કોરોના વાઇરસ : બીજી લહેર શું છે અને તે કેટલી ઘાતક હશે?

    • લેેખક, જેમ્સ ગૅલેઘર
    • પદ, વિજ્ઞાન અને આરોગ્યના મામલાના સંવાદદાતા

કોરોના વાઇરસ મહામારી જલદી ખતમ થતી નથી દેખાઈ રહી. કેટલાક દેશોમાં મહામારી હજી કેર વર્તાવી રહી છે અને જે દેશોમાં કોરોના વાઇરસ નિયંત્રણમાં આવ્યો હતો ત્યાં તેના બીજા તબક્કાનો ભય ઊભો થઈ રહ્યો છે.

યુકેમાં જુલાઈની શરૂઆતમાં લૉકડાઉનમાં વધારે છૂટ આપવામાં આવી હતી ત્યાર પછી આરોગ્યનિષ્ણાતોએ સરકારને કોરોના સંક્રમણની બીજી લહેર માટે તૈયાર રહેવાની ચેતવણી પણ આપી દીધી છે.

દાયકાઓ પહેલાં ફેલાયેલા સ્પેનિશ ફ્લૂની બીજી લહેર પહેલાં કરતાં વધારે ખતરનાક સાબિત થઈ હતી. તો શું બીજી લહેરને અટકાવી શકાય? તે કેટલી ખતરનાક હોઈ શકે છે?

બીજી લહેર એટલે શું?

તમે તેને સમુદ્રમાં આવેલી લહેરની જેમ સમજી શકો છો. સંક્રમણ વધે અને પછી ઓછું થાય, આવી રીતે કોરોના વાઇરસની એક સાઇકલ પૂરી થાય.

પરંતુ તેની કોઈ અધિકૃત વ્યાખ્યા નથી.

વૉરવિક યુનિવર્સિટીના ડૉ માઇક ટિલ્ડેસ્લેએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "આ વૈજ્ઞાનિક વ્યાખ્યા નથી. "

જ્યારે સંક્રમણ વધે છે ત્યારે લોકો તેને બીજી લહેર કહે છે પરંતુ મોટા ભાગે તે પહેલી લહેર જ હોય છે. અમેરિકાના અનેક રાજ્યમાં આવું થઈ રહ્યું છે.

એક લહેર પૂર્ણ થવાનો અર્થ છે કે વાઇરસને નિયંત્રણમાં લેવાયો છે. બીજી લહેર શરૂ ત્યારે થાય જ્યારે સંક્રમણમાં સતત વધારો થતો હોય છે.

ન્યૂઝીલૅન્ડમાં 24 દિવસ સુધી કોરોના વાઇરસનો એક પણ મામલો નહોતો આવ્યો પરંતુ ત્યાર પછી ફરીથી ચેપગ્રસ્તો મળી આવ્યા છે. બેઇજિંગમાં પચાસ દિવસ સુદી કોઈ નવો ચેપગ્રસ્ત કેસ સામે ન આવ્યું પછી પાછું સંક્રમણ ફાટી નીકળ્યું, પરંતુ આ બંને મામલાને બીજી લહેર ન કહી શકાય.

પરંતુ કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે ઈરાનમાં બીજી લહેર શરૂ થઈ હોવાનાં લક્ષણો દેખાઈ રહ્યાં છે.

શું યુકેમાં બીજી લહેર આવશે?

આનો જવાબ મહામારી અંગે લેવામાં આવેલા નિર્ણયોમાં છે, એટલે જવાબ હા કે નામાંથી કંઈ પણ હોઈ શકે છે.

ડૉ ટિલ્ડેસ્લે કહે છે, " અત્યારે ભારે અનિશ્ચિતતાનો માહોલ છે પરંતુ સાચું કહું તો હું આને લઈને બહુ ચિંતિત છું."

ખતરો હજી એમનો એમ જ છે કારણ કે વાઇરસ હજી ફેલાઈ રહ્યો છે અને 2020ની શરૂઆતમાં જેટલો ખતરનાક હતો હજુ એટલો જ જોખમી છે. માનવામાં આવી રહ્યું છે કે યુકેમાં માત્ર પાંચ ટકા લોકો જ આનાથી સંક્રમિત થયા છે અને એ બધા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન થઈ છે એની કોઈ ગૅરેન્ટી નથી.

'લંડન સ્કૂલ ઑફ હાઇજિન ઍન્ડ ટ્રૉપિકલ મેડિસિન'ના ડૉ ઍડમ કુચાર્સ્કી કહે છે, " આપણી પાસે પુરાવા છે કે હજી મોટી સંખ્યામાં લોકોને જોખમ છે, જો નિયંત્રણો હઠાવી દેવામાં આવે તો પરિસ્થિતિ ફેબ્રુઆરી જેવી થઈ જશે. "

"અને ફરીથી શરૂઆત કરવાની પરિસ્થિતિ પેદા થઈ શકે છે . "

બીજી લહેર કેવી રીતે શરૂ થઈ શકે છે?

દુનિયામાં લૉકડાઉનને કારણે ઘણી બાધાઓ પેદા થઈ છે- નોકરીઓ ગઈ છે, લોકોના આરોગ્ય પર અસર થઈ છે અને બાળકો સ્કૂલ નથી જઈ શકતાં પરંતુ લૉકડાઉનને કારણે વાઇરસ નિયંત્રણમાં આવ્યો છે.

ડૉ કુચાર્સ્કી કહે છે, "સૌથી મોટો પ્રશ્ન છે કે કેવી રીતે રોજિંદા જીવનને અટકાવ્યા વગર વાઇરસને નિયંત્રણમાં લેવો."

કોઈની પાસે આ વાતનો જવાબ નથી.

એટલે જ તબક્કાવાર લૉકડાઉન હઠાવવામાં આવ્યું અને કોરોના વાઇરસને નિયંત્રણમાં લેવા માટે કૉન્ટૅક્ટ ટ્રેસિંગ અને ચેહરો ઢાંકવા જેવાં પગલાંનો સહારો લેવામાં આવી રહ્યો છે.

ડૉ કુચાર્સ્કીએ કહ્યું, "ચેપ ફેલાવવાનાં પૉઇન્ટને નિયંત્રણમાં લીધાં પહેલાં જો યુકે અને પાડોશી દેશોમાં લૉકડાઉન હઠાવી લેવામાં આવે તો સંક્રમણ ઝડપથી ફેલાઈ શકે છે."

જર્મનીમાં આવું થઈ રહ્યું છે જ્યાં એક મહિના સુધી વાઇરસ કંટ્રોલમાં રહ્યો પરંતુ ત્યાર પછી સેંકડો લોકો કોરોના પૉઝિટિવ આવ્યા છે.

જો ક્લસ્ટર્સને ઝડપથી ઓળખી પાડવામાં આવે, સ્થાનિક સ્તરે લૉકડાઉન લગાવવામાં આવે અને વાઇરસને નિયંત્રણમાં રાખવામાં આવે તો આ સમસ્યા મોટી નહીં બને.

આવું નહીં કરવામાં આવે તો બીજી લહેર પેદા થઈ શકે છે. દક્ષિણ કોરિયા કોરોના વાઇરસ પર નિયંત્રણ કરીને વખાણનું પાત્ર બન્યું છે પરંતુ આવા જ ક્લસ્ટર સામે આવતા તેણે ફરી નિયંત્રણો લાદવાં પડ્યાં છે.

શું બીજી લહેર પહેલી લહેરી જેવી ઘાતક હશે?

જો આવું બને તો એનો અર્થ છે કે કોઈ મોટી ભૂલ થઈ છે. મહામારી શરૂ થઈ ત્યારે આર નૉટ, એટલે કે એક ચેપગ્રસ્ત વ્યક્તિ કેટલા લોકોમાં વાઇરસ ફેલાવે છે, એ આંકડો ત્રણ હતો (એક ચેપગ્રસ્ત વ્યક્તિ ત્રણ લોકોમાં વાઇરસ ફેલાવતી હતી).

એનો અર્થ હતો કે વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો હતો પરંતુ આપણું વર્તન આ દરમિયાન બદલાયું છે, આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યા છીએ તો આર નૉટ વધવાનું કોઈ કારણ ન હોવું જોઈએ.

ડૉ કુચાર્સ્કીએ બીબીસીને કહ્યું, "કોઈ પણ દેશ બધાં નિયંત્રણો હઠાવીને સામાન્ય જીવન શરૂ નહીં કરી શકે. ભારત અને બ્રાઝિલ જેવા દેશ જ્યાં કોરોના વાઇરસ બેકાબુ થયો છે ત્યાં પણ આર નૉટ 3.0 છે. "

જો કેસ વધવાના ફરીથી શરૂ થયા તો પણ તેની ગતિ પહેલાં કરતાં ઓછી હશે. જોકે સૈદ્ધાંતિક રીતે બીજી લહેર પહેલા કરતાં વધારે ઘાતક હોઈ શકે છે કારણ કે પહેલાની સરખામણી હવે વધારે લોકોને તેનું જોખમ છે.

ડૉ ટિલ્ડેસ્લે કહે છે, "જો કેસ ફરીથી વધે તો આપણે તેને નિયંત્રણમાં લેવા માટે ફરીથી લૉકડાઉન લાગુ કરી શકીએ. આપણી પાસે લૉકડાઉનનો વિકલ્પ હંમેશાં હોય છે."

ક્યારે આવી શકે છે બીજી લહેર?

ડૉ કુચાર્સ્કી કહે છે, " જેમ જેમ નિયંત્રણ હઠાવવામાં આવશે એમ આવતાં અઠવાડિયાં અને મહિનામાં સ્થાનિક રૂપે સંક્રમણ વધતું દેખાઈ શકે છે."

પરંતુ તેનો અર્થ એ નથી કે બીજી લહેર આવશે જ.

ડૉ ટિલ્ડેસ્લે કહે છે, "જો મોટા પ્રમાણમાં નિયંત્રણ હઠાવી લેવામાં આવશે તો ઑગસ્ટના અંત અથવા સપ્ટેમ્બરની શરૂઆતમાં બીજી લહેર શરૂ થઈ શકે છે."

શિયાળાનો સમય નિર્ણાયક બની શકે છે કારણ કે એ સમયે અન્ય કોરોના વાઇરસ પણ ફેલાતા હોય છે.

જો આપણે માત્ર વાઇરસને નિયંત્રિત કરતા હોઈએ તો શિયાળાની ઋતુ આ વાઇરસના સંક્રમણમાં ઉછાળો લાવી શકે છે.

નૉટિંઘમ યુનિવર્સિટીમાં વાઇરોલૉજિસ્ટ પ્રોફેસર જૉનેથન બૉલ યુકેમાં કોરોના સંક્રમણ બાબતે કહે છે, "વસંત ઋતુને કારણે આપણને અચૂક લાભ મળ્યો છે."

"શિયાળો આવતા બીજી લહેરને ટાળી શકાશે નહીં. સરકાર સામે પડકાર એ છે કે ચેપ એટલી હદે ન ફેલાય કે આરોગ્યતંત્ર તેનો ભાર ન ઉપાડી શકે."

શું કોરોના વાઇરસ નબળો પડશે?

ચેપની ઘાતક બીજી લહેર સામે એક દલીલ એ પણ છે કે વાઇરસ સમય જતાં નબળા પડે છે અને ચેપ ફેલાવવામાં પહેલાં જેવા પ્રભાવી નથી રહેતા.

એચઆઈવી પણ નબળો પડી રહ્યો છે. એ સિદ્ધાંત એવું પણ કહે છે કે જો વાઇરસ ચેપગ્રસ્ત વ્યક્તિને મારી ન નાખે તો તે આગળ વધી જશે પરંતુ તે નબળો પડી ગયો હશે.

પ્રોફેસર બૉલ કહે છે, પરંતુ આની કોઈ ગૅરન્ટી નથી. આ અમુક વાઇરોલૉજિસ્ટની આળસ ભરેલી દલીલ છે."

આ લાંબા ગાળે થતું હોય છે. કોરોના મહામારીને છ મહિનાનો સમય વીતી ગયો છે પરંતુ અત્યાર સુધી એવા કોઈ સંકેત નથી કે વાઇરસે મ્યૂટેટ થઈને એવું સ્વરૂપ લીધું છે જે સહેલાઈથી ફેલાય છે અથવા તે ઓછો ઘાતક થઈ ગયો છે.

પ્રોફેસર બૉલે કહ્યું, "મને લાગે છે કે વાઇરસનું કામ જબરદસ્ત ચાલે છે. લોકોને બહુ આછા અથવા કોઈ લક્ષણ નથી હોતાં. જો આ લોકોમાંથી ચેપ ફેલાઇ શકે છે તો એવું માનવાનું કોઈ કારણ નથી કે કોરોના વાઇરસ નબળો પડ્યો છે. "

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો