નરેન્દ્ર મોદીના પીએમ કૅર ફંડને લઈને આટલું રહસ્ય કેમ?

    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે પ્રથમ વખત લૉકડાઉન શરૂ થયા પછી 27 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કેયર્સ ફંડ સ્થાપિત કરવામાં આવ્યું હતું.

એક દિવસ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બધા ભારતીયોને એ ફંડના બૅન્કખાતાની વિગતો સાથે એમાં દાન આપવાની વિનંતી કરી હતી.

મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું, “મારી બધા ભારતીયોને વિનંતી છે કે તેઓ પીએમ કેયર્સ ફંડમાં યોગદાન આપે.”

તેમણે કહ્યું હતું કે તેમના ડૉનેશનથી કોરોના વાઇરસ સામે ભારતનો જંગ મજબૂત થશે અને સ્વસ્થ ભારત બનાવવાની દિશામાં આ લાંબે રસ્તે કામ લાગશે.

પીએમ મોદીની વિનંતી પછી કેટલા ક્ષેત્રોથી ડોનેશન આવવાનું શરુ થઈ ગયું.

ઉદ્યોગપપતિઓ, સેલેબ્રિટીઝ, કંપનીઓ અને સામાન્ય લોકોએ આમાં યોગદાન આપ્યું હતું. મીડિયા અહેવાલ પ્રમાણે એ અઠવાડિયાની અંદર આ ફંડમાં 65 અબજ રૂપિયા ભેગા થઈ ગયા હતા. હવે માનવામાં આવે છે કે આ રકમ વધીને 100 અબજ રૂપિયા થઈ ગઈ છે.

પરંતુ પીએમ કેયર્સ ફંડ શરૂઆતથી જ વિવાદમાં રહ્યું છે.

કેટલાક લોકોએ તેના પર પ્રશ્ન ઊભા કર્યા કે જ્યારે 1948થી જ પીએમ નેશનલ રિલીફ ફંડ (પીએમએનઆરએફ) છે તો નવા ફંડની જરૂર શું છે.

વિપક્ષી કૉંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ સોનિયા ગાંધીની સલાહ હતી કે પીએમ કેયર્સ ફંડમાં જે રકમ ભેગી થઈ છે તેને પીએમએનઆરએફમાં ટ્રાન્સફર કરી દેવી જોઈએ. કૉંગ્રેસે પણ કહ્યું કે આ ફંડનો ઉપયોગ પ્રવાસી મજૂરોના કલ્યાણ માટે કરવો જોઈએ.

જે દિવસે પીએમ કેયર્સ ફંડનું ગઠન થયું હતું તે દિવસે ભારતમાં એક મોટું માનવીય સંકટ પેદા થઈ ગયું હતું. એકાએક થયેલા લૉકડાઉનની જાહેરાતથી શહેરોમાંથી લાખો મજૂરોએ પોતાના ગામ માટે પલાયન શરૂ કર્યું હતું. આ મજૂરોમાંથી ઘણા બહુ ગરીબ હતા. કેટલાક દિવસો સુધી આ મજૂરોએ સૈંકડો કિલોમિટરનું અંતર કાપ્યું અને કેટલાક પગપાળા ઘરે ગયા.

ભૂખ્યા તરસ્યા આ મજૂરોની તસવીરો લાંબાગાળા સુધી સમાચારોમાં છવાયેલી રહી. આ દરમિયાન 100થી વધારે મજૂરોના જીવ પણ ગયા.

માનવામાં આવ્યું કે સરકારે આ ફંડમાંથી થોડા નાણા એ લોકો પર ખર્ચ કરશે જે શહેરથી ગામ પલાયન કરવા માટે મજબૂર થયા હતા પરંતુ એવું ન થયું. જેને કારણે પીએમ કેયર્સ ફંડ વિશે વિપક્ષે એમ પણ કહ્યું કે પીએમ ખરેખર કેયર કરતાં જ નથી.

પીએમ કેયર્સ ફંડના ગઠનના થોડા દિવસની અંદર એ પ્રશ્નો પણ ઉઠવા લાગ્યા કે કેવી રીતે આ ફંડ સ્થાપિત કરવામાં આવ્યું અને આને કેવી રીતે મૅનેજ કરવામાં આવી રહ્યું છે, કેટલા રૂપિયા અત્યાર સુધી ભેગા થયા અને કોના માટે અને કેવી રીતે વપરાયા?

પરંતુ પીએમ કેયર્સ ફંડની વેબસાઇટ આ પ્રશ્નોના જવાબ નથી આપતી. આ ફંડને મૅનેજ કરતા વડા પ્રધાન કાર્યાલયે કોઈ પણ માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો. હવે વિપક્ષના નેતા, અનેક કાર્યકર્તા અને પત્રકાર એ પ્રશ્ન પૂછી રહ્યા છે કે સરકાર શું છુપાવી રહી છે?

માહિતીનો અભાવ

અદાલતમાં સૂચનાના અધિકાર (આરટીઆઈ) હેઠળ અરજી દાખલ કરવામાં આવી છે જેમાં આ બાબતે પારદર્શકતાની માગ કરવામાં આવી છે.

પરંતુ અત્યાર સુધી એ કહેવામાં આવ્યું છે કે પીએમ કેયર્સ ફંડ એક પબ્લિક ઑથોરિટી નથી. આનો અર્થ છે કે ન તો સરકાર તરફથી આને પૂરતી નાણાકીય મદદ મળે છે અને ન સરકારનું તેના પર નિયંત્રણ છે. એટલે આ આરટીઆઈ હેઠળ નથી આવતું. આનો અર્થ એ છે કે તેની તપાસ સરકારી ઑડિટર્સ પાસે પણ ન કરાવી શકાય.

કાયદાના વિદ્યાર્થી કુંડકુરી શ્રી હર્ષ કહે છે, "આ બિલકુલ વાહિયાત વાત છે કે પીએમ કેયર્સ પબ્લિક ઑથોરિટી નથી. લાખો લોકોએ એમ સમજીને આ ફંડમાં યોગદાન નહોતું કર્યું કે આ એક ખાનગી ટ્રસ્ટ છે. વડા પ્રધાનના નામ પર આ ફંડમાં પૈસા ભેગા કરવામાં આવ્યા."

કુંડકુરી એવા લોકોમાં સામેલ છે જેમણે આરટીઆઈ હેઠળ પીએમ કેયર્સ ફંડ વિશે માહિતી માગી છે.

એક એપ્રિલે દાખલ કરવામાં આવેલ અરજીમાં તેમણે આ દસ્તાવેજોની માગ કરી હતી, જેનાથી એ જાણી શકાય કે ટ્રસ્ટ કેવી રીતે સ્થાપિત થયું અને કેવી રીતે કામ કરે છે.

તેમણે આ બાબતે અનેક દલીલો આપી કે કેમ ફંડને પબ્લિક ઑથોરિટી હોવું જોઈએ. પ્રથમ તો આ સરકારના નિયંત્રણમાં છે કારણકે પીએમ આના વડા છે, તેમની કૅબિનેટના ત્રણ સભ્યો આના ટ્રસ્ટી છે અને બાકીના ત્રણ ટ્રસ્ટીઓની ચૂંટણી પણ પીએમે કરેલી છે.

આની સાથે જ પીએમ કેયર્સની વેબસાઇટમાં gov.in સામેલ છે, તો આધિકારિક રૂપથી સરકારી ડોમેન છે. સાથે જ આ ફંડમાં રાષ્ટ્રીય પ્રતીક ચિહ્ન વપરાય છે, જે માત્ર સરકારી સંસ્થાઓ વાપરે છે.

તેમની દલીલ છે કે આ ફંડને સરકાર પાસેથી પૂરતી નાણાકીય સહાય મળે છે. ભાજપના બધા સાંસદોને પોતાના સંસદીય વિસ્તારના ફંડ એટલે સંસદસભ્યના ફંડમાંથી એક કરોડ રૂપિયાની રકમ પીએમ કેયર્સમાં આપવાનું કહેવામાં આવ્યું હતું. બધા સંસદીય વિસ્તારના વિકાસ માટે સંસદસભ્યનું ફંડ બંધારણીય રીતેથી સ્થાપિત કરવામાં આવેલું છે. સાર્વજનિક ઉપક્રમની કંપનીઓએ પણ કરોડો રૂપિયાનું પીએમ કેયર્સ ફંડમાં દાન આપ્યું છે, આ કંપનીઓ પર પણ સરકારનું નિયંત્રણ છે.

સાથે જ સૈનિકો, સિવિલ સેવા કર્મીઓ અને જજોએ આ ફંડમાં પોતાનું એક દિવસનું વેતન અનિવાર્ય રૂપથી ડૉનેટ કર્યું છે.

કંડુકુરી કહે છે, " સરકાર આમાં અવરોધ કેમ નાખે છે, આમાં છુપાવવાનું શું છે?"

ઑડિટનો ડર

કાર્યકર અને પૂર્વ પત્રકાર સાકેત ગોખલે કહે છે, છુપાવવા માટે અનેક વાતો છે.

સાકેત આ ફંડને સરકારની દુખતી રગ અને એક મોટું કૌભાંડ કહે છે.

પીએમની પાર્ટીના સહયોગી ફંડને લઈને કંઈ પણ ખોટું થયા હોવાનો ઇન્કાર કરે છે. કેટલાય અઠવાડિયાથી સરકાર સામે ફંડને લઈને પ્રશ્નો ઊભા કરવામાં આવી રહ્યા છે. હાલમાંજ હવે વડા પ્રધાન કાર્યાલયે કહ્યું કે 50 હજાર વૅન્ટિલેટરો માટે 20 અબજ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે, જોકે કાર્યાલયે કહ્યું કે 10 અબજ રૂપિયા પ્રવાસી મજૂરોની મદદ માટે આપવામાં આવી રહ્યા છે અને એક અબજ રૂપિયા વૅક્સિન વિકસિત કરવામાં ખર્ચાશે.

પરંતુ પ્રવાસી મજૂરો માટે આપવામાં આવતી રકમને લઈને સરકારની ટીકા થઈ રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે એક તો બહુ મોડો નિર્ણય કરવામાં આવ્યો અને બીજું કે આ રકમ બહુ ઓછી છે. વૅન્ટિલેટરોની પસંદગીની પ્રક્રિયામાં પણ મુશ્કેલી ઊભી છે.

સાકેત ગોખલે કહે છે, “વૅન્ટિલેટરો માટે કોઈ ટેન્ડર નથી આવ્યું, અને કોઈ બોલી પણ નથી લાગી. આ નિર્ણય મનમરજીથી કરવામાં આવ્યો છે.”

છેલ્લા અઠવાડિયામાં એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સરકાર તરફથી સ્થાપિત બે પૅનલે પીએમ-કેયર્સ ફંડ હેઠળ ખરીદવામાં આવેલા 10 હજાર વૅન્ટિલેટરોની વિશ્વસનીયતા અને ક્ષમતાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

સાકેત ગોખલેએ કહ્યું કે ફંડના ઑડિટ માટે એક ખાનગી કંપની સાર્ક ઍન્ડ ઍસોસિએટ્સની પસંદગી પણ સવાલોના ઘેરામાં છે. પીએમ મોદીએ માર્ચ 2018માં પીએમએનઆરએફના ઑડિટ માટે આ કંપનીની પસંદગી કરવામાં આવી હતી. તેમાં નીલામીની કોઈ પ્રક્રિયા નહોતી.

સાકેત કહે છે, આમાં એક વાત છે એ છે ભાજપ સાથે ગાઢ સંબંધ. તેનું નેતૃત્વ કરનાર એસકે ગુપ્તા ભાજપની નીતિઓના ટેકેદાર છે. તેમણે મોદીના પ્રિય પ્રૉજેક્ટ મેક ઇન ઇન્ડિયા પર એક પુસ્તક પણ લખ્યું છે. તેઓ વિદેશમાં સરકારી છત્રછાયામાં કાર્યક્રમોનું આયોજન કરે છે. તેમણે પીએમ કેયર્સ ફંડમાં બે કરોડ રૂપિયા પણ આપ્યા છે. આ જ ઑડિટને લઈને આશંકાનું કારણ છે."

એસકે ગુપ્તાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ મારફતે બે કરોડ રૂપિયાનાં યોગદાનની જાહેરાત જાતે જ કરી હતી.

બીબીસીએ સાર્ક ઍન્ડ ઍસોસિએટ્સની પસંદગી અંગેના પ્રશ્નો પર જવાબ માગ્યો પરંતુ તેમણે આના પર કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો.

'પારદર્શકતાની કમી નથી'

પરંતુ ભાજપના પ્રવક્તા નલિન કોહલીએ ફંડનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે પીએમએનઆરએફ સામાન્ય રીતે પ્રાકૃતિક સંકટ માટે વપરાય છે. પીએમ કેયર્સ ફંડ આ મહામારી પર વધારે ધ્યાન કેંદ્રિત કરવા માટે સ્થાપિત કરવામાં આવ્યું હતું.

નલિન કોહલીએ કહ્યું કે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ પીએમએનઆરએફ સ્થાપિત કર્યું હતું અને તેમણે કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષને પણ આમાં ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું, "આ દેશમાં અનેક રાજકીય પક્ષો છે અને કોઈ એક પાર્ટીને સાર્વજનિક ઉદ્દેશ્ય માટે સ્થાપિત પબ્લિક ફંડિંગમાં કેમ સામેલ કરવામાં આવવી જોઈએ?"

નલિન કોહલીએ કહ્યું કે નરેન્દ્ર મોદી અને અન્ય ટોચના મંત્રી પીએમ કેયર્સ ફંડમાં પોતાના પદને કારણે સામેલ છે પાર્ટીમાં પદને કારણે નહીં.

તેમણે ફંડમાં પારદર્શકતાની કમીના આરોપને પણ તેઓ નકારી કાઢે છે.

તેમણે કહ્યું કે સાર્ક ઍન્ડ એસોશિએટ્સને માત્ર લાયકાતને કારણે આ કામ આપવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે આ ફંડ બધા કાયદાનું પાલન કરશે.

નલિન કોહલીનું કહેવું છે કે “વિપક્ષના લોકો આ ફંડને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ ફંડ હજી નવું છે. એવા સમયમાં જ્યારે બધા મહામારી સામે લડી રહ્યા છે, સાર્વજનિક જવાબદેહીની તાત્કાલિક જરૂર શું છે?”

પરંતુ ફંડને લઈને પ્રશ્ન માત્ર વિપક્ષ નથી ઉઠાવી રહ્યું, સુપ્રીમ કોર્ટના વકીલ સુરેન્દ્ર સિંહ હુડ્ડાનું કહેવું છે કે માહિતી આપવામાં ફંડ મૅનેજર્સની કથિત અનિચ્છા સમજાતી નથી. હુડ્ડાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી પરંતુ તેમણે અરજી પાછી ખેંચવી પડી કારણકે કાયદા પ્રમાણે પહેલાં તેમણે વડા પ્રધાન સાથે સંપર્ક નહોતો કર્યો. હવે તેમણે પીએમઓને ઇમેલ કર્યો છે અને ફરીથી જવાબ માટે કોર્ટ જવાની તૈયારી કરી રહ્યા છે.

સુરિંદર સિંહ હુડ્ડા કહે છે, "હું ઇચ્છું છું કે તેઓ પોતાની વેબસાઇટ પર માહિતી આપે. એ જણાવે કે કેટલા પૈસા ભેગા થયા, ક્યાંથી મળ્યા અને કેટલા ખર્ચ થયા. "

તેમણે કહ્યું, "એ સૌને ખબર છે કે સૂર્યનો પ્રકાશ સૌથી સારો જંતુનાશક છે અને બધી અનિચ્છનીય કામગીરી અંધારામાં થાય છે. પારદર્શકતા કાયદાના શાસનનો આધાર છે અને અપારદર્શકતાથી ગુપ્ત ઇરાદાની ગંધ આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો