'આ હૉસ્પિટલમાંથી કાઢો નહીં તો હું મરી જઈશ', સુરતના કોરોનાદર્દીના મૃત્યુ પહેલાંના શબ્દો

    • લેેખક, હરિતા કાંડપાલ
    • પદ, બીબીસી સંવાદદાતા

સુરતની સ્મીમેર હૉસ્પિટલમાં કોરોના વાઇરસના સંક્રમણની સારવાર માટે દાખલ થયેલા એક રત્નકલાકારે મૃત્યુ પહેલાં હૉસ્પિટલમાં મળતી સુવિધાઓ અને સારવાર પર પ્રશ્ન ઊભા કર્યા હતા.

હરસુખ વાઘમશી સુરતમાં હીરાઉદ્યોગમાં કામ કરતા હતા અને તેમને 17 જુલાઈના રોજ સુરતની સ્મીમેર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શૅર થયો હતો જેમાં તેમણે કહ્યું હતું કે "અહીં કોઈ પ્રકારની સુવિધા નથી. પૉઝિશન દ્વારા જાણ કરીએ તો ફોટો પાડી જાય અને વીડિયો ઉતારી જાય છે, શું સગવડ છે એ જાણ કરજો, એવાં પ્રલોભનો બતાવીને જતા રહે છે."

વીડિયોમાં તેઓ કહે છે કે "હું ત્રણ-ચાર દિવસથી સતત એમનો એમ પડ્યો છું, નથી કોઈ ભાળ લેતું, નથી કોઈ સંભાળ લેતું. આશ્વાસનો આપીને જતા રહે છે. વહેલામાં વહેલી તકે મને અહીંથી ઉગારો નહીં તો હું મરી જઈશ."

એક અન્ય વીડિયોમાં તેઓ કહે છે, "એક તો બોલાતું નથી, આટો મારીને જતા રહ્યા. અહીં કોઈ નથી. તમે જોઈ શકો છો. વીડિયોમાં કહીએ તો ડરાવે છે અને ધમકાવે છે."

"કોઈ પણ અમારી વ્હારે નથી આવતું. સૌની મસ્તીમાં સૌ ચાલ્યા જાય છે. તમારું કામ કોઈ ન કરે."

હૉસ્પિટલનું કહેવું છે કે 17 જુલાઈના દિવસે તપાસ માટે તેઓ આવ્યા ત્યારે ઑક્સિજનનું સ્તર 70 ટકા હતું. તેમને પાંચ દિવસથી તાવ, શરદી અને શ્વાસમાં તકલીફ હતી એટલે તેમને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા હતા.

તેમનો રૅપિડ ઍન્ટિજનટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ કોરોના પૉઝિટિવ મળ્યા હતા.

સ્મીમેર હૉસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. વંદના દેસાઈએ બીબીસી ગુજરાતીને કહ્યું હતું કે તેઓ ડાયાબિટીઝ મેલિટસના દરદી હતા અને તેમને કોરોનાનું સંક્રમણ થયું હતું.

પત્ની-બાળકોને ગામમાં મૂકીને સુરત આવ્યા હતા

લગભગ 40 વર્ષના હરસુખ વાઘમશી સુરતમાં છેલ્લાં 10 કરતાં વધારે વર્ષથી હીરાઉદ્યોગમાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા.

મૂળ અમરેલીના હરસુખ વાઘમશીના પરિવારમાં તેમનાં પત્ની અને બે બાળકો છે. એક પુત્રી પાંચથી છ વર્ષની છે અને પુત્ર દસ વર્ષનો છે.

તેમના મોટા ભાઈ હરિ વાઘમશી કહે છે, "લૉકડાઉનને કારણે કામ બંધ હતું એટલે હરસુખ પત્ની અને બાળકો સાથે દોઢ-બે મહિના પહેલાં અમરેલીમાં ગામે ગયા હતા. લગભગ દસ દિવસ પહેલાં જ તેઓ સુરત પાછા આવ્યા હતા."

હરસુખભાઈ પોતાનાં પત્ની અને બાળકોને ગામમાં જ મૂકીને સુરત પરત આવ્યા હતા.

હરિભાઈ કહે છે કે "મારાં માતાપિતા હૉસ્પિટલમાં દાખલ છે અને તેમને અમે હજી હરસુખનાં મૃત્યુ વિશે જાણ નથી કરી, પરિવાર પર જે મુસીબત આવી છે, એનું વર્ણન ન કરી શકાય."

હરિભાઈ કહે છે, "માતાપિતાની તબિયત સારી ન હોવાને કારણે તેમની સારવારમાં વ્યસ્ત હતા. માતાપિતાને હૉસ્પિટલમાં દાખલ કર્યાં ત્યાર પછી હરસુખની સાથે વાત થઈ, જેમાં તેમણે કહ્યું કે તેમને કોરોના પૉઝિટિવ આવ્યો છે."

હરિભાઈ જણાવે છે કે હૉસ્પિટલમાં દાખલ થયા પછી હરસુખભાઈએ તેમને વીડિયો મોકલ્યા હતા, જેમાં તેમણે કોઈ સુવિધા કે સારવાર નહીં મળવાની ફરિયાદ કરી હતી.

હરિભાઈનું કહેવું છે કે કોરોના વૉર્ડમાં કોઈ સગા-સંબંધી તો જઈ શકે નહીં એટલે તેઓ અસહાય હતા.

"અમે આ બાબતે હૉસ્પિટલમાં, મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્યમંત્રી કુમાર કાનાણીનો પણ સંપર્ક કર્યો હતો. પરંતુ અમને ક્યાંયથી મદદ મળી નહોતી."

બીબીસી ગુજરાતીએ આ બાબતે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમના તરફથી જવાબ મળ્યો ન હતો.

ઍન્ગ્ઝાઇટી અને વધારે પડતી આશા?

હરિભાઈ કહે છે કે "હરસુખના વીડિયો મળતાં તેમણે હૉસ્પિટલમાં સંપર્ક કરીને તેમને અન્ય હૉસ્પિટલમાં ખસેડવાની વિનંતી કરી હતી પરંતુ તેની પરવાનગી ન મળી."

"હૉસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું કે 23 જુલાઈના દિવસે હરસુખભાઈને સ્મીમેરના બીજા વૉર્ડમાં વૅન્ટિલેટર પર મૂકવા પડ્યા છે અને પછી શનિવારે કહેવામાં આવ્યું કે તેમનું મૃત્યુ થયું છે."

હરિભાઈએ જણાવે છે કે હરસુખભાઈએ આરોપ લગાવ્યો હતો કે હૉસ્પિટલના કર્મીઓ તેમને વીડિયો બનાવવા બદલ ડરાવતા-ધમકાવતા હતા.

સ્મીમેર હૉસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. જયેશ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં આ આરોપને નકાર્યો હતો.

તેમણે કહ્યું કે "હૉસ્પિટલમાં દર્દીઓની ખડેપગે સારવાર કરવામાં આવે છે અને જે આરોગ્યકર્મીઓ દર્દીઓને બચાવવા દિવસરાત કામ કરતાં હોય, એ આવું કૃત્યુ ન કરી શકે."

તેમણે કહ્યું હતું, "હરસુખભાઈએ મૂંઝારો થવાની વાત કહી ત્યારે ડૉક્ટરો તેમને ફરી મળ્યા હતા. તેમને જમવાનું નહોતું ભાવતું અને તેઓ કોઈ સ્વાદ ન આવવાની ફરિયાદ કરતા હતા, એ બીમારીને કારણે થતું હતું."

"અમે ઘરેથી પણ ટિફિન આપવાની વ્યવસ્થા કરાવી હતી."

ડૉ. જયેશ પટેલે જણાવ્યું કે તેમની સારવાર બરાબર ચાલી રહી હતી, તેમને રૅમડેસિવિર અને અન્ય દવાઓ પણ આપવામાં આવી હતી.

આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં સુપરિટેન્ડેન્ટ ડૉ. વંદના દેસાઈએ કહ્યું હતું, "હરસુખભાઈને ડાયાબિટીઝ ટાઇપ-ટૂ હતો અને બીજી સમસ્યા પણ હતી. કદાચ આવા દર્દીઓમાં ઍન્ગ્ઝાઇટી હોય છે અને વધારે પડતી આશા હતી."

પ્રશ્ન એ છે કે શું ગંભીર રીતે બીમાર એવા દર્દીઓને માનસિક મદદ માટે કાઉન્સલિંગની વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી તેઓ પોતાની ચિંતા સામે લડી શકે?

આ વિશે ડૉ. દેસાઈ કહે છે, "હૉસ્પિટલના મનોચિકિત્સાવિભાગના વડાએ સ્ટાફને કાઉન્સલિંગ માટે પ્રશિક્ષણ આપ્યું હતું અને વિશેષ જરૂરિયાત ધરાવતાં દરદીઓની મદદ માટે અમારી પાસે એક ટીમ છે."

જોકે હરસુખભાઈનું શનિવારે સાંજે 7.45 વાગ્યે મૃત્યુ થઈ ગયું હતું.

સ્ટાફનો અભાવ?

સુરતમાં કૉંગ્રેસના કૉર્પોરેટર અસલમ સાઇકલવાલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે આ મૃત્યુ સૂચવે છે કે માર્ચથી ચાલતી બીમારી સામેની લડતમાં હૉસ્પિટલો માટે બેડ છે, દવા પણ છે પરંતુ જે રીતે કામગીરીનું નિરીક્ષણ થવું જોઈએ એ નથી થતું.

"પહેલાં માત્ર સિવિલ હૉસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર ચાલતી હતી, ત્યારે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન જવાબદારીમાંથી છટકી જતું હતું."

"હવે જ્યારે તેમની હેઠળ આવેલી હૉસ્પિટલમાં કોરોનાકેન્દ્ર છે, ત્યારે દર્દીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવવી જોઈએ."

સાઇકલવાલા કહે છે કે "હૉસ્પિટલોમાં સ્ટાફ પૂરતો નથી હોતો, અને સ્ટાફને બ્રૅક મળવો જોઈએ એ નથી મળતો એટલે તેમના પર પણ ભારણ વધી રહ્યું છે."

"તંત્ર સુવિધાઓ હોવા છતાં સારી રીતે તેનું સંચાલન નથી કરતું."

તેઓ ઉમેરે છે, "લોકો સરકારી હૉસ્પિટલોમાં જતા ડરે છે. સફાઈ, ભોજન, સારવાર અને કર્મીઓના વર્તનની ફરિયાદો અવારનવાર ઊઠે છે. બધા કર્મીઓ પર આંગળી ન ચીંધી શકાય પરંતુ થોડા લોકોને કારણે દર્દીઓને મુશ્કેલી ભોગવવી પડે છે."

ઉલ્લેખનીય છે કે સુરત ગુજરાતનાં એ શહેરોમાં સામેલ છે, જ્યાં કોરોના સંક્રમણથી સ્થિતિ વિકટ બની છે.

શનિવાર સુધીમાં સુરતમાં કોરોના વાઇરસના સંક્રમણના 3,209 ઍક્ટિવ કેસ છે અને અત્યાર સુધીમાં કોરોના સંક્રમણને કારણે 335 મૃત્યુ થયાં છે.

સુરતના મ્યુનિસિપલ કૉર્પોરેશન હેઠળ આવતી સ્મીમેર હૉસ્પિટલ હાલમાં જ વૉર્ડમાં પાણી ભરાઈ જવાને કારણે ચર્ચામાં આવી હતી.

બીબીસી ગુજરાતીએ ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીનો આ વિશે વાત કરવા માટે સંપર્ક કર્યો હતો, પરંતુ તેમના તરફથી આ લખાય છે, ત્યાં સુધી કોઈ જવાબ મળ્યો નહતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો