You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ: ફક્ત 12 ઓક્સિજન બેડ ધરાવતો એ દેશ જે મહામારી કાબૂ કરવામાં સફળ રહ્યો
સેનેગલના પાટનગર ડકરની ફાન હૉસ્પિટલ ખાતે એપિડેમિક ટ્રીટમેન્ટ સેન્ટરના ડૉ. ખરદિઆતા ડિએલો કહે છે કે, “જ્યારે પ્રથમ કેસ આવ્યો ત્યારે અમને ઘણી ચિંતા થઈ અને હું ગુસ્સે થઈ ગયો કારણ કે તે એક ઇમ્પોર્ટેડ કેસ હતો.”
“કોરોના વાઇરસની સારવાર માટેનાં સાધનોની અછતને લઈને અમે ઘણી ચિંતિત હતા, સમગ્ર દેશ માટે મર્યાદિત ઓક્સિજન સપ્લાયવાળી માત્ર 12 પથારીઓ હતી.”
ફેબ્રુઆરી મહિનાને અંતે સ્કી રિસોર્ટ ખાતે વૅકેશન ગાળી એક ફ્રેન્ચ નાગરિક તાવ, સૂકા ગળા અને માથાના દુખાવાની સમસ્યા સાથે ડકર પાછો ફર્યા હતા.
તે સેનેગલનો પ્રથમ અને સબ-સહારન આફ્રિકાનો બીજો કોવિડ-19નો કેસ હતો.
ડિએલો, જેઓ દેશના વર્ષ 2014માં પશ્ચિમ આફ્રિકામાં ઇબોલા વાઇરસના પ્રસાર વખતે દેશના એક માત્ર કેસની સારવાર કરનાર ટીમનો ભાગ રહ્યા હતા તેમજ પાછલાં 15 વર્ષોથી કોલેરાની મહામારી સામે બાથ ભીડવાનો અનુભવ ધરાવતા હતા, તેમને ખ્યાલ હતો કે એક મહામારીને રોકવા માટે તેમણે જલદી પગલાં લેવા પડશે.
24 કલાક ફ્રી ટેસ્ટ
ફેબ્રુઆરી માસમાં આફ્રિકામાં કોરોનાનું પરીક્ષણ કરવામાં સક્ષમ બે લૅબોરેટરીઓ પૈકી એક ડકરના પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટમાં તેમના સાથીદારોએ અનેક દેશોના મેડિકલ સ્ટાફને કોરોના વાઇરસનું પરીક્ષણ કેવી રીતે કરાય તેની તાલીમ આપી હતી.
એપ્રિલ સુધીમાં આફ્રિકા ખંડના 43 દેશો કોવિડ-19નું અસરકારક પરીક્ષણ કરી શકતા હતા.
હાલ ડકરની લૅબોરેટરી દિવસ-રાત કામ કરે છે અને સમગ્ર દેશમાંથી પરીક્ષણો કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લક્ષણ ધરાવતા દર્દીનાં પરીક્ષણ મફતમાં કરાય છે અને તેનું પરિણામ આઠ કલાકમાં જ મળી જાય છે.
જ્યારે સમગ્ર ખંડમાં પરીક્ષણોની ઓછી સંખ્યા એ ચિંતાનો વિષય બની રહી છે ત્યારે આફ્રિકન સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ જુદા જુદા દેશોને ટેસ્ટિંગ લેવલ વધારવા માટે મદદ કરી રહ્યું છે. તેમને આશા છે કે આ કામમાં સસ્તી ડાયગ્નોસ્ટિક કિટ મદદરૂપ નીવડી શકે છે.
આ કામમાં પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટ આગળ પડતી ભૂમિકા ભજવી રહ્યું છે, તેના ચીફ વાઇરોલૉજિસ્ટ તરીકે અમાડુ સાલે બ્રિટિશ કંપની મોલોજિક સાથે બે ઘરેલુ ટેસ્ટ કિટ વિકસાવવા માટે પાર્ટનરશિપ કરી છે.
તે પૈકી એક પરીક્ષણ પહેલાંથી જેને વાઇરસનો ચેપ લાગ્યો હોય તે વ્યક્તિને શોધવામાં મદદરૂપ થશે, જે લૅબોરેટરીના PCR ટેસ્ટ બરોબર હશે.
અને બીજું પરીક્ષણ કોરોનાની માંદગીમાંથી ઠીક થયેલા લોકોનાં શરીરમાં એન્ટિબૉડી વિકસ્યા છે કે કેમ? તેની તપાસ કરશે.
સાલ આ વિશે વાત કરતાં કહે છે કે, “એન્ટિબૉડી ટેસ્ટનું ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે જે આવનારાં અઠવાડિયાંમાં ઉપલબ્ધ બનશે.”
તે પ્રેગનન્સી ટેસ્ટની જેમ કામ કરશે. જેની કિંમત માત્ર એક ડૉલર હશે અને તેનું પરિણામ માત્ર 10 મિનિટમાં જ આવી જશે.
જોકે, કોરોના વાઇરસ માટેનું પરીક્ષણ લીવરપૂલ સ્કૂલ ઑફ ટ્રોપિકલ મેડિસિન પાસેથી માન્યતા મળ્યા બાદ તૈયાર કરાશે. પરંતુ આશા છે કે આ વર્ષના અંત સુધીમાં તે પણ પ્રાપ્ય હશે.
ડકરમાં કૉલ સેન્ટરમાં કામ કરતાં 29 વર્ષીય ઇબ્રાહિમા ડિઓપ એપ્રિલમાં બીમાર પડ્યા અને પહેલાં તેમની મલેરિયા માટે સારવાર ચાલી.
હૉસ્પિટલમાં કામ કરતાં પોતાનાં માતાના આગ્રહવશ તેઓ કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવવા ગયા અને પૉઝિટિવ આવ્યા. સાથે તેમના 60 સહકર્મીઓ પણ પૉઝિટિવ આવ્યા. તેમને તાત્કાલિક સારવાર મળી અને એક અઠવાડિયામાં તો હૉસ્પિટલમાંથી રજા પણ મળી ગઈ.
આ બનાવ પરથી લક્ષણોવાળા દર્દીઓ જેમને ખોટી રીતે કોરોનાની સારવાર મળી રહી હતી તેમનાં તાત્કાલિક પરીક્ષણની જરૂરિયાત ઊભી થઈ. નોંધનીય છે કે સરકાર પણ તેના દરરોજના ટેલિવિઝન બ્રીફિંગમાં આ વાત પર ભાર આપી રહી હતી.
કોરોના સામે બાથ ભીડવા ગીત ગાઓ
ફોરેન પોલિસી મૅગેઝિને સેનેગલને કોવિડ-19ના રિસ્પોન્સ રેટ મામલે તેની કૉમ્યુનિકેશન સ્ટ્રેટેજી માટે શક્ય તેટલો વધુ સ્કોર આપ્યો. પાછળથી આ કાર્યક્રમ સાથે દેશના શ્રેષ્ઠ સંગીતકારો જોડાયા.
એપ્રિલ માસમાં તે તમામે સાથે મળીને વોલોફ, જે સ્થાનીય ભાષા છે, તેમાં દાન કોરોના ગીત લૉન્ચ કર્યું. જેનો અર્થ થાય છે કોરોના વાઇરસને માત આપો.
આ ગીતમાં સેનેગલના વિખ્યાત સંગીતકાર યુસુ ન્દૂર લોકોને ઘરમાં રહેવા અને હાથ ધોતા રહેવા જણાવે છે.
સેનેગલની સૌથી જૂની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે રંગીન ભીંતચિત્રો પણ દોરવામાં આવ્યાં છે.
તેમજ આ વિસ્તારોમાં લોકો હાથ ધોઈ શકે તે માટે પણ વ્યવસ્થા કરાઈ છે.
મહામારીની શરૂઆતના સમયમાં રોકથામ માટે કટોકરીની પરિસ્થિતિની જાહેરાત, સ્કૂલો બંધ કરવાનો નિર્ણય અને રાત્રિ કર્ફ્યૂ જેવાં પગલાં લેવાયાં હતાં.
રેસ્ટોરાં, સુપરમાર્કેટ અને બૅન્કોએ પોતપોતાનાં દરવાજા પર તાપમાન માપવા માટેનાં યંત્રો મૂકી દીધાં હતાં.
જોકે, આ પૈકી નિયંત્રણો હઠાવી લેવાયાં હોવા છતાં, ડકરમાં માસ્ક પહેરવો ફરજિયાત છે.
વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે સેનેગલના 14 વિસ્તારો કોરોના વાઇરસના દર્દીઓની સારવાર માટે સજ્જ છે.
ફાન હૉસ્પિટલ ખાતે કોરોનાના ગંભીર દર્દીઓની સારવાર માટેના રૂમમાં ઓમર કૅન તેમના તાજેતરમાં આવેલા દર્દીને મોનિટર કરી રહ્યા છે.
58 વર્ષીય દર્દી ત્યાં એક અઠવાડિયાં કરતાં વધુ સમયથી સારવાર લઈ રહ્યા છે અને તેમને ડાયાબિટીસ પણ છે.
શક્ય તેટલો સંપર્ક ટાળવા માટે રૂમની અંદરના કૅમેરાની મદદથી સ્ક્રીન પરથી તેમના પર નજર રાખવામાં આવી રહી છે.
માર્ચમાં જ્યારે સેનેગલમાં કેસોની સંખ્યા વધી હતી ડૉક્ટર કૅન તે સમયને યાદ કરે છે.
તેઓ કહે છે : “અમારી પાસે શ્વસનપ્રણાલીના અવેજી સ્વરૂપે કામ કરી શકે તેવી વ્યવસ્થા ધરાવતી માત્ર દસ જ પથારીઓ હતી. તે સમય દરમિયાન અમે સારવાર ઇચ્છતી વ્યક્તિઓની મદદ નહોતા કરી શક્યા.”
“જ્યાં સુધી અન્ય હૉસ્પિટલોમાં સારવારની વ્યસ્થા ઊભી ન થઈ ત્યાં સુધી એટલે કે ત્રણ અઠવાડિયાં સુધી આ વલણ જોવા મળ્યું.”
ઑગસ્ટ માસના મધ્ય ભાગથી જ કેસોમાં ઘટાડો થવાનું શરૂ થયું.
આ અઠવાડિયે 1.6 કરોડની વસતી ધરાવતા સેનેગલમાં માત્ર 15 હજાર પૉઝિટિવ કેસો મળી આવ્યા છે, જ્યારે મૃત્યુ આંક માત્ર 300 કરતાં વધુ રહ્યો છે.
હળવાં લક્ષણોવાળા દર્દીઓને ઘરે સારવાર આપવાની તેની રણનીતિ ઘણી જગ્યાએ અનુસરાઈ રહી છે. આ રણનીતિ અંતર્ગત મેડિકલ સ્ટાફ આવા દર્દીઓ પર કૅમેરાની મદદથી દૂરથી નજર રાખે છે અને તેમને દવાઓ મોકલી આપે છે.
મુસ્લિમ યાત્રાનો પડકાર
જ્યારે જુલાઈ માસમાં આંતરરાષ્ટ્રીય વિમાનસેવાને મંજૂરી અપાઈ ત્યારે કેસોમાં વધારો થવાની ચિંતા હતી.
આફ્રિકાના ઘણા અન્ય દેશોની માફક સેનેગલે પણ મુસાફરોને એક અઠવાડિયા કરતાં વધુ જૂનાં ન હોય તેવાં કોરોના નૅગેટિવ પ્રમાણપત્રો રજૂ કરવાનું કહ્યું હતું.
તેમજ આગમન બાદ મુસાફરોનું તાપમાન નોંધવામાં આવતું.
આ તમામ પગલાં સેનેગલ માટે કામ કરી ગયાં તેવું લાગી રહ્યું છે. કારણ કે બહારથી આવતી વ્યક્તિઓ પૈકી પૉઝિટિવ મળી આવનાર દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
આ અઠવાડિયે દેશના સૌથી મોટા તહેવાર ગ્રાંડ મગલ દે તોબામાં ચાળીસ લાખ લોકોની હાજર રહેશે તેવું અનુમાન છે.
પાટનગર ડકરથી 190 કિલોમિટર દૂર આવેલ તોબા માઉરિડ મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ છે.
યાત્રાળુઓ મસ્જિદ અને સંપ્રદાયના સ્થાપકની સમાધિ સુધી પહોંચવા માટે કલાકો સુધી શહેરમાં લાઇનમાં ઊભા રહે છે.
શહેરમાં ઠેરઠેર લગાવાયેલાં પોસ્ટરો થકી લોકોને માસ્ક પહેરી રાખવાની અપીલ કરાઈ રહી છે. જોકે, આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થશે ત્યારે દેશની સામે પોતે કોરોના સામે મેળવેલી સરસાઈ ટકાવી રાખવાનો પડકાર હશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો