં બેસે.
આજના સમયમાં જ્યારે ઘરો નાના થઈ રહ્યા છે, ત્યારે ઘણા વિદ્યાર્થીઓ છે જેમના માટે અલાયદા ઓરડા અથવા જગ્યા નથી.
ગૌરાંગ જાની કહે છે, "ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાંથી સરેરાશ 40% એવા હોય છે, જે એક અથવા બે ઓરડાના મકાનમાં પરિવાર સાથે રહે છે. જો તેમની પાસે મોબાઇલ અને ઇન્ટરનેટ જેવી સુવિધા હોય, તો પણ તેને ભણવામાં તકલીફ પડશે. આજુબાજુમાં લોકો હોય અને અવાજ આવતો હોય, તો મોબાઇલ અથવા કમ્પ્યૂટર ઉપર ધ્યાન આપવું મુશ્કેલ કામ છે."
જોકે, સરકારી શાળાની સ્થિતિ વધુ ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે.
અંજુમ મુસાફીર કહે છે, "સરકારી શાળાઓમાં ભણતા મોટાભાગના વિદ્યાર્થીઓ નાના ઘરોમાં રહે છે. કેટલાક બાળકો પરિવાર સાથે 10x 20ના એક જ રૂમમાં રહે છે."
"હોઈ શકે કે એ કાચું મકાન હોય. ગામમાં બાળકોને એવી જગ્યા મળી જાય છે, પરંતુ તેમને બીજી સમસ્યા નડે છે, જેમ કે વીજળી ન હોવી અથવા ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો અભાવ. આના કારણે તેઓ પણ સારી રીતે ભણી શકતા નથી."
ઑનલાઇન શિક્ષણ મોંઘું
દીકરી ઑનલાઇન ભણી શકે એટલા માટે ખુશીના પિતાએ રૂ 10,000નો નવો મોબાઇલ ખરીદ્યો હોવાના અહેવાલ છે.
ગુજરાતમાં ખુશી જેવા અનેક વિદ્યાર્થીઓ છે જેમના માતા-પિતાને વધારાનો ખર્ચ કરવો પડ્યો છે, જેથી સંતાનનું ભણતર ન અટકી જાય.
જે પરિવારમાં બે બાળકો ઑનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે, તેમના માટે સ્થિતિ વધારે કપરી છે. કેટલાં માતા-પિતા ઑનલાઇન શિક્ષણ માટેનો ખર્ચ વહન કરી શકશે, એ સહુથી મોટો પ્રશ્ન છે.
મોબાઇલની વ્યવસ્થા કરવી અને દર મહિને ઇન્ટરનેટ ડેટા પૅકનો ખર્ચ. લૉકડાઉનના કારણે જ્યારે દરેક વર્ગના લોકોની આવક ઘટી ગઈ છે, ત્યારે ઑનલાઇન શિક્ષણને કારણે પરિવારો ઉપર વધારાનો આર્થિક બોજો પડ્યો છે.
શિક્ષણવિદ અંજુમ મુસાફિર કહે છે, "ઑનલાઇન શિક્ષણએ ભારતમાં ડિજિટલ ડિવાઇડની સ્થિતિ ઊભી કરી છે. જેમની પાસે મોબાઇલ અને ઇન્ટરનેટ સુવિધા છે તે શિક્ષણ મેળવી રહ્યા છે અને જેમની પાસે નથી, તે શિક્ષણથી વંચિત છે."
"આ સિવાય આર્થિક રીતે સક્ષમ નથી તેવા બાળકો માટે કોઈ એવી વ્યવસ્થા ઊભી નથી કરવામાં આવી, જેથી તેઓ પણ ઑનલાઇન શિક્ષણ મેળવી શકે."
પરિવર્તનથી પરિણામ શક્ય
માત્ર ઑનલાઇન શિક્ષણ ઉપર આધાર ન રાખતા, બીજા વિકલ્પ અપનાવીને પરિણામો મેળવી શકાય છે, જેમ કે રેડિયોમાં અને છાપાંનો ઉપયોગ કરીને બાળકોને ભણાવી શકાય છે. આ બહુ સસ્તા અને અસરકારક માધ્યમો છે.
છાપામાં એક ચૅપ્ટર આપી શકાય, જેને વિદ્યાર્થીઓને જરૂર હોય ત્યારે કાઢીને વાંચી શકશે, રેડિયોમાં શિક્ષકો સરળ ભાષામાં વિષયને સમજાવી શકે છે.
વરિષ્ઠ શિક્ષણવિદ્દ સંતોષ રાજપૂતનું માનવું છે, "જો ઑનલાઇન શિક્ષણ આપવું હોય, તો એને વધુ રસાળ બનાવવું પડશે, જેથી બાળકોને રસ પડે અને તેઓ છેક અંત સુધી ક્લાસમાં ધ્યાન આપે. ગીત અને સંગીતનો ઉપયોગ કરી શકાય છે. શિક્ષકે પાઠ્ય અભ્યાસક્રમ સિવાય બીજી બાબતો વિશે પણ વાત કરવી જોઈએ, જેથી બાળકોને કંઈક જાણવા મળે."
આ સિવાય એક વર્ષ માટે કોર્સની પુનઃસમીક્ષાની માગ પણ ઉઠી રહી છે.
કોર્સ ઘટાડવા માગ
સી.બી.એસ.ઈ. દ્વારા શૈક્ષણિક વર્ષ માટે કોર્સને 30% ઘટાડી દેવાની જાહેરાતને શિક્ષણવિદોએ આવકાર્યો છે અને કહ્યું કે આનાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપરનું ભારણ ઘટશે. તેમને આશા છે કે ગુજરાત સરકાર પણ સી.બી.એસ.ઈ.ની જેમ કોર્સમાં ઘટાડો કરશે.
ગુજરાત બિન-અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના નિયામક રૂપિન પચ્ચીગર જણાવે છે, "સિલેબસ ચોક્કસ ઘટાડવો જોઈએ અને મારા મતે હાલ જે સિલેબસ છે તેને 50% કરી નાખવો જોઈએ, જેથી બાળકો સારી રીતે ભણી શકે. હાલના સંજોગો જોતા, ડિસેમ્બર 2020 સુધી શાળાઓ શરૂ થાય એવી શક્યતા જણાતી નથી, ત્યારે કોર્સ ઘટાડી દેવાથી વિદ્યાર્થીઓને રાહત થશે."
પચ્ચીગર કહે છે કે જો શાળાઓ જાન્યુઆરી 2021થી શરૂ થાય, તો પણ ચાલુ શૈક્ષણિકવર્ષ પૂર્ણ કરવા માટે તેમને માત્ર ચાર મહિનાનો સમય મળે એમ છે. જૂન-2021થી નવું શૈક્ષણિકવર્ષ શરૂ થશે. આ પરિસ્થિતિમાં કોર્સ ઘટાડવા સિવાય છૂટકો નથી.
શાળાઓ પણ માને છે કે ઑનલાઇન શિક્ષણના માધ્યમ થકી સમગ્ર શૈક્ષણિક વર્ષનો સિલેબસ પૂર્ણ કરાવવો મુશ્કેલ છે. શાળા 5-6 કલાક ચાલે છે અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો પાસે કોર્સ પૂરો કરવા માટે પર્યાપ્ત સમય હોય છે.
અમદાવાદની દેવયસ્ય સ્કૂલના આચાર્ય ડૉક્ટર નચિકેત મુખી કહે છે, "શાળામાં ફેસ-ટુ-ફેસ ભણાવવામાં આવે છે, જેનાથી કોર્સને પૂર્ણ કરાવવો સહેલો બની છે, જ્યારે ઑનલાઇન શિક્ષણમાં એ મુશ્કેલ બની જાય છે."
મુખી ઉમેરે છે કે આ વર્ષ માટે જો સૈદ્ધાંતિક ભાગ ઘટાડી નાખવામાં આવે અને વિદ્યાર્થીઓને એમ.સી.ક્યૂ. (મલ્ટિપલ ચૉઇસ ક્વેશ્વન) પદ્ધતિથી ભણાવવામાં આવે તો તેઓ સારી રીતે ભણી શકશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો