કોરોના વાઇરસ : વિશ્વમાં ક્યાં કેસો વધી રહ્યા છે અને ક્યાં ઘટી રહ્યા છે?

એક તરફ જ્યાં કોરોના વાઇરસ મહામારીના વૈશ્વિક કેસનો આંક એક કરોડને પાર થઈ ગયો છે, ત્યાં વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)ના વડાએ આ મહામારીના એક વધુ ખતરનાક નવા તબક્કાની ચેતવણી ઉચ્ચારી છે.

પશ્ચિમ યુરોપ અને એશિયાના ઘણા દેશોમાં જ્યાં વાઇરસ કેટલાક અંશે કાબૂમાં છે ત્યાં જ વિશ્વના અન્ય ભાગોમાં આ મહામારી વધુ તેજ ગતિથી ફેલાઈ રહી છે.

વિશ્વમાં પહેલા 10 લાખ લોકોમાં આ મહામારી ફેલાવો થવામાં જ્યાં ત્રણ મહિના લાગ્યા ત્યાં જ છેલ્લા 10 લાખ લોકો માત્ર 8 દિવસમાં સંક્રમિત થયા.

વળી, આ આંકડા ફક્ત પરીક્ષણમાં પૉઝિટિવ આવનારના જ છે તે, હકીકતમાં કુલ સંખ્યાનો એક નાનકડો ભાગ હોવાની શક્યતા વધુ છે, એવું એક વરિષ્ઠ દક્ષિણ અમેરિકી અધિકારીનો મત છે.

ક્યાં ઝડપથી વધી રહ્યા છે કેસ?

અમેરિકા ખંડ, દક્ષિણ એશિયા અને આફ્રિકાના કેટલાક ભાગોમાં ગ્રાફ સંપૂર્ણપણે ખોટી દિશામાં જઈ રહ્યો છે.

અમેરિકા કે જે પહેલેથી જ સમગ્ર વિશ્વમાં કોવિડની મહામારીથી સૌથી વધુ સંખ્યામાં સંક્રમિતો અને સૌથી વધુ મૃત્યુના આંકડા વાળો દેશ છે ત્યાં ફરીથી કેસ ઝડપથી વધી રહ્યા છે. પાછલા કેટલાક દિવસોમાં પૉઝિટિવ આવેલા કેસોની સંખ્યા અહીં દૈનિક ધોરણે 40,000નો વિક્રમ આંક પર પહોંચી ચૂકી છે અને તે હજુ વધી રહી છે જેમાં ઍરિઝોના, ટેક્સાસ અને ફ્લોરિડાના ક્લસ્ટરમાં આવેલા ઉછાળાનો મોટો ભાગ છે.

અમેરિાકના સંક્રામક રોગોના નિષ્ણાત ડૉ. ફાઉચીએ ચેતવણી આપી છે કે જો સાવચેતી નહીં દાખવવામાં આવે તો આ આંકડો પ્રતિદિન એક લાખ સુધી જશે.

આ સંક્રમણના ફેલાવાનો "સેકન્ડ વેવ' નથી એને બદલે તે રોગમાં ફરી આવેલો ઉછાળો છે અને એ પણ મોટેભાગે એવા રાજ્યોમાં જેમણે કદાચ ઘણાં વહેલાં લૉકડાઉનના પ્રતિબંધોમાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો હતો

બ્રાઝિલ કે જે અમેરિકા પછી 10 લાખ કેસોનો આંક પસાર કરનાર બીજો સૌથી વહેલો દેશ છે ત્યાં પણ સંક્રમણ જોખમી રીતે વધી રહ્યું છે. તેના સૌથી મોટા શહેરો સાઓ પાઉલો અને રીયો ડી જાનેરો આનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે પરંતુ દેશના અન્ય ભાગોમાં પરીક્ષણ ઘણું ઓછું થઈ રહ્યું છે અને ખરો આંકડો આનાથી ઘણો વધારે હોવાની આશંકા છે.

ભારતમાં ખરો વ્યાપ વધારે

આવું જ કંઈક ભારતમાં પણ બની રહ્યું છે અહીં હમણાં જ એક જ દિવસમાં 18000થી વધારે કેસો મળવાનો નવો વિક્રમ બન્યોય જોકે, કેટલાક સૌથી ગીચ વસતી ધરાવતા રાજ્યોમાં ટેસ્ટિંગની સંખ્યા ઓછી છે તેને કારણે આ મહામારીનો ખરો વ્યાપ ચોક્કસપણે વધારે છે.

આવું શા માટે થઇ રહ્યું છે? વિકાસશીલ દેશોમાં વંચિત, દબાયેલા અને ગીચ વસતીમાં રહેતા સમુદાયો માટે જોખમ વધારે છે. WHOના કોવિડ-19 માટેના ખાસ દૂત ડેવિડ નબારોના અનુસાર કોરોના વાઇરસ 'ગરીબ લોકોનો રોગ' બની ગયો છે.

જ્યાં આખેઆખા પરિવારો એક જ ઓરડાના ઘરોમાં ઠસોઠસ રીતે રહેતા હોય ત્યાં સામાજિક અંતર જાળવવું અશક્ય છે અને વપરાશના નિયમિત પાણી વિના નિયમિત રીતે હાથ ધોવા પણ સહેલી વાત નથી.

જ્યાં લોકો જીવન નિર્વાહ માટે રોજિંદી કમાઈ ઉપર નિર્ભર હોય ત્યાં બજારોમાં અને શેરીઓમાં લોકો વચ્ચેનો સંપર્ક અટકાવવો અશક્ય છે.

ઍમેઝોનના વર્ષાવનો અને અન્ય દૂરના વિસ્તારોમાં વસતા અલાયદા સમુદાયો માટે સ્વાસ્થ્ય સેવાઓ સીમિત છે અથવા બિલકુલ ઉપલબ્ધ નથી. અને સંક્રમણનો દર પણ મોટેભાગે ચિંતાજનક રીતે વધારે છે.

મૅક્સિકોમાં પરીક્ષણ કરાયેલા તમામ લોકોમાંથી અડધાથી વધુ પૉઝિટિવ આવી રહ્યા છે. આ દર ન્યૂયોર્ક શહેર અથવા ઉત્તરી ઇટાલીના હોટસ્પૉટ બનેલા વિસ્તારોમાં તેમના સૌથી ખરાબ સમયમાં જોવા મળેલ દર કરતા પણ ઘણો વધારે છે.

જ્યાં બજેટની પણ સમસ્યા છે ત્યાં અગ્રક્રમના સ્વાસ્થ્યકર્મીઓ માટે PPE એટલે કે વ્યક્તિગત સુરક્ષાના સાધનોની અછત વધુ ગંભીર છે.

ઇક્વાડોર, કે જ્યાં એક તબક્કે મૃતદેહોને સડક ઉપર છોડી દેવાતા હતા કારણ કે સત્તાધીશો પહોંચી વળી શકતા નહોતા ત્યાં જ એક મુખ્ય લૅબોરેટરીમાં કોરોના વાઇરસના પરીક્ષણ માટે જરૂરી કૅમિકલની અછત ઊભી થઈ ગઈ.

વળી, જ્યાં અર્થ વ્યવસ્થા પહેલેથી જ નબળી છે ત્યાં વિકસિત દેશોની સરખામણીએ વાઇરસને નાથવા માટે લૉકડાઉનને અમલમાં મૂકવું વધુ જોખમ ભરેલું છે.

ડૉક્ટર નબારો કહે છે કે હજુ પણ સંક્રમણના ફેલાવાને ધીમો કરવાની તક છે પરંતુ તાત્કાલિક આંતરરાષ્ટ્રીય મદદથી જ એ શક્ય છે. "હું નિરાશ કરતા સંદેશા આપવાનું પસંદ નથી કરતો પરંતુ જેમને એની જરૂર છે એવા લોકોને વસ્તુઓ અને નાણાની જરૂરિયાત વિશે હું ચિંતિત છું."

રાજકીય દૃષ્ટિકોણ

પરંતુ કેસોની સંખ્યામાં વધારવા માટે પાછળ માત્ર આ જ બાબતો નથી. ઘણા રાજનેતાઓએ તેમના પોતાના કારણસર તેમના સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહ માનવાનું પસંદ નથી કર્યું.

તાન્ઝાનિયાના પ્રમુખે તેમના દેશે વાઇરસને હરાવવામાં મહદઅંશે સફળતા મેળવી છે એમ જાહેર કરવાનું એક મોટું પગલું લીધું.

મે મહિનાથી તેમણે આ સંબંધી યોગ્ય ડેટાની જાહેરાતને રોકી રાખી છે. જો કે ચિહ્નો એમ જણાવી રહ્યા છે કે કોવિડ-19 હજુ પણ ત્યાં મોટો પડકાર છે.

અમેરિકાના ઘણા રાજ્યોમાં કેસ હજુ પણ વધારે

અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પે કાં તો મહામારીને ઓછી આંકી કાં તો પછી ચીન અને WHO પર આનો દોષ મુક્યો અને અમેરિકન અર્થવ્યવસ્થાને જલદી ફરીથી ખોલવાની તીવ્ર ઇચ્છા રાખી.

તેમણે લૉકડાઉનમાંથી તેમના રાજ્યને બહાર લાવનાર શરૂઆતના ગવર્નર બનવા બદલ ટેક્સાસના રિપબ્લિકન ગવર્નર ગ્રેગ ઍબોટના વખાણ કર્યા જે પગલાંને કેસોમાં વધારો થતાં પાછુ ખેંચવું પડ્યું.

એટલું નહીં જાહેરમાં માસ્ક પહેરવાની બાબત જે એપ્રિલની શરૂઆતથી જ અમેરિકન સરકારની સત્તાવાર રીતે ભલામણ રહી છે તે પણ રાજકીય વિભાજનનું પ્રતીક બની ગઈ.

ઍબોટે 'વ્યક્તિગત સ્વતંત્રતાને બાનમાં ન લેવાય' એમ કહી ટેક્સનના મેયરોંનાં દબાણને વશ થવાનું પણ નકાર્યું. એથી વિરુદ્ધ કૅલિફોર્નિયાના ડૅમોક્રેટ ગવર્નર કહે છે, "વિજ્ઞાન દર્શાવે છે કે ચહેરાને ઢાંકવા અને માસ્ક પહેરવાથી મદદ મળે છે." દરમિયાન ટ્રંપે તે પહેરવાને નકાર્યું છે.

બ્રાઝિલિયન પ્રમુખ જેઇર બોલ્સોનારો પણ આ જ પ્રકારની દલીલમાં પડ્યા. કોરોના વાઇરસને એક 'નાનકડી શરદી' ગણાવી.

તેમણે વારંવાર અર્થ વ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે એવું કંઈ પણ કરવાથી અધિકારીઓને રોકવાના પ્રયાસ કર્યા. અને જાહેરમાં નિયમિત રીતે માસ્ક વગર દેખાયા બાદ હવે કોર્ટે તેમને માસ્ક પહેરવા આદેશ આપ્યો છે.

આ જ પ્રકારના વલણોએ WHOના વડા ટેડ્રસ એડોનહોમ ગેબ્રાયેસસને એમ ચેતવણી આપવા મજબૂર કર્યાં કે "મોટામાં મોટો પડકાર વાઇરસ પોતે નથી પરંતુ વૈશ્વિક નેતૃત્વ અને વૈશ્વિક એકજૂથતાનો અભાવ છે.

ક્યાં કેસ કાબૂમાં છે?

પ્રશાંત મહાસાગરમાં દૂરના ટાપુઓના સમૂહને કારણે ન્યૂઝીલૅન્ડ પોતાને સરળતાથી અલગ કરી શકે છે અને જેસિન્ડા આર્ડેનની સરકારને મહામારી સામે આકરા પગલાં લેવા બદલ સૌ તરફથી પ્રશંસા મળી છે. આ પગલાંઓને કારણે 24 કલાકના એક સમયગાળા માટે ત્યાં એક પણ નવો કેસ નહોતો નોંધાયો.

જોકે નાગરિકો વિદેશથી પરત આવવાનું શરૂ થતાં આ સ્થિતિનો અંત આવ્યો કારણ કે તેમાંથી ઘણા સંક્રમિત હતા અને આને કારણે આગંતુક નાગરિકોની તપાસ માટે વધુ પગલાં લેવાની ફરજ પડી. જોકે આને ન્યૂઝીલૅન્ડની મહામારીથી મુક્ત થવાની આશાને ઝટકાની જગ્યાએ ઘણા નિષ્ણાતો તેને અસરકારક રીતે કામ કરતી દેખરેખ વ્યવસ્થાના પુરાવા તરીકે જુએ છે.

એ જ પ્રમાણે દક્ષિણ કોરિયાની પણ ટેકનોલોજી અને કૉન્ટેક્ટ ટ્રૅસિંગના ઉપયોગ બદલ પ્રશંસા થઈ રહી છે જેને કારણે સંક્રમણને ખૂબ જ નીચા સ્તરે લાવવામાં સફળતા મળી અને સતત ત્રણ દિવસ માટે એક પણ નવો કેસ ન નોંધાયો.

તેના અધિકારીઓ હવે કહી રહ્યા છે કે તેમને સંક્રમણનો બીજો તબક્કો દેખાઈ રહ્યો છે. જેમાં રાજધાની સેઉલમા નાઇટ ક્લબ્સની આસપાસ ક્લસ્ટર બની રહ્યા છે. જોકે તેની સંખ્યા સરખામણીમાં ઘણી ઓછી છે

સેઉલના મેયરે ચેતવણી આપી છે કે જો ત્રણ દિવસો માટે કેસની સંખ્યા 30થી વધારે રહી તો સોશિયલ ડિસ્ટન્સિંગનાં પગલાં ફરી અમલમાં મુકાશે. આનાથી વિરુદ્ધ યુકેમાં રોજના લગભગ 1000 નવા કેસ નોંધાય છે.

આમાં સૌથી વધુ ગર્વ લઈ શકે એવો દેશ વિયેતનામ છે. જેનો દાવો છે તેમને ત્યાં કોવિડ-19ની મહામારીને કારણે એક પણ મૃત્યુ નથી થયું. ત્વરિત લૉકડાઉન અને સરહદબંધીના કડક નિયમોના સહિયારા પગલાંથી સંક્રમણને ખૂબ જ નીચું રાખવામાં સફળતા મળી.

હવે પછી શું? આફ્રિકાના ઘણા ખરા દેશોમાં શું સ્થિતિ બનશે એ એક મોટો પ્રશ્ન છે. જ્યાં ઘણા લોકો જેનો ડર રાખી રહ્યા હતા તે સ્તરે મહામારી ઘણી ખરી રીતે નથી પહોંચી.

એક મત એવો છે કે સામૂહિક પરીક્ષણ માટે જરૂરી માળખાકીય સુવિધાઓના અભાવને કારણે મહામારીનું સાચું સ્તર જાણી નથી શકાતું તો બીજા કેટલાક કહી રહ્યા છે કે પ્રમાણમાં યુવાન વસતી હોવાને કારણે સંક્રમણ વધુ ન ફેલાઈ શક્યું.

ત્રીજો દૃષ્ટિકોણ એ છે કે બહારના વિશ્વ સાથે ઓછો સંપર્કમાં રહેનાર સમુદાયોમાં આ મહામારી સૌથી અંતમાં સ્પર્શ કરશે.

એવા દેશો જેમણે વાઇરસ પર સૌથી સફળતાપૂર્વક અંકુશ મેળવ્યો છે ત્યાં સ્થિતિ સામાન્ય કરવાની પરવાનગી આપવા સાથે સતર્ક રહેવાનો પડકાર છે.

જોકે આમાંથી મોટાભાગના માટે ડોક્ટર નબારોની 'કોરોનાવાઇરસ અને તેનાથી સંકળાયેલા દર્દો સાથે લોકોની સતત વધતી સંખ્યા'ની ચિંતાજનક આગાહી જ હાલ તો સાચી પડતી જણાઈ રહી છે.

અને આ જ કારણ છે કે તેઓ અને અન્ય ઘણા લોકો એમ આશા રાખી રહ્યા છે કે વિકાસશીલ દેશોને મહામારી વધુ વેગ પકડે એ પહેલા જોઈતી મદદ મળી રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો