RTE : ગુજરાત હાઈ કોર્ટ કરશે ગરીબ બાળકોનાં ઍડમિશનોની તપાસ - Top News

ગુજરાત હાઈ કોર્ટે રાઇટ ટુ એજયુકેશન(RTE)ના કાયદા પ્રમાણે ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અંગેના ડેટા ખાનગી સ્કૂલો ખોટા રજૂ કરતા હોવાની ફરિયાદો મામલે ત્રણ સભ્યોની તપાસસમિતિ નીમી છે. હાઈ કોર્ટના ભૂતપૂર્વ જજ આ તપાસ સમિતિનું નેતૃત્વ કરશે.

અમદાવાદ મિરરના અહેવાલ પ્રમાણે હાઈ કોર્ટે આ પગલું સુપ્રીમ કોર્ટે એક જાહેરહિતની અરજી મામલે આપેલા ચુકાદા બાદ લીધું છે.

એ અરજીમાં આક્ષેપ કરાયો હતો કે ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશ માટે બનાવાયેલા વેબ પોર્ટલ પર ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની ખાલી જગ્યાઓનો ખોટો ડેટા અપાય છે.

ખાનગી સ્કૂલો તરફથી RTE કાયદા હેઠળ 25 ટકા બેઠકો ગરીબ વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાના કાયદા બાબતની ગેરરીતિનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં થયેલી આ જાહેર હિતની અરજીમાં ઉઠાવાયો હતો.

અરજી મામલે સુપ્રીમ કોર્ટના 21 જાન્યુઆરીના ચુકાદા બાદ 17 માર્ચે પહેલી સમિતિ નિમવામાં આવી હતી.

ગુજરાતમાં રાજય સરકાર એક વેબ પોર્ટલ દ્વારા RTE પ્રવેશ પ્રક્રિયા સંચાલિત કરે છે. આ પોર્ટલ પર વંચિત વિદ્યાર્થીઓના લાભ માટે ખાનગી સ્કૂલોમાં કેટવી બેઠકો ઉપલબ્ધ છે તેની માહિતી શાળાઓએ મૂકવાની હોય છે. આ ડેટા આપવામાં ખાનગી શાળાઓ ગેરરીતિ આચરતી હોવાનો આરોપ જાહેર હિતની અરજીમાં મૂકાયો હતો.

કાનપુરના વિકાસ દુબે કેસમાં એક પોલીસ અધિકારી સસ્પેન્ડ

કાનપુરમાં કુખ્યાત ગૅંગસ્ટર વિકાસ દુબે અને તેની ગૅંગ સાથેની અથડામણમાં 8 પોલીસ જવાનોનાં મૃત્યુ બાદ હવે પોલીસ ખાતાની અંદરથી કોઈની ભૂમિકા બાબતે તપાસ થઈ રહી છે. પ્રાથમિક તપાસ બાદ કાનપુરના બિકરુ ગામના સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા છે.

ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે કાનપુર રેન્જના આઈ.જી મોહિત અગ્રવાલે અખબારને જણાવ્યું કે શું પોલીસની ચહલપહલ વિશે વિકાસ દુબેને જાણકારી હતી એ વિશેની તપાસ થઈ રહી છે. તેમણે કહ્યું કે પોલીસ જ્યારે ગામમાં પહોંચી ત્યારે વિકાસ દુબેના માણસો સારી રીતે તૈયાર હતા અને તેમને માહિતી પહોંચાડનાર પોલીસખાતામાંથી જ કોઈ હોઈ શકે.

હાલ તો આને લગતી કાર્યવાહીમાં વિકાસ દુબે સાથે લિંકની તપાસ મામલે ચૌબેપુર પોલીસ સ્ટેશનના સ્ટેશન ઑફિસર(SO) વિનય તિવારીને સસ્પેન્ડ કરી દેવાયા છે.

ચીનના ભૂટાન સાથેના સીમા વિવાદનું લક્ષ્ય ભારત હોવાનો મત

ચીનની સરકારે પહેલી વાર સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે તેને ભૂટાન સાથે સીમાવિવાદ છે.

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે ચીનના આ પગલાંનું લક્ષ્ય ભારત જણાઈ રહ્યું છે. અહેવાલ પ્રમાણે ભૂટાન સાથેની પૂર્વીય સરહદને લઈને વિવાદ હોવાનું સત્તાવાર રીતે જાહેર કરી ચીને ભારત માટે એક નવું કૂટનૈતિક દબાણ ઊભું કરી દેવાની યોજના અમલમાં મૂકી છે.

ભૂટાનની પૂર્વીય સરહદ ભારતના અરૂણાચલ પ્રદેશની નજીકનો વિસ્તાર છે - જેના પર ચીન દક્ષિણ તિબેટના ભાગ તરીકે, પોતાનો વિસ્તાર હોવાનો દાવો કરે છે. ભૂટાન સાથે અલગ પ્રકારની સરહદની સંકલ્પના જાહેર કરવાનું બીજિંગનું આ પ્રાથમિક કારણ હોઈ શકે.

આ પહેલાં જૂન મહિનામાં એક બહુપક્ષીય પર્યાવરણસંબંધી ફોરમના મંચ પરથી અને હવે ચીનના વિદેશ મંત્રાલય તરફથી ભૂટાન સાથેના સીમાવિવાદની વાત સામે આવી છે. જેથી આ વિસ્તારની રાજનીતિ પર નજર રાખતા નિષ્ણાતોને આશ્ચર્ય થયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો