નરેન્દ્ર મોદીની સરકાર સામે ભારતનું મીડિયા ઝૂકી રહ્યું છે?

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગત શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદમાં પોતાના એક વર્ચ્યુઅલ ભાષણમાં કહ્યું હતું કે "ભારતે કોવિડ-19ની વિરુદ્ધ લડાઈને એક જનઆંદોલન બનાવી દીધું છે."

મોદીના આ નિવેદનને ભારતીય મીડિયામાં ખૂબ કવરેજ મળ્યું પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કોઈએ પણ વડા પ્રધાનના દાવાને પડકાર્યો નહીં.

એ અલગ વાત છે કે ભારતમાં સંક્રમણના કેસ તે દિવસે દસ લાખને પાર પહોંચી ગયા હતા અને દરરોજ સંક્રમણના નવા કેસના રેકર્ડ બની રહ્યા છે.

ભારતીય મીડિયાએ આ દાવાને પડકાર્યો નહોતો. આનાથી વિપરીત સોશિયલ મીડિયા પર હજારો સામાન્ય લોકો આંખે આંસૂ લાવી દે, એવી આપવીતી લખી રહ્યા છે.

દરદીઓ હૉસ્પિટલોના ચક્કર લગાવી રહ્યા છે અને ક્યાંક-ક્યાંક હૉસ્પિટલ સુધીના રસ્તામાં જ મૃત્યુને ભેટી રહ્યા છે.

24 માર્ચે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉનની જાહેરાત કરી હતી ત્યારે તેમણે અતિઆત્મવિશ્વાસ દેખાડતાં દાવો કર્યો હતો કે 21 દિવસમાં કોરોનાને નિયંત્રણમાં લઈ લેવાશે. જોકે કેટલાય મહિનાઓ વીત્યા પછી પણ કોરોના વાઇરસની મહામારી દેશમાં તબાહી લાવી રહી છે.

વડા પ્રધાન મોદીના કોરોનાને નિયંત્રિત કરવાના વાયદા પૂર્ણ ન થયા, આ અંગે મીડિયાએ તેમને તીખા પ્રશ્નો ન કર્યા.

જગજાહેર છે કે આરોગ્યસેવા પહેલાં કરતાં સારી પરિસ્થિતિમાં છે. હૉસ્પિટલોમાં પથારીઓની સંખ્યા વધી છે, આઈસીયુ યુનિટ પણ વધ્યાં છે. ટેસ્ટકિટ પણ પહેલાંની સરખામણીમાં વધારે છે અને ફિલ્ડ હૉસ્પિટલ પણ વધી છે.

આ દરમિયાન સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી છે અને કોરોના વાઇરસ વિરુદ્ધની લડાઈ જનઆંદોલન બનવાના પુરાવા દેખાતા નથી. આ બસ ફ્રન્ટલાઇન ડૉક્ટરો, મેડિકલ સ્ટાફ અને પ્રશાસનની લડાઈ બનીને રહી ગઈ છે.

વરિષ્ઠ પત્રકાર પંકજ વહોરાએ ભારતીય મીડિયાની પરિસ્થિતિ પર અફસોસ વ્યક્ત કરતાં કહ્યું, "જાગરુકતા જ લોકશાહીની કિંમત છે પરંતુ મીડિયાએ પોતાની આલોચનાત્મક પ્રશંસાની ભૂમિકા પૂરી રીતે નથી નિભાવી."

લંડનમાં રહેતાં એક શીર્ષ ભારતીય પત્રકારે પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે કહ્યું કે છેલ્લાં અમુક વર્ષોથી ટ્રૅન્ડ સ્પષ્ટ છે, મીડિયા સરકારના ઇશારા પર ચાલી રહ્યું છે.

તેઓ કહે છે, "ભારતમાં કોરોના મહામારીને લઈને જે રીત મીડિયાએ કવરેજ કર્યું છે, તેણે મીડિયાની પરંપરાગત ભૂમિકાની વિરુદ્ધ કામ કર્યું છે."

"મીડિયા હંમેશાં સત્તામાં બેઠા લોકોને જવાબદાર ઠેરવે છે. આદર્શ પરિસ્થિતિની તુલના વાસ્તવિકતા સાથે કરવામાં આવે છે."

"મીડિયાની આદર્શ ભૂમિકા અને વાસ્તવિકતાની સરખામણી પણ થવી જોઈએ. ભારતમાં આ અંતર આટલું વધારે ક્યારેય નહોતું."

સંસ્થાનો તિરસ્કાર?

શિકાગો યુનિવર્સિટીમાં કાયદા અને રાજકીય વિજ્ઞાન ભણાવતા પ્રોફેસર ટૉમ ગિન્સબર્ગે ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્થાનને નજીકથી જોયું છે.

જેઓ ભારતની મુલાકાત લેતાં રહે છે, એવા પ્રોફેસર ટૉમ કહે છે કે કેમ ભારતમાં મીડિયા પોતાના ઉદ્દેશથી ભટકેલું દેખાય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા પર ટિપ્પણી કરતાં તેમણે કહ્યું, "ભારતમાં મીડિયા નિયંત્રિત છે કારણકે માલિક તેમના મિત્ર(વડા પ્રધાન)ના છે, સાથે જ પત્રકારોને ડરાવવા-ધમકાવવામાં પણ આવે છે."

અધિકૃતરુપે સત્તાધારી ભાજપ કોઈ પણ ચેનલનો માલિક નથી. જોકે કેટલીક મોટી સમાચાર ચેનલો સ્પષ્ટ રીતે વડા પ્રધાનની તરફેણ કરતી દેખાય છે.

તેઓ હિંદુત્વવાદી વિચારધારાનું સમર્થન કરે છે અથવા કોઈને કોઈ પ્રકારે તેમના માલિક સત્તાધારી પાર્ટી સાથે જોડાયેલા છે.

કેટલાક ક્ષેત્રીય પક્ષોના સભ્યો અને સમર્થકો પણ કોઈને કોઈ રીતે મીડિયાના માલિકના અધિકારો સાથે સંકળાયેલા છે.

આ ચેનલ આ પાર્ટીના પક્ષમાં એક પ્રકારનો માહોલ તૈયાર કરે છે.

સરકાર પર પત્રકારોને ડરાવવા-ધમકાવવા અને તેમના પત્રકારત્વને પ્રભાવિત કરવાના પણ આરોપ છે.

વૈશ્વિક મીડિયા ફ્રિડમની યાદીમાં ભારતનું પ્રદર્શન સતત ખરાબ થઈ રહ્યું છે અને તંત્ર તરફથી પત્રકારોની વિરુદ્ધ કેસ દાખલ કરવાના મામલા પણ વધ્યા છે.

પ્રોફેસર ટૉમ કહે છે કે લોકખુશામત કરનાર નેતાઓ સંસ્થાઓનો તિરસ્કાર કરતા જ હોય છે.

તેઓ કહે છે, "બ્રાઝિલ, ભારત અને અમેરિકામાં લોકખુશામતના ચલણને પ્રોત્સાહન આપનાર નેતાઓ છે અને તેમને સંસ્થાનો પસંદ નથી. તેમને એવી કોઈ ચીજ પસંદ નથી જે લોકો સાથે તેમના સંબંધને પ્રભાવિત કરી શકે."

"રસપ્રદ વાત છે કે આ ત્રણેય દેશોના નેતાઓનો કોરોના વાઇરસ પ્રત્યેનો રિસ્પૉન્સ બહુ ખરાબ રહ્યો છે. આપણે જોઈ શકીએ છીએ કે આ ત્રણે દેશોમાં કોરોના સંક્રમણના મામલા વધી રહ્યા છે."

અમેરિકાની જૉહ્ન હૉપકિન્સ યુનિવર્સિટીના ડૅશબોર્ડ પ્રમાણે જે ત્રણ દેશોમાં કોરોના વાઇરસના સંક્રણના મામલા સૌથી વઘારે છે. તેમાં સૌથી ઉપર અમેરિકા, બીજું બ્રાઝિલ અને ત્રીજું ભારત છે.

જૉહ્ન હૉપકિન્સ યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટીવ હૅંકે કહે છે કે દુનિયાભરમાં જનવાદી નેતા વૈશ્વિક સંકટનો ઉપયોગ સત્તા હડપી લેવા માટે કરે છે.

તેઓ કહે છે, "સંકટ સમાપ્ત થઈ જાય છે, પરંતુ સત્તા તેમના હાથમાં રહે છે."

તેઓ કોરોના વાઇરસ વિરુદ્ધની લડાઈને મોદી દ્વારા જનઆંદોલન બનાવી દેવાને પણ એવી રીતે જ જુએ છે.

પ્રોફેસર હૅંકે કહે છે, "કોરોના મહામારીના સમયમાં એવું લાગે છે કે મીડિયાને મોદીએ પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે. તેઓ જે ઇચ્છે છે મીડિયા એ જ દેખાડે છે."

"મીડિયામાં કોરોના સંકટ સામે સરકારની લડતની હકારાત્મક અને પ્રેરણારૂપ કહાણીઓ જ પ્રકાશિત થઈ રહી છે."

પ્રોફેસર ટૉમ ગિંસબર્ગ કથિત સત્તા હડપવાના પ્રયત્નને બીજી રીતે જુએ છે. જેને ડેમૉક્રેટિક બૅકસ્લાઇડિંગ અથવા ધીમેથી સત્તા હડપવી કહેવાય.

તેઓ કહે છે, "ડેમૉક્રેટિક બૅકસ્લાઇડિંગના લક્ષણો છે: નેતાઓ દ્વારા લોકતાંત્રિક સંસ્થાઓનું ધીમે-ધીમે ધોવાણ કરવું અને તાકાત વધારવા માટે ચૂંટણીનો ઉપયોગ કરવો, વિરોધના અવાજને રાષ્ટ્રીય સુરક્ષાના નામે અથવા ખોટા ખટલા મારફતે ડામીને કાલ્પનિક તથ્યો રજૂ કરવા, પીઠ્ઠુ મીડિયા મારફતે વિચારધારા નક્કી કરવી."

ડેમૉક્રેટિક બૅકસ્લાઇડિંગ ધીમે-ધીમે આવી ઘટનાઓ મારફતે થાય છે, જે કાયદાકીય દેખાય છે.

આનો અર્થ એ છે કે મીડિયાસંસ્થા લોકશાહીના આ ધોવાણને જોઈ નથી શકતી અથવા સમજી નથી શકતી.

ભારતના સંદર્ભમાં જોઈએ તો પ્રોફેસર ટૉમ ગિંસબર્ગ કહે છે, "ભારતમાં અમુક કાર્યકરોની ધરપકડ કરવામાં આવે છે અને અમુક લોકોને છોડી દેવામાં આવે છે."

"મને વિશ્વવિદ્યાલયોની ચિંતા છે, જે લોકશાહી માટે બહુ જરૂરી સંસ્થાઓ છે. તમે ભારતમાં વિશ્વવિદ્યાલયોના રાજકીયકરણના સંકેત જોઈ રહ્યા છો."

પ્રોફેસર ટૉમ લોકશાહીના વિશ્લેષણનું કામ કરે છે અને તેઓ ભારતીય લોકશાહીને લઈને ચિંતા દાખવે છે.

તેમની નજરમાં સ્કૂલનાં પુસ્તકોમાં ઇતિહાસ બદલવા, ઐતિહાસિક સ્થળોમાં ફેરફાર પણ લોકશાહી નબળી થવાના પુરાવા છે.

અઘોષિત કટોકટી?

પ્રોફેસર ટૉમ કહે છે કે રાજકારણ હવે એટલું બદલાઈ ગયું છે કે સત્તા હડપવા માટે તખ્તાપલટ કે કટોકટીની જાહેરાત કરવાની જરૂર નથી પડતી.

જો ઇંદિરા ગાંધી આજે વડાં પ્રધાન હોત તો તેમને કટોકટી જાહેર કરીને લોકશાહીને નિલંબિત કરવાની જરૂર ન પડત, જેવું તેમણે 1975-1977 વચ્ચે કર્યું હતું.

તેઓ કહે છે, "આપણા સમયમાં સત્તાને હડપવા માટે તખ્તાપલટ અથવા ડાબેરી વિદ્રોહની જરૂર નથી. હવે તમે મીડિયાને નિયંત્રિત કરીને બધી સંસ્થાઓ પર કબજો કરી શકો છો."

કટોકટીનાં 45 વર્ષ પછી હાલમાં જ રાજનેતા અને સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર યાદવે એક લેખ લખ્યો હતો. તેઓ પ્રોફેસર ટૉમના તર્ક સાથે સંમત દેખાય છે.

તેઓ કહે છે, "કટોકટી વખતે એક સત્તાવાર કાયદાકીય જાહેરાત કરાઈ હતી. પરંતુ લોકશાહી હડપવા માટે એવું નથી કરવું પડતું."

"ભલે કાગળ પર જ હોય પરંતુ કટોકટીનો અંત તો આવવાનો જ હતો. હવે જે નવી વ્યવસ્થામાં આપણે રહીએ છીએ, તે શરૂ તો થઈ છે પરંતુ તેનો અંત ક્યાં થશે તે નથી ખબર."

તેઓ કહે છે, "લોકશાહીનું જોખમ બહુ દૂર નથી, આપણે એવા સમયમાં રહીએ છીએ જ્યારે લોકશાહીને મિટાવવામાં આવી રહી છે."

પ્રોફેસર ટૉમ કહે છે કે ડેમૉક્રેટિક બૅકસ્લાઇડિંગ અથવા ધીમે-ધીમે કાયદાકીય રીતે સત્તાને હડપવાની મુશ્કેલી એ છે કે વિપક્ષને એ સ્પષ્ટ નથી થતું કે પાણી ક્યારે માથાની ઉપર જતું રહ્યું અને તેમને સડક પર ઊતરીને પ્રદર્શન કરવાનું છે.

તેઓ કહે છે, "જો એ લોકો ઉચિત સમય પહેલાં રસ્તા પર ઊતરીને જનતા વચ્ચે જાય અને પ્રદર્શન કરે તો લોકોને લાગે છે કે વિપક્ષ સત્તાના ભૂખ્યા છે. જો મોડા પડે તો સડક પર પ્રદર્શનનો સમય જતો રહે છે."

વિપક્ષમાં એકતાનો અભાવ

પત્રકાર પંકજ વહોરા તર્ક આપે છે કે આજની પરિસ્થિતિ જેવી છે, એવી નહોતી હોવી જોઈતી અને તેના માટે માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જ એકલા જવાબદાર ન ઠેરવી શકાય.

તેઓ કહે છે, "કૉંગ્રેસના પતને પણ ભાજપને સંસ્થાઓની અવગણના કરવાની તાકાત આપી હતી. કેટલાક મામલામાં સંસ્થાઓને નબળા કરવાની જરૂર પણ નથી પડતી કારણકે પૂરતી માત્રામાં લોકો સરકાર જે કરી રહી છે તેનાથી સંમત છે."

"હા, આ પરિસ્થિતિમાં કટોકટી જેવાં પગલાં ઉપાડવાની કોઈ જરૂર નથી પડતી."

તેઓ કહે છે, "વિપક્ષ ફંટાયેલું છે, જે બહુસંખ્યવાદી સમુદાયના પુનરુત્થાનનો સામનો કરવાથી ડરે છે. સત્તાધારી પક્ષ એજન્ડા સેટ કરી રહ્યો છે અને વિપક્ષ તેનો વિકલ્પ નથી આપી રહ્યો. એવામાં લોકો કોઈ સાર્વજનિક દબાણ વગર જ સત્તા પક્ષની તરફ વડે છે."

"અમુક સીમિત મામલામાં વિરોધ કરનારા લોકોને આનું નુકસાન ભોગવવું પડે છે. આ એક અનેરી અને દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ છે, જ્યાં લોકો સત્તા પક્ષને જવાબદાર ન ઠેરવી શકે અને દેશ જે પરિસ્થિતિઓમાં છે, તે સંદર્ભના વિરોધને પણ વ્યક્ત નથી કરી શકતા."

પંકજ વહોરા કૉંગ્રેસથી વધારે નિરાશ છે.

તેઓ કહે છે, "જવાબ કૉંગ્રેસે જ આપવો જોઈએ કારણકે તેના નેતાઓએ માત્ર જનતાનો જ નહીં પોતાના કાર્યકરોનો ભરોસો પણ તોડ્યો છે. તેનાથી મોદીનું કામ સરળ થઈ ગયું છે."

છેલ્લા વર્ષે ડિસેમ્બરમાં જ્યારે નાગરિકતા સંશોધન કાયદા પર સંસદમાં ચર્ચા ચાલી રહી હતી, ત્યારે મોદી સંસદના બંને સદનમાંથી ગેરહાજર હતા. તેમની ગેરહાજરી પર બધાની નજર પડી.

વડા પ્રધાન મોદીના કાર્યાલયમાં સીબીઆઈ અને ઈડી જેવી કેન્દ્રીય તપાસ ઍજન્સીઓની દરોડા પાડવાની કાર્યવાહી વધી છે.

મોટાભાગે દરોડા સરકારના આલોચકો અથવા વિરોધીઓનાં ઠેકાણાં પર પાડવામાં આવે છે.

જેમ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ દરમિયાન કેન્દ્રીય ઍજન્સીઓએ દરોડા પાડ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ એવા વડા પ્રધાન છે, જેમણે પોતાનાં પાંચ વર્ષના કાર્યકાળમાં એક વખત પણ ઔપચારિક રીતે પત્રકારપરિષદ નથી કરી. બીજા કાર્યકાળમાં પણ અત્યાર સુધી તેમણે કોઈ પત્રકારપરિષદ નહોતી કરી.

મીડિયાને તેમણે અમુક મુલાકાતો આપી છે પરંતુ આ મુલાકાતોની મુશ્કેલ પ્રશ્નો ન પુછાવાને કારણે ટીકા કરવામાં આવી હતી.

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની મોદીને પડકાર ન આપી શકવા બદલ ટીકા થતી રહી છે.

જોકે તેઓ વિપક્ષના એ ગણ્યાગાંઠ્યા નેતાઓમાં સામેલ છે, જેમણે મોદીને અસહજ કરનારા પ્રશ્નો પૂછ્યા છે

તેઓ અલગંઅલગ મુદ્દાઓ પર સતત ટ્વીટ કરી રહ્યા છે. કોરોના મહામારીને લઈને સરકારના રિસ્પૉન્સ પર પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.

લદ્દાખમાં ચીનની ઘૂસણખોરી પર તેમણે પ્રશ્નો કર્યા પરંતુ સામાન્ય રીતે રાહુલ ગાંધીની ટીકા અથવા પ્રશ્નોને રાષ્ટ્રવિરોધી અથવા હિંદુવિરોધી કહીને ખારિજ કરી દેવાય છે.

મોદી પર હુમલાને લઈને પણ રાહુલ ગાંધીની ટીકા કરવામાં આવી છે. 2019 ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મોદીને ચોર કહ્યા હતા અને નારો આપ્યો હતો કે 'ચોકીદાર ચોર છે'.

કૉંગ્રેસના અનેક નેતાઓ અને વરિષ્ઠ પત્રકારો માને છે કે આ નારો બરાબર નહોતો.

આખા વિશ્વમાં નબળી પડી રહી છે લોકશાહી?

પ્રોફેસર ટૉમ ગિંસબર્ગ કહે છે, કેટલાક દેશોમાં જેવા મળી રહ્યું છે કે સત્તાને પોતાના હાથમાં રાખવા માટે નેતાઓ લોકશાહીને નબળી કરવાની અનેક રીતો અપનાવી રહ્યા છે.

આમાં બંધારણીય સંશોધન કરવા, અન્ય બાબતોમાં સરકારની દખલગીરી, નોકરશાહીને પોતાના નિયંત્રણમાં રાખવી, પ્રેસની આઝાદીમાં દખલ કરવી અને ચૂંટણીને પ્રભાવિત કરવું પણ સામેલ છે.

પ્રોફેસર ટિમ ગિંસબર્ગના સહયોગી પ્રોફેસર અઝીઝ ઉલ હક કહે છે, "લોકખુશામતનું વલણ ધરાવતાં નેતાઓને પોતાના સમર્થકો પાસેથી તાકાત મળે છે. જે દરેક પરિસ્થિતિમાં તેમનાં ગુણગાન ગાતાં રહે છે."

તેઓ કહે છે, "લોકખુશામત કરતાં નેતાઓ સામાન્યપણે જોવા મળે છે, આ સ્નૅપશૉટ ડેમૉક્રેસીને પ્રોત્સાહન આપે છે. એટલે જ્યાર સુધી તેમની પાસે સંખ્યાબળ છે, ત્યાર સુધી તેઓ જે ઇચ્છે છે એ કરે છે પછી ભલેને તેનાથી લોકશાહીના સ્તંભ નબળા પડે."

બ્રાઝિલ, ભારત અને અમેરિકામાં કઈ વાત એકસરખી?

આજે આ ત્રણેય દેશ કોરોના સંક્રમિત દેશોની યાદીમાં શીર્ષ પર છે, પરંતુ આ ત્રણેય દેશોના નેતા, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારો ઇચ્છે છે કે લોકો માને કે તેમણે બહુ સારું કામ કર્યું છે અને વૈશ્વિક મહામારીને રોકવા માટે તેમનું પ્રદર્શન સારું રહ્યું છે.

લોકશાહીને મજબૂત કરવી મુશ્કેલ?

પ્રોફેસર ટૉમ ગિંસબર્ગ અને શિકાગો યુનિવર્સિટીમાં તેમના સહકર્મી પ્રોફેસર અઝીઝ હકે એક પુસ્તક લખ્યું છે, જેનું નામ છે 'હાઉ ટૂ સેવ અ કૉન્સ્ટિટ્યૂશનલ ડેમૉક્રેસી'.

આ પુસ્તકમાં તેમણે માત્ર લોકશાહીના ધીમેધીમે નબળી પડવાનો જ ઉલ્લેખ નથી કર્યો, પરંતુ તે માટેના સમાધાન પણ સૂચવ્યાં છે.

પ્રોફેસર ટૉમ કહે છે, "અમે એવા લેખ લખ્યા છે, જેમાં અમે કહ્યું છે કે લોકશાહી નબળી પડી રહી છે અને પછી એવું કંઈક થયું કે બધું બરાબર થઈ ગયું. લોકશાહીને બચાવી લેવામાં આવી."

"શ્રીલંકામાં મહિંદા રાજપક્ષેની પ્રથમ સરકાર દરમિયાન, જ્યારે તેઓ આખી વ્યવસ્થાને પોતાના હસ્તક કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ચૂંટણી યોજાઈ અને આશ્ચર્યજન રીતે તેઓ હારી ગયા. હા, તેઓ પાછા સત્તામાં આવ્યા, પરંતુ ડેમૉક્રેટિક બૅકસ્લાઇડિંગને રોકી દેવાયું."

એવું નથી કે બધું બરબાદ થઈ ગયું અથવા બધુ બહું જ સારું ચાલી રહ્યું છે.

બંને પ્રોફેસરો કહે છે કે લોકશાહીમાં લોકો હંમેશાં જ કોઈને કોઈ વાતને લઈને નારાજ રહે છે કારણકે તેમને અભિવ્યક્તિની આઝાદી છે.

પ્રોફેસર ટૉમ કહે છે, "જો તમે ડાબેરી ચીનમાં જાઓ તો લોકો કહેશે કે અમે ખુશ છીએ પણ આપણે એ ન કહી શકીએ કે તેમના મનમાં શું છે. હું તો એ કહીશ કે ભારત અને ચીન વચ્ચે આજે પણ સરખામણી કરવામાં આવી રહી છે."

"ચીન તો આખા ધર્મનો જ નાશ કરવા પર ચડ્યું છે. ચીન વીગર મુસ્લિમોનાં ઉત્પીડનને લઈને લગાવાયેલા આરોપોને હંમેશાં નકારતું આવ્યું છે."

કોઈ પણ લોકશાહીને જીવિત રાખવા માટે પ્રયોગ કરતાં રહેવાની જરૂર હોય છે.

પ્રોફેસર ટૉમ કહે છે, "અત્યારે આપણે લોકશાહીમાં 18મી સદીની ટેકનિક વાપરી રહ્યા છીએ. આપણે દર ચાર-પાંચ વર્ષમાં મતદાન કરીને સરકાર ચૂંટતાં હોઈએ છીએ. આ આજના 21મી સદીના સમાજમાં ફિટ નથી બેસતું."

"આ જરૂરી છે, પરંતુ પર્યાપ્ત નથી. લોકો હવે સરકારમાં સામેલ થવા માગે છે. તેઓ ઇચ્છે છે કે તેમની વાત સાંભળવામાં આવે. આપણે શીખી રહ્યા છીએ. કેટલાક દેશોની સરકારોમાં જનતાને સામેલ કરવાના પ્રયોગો થઈ રહ્યા છે અને તેમની ભૂમિકાને માત્ર એક વખત વોટ આપવા કરતાં વધારે મોટી કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે."

પ્રોફેસર અઝીઝ હક અમેરિકાનો દાખલો આપે છે, "હું અમેરિકાની વાત કરું છું. મારું માનવું છે કે આ સમયે અમેરિકાની લોકશાહી વર્તમાન રાષ્ટ્રપતિ ટ્રમ્પની હાજરીને કારણે જોખમમાં છે."

"જો નવેમ્બર 2020માં ટ્રમ્પ ચૂંટાશે તો એવો અર્થ થશે કે અમેરિકાના લોકોમાં હવે લોકશાહી પ્રત્યે કોઈ સન્માન નથી. તેમને આની પરવાહ પણ નથી."

ભારતમાં સામાન્ય ચૂંટણી ચાર વર્ષ પછી યોજાશે પરંતુ એ પહેલાં અનેક રાજ્યોમાં વિધાનસભા માટે ચૂંટણી થશે.

જોકે વિધાનસભાની ચૂંટણી સ્થાનિક મુદ્દા પર લડાય છે, પરંતુ તેના પરિણામ જરૂર સૂચવે છે કે લોકશાહીને લઈને લોકોમાં કેટલી ચિંતા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો